← ગોપિકા રાસચંદ્રિકા
વહાલમની વાંસળી
અરદેશર ખબરદાર
મટુકીમાં કાનુડો →
કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે




વહાલમની વાંસળી

♦ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે . ♦


તારી થાઉં રે વાંસળિયાં ક્યારે વહાલમા રે?
એ મુજ ખ્યાલમાં રે:
તારી થાઉં રે—

વનવનનો રસ ભરતી ઝીલું,
અંગ બને રંગે રંગીલું;
સ્વર ઝીલુઇં તુજ ચપલા અંગુલિચાલમાં રે:
એ મુજ ખ્યાલમાં રે. ૧

વનતરુનું જીવન ધન ઝાંખું
સપ્તમુખે અમૃત તુજ ચાખું;
શ્વાસેશ્વાસ ભરી રાખું ચિરકાલમાં રે
એ મુજ ખ્યાલમાં રે. ૨

તરવરતા નભકાંઠે તારે,
સરવરતીરે હંસપુકારા;
ઝૂલું મારા વહાલમની કરમાલમાં રે:
એ મુજ ખ્યાલમાં રે. ૩


ઉરભર કંઈક ઉમળકા લાવું
પ્રિયમુખના સંદેશ વહાવું;
જોડ અજોડ રચાવું નવસૂરતાલમાં રે:
એ મુજ ખ્યાલમાં રે. ૪

તુજ કરમાં સોહાગણ સોહું,
તુજ રસરેલ વહંતી મોહું:
સૂકો ટુકડો લકડીનો હું હાલમાં રે !
એ મુજ ખ્યાલમાં રે. ૫

તુજ અમીગીતતણું વાહન આ
ક્યારે બનું જીતી તુજ મન આ:
અદ્દલ શમ્યું જીવન આ એક સવાલમાં રે !
એ મુખ ખ્યાલમાં રે.

તારી થાઉં રે વાંસળિયાં ક્યારે વહાલમા રે? ૬