← પૃથા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
આણ્ડાલ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અવ્વઈ →


१२९–आण्डाल

દક્ષિણ ભારતના એક પ્રસિદ્ધ વૈષ્ણવમંદિરના પૂજારીની કન્યા હતી. બાલ્યાવસ્થાથીજ મંદિરમાં એનું જીવન વ્યતીત થયું હતું, એટલે પ્રભુભક્તિમાં એનું ચિત્ત સ્વતઃ પરોવાયું અને એ શ્રીકૃષ્ણની પરમ ભક્ત નીવડી. એ કન્યા મોટી થઈ ત્યારે માતાપિતાએ તેને લગ્ન કરવાનો આગ્રહ કર્યો, પણ એણે કહ્યું: “મેં તો આ જીવન શ્રીકૃષ્ણને સમર્પણ કર્યું છે, માટે એના વગર બીજા કોઈને હું પતિ બનાવવાની નથી. આખરે શ્રીવિલ્લીપુથરના મંદિરના ઠાકોરજી સાથે તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં.

આણ્ડાલ સારી કવયિત્રી હતી. પ્રભુપ્રેમથી પ્રેરાઈને ભક્તિ૨સથી પૂર્ણ અનેક કવિતાઓ એણે લખી છે. તિરુપવાઈ અને તિરુવઈ મલઈ નામના બે ગ્રંથ પણ એણે લખ્યા છે. વૈષ્ણવ સાધુઓના કાવ્યગ્રંથમાં એ બન્ને ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સંગ્રહ ઈ○ સ○ ૧૦૦૦ ની લગભગ ૨ચાયો હોય એમ મનાય છે. અને આણ્ડાલની ગણતરી દક્ષિણના બાર આલવર-વૈષ્ણવ ભક્ત અને સંતોમાં આઠમી થાય છે.

એના લગભગ દરેક કાવ્યમાં ઊંડી કૃષ્ણભક્તિ પ્રગટ થાય છે.

તામિલ ભાષાના એક કાવ્યમાં એ લખે છે:—

“હે સંસારવાસી જનો!

“અમે અમારા પ્રભુને શું કરવા માગીએ છીએ તે સાંભળો ?

“અમે એ વૈકુંઠવાસીના ગુણાનુવાદ ગાઈશું,

“કે જેણે ક્ષીરસાગરમાં પોતાની શય્યા કરી છે;

“અમે ઘી કે દૂધનો ઉપયોગ નહિ કરીએ.

“અમે પ્રાતઃકાળે સ્નાન કરીને કાજળ નહિ આંજીએ.

“અમે પુષ્પમાળા નહિ ધારણ કરીએ.

“વળી ન કરવા યોગ્ય એક પણ કાર્ય અને નહિ કરીએ; ખરાબ શબ્દનો અમે ઉચ્ચાર નહિ કરીએ. અમે ગરીબોને ભિક્ષા આપીશું અને પ્રભુમય જીવન વ્યતીત કરીશું.”

દેશ સમૃદ્ધિશાળી અને ફળદ્રુપ કેમ થાય એ સંબંધમાં એ ભક્તિમતી નારી લખે છે: “જો આપણે પ્રાઃતકાળમાં સ્નાન કરીને પ્રભુને પુષ્પમાળા ધારણ કરાવીએ અને એ સદાચારી દેવ ના નામનો જપ નિયમિત રીતે કરીએ તો આપણી ભૂમિમાં ખરાબ દિવસ કદાપિ ન આવે, વરસાદ પુષ્કળ વરસે, મહિનામાં ત્રણ ઝાપટાં થાય, ડાંગરનાં ખેતરમાં પુષ્કળ પાક ઊતરે, માછલીઓ જગ્યાએ જગ્યાએ ઊભરાઈ જાય, પુષ્પની કળીઓ મધથી ભરાઈ જાય અને પતંગોને પોતાના તરફ આકર્ષે; ગાયો અલમસ્ત થાય અને ચરુના ચરુ ભરીને દૂધ આપે. આ પ્રમાણે (પ્રભુભક્તિના મહિમાથી )દેશ અગાધ સુખ ભોગવે.”