← વિયોગ રાસચંદ્રિકા
એકલી
અરદેશર ખબરદાર
વિજોગણ →
. કુંજલડી હો ! સંદેશો અમારો .




એકલી

♦ કુંજલડી હો ! સંદેશો અમારો. ♦


મેઘલી રાત ને વીજના ભડકા,
ઝબકી ઝબકી જાગું જી રે;
વહાલમ તો મારો વસે વિદેશમાં,
ભવના ભય ક્યાં ભાંગું જી રે ?

સૂની પડી મારી સુખની સેજડી,
સૂની આ મારી મેડી જી રે;
ભડભડ ભડકે કાળજાં કંપે,
નીંદર મારી છેડી જી રે.

નીંદર મારી વેરણ થઈ બેઠી,
ક્યાં જઈ વહાલમ જોયા જી રે ?
સોણાં વિહોણું મારું હૈયું વિલાતું,
ઘડીના જોગ યે ખોવા જી રે.

આંધળું આભા આ ચઢ્યું તોફાને,
નેવલાં ધોધે રેલે જી રે;
બારણાં વીધતા સૂસવે વાયરા :
ભયના ખેલ સૌ ખેલે જી રે.


વિટપને વળગી વીંટે છે વેલડી,
આભને વીંટે ગંગા જી રે;
વહાલમ વિહોણીને કેના આધાર હો?
કેના ઉરે અડબંગા જી રે ?

એકલી નારની અધીરી છે આંખડી,
હૈડું અધીરું ઓછું જી રે;
એકલી નારના કાન છે સરવા :
પળપળ ચમકી શોચું જી રે.

મેઘલી રાત ને વીજના ભડકા,
અંધારા ઓરડા ધબકે જી રે :
વહાલમ ! ઊઘાડજો વહેલેરાં વહાણલાં !
ઝળહળ વાટડી ઝબકે જી રે !