રાસતરંગિણી/હિંડોળ
← વાલ્યમનાં વેણ | રાસતરંગિણી હિંડોળ દામોદર બોટાદકર |
દામ્પત્ય → |
હિંડોળ
<poem>
(સોના ઇંઢોણી રૂપા બેડલું રે,
પાણીડાં ગઈતી તળાવ, મારા વાલ્યમા –એ ઢાળ.)
ઊંચી આંબા કેરી ડાળીએ રે,
હીરની દોરીએ હિંડોળ; મારી બહેનડી !
ઝૂલું-ઝૂલું હું તો એકલી રે,
ઉરમાં ઉમંગ અમોલ. મારી બહેનડી !
સરખી સાહેલી ઝૂલાવતી રે,
શીળી ઝૂકે શિર છાંય, મારી બહેનડી !
ઝીણાં-ઝીણાં વહે ઝૂલણાં રે,
- નિંદર નેણે ભરાય. મારી બહેનડી !
આવ્યો જોગી એક બાલુડો રે,
- વાંસલડી રૂડી વાય; મારી બહેનડી !
હળવે નાખ્યો એક હીંચકો રે,
- આભલડે અડી જાય. મારી બહેનડી !
જોયું મેં તો જગ ઝૂલતું રે,
- વાદળીના રણવાસ; મારી બહેનડી !
જોઈ અમરની અટારીઓ રે;
- વ્યોમનદીના વિલાસ. મારી બહેનડી !
જોઈ સૂરજકેરી શેરીઓ રે,
- ચાંદલિયા કેરા ચોક; મારી બહેનડી !
સામી રમે સુરસુન્દરી રે,
- ગાય ચડી–ચડી ગોખ. મારી બહેનડી !
ઊભો જોગી એ તો આભમાં રે,
- આંખડીએ શા ઉજાસ; મારી બહેનડી !
ઝીલી લીધાં મુજ ઝુલણાં રે,
- હેતભર્યું કરી હાસ. મારી બહેનડી !
એ પળની એમ પ્રીતડી રે,
- એ દિનના ઉછરંગ; મારી બહેનડી !
ઝૂલું-ઝૂલું હું તો જોડલે રે,
- નિત્ય વધે નવરંગ. મારી બહેનડી !