રાસચંદ્રિકા/મટુકીમાં કાનુડો

← વહાલમની વાંસળી રાસચંદ્રિકા
મટુકીમાં કાનુડો
અરદેશર ખબરદાર
મહિયારી →
જે કોઇ અંબીકાજી માતને આરાધશે રે લોલ




મટુકીમાં કાનુડો

♦ જે કોઇ અંબીકાજી માતને આરાધશે રે લોલ . ♦


મારી મટુકીમામ્ બોલે મારો કાનુડો રે લોલ,
મારો કાનુડો છુપાયો મહીં છાનુડો રે લોલ. ૧

મારી મટુકીમાં નંદનવનના મહેલ છે રે લોલ,
એમાં ગોકુળિયાથી મોટી રેલછેલ રે લોલ. ૨

સખી ! લાગે શાને અજબ તુંને એવડું રે લોલ,
મારી મટુકીનું જાદુ તેવતેવડું રે લોલ ! ૩

જોની, ચાંદલો છે કેવો મોટો આભમાં રે લોલ,
તે તો સહેલમં સમાતો વેંતલ છાબમાં રે લોલ. ૪

મારી મટુકી છે એવી આભ જેવડી રે લોલ,
મારો કાનુડો તે માગે મોટી કેવડી રે લોલ. ૫

મારી મટુકીનાં મહીંડાએ લોભાવિયો રે લોલ,
એની બંસરી બજાવતો થોભાવિયો રે લોલ. ૬

મારી મટુકીમાં નાખ્યો એણે હાથ ને રે લોલ,
મહીડાં દેખીને ભૂલ્યો પોતાની જાતને રે લોલ. ૭

અલ્યા, એવો ક્યાંથી આવ્યો નિર્લજ ચોરટો રે લોલ?
જા રે, અમો નહીં ગનીએ ગુર્જર-સોરઠો રે લોલ ! ૮

સખી, મટુકીમાં એવું તે શું દીઠડું રે લોલ,
એને લાગ્યું ગોકુલ-મથુરાંથી મીઠડું રે લોલ. ૯


જા રે, કાનુડા, શું હજી રહ્યો બાલુડો રે લોલ?
શાને વીનવે તું એવો બની કાલુડો રે લોલ? ૧૦

મારી મટુકી છે નાની, જોની ભાંગાશે રે લોલ;
મારાં મહીડાં ઢોળાશે, તુંને વાગશે રે લોલ! - ૧૧

સખી, માને નહીં એ તો મારી વાતમાં રે લોલ,
એને છોડી હું તો ચાલુ સહિયર સાથમાં રે લોલ. ૧૨

માથે મટુકી તો ભારી ભારી લાગતી રે લોલ,
ધીરે ધીરે મારી ઊંઢણ ભારે ભાંગતી રે લોલ. ૧૩

મેં તો મટુકી ઉતારી નીચે વાટમાં રે લોલ,
માંહી જોયું તો કાનુડો બેઠો ઠાઠમાં રે લોલ! ૧૪

એની બંસરીના બોલ ત્યાંથી ફૂટાતા રે લોલ,
મારી આંખડલીના તારા હસી તૂટતા રે લોલ. ૧૫

સખી, મટુકીમાં બોલે એવો કાનુડો રે લોલ,
ક્યારે કાનુડો છુપાયો મહીં છાનુડો રે લોલ? ૧૬

જોની, વિશ્વ આ વિશાળ તો કેવું દિસે રે લોલ?
તોયે સમાતું એ આંખની કીકી વિષે રે લોલ. ૧૭

મારી મટુકી છે નાની તોયે કેવડી રે લોલ?
અદ્દલ કાનુડો મહીં માય તેવતેવડી રે લોલ ! ૧૮