← બાળકાનુડો રાસચંદ્રિકા
મારી બહેની
અરદેશર ખબરદાર
બહેનને આંગણે →
સારું સારું રે સૂરત શહેર, મુંબઇ અલબેલી




મારી બહેની

♦ સારું સારું રે સૂરત શહેર, મુંબઇ અલબેલી . ♦


મારા હૈડાનો હલકાર
મીઠી બહેની તું !
આવે ચાંદનીનો ચમકાર,
મીઠડી બહેની તું ! -


આછેરાં અરુણાં અજવાળાં ઉષા ભરે જગમાંય રે,
મુજ આંગણિયે એવાં તારાં તેજ મધુર ઢોળાય :
મધુરી બહેની તું ! ૧

વ્યોમાટારી તારા ટાંગી ચંદા ફરતી જેમ રે
ફૂલપગલી પૃથિવીમાં પાડે, આવે રસભર તેમ,
રસીલી બહેની તું ! ૨

વીરા પરથી વારી જતી હો અધીરી અધીરી બહેન રે,
વીરાનાં દુખડાં દેવાને તત્પર રહે દિનરેન !
અધીરી બહેની તું ! ૩

ખરતા તારા સરતા કોરે નભ રૂપેરી નૂર રે,
તુજ વાતલડીના ચમકારા એમ સરે મુજ ઉર:
વહાલી બહેની તું ! ૪

માતલડીનાં હેત અનેરાં ઉર સંઘરતી બહેન રે,
જગ અંધારે વીરા પર તુજ છે ચંદાશું નેન:
મોંઘી બહેની તું !

પર્વતશિખરે ધૂમસ વિષેથી શુક્ર હસંતી જોય રે,
આ સંસારે એમ સુધામય હાસ્ય મીઠું તુજ સોહ્ય:
હસતી બહેની તું !

મોંઘેરી બહેની મારી, તું વીરાની કરબામ્હ્ય રે,
વીરાના સરવરહૃરદયે તુજ ભાવ તણી રહો છાંય !
વિરલી બહેની તું !

બળતા વાયુ જગવાડીમાં વાળે કુમળાં ફૂલ રે,
ત્યાં મુજ બહેનડલીની શીળી વરસે વૃષ્ટિ અમૂલ !
મીઠડી બહેની તું !

માતાના બાગની હો ગુલકળી ! ખીલી પ્રસરાવ સુવાસ રે !
અદલ હૃદયમાં વસજો તારું મધું મધુરું હાસ !
મારી બહેની તું !

મારા હૈડાનો હલકાર, મીથડી બહેની તું:
આવે ચાંદનીનો ચમકાર, મીઠડી બહેની તું!