← દામ્પત્ય રાસતરંગિણી
શણગાર
દામોદર બોટાદકર
પનઘટ →


શણગાર

(સામા ઓરડીઆમાં નાગજી પોઢ્યા
નાગણી ઢોળે વાય, મારા વહાલા !–એ ઢાળ)

આજ સખિ ! મારે દિવસ દિવાળી,
શા શા સજી શણગાર; રંગભીની !

સોના-આભૂષણ શોભતાં પહેરી,
સંચરશું સંસાર. રંગભીની !

સોના-આભૂષણ શું કરું સજની ?
ઝાંખા પડી-પડી જાય;રંગભીની !

હીરા મોતી કેરા હાર હું પહેરું,
આંખલડી અંજાય. રંગભીની !

હીરા મોતીને હું શું કરું સજની ?
ન મળે સુગન્ધનું નામ. રંગભીની!

સારી લાગે મને ફૂલની માળા,
ઉરને આપે આરામ. રંગભીની !

ફૂલમાળાને હું શું કરું સજની ?
કાલ્ય પડયે કરમાય; રંગભીની !

મોંઘી વહાલાજીનાં વેણની માળા,
મહેકી રહે મનમાંય, રંગભીની !

ઉરસાગરકેરાં મોતીડાં ઝીલી,
રચશું મનેાહર માળ; રંગભીની !

હીંચી-હીંચીને હિંચોળશે હૈયું,
નિત્ય વધારશે વહાલ, રંગભીની !