રાસચંદ્રિકા/રૂસણાં
← અબોલા | રાસચંદ્રિકા રૂસણાં અરદેશર ખબરદાર |
હૈડાંની આગ → |
રૂસણાં ઉતારો
♦ અમ રે સાથે શું રાજ ! માયા ઉતારી? . ♦
હસ્યાં આકાશ, રેલી લાલી ગોરજની;
વસમી તે નહોય કાળી રજની:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૧
મીઠી છે ભૂખ, તેમ રૂસણાં યે મીઠાં:
રૂસણાં પછીનાં મિલન દીઠાં ?
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૨
કહો તો આ આભલાંની આપું પિછોડી :
ગૂંથું ત્યાં મેઘધનુ તોડી;
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૩
કહો તો નભગંગનો બનાવું કંદોરો;
કહો તો દઉં તારલાનો તોરો;
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૪
એવી દઉં જોડ એક ચાંદા સૂરજની,
આપી શકે ન નાર વ્રજની:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૫
દેવો યે સ્વર્ગમાં પમે ન જેવાં;
આપું અમોલ અમી એવાં:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૬
હસતું આ વિશ્વ, આંખ હસતી ઉઘાડો !
ઉઘડ્યા આ પ્રાણે મીટ માંડો:
જુઓ તો સહી !
આવો, આવોની રાજ ! રૂસણાં ઉતારો ! ૭