← એકલી રાસચંદ્રિકા
વિજોગણ
અરદેશર ખબરદાર
વિજોગિની →
. શેરી વચાળે ઊભી'તી ને નરમળ નરમળ જોતી'તી .




વિજોગણ

♦ શેરી વચાળે ઊભી'તી ને નરમળ નરમળ જોતી'તી. ♦


શિયાળો શૂળે ગયો ને ઊનાળો ધૂળે વહ્યો,
સરવરિયાં છલકે રે મારી આંખમાં;
દીપ હોલાયા આંગણે ને ફૂલ સુકાયાં ફાગણે,
સરવરિયાં વરસે રે શ્રાવણ સાખમાં

કાગ આ બોલે બારણે ને દોડી જાઉં ઓવારણે,
ઊના રે ધખતા ત્યાં સૂના ઓટલા;
કોયલડી કૂ કૂ કરે ને કુંજલડી ચટકું ભરે,
ઓળું ને ખોળું રે દિનભર ચોટલા.

સપનામાં કંઇ સાંપડે ને જાગી નજરે ના પડે,
ખાલી રે ઓશીકાં ખૂંછે હાથને;
નીંદર નાવે આંખડી ને પળપળ પલકે પાંખડી,
લાગું રે ઘેલી હું સહિયર સાથને.

વીજ પડે કંઇ ઓતરે ને ચમકી દોડું ચોતરે,
શીળા રે વાતા દખ્ખણના વાયરા;
તારલિયા સહુ ચીંધતા ને હૈયાં મારાં વીધતા,
વિખરાતા મારા રે દિલના ડાયરા.


પૂછું પળતાં પંથીડાં ને પૂછું ઊડતાં પંખીડાં :
મારગડે દીઠો રે કો વરણાગિયો ?
મારગડા તો ધગધગે ને સૂના ડુંગર ડગમગે'
વાટે રે વહેતા જોગી વેરાગીઓ.

દેહલડી ધરણી ઢળે ને નયણાં મારાં નીગળે,
જીવડલો તલખે રે કાળા કાલમાં : -
બોલ્યા ઘૂંઘરા બારણે ને છાંટ્યાં નીર ઉતારણે,
ઝરમરિયાં ઝમકે રે ઝગમગ, વહાલમા !