રાષ્ટ્રિકા/સ્વ. જાલભાઈ દો. ભરડાના પુણ્યસ્મરણને

← સ્વામી શ્રદ્ધાનંદ રાષ્ટ્રિકા
સ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને
અરદેશર ખબરદાર
કવિ નર્મદનું મંદિર →
ધોળ - "માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે" - એ ચાલ.



સ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને


ધોળ*[૧]

મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો !
જ્યાં હો નિર્મળ તમ આત્માનું નંદ્નધામ :
પળપળ તરતી રહે તમ પ્રતિમા અંતર લોચને,
સ્નેહલ જાલતણું રસના રટતી રહે નામ :
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧

પ્રભુના પુણ્યપથે જ અહોનિશ પદ તમ દોરવ્યાં,
અમ અંગુલિ પણ એ જ પથે રાખી તમ હાથ;
દૂર સુદૂર ઝંગતી જ્યોતિ પરમ વિજ્ઞાનની,
ત્યાં તમ દૃષ્ટિ અચૂક રહી તમ પગલાં સાથે !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૨
 
સાદુ, સીધું, સૂધું હૃદય સદા સ્નેહે ભર્યું,
દોરંગી દિનિયાનાં કૂડકપટથી દૂર;
ઉન્ન્ત આદર્શોનાં સ્વપ્ન સદા સેવ્યાં ઉરે,
તેનાં નીતર્યાં નયને અદ્ભુત નૌતમ નૂર !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૩


દીધાં મોંઘાં વિદ્યાદાન હજારો શિષ્યને,
નિજ નિજ પાત્ર સમું સૌને દીધું રસજ્ઞાન;
આભ ઉધાડી નવન્વ જ્યોતિફળો ત્યાં દાખવ્યાં :
ગુરુજી ! કેમ કરી ભૂલાશે એ તમ દાન ?
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૪

પૂર્ણ અને પશ્ચિમમાં બન્ને કર્ણે ધારતી
પૂનમે રવિચંદાકુંડલને પૃથ્વી જેમ,
પૂર્વ અને પશ્ચિમની સદ્‌વિદ્યા ને સંસ્કૃતિ
શુભ સંયોગે શોભી તમ જીવનમાં તેમ !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૫

અમ ઉરમાં ખડક્યાં'તાં ઘન આષાઢી મેઘશાં,
ત્યાં તમ કિરણે ગૂંથ્યા ઈંદ્રધનુષના રંગ;
તમ શબ્દસ્પર્શે ઉઘડી લીલા નવવ્યોમની,
અમ જીવનનગથી ફૂટી નીકળી નવગંગ !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૬

જડઝાંખરની ખીણે ભટકી શબ્દો ખૂંદતો,
ત્યાંથી ઊંચકી મુજને મૂક્યો પર્વતશીર;
બીડી પાંખ ઉધાડી ઊડવા શીખવ્યું સાથમાં,-
આજે તો ઊડું જઇ સુરગંગાને તીર !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૭


સંદ્યાકરથી લાખો જ્યોતિ નભે સળગી રહે,
તમ કરથી સળગી ત્યમ કૈક જીવનની જ્યોત;
ઝળહળતા ભાગ્યાક્ષર કૈકતણા ઝબકી ઊઠ્યા,
જીવનવ્યોમ દીથો નવચેતનનો ઉદ્યોત !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૮

સુખમાં સુખતો તમે ગણ્યું બસ વિદ્યાદાનમાં;
દુખમાં દુખ જીવનમાં દેખાડ્યું અજ્ઞાન;
રવિશાં તેજે ને તાપે તમ નયન ઝગારતાં,
પણ ઉરથી સહુ પામ્યાં ચંદ્રસુધારસપાન !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૯

કૈક વસંત અને હેમંત વહી ગઇ પૃથ્વીએ,
તમ જીવન તો ધન્ય વિરાજે પ્રભુરમાંય ;
એ કલ્યાણપથે પદ ધરતી આ "કલ્યાણિકા"
તમ ચરણે મૂકી હું થાઉં કૃતાર્થ સદાય !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧૦


  1. *"માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે" - એ ચાલ.