રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/અવંતિસુંદરી
← નાગમ્મા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો અવંતિસુંદરી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
અક્કાદેવી → |
१०५–अवंतिसुंदरी
અવંતિસુંદરી સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ કવિ રાજશેખરની સ્ત્રી હતી. પતિપત્નીનું જીવન ભારતવર્ષમાં અભિન્ન હોય છે, એટલે એ વિદુષીનું ચરિત્ર આલેખતાં પહેલાં એના પતિનું વર્ણન કરવું પડે છે.
રાજશેખરે પોતાને યાયાવરીય અર્થાત્ યાયાવર ઋષિના કુળમાં ઉત્પન્ન થયેલો કહ્યો છે. કાવ્યમીમાંસામાં જ્યાં જ્યાં એણે પહેલાના આચાર્યોથી જુદા પડીને પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યો છે, ત્યાં આગળ “इति यायवरीयः। नेति यायवरीयः। આ યાયાવરીનો મત છે, આ યાયાવરીનો મત નથી.” એ પ્રમાણે લખ્યું. એના વડદાદા અકાલ જલદ મહાકવિ હતા. એમનું નામ તો બીજું કાંઈ હતું. પણ એમના એક ચમત્કારી શ્લોકમાં “અકાલ જલદ” શબ્દ આવી જવાથી એજ નામથી એ ઓળખાયા છે. સંસ્કૃતમાં બીજા કેટલાક કવિઓનાં નામ પણ એવી રીતે પડેલાં દીઠામાં આવ્યાં છે. ચેદિ દેશના ભૂષણ, સુરાનંદ, તરલ, કવિરાજ આદિ પ્રસિદ્ધ કવિઓ પણ આ યાયાવર વંશમાંજ ઉત્પન્ન થયા હતા. રાજશેખરના પિતા દુર્દુળ રાજાના મહામંત્રી હતા. તેની માતાનું નામ શીલવતી હતું.
રાજશેખર કનોજના રાજા મહેન્દ્રપાલનો ઉપાધ્યાય હતો અને તેના પુત્ર મહીપાલના સમયમાં પણ એનું સન્માન હતું. પ્રાચીન લેખ ઉપરથી જણાય છે, કે મહેન્દ્રપાલ વિક્રમ સંવત ૯૬૦ માં અને મહીપાલ ૯૭૪ માં વર્તમાન હતા. એજ રાજશેખરનો અને આપણી ચરિત્રનાયિકાનો સમય છે.
રાજશેખરે પહેલાં બાલરામાયણ અને બાલભારતની રચના કરી, ત્યાર પછી વિદ્ધશાલમંજિકા અને કર્પૂરમંજરી નાટક રચ્યાં અને છેવટે કાવ્યમીમાંસા નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો.❋[૧] અવંતિસુંદરીનો જન્મ ચૌહાણ ક્ષત્રિયકુળમાં થયો હતો. એ વખતે પણ બ્રાહ્મણે ક્ષત્રિયની કન્યા સાથે લગ્ન કરવું એ અનોખી વાત નહોતી ગણાતી. એકજ બ્રાહ્મણના બ્રહ્માણીથી થયેલાં સંતાન બ્રાહ્મણ અને ક્ષત્રિય સ્ત્રીથી થયેલાં સંતાન ક્ષત્રિય ગણાયાં હોય એવાં અનેક પ્રમાણ છે.
કર્પૂરમંજરી નાટિકાનો પહેલો ખેલ અવંતિસુંદરીની ઈચ્છાથીજ થયો હતો.
એ ઘણી વિદુષી હતી. કાવ્યશાસ્ત્રમાં એ બહુ સારી રીતે પારંગત હતી. કાવ્યમીમાંસામાં એના પતિએ ત્રણ જગ્યાએ એના અભિપ્રાયને ટાંક્યા છે; જેથી વિદ્વાનો અનુમાન કરે છે કે, એણે કાવ્યશાસ્ત્ર ઉપર કોઈ ગ્રંથ પણ લખ્યો હશે.
કવિતાનો ‘પાક’ શો છે ? વામનના મતવાળા એવું કહે છે કે કવિએ એવાં એવાં પદ ગોઠવવાં જોઈએ કે જે બદલી ન શકાય. એનુંજ નામ શબ્દપાક છે. એ ઉપરથી અવંતિસુંદરીનો અભિપ્રાય છે કે, એ તો અશક્તિ થઈ, પાક નહિ. એક વસ્તુ ઉપર મહાકવિઓના અનેક પાઠ પણ પાકવાન હોઈ શકે છે; એટલા માટે ‘રસોચિત સૂક્તિ’ રસને છાજે એવી રીતે કહેલું સરસ વચનજ પાક છે. ગુણ, અલંકાર, રીત, ઉક્તિ, શબ્દ, અર્થ એને એવા ક્રમથી ગોઠવ્યા હોય કે વિદ્વાનને ગમી જાય તો એજ એના અભિપ્રાય પ્રમાણે વાક્યપાક છે. કહેનાર પણ હોય, શબ્દ પણ હોય, રસ પણ હોય, છતાં એક એવી વસ્તુ બાકી રહી જાય છે કે જેના વગર વાણીમાંથી મધ નથી ટપકતું.
અર્થ ભલે રસનો અનુગુણ હોય કે વિગુણ હોય, કાવ્યમાં કવિ–વચનજ રસ ઉપજાવે છે અથવા બગાડે છે, અર્થ નહિ. પાલ્ય કીર્તિનો મત છે કે વસ્તુનું રૂપ ગમે તેવું જ ન હોય, પણ રસીલાપણું તો કહેનારના હાથમાં છે. જે અર્થને રાગી વખાણશે એનેજ વિરાગી વખોડશે અને મધ્યસ્થ એ બાબતમાં બેપરવા ૨હેશે. અવંતિસુંદરી કહે છે કે વસ્તુના રૂપનો સ્વભાવ નક્કી કરેલો નથી, એ તો વિશ્વના કહેવાના ઢંગ ઉપર આધાર રાખે છે.
એ કહે છે કે ગુણ કે અવગુણ ઉક્તિને વશ છે, વસ્તુસ્વભાવ કવિને કાંઈ કામનો નથી. ચંદ્રમાની સ્તુતિ કરનારો એને “અમૃતાંશુ” કહે છે, અને ધૂર્ત એની નિંદા કરીને “દોષાકર” (રાતને પાડનારો અથવા દોષનો ભંડા૨) કહી નાખે છે.
કાવ્યની ચોરી ઉપર રાજશેખરે ઘણું લખ્યું છે. અંતે સિદ્ધાંત કર્યો છે કે, “ન તો વાણિયા ચોરી કર્યા વગર રહે છે, ન તો કવિ. જેને છાનું રાખતાં આવડે છે તે બદનામ થયા વગર મજા કરે છે.
“नास्त्यचौरः कविजनो नास्त्यचौरो वणिकजनः ।
स नंदति विना वाच्यं वो जानाति निगृहितुम् ॥”
આ વિષયમાં પૂર્વ પક્ષ એવો રાખ્યો છે કે ચોરી ન શીખવવી જોઈએ, કેમકે વખત વીતતાં મનુષ્યની બીજી ચોરીઓ તો જતી રહે છે, પણ વાક્ચૌર્ય–કવિતા કે લખાણની ચોરી–પુત્રપૌત્રો સુધી પણ મટતી નથી.
એના ઉપર અવંતિસુંદરી કહે છે કે, “આ (બીજા કવિ) ની પ્રસિદ્ધિ નથી, મારી છે; એની પ્રતિષ્ઠા નથી, મારી છે; એનું વસ્તુ ક્રમ વગરનું છે, મારું ક્રમપૂર્વક છે; એનાં વચન ગળોના જેવાં, મારાં દ્રાક્ષનાં જેવાં છે; એ ખાસ ભાષાનો આદર નથી કરતો, હું કરૂં છું; એની રચનાને ઓળખનારા મરી ગયા, એનો કર્તા દૂર દેશાવરમાં રહે છે, ઇત્યાદિ કારણોને લીધે લોકો શબ્દ કે અર્થને ચોરવામાં મનને પરોવે છે.”
અવંતિસુંદરીએ પ્રાકૃત કવિતામાં આવનાર દેશી શબ્દોનો એક કોષ બનાવ્યો અને એમાં પ્રત્યેક શબ્દોનો પ્રયોગ બતાવવા પોતાનું રચેલું ઉદાહરણ આપ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની દેશી નામમાલામાં બે જગ્યાએ અવંતિસુંદરીના મતભેદનો ઉલ્લેખ કરીને તેની ઉદાહરણોવાળી કવિતાને ઉતારી છે.
અવંતિસુંદરી જેવી પ્રૌઢ અને વિદુષી પત્નીના પતિના સ્ત્રીકેળવણી સંબંધમાં કેવા વિચાર હશે ? સાંભળો. એ કાવ્યમીમાંસામાં પૃ. ૪૩ મે લખે છેઃ “પુરુષોની પેઠે સ્ત્રીઓ પણ કવિ બનો. સંસ્કાર તો આત્મામાં છે. એ સ્ત્રી કે પુરુષના ભેદની પરવા નથી કરતા. રાજાઓ અને મંત્રીઓની કન્યાઓ, વેશ્યાઓ, કૌતુકીઓની સ્ત્રીઓ, શાસ્ત્રોમાં પારંગત બુદ્ધિવાળી અને કવિ જોવામાં તેમજ સાંભળવામાં આવી છે.” *[૨]