← નિદ્રાણીનું ગાન રાસચંદ્રિકા
બાળકાનુડો
અરદેશર ખબરદાર
મારી બહેની →




બાળકાનુડો

♦ ચાલી ચાલી ગોકુળની વ્રજનાર કે મહીંડા વેચવા રે લોલ ♦


કાનુડા ! કહેને મુજને તું કદી હૂતો કે મારા જેવો નાનુડો રે લોલ?
મારા જેવો નાનુડો તે થયો ક્યાંથી કે આવો મોટો કાનુડો રે લોલ ? ૧

કાનુડા ! કહે, કેવું તુજને ગમતું ગોકુળ ગામમાં રે લોલ?
ગમ્યું ત્યાં શું તારલિયાથી વધતું કે ગોપીઓના ધામમાં રે લોલ ? ૨

કાનુડા ! તેં પૂછ્યું કદી તુજ બાને કે ક્યાં છે મારી દેવીઓ રે લોલ?
રોઈ રોઈ પૂછું હું તો બાને કે ઢીંગલી શી એવી ઓ રે લોલ ? ૩

કાનુડા ! તું રમતો તારા-લખોટા કે ચંદા કેરી ફેરીએ રે લોલ?
માડી શેં ન મુજને દેતી એ તારા કે રમવા શેરીએ રે લોલ ? ૪

કાનુડા ! શું રોતો ઘડી ધડી સહેજે કે મહીડાં ચાખવા રે લોલ?
બા શું હૈયે ચાંપી દેતી ખાવા કે છાનો રાખવા રે લોલ ? ૫

કાનુડા ! તે કૂંળાં કૂંળાં હૈયાં કે કહીં તે દીઠડાં રે લોલ?
બાશું ઘડીએ ઘડીએ લેતી કે ચુંબન મીઠડાં રે લોલ ? ૬

કાનુડા ! શું જશોદા માતા તારી કે ગાતી રાતે હાલરડાં રે લોલ?
ઉં-ઉં કરી સુણવા એ અમે રોઇયે કે માતાનાં બાલુડાં રે લોલ ? ૭

કાનુડા ! શું બાપુજી તોજ તારે માટે કે સુખડી લાવતા રે લોલ?
લેવા જાઉં સામે ત્યાં મને ઊંચકી કે ખભે ચઢાવતા રે લોલ ? ૮


કાનુડા ! કહે, સમ્તાકૂકડી રમવા કે હતી તને બેનુડી રે લોલ?
હતી તને ઝમઝમ ઝાંઝર ઝમતી કે ધોળી ધેનુડી રે લોલ ? ૯

કાનુડા ! શું માખણ ચોરી ખાતો કે અમ્રત માતનાં રે લોલ?
બા શું તને ચોંતી ખણતી ગાલે કે માનતી એ વાત ના રે લોલ ? ૧૦

કાનુડા ! તેં માટીના ઘર આવાં કે કીધાં પાછાં ભાંજવા રે લોલ?
કીધાં કદી પત્તનાં ભડ મહેલ કે ઘડી સૌને આંજવા રે લોલ ? ૧૧

કાનુડા ! તું પાછો મારી સાથે કે રમવા આવશે રે લોલ?
નાની મારી રંગીન ગાયના દૂધ કે દોહી પીવા ભાવશે રે લોલ ? ૧૨

કાનુડા ! જો કાગાળ હોડી મારી કે તરવા મૂકશું રે લોલ?
જોજે, નહીં પાણીમાં ડૂબી જાય કે રખે જરી ચૂકશું રે લોલ ! ૧૩

કાનુડા ! ત્યાં બેઠા કાલી કાલી વાત કે કરશું ખેલતાં રે લોલ;
આવશે મેના પોપટ મોર કે બોલ ઉકેલતાં રે લોલ. ૧૪

કાનુડા ! જો જશોદાબા તારી સુણશે કે અમને લોલતાં રે લોલ,
કહેશે, તાર જેવું હજીયે સૌ બાળ કે કાલું કાલું બોલતાં રે લોલ ! ૧૫

કાનુડા ! કહે મુજને, તું ફરી બનશે કે મારા જેવો નાનુડો રે લોલ?
મારા જેવો નાનુડો છે તેને કરશે કે તારા જેવો કાનુડો રે લોલ ? ૧૬