રાષ્ટ્રિકા/મટુભાઈ હ. કાંટાવાળા

← ગુર્જરીનો અશ્રુપ્રવાહ (સ્વ. ગો. મા. ત્રિપાઠી) રાષ્ટ્રિકા
મટુભાઈ હ. કાંટાવાળા
અરદેશર ખબરદાર
ઇલ્મમક્કાનો હાજી →




મટુભાઈ*[૧]

પદ[૨]

પોહ ફાટ્યો ને ફૂટ્યા ધોધવા રે,
તૂટ્યા આભતણા અંધાર જો :
સૂરજદેવે કિરણો મોકલ્યાં રે,-
ચાલ્યો આત્મા ભરઝલકાર જો :
ધન્ય જીવન તારું, હો વીરલા રે ! ૧

તેજે વ્યોમ ધરા સહુ તગતગે રે,
ઝળહળતા ઝૂલે બપ્પોર જો,
વીરા ! ચાલ્યો કિરણે મહાલતો રે :
અમ હૈયે અંધારાં ઘોર જો :
અદ્‍ભૂત તારા મારગ ઊઘડ્યા રે ! ૨


નહીં કો આવ્યાં સ્વપ્નાં દૂરનાં રે,
નહીં કો આપ્યાં ઉરનાં કહેણ જો :
દીઠી જ્યોતિ અકથ આનંદની રે,
ને તું ચાલ્યો ફેરવી નેણ જો !
મધુરા પંથ હજો તુજ, વીરલા રે ! ૩

અણસુણ્યાં સંગીત વહે પથે રે,
અણદીઠા જ્યોતિના રંગ જો;
પળપળ આવે વધતી માધુરી રે,
પળપળ સરતાં લાગે અંગ જો !
વીર ! પળ્યો તું એ નવભૂમિમાં રે ! ૪

અંતરનું અંતર તૂટ્યું અહીં રે,
ફૂટી એક અમારી આંખ જો :
તું ઊંછે જઇ ઊડે ગેબમાં રે !
તૂટી અમ પંગુની પાંખ જો !
અધૂરાં ભાગ્ય અમારાં ભૂ પડે રે ! ૫

સેવા કીધી સંતત માતની રે,
શુદ્ધ બજાવ્યો તેં તુજ ધર્મ જો :
આજે રડતી સમરે ગુર્જરી રે
સૌ તુજ દેશપ્રીતિના મર્મ જો :
કેમ ભુલાય કદી મટુભાઇને રે ! ૬


સાદો, સીધો, સૂધો, સંયમી રે,
સજ્જન, સાચાબોલો, શૂર જો :
તું આંબો દેતો ગુર્જરવને રે
બહુ વેલાને આશ્રય નૂર જો :
વીરા ! ક્યાં જડશે તુજ જોડલી રે ! ૭

દિનભરનું કીધું ઘડી એકમાં રે,
ઘડીનું કીધું પળમાં કામ જો :
શતગુણ કાળ શ્રમે તેં જોગવ્યો રે,
વીરા ! લે અવિચળ વિશ્રામ જો !
પ્રભુ સોડે સૌ થાક ઉતારજે રે ! ૮

દિનદિન નવલ ઉષા ઊતરે અહીં રે,
દિનદિઅન રજની તિમિરે છાય જો;
વીરા ! મનની સૌ મનમાં રહી રે,
અધૂરાં ઓછાંનું જગ થાય જો !
જળતી પૃથ્વીનાં શાં ઠારવાં રે ? ૯

પ્રિય ! હું જેની જોતો વાટડી રે,
તેને ઝડપી લીધું તેં જ જો !
શું ઓછપ આવી મુજ ભક્તિમાં રે,
કે વીસરે પ્રભુજી મુજને જ જો ?
વીરા ! પ્રભુજીને સંભરાવજે રે ! ૧૦


ઘડી અધઘડીનાં વસવાં પૃથ્વીનાં રે,
શું સમજે જગનાં મહેમાન જો ?
વીરા ! છે પ્રભુધામ જ આપણું રે,
એ અવિચળ આનંદનિધાન જો :
પ્રિય ! ત્યાં ફરશું સ્નેહલ સાથમાં રે ! ૧૧

ધરણી ધગશે, સાગર ઘોરશે રે,
વહેશે તડકાછાયા વ્યોમ જો :
તું પ્રભુની પ્રભુતામાં રાચજે રે !
તુજ ગુણ ગાવા છે અમ ભોમ જો !
વીરા ! પ્રભુપદમાં મંગલ બધે રે ! ૧૨


  1. * "સાહિત્ય" માસિકના વિખ્યાત તંત્રી સ્વર્ગસ્થ મટુભાઇ હરગોવિંદદાસ કાંટાવાળા. મરણ તા. ૧૫ મી નવેમ્બર ૧૯૩૩. હું બહુ માંદો હોવાથી એમના ઓચિંતા અવસાનના સમાચાર મેં તા. ૨૦ મીની બપોરે (પાંચ દિન પછી) “ગુજરાતી" પત્રમાંથી જાણ્યા. ભાઇ મટુભાઇ મારા પરમસ્નેહી હતા એ તો ગુજરાતની સાહિત્યરસિક જનતાને ખબર છે. એમના અવસાનથી મારા હૃદયને કદી ન પૂરાય એવી ખોટ ગઇ છે. લાગણીનાં પૂર અશ્રુધારે વહેતાં વહેતાં તે જ સાંઝે આ કાવ્ય લખાયું, પણ મૌનની વ્યથા વાણીમાં સમાઇ નથીજ શકતી. એટલે વ્યથાના મૌનમાં જ એ સૂર પાછા સમાયા.
  2. "ઓધવ ! એક વાર ગોકુળ સંચરો રે !" - એ ચાલ