રાસચંદ્રિકા/ગુણીયલ હો ગુજરાત!
← રળિયામણી ગુજરાત | રાસચંદ્રિકા ગુણીયલ હો ગુજરાત! અરદેશર ખબરદાર |
દેવીનાં નવચેતન → |
ગુણીયલ હો ગુજરાત
♦ માણીગર મહોલે પધારો. ♦
ગુણીયલ હો ગુજરાત ! અમી તારી આંખડીએ રે ;
ભવરણમાં ભલી ભાત પળિયે તુજ પાંખડીએ રે .
લીલમલીલી લચી રહી રે
લક્ષ્મીશી આ તુજ કુંજ ;
રસસાગર તુજ આંગણ ઊછળી
ભરી દે મોતીના પુંજ :
અમી તારી આંખડીએ રે . ૧
મંદિર મહેલ ને મસ્જિદો રે
તારી કળાના ફાલ ;
સંધ્યા ઉષા ને ચંદનીથી વધુ
તારી કળા છે કમાલ !
અમી તારી આંખડીએ રે . ૨
ગરજે તુજ ગિરિકંદરે રે
કેસરીના વીર નાદ :
એન વેળા તુજ શૂર સંતાનો
આપે શા વીર્યપ્રસાદ !
અમી તારી આંખડીએ રે . ૩
આભભર્યા દેવથાળથી રે
સોહ્ય અધિક તુજ ચોક ;
યુગયુગને નવજ્યોતે અજવાળે
સંત તારા પુણ્યશ્લોક :
અમી તારી આંખડીએ રે . ૪
સ્વર્ગંગાની ઉરછોળશા રે
ગાજે તુજ ગરબા ને રાસ ;
એ રસનાં અમીવર્ષણ એવાં
વરસે કયે બીજે વાસ ?
અમી તારી આંખડીએ રે . ૫
મેઘ ઊડી ધરા ઊતરે રે ,
એવા છે અમ ઉરબંધ :
માત અદલ સદા પૂજ્શું સ્નેહે
આભ ઝીલી અમ સ્કંધ !
અમી તારી આંખડીએ રે . ૬