રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/કલાવતી (પહેલી)

← મારુલા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
કલાવતી (પહેલી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિકટ નિતંબા →




१११ – कलावती

કવિ કાલિદાસની કન્યા હતી. પિતાની પેઠે સુશિક્ષિત અને ઘણી ચતુર હતી. એની બુદ્ધિ ઘણી તીવ્ર હતી. પિતાને સાહિત્યચર્ચામાં એ ઘણી વાર મદદરૂપ થઇ પડતી.

એક સમચે ભોજરાજા નદી કિનારે ગયો હતો. ત્યાં એક સુંદર યુવતીને નદીના પૂરમાં તણાઈ આવતી જોઈ. રાજાએ નદીમાં પડીને તેને કિનારે ખેંચી આણી. તેની મનોહર કાંતિ જોઈને એ મોહિત થઈ ગયો અને તેની સાથે વિષયભોગ કર્યો. કામનો કેફ ઉતરી ગયા પછી જોયું તો એ મરી ગયેલી જ જણાઈ. શબની સાથે પોતે ક્રીડા કરી તેથી રાજાને ઘણો જ પશ્ચાત્તાપ થયો, નોકરોને આજ્ઞા આપી, એક રાણીને છાજે એવી રીતે તેનો અન્ત્યેષ્ટિસંસ્કાર કરાવ્યો.

રાજમહેલમાં જઈ ને ભોજરાજાએ કવિ કાલિદાસને પૂછ્યું:
“मनोहीना विपयादिताताः कामस्य सत्यं जनकः कचे क:।
“હે કવિરાજ ! કામદેવને જન્મ આપનાર તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયો છે, અર્થાત્‌ એને ઘણા જનક છે, પણ એમાં ખરો જનક કોણ ? ”

રાજાનો આ પ્રશ્ન સાંભળી કાલિદાસ વિચારમાં પડ્યો, પણ કાંઈ ઉત્તર સૂઝ્યો નહિ. આથી તેણે આઠ દિવસની મુદત માગી. આઠમે દિવસે કાંઈ પણ ખુલાસો નહિ સૂઝવાથી એ ઘણા ઊંડા વિચારમાં પડ્યો હતો. એવામાં એની પુત્રી કલાવતી ત્યાં આવી અને પિતાના શોકનું કારણ પૂછવા લાગી.

કાલિદાસે કહ્યું: “ અનેક ગ્રંથો ફેંદી નાખ્યા પણ જેનો ખુલાસો મળતો નથી એવા પ્રશ્નનો ઉત્તર તું શો આપવાની છે ?"

કલાવતીએ કહ્યું: “ કેટલીક વખત મહાન વિદ્વાનો જેમાં ગોથાં ખાય છે તેમાં સાધારણ બુદ્ધિના મનુષ્યને માર્ગ જડી આવે છે, માટે આપ આપની શંકા મને જણાવો.”

કાલિદાસે રાજાનો પ્રશ્ન જણાવ્યો. કલાવતીએ ત્રીજે દિવસે સવારે એ પ્રશ્નનો ઉત્તર આપવાનું જણાવ્યું.

કળાવતીનું લગ્ન એજ નગરમાં એક પંડિત સાથે થયું હતું. માતાનું મૃત્યુ થયેલું હોવાથી એ સવારસાંજ પિતાને ઘેર જઈ અને જમાડી સાંજ પડતાં પહેલાં પોતાને સાસરે જઈ પતિસેવામાં નિમગ્ન થતી હતી. એ દિવસે એણે સાસરે જવાનું માંડી વાળ્યું અને કામને ઉત્તેજિત કરે એવા તામસી ભોજન તૈયાર કર્યા તથા પોતે પણ સોળે શણગાર સજીને પિતાને જમાડવા બેઠી. ત્યાર પછી કાલિદાસના પલંગ આગળ જઈ તેની સાથે ચોસર રમવા બેઠી અને હાવભાવ તથા કામકટાક્ષથી કાલિદાસના મનમાં વિકાર ઉત્પન્ન કરાવ્યો. મહાન કવિ પોતાનું ભાન ભૂલી ગયો અને વિષયાંધ બનીને તેણે દીવો હોલવી નાખ્યો. કલાવતી પતિવ્રતા હતી. તેણે પહેલેથીજ આ માટે એક દાસીને પડદામાં બેસાડી રાખી હતી અને કહી મૂક્યું હતું કે, “હું ઈશારો કરું એટલે તરતજ તારે મારી જગ્યાએ ગોઠવાઈ જવું.” કાલિદાસે દીવો હોલવી નાખ્યો એટલે દાસી આવીને કલાવતીની જગ્યાએ ગોઠવાઈ ગઈ. કામાંધ કાલિદાસે તેને પકડીને વિષયભોગ કર્યો. કામ શાંત થયા પછી તેને અસહ્ય પશ્ચાત્તાપ થવા લાગ્યો કે, “હાય ! મેં આજે આ કેવું ઘોર પાપ કર્યું છે ? આજ મારૂં જ્ઞાન ક્યાં બળી ગયું ? મેં ઘણી વાર વાંચ્યું હતું કે પુત્રી સાથે પણ પિતાએ એકાંતમાં ન રહેવું છતાં આજ મારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ ? આ પ્રમાણે કાલિદાસ શોક કરી રહ્યો હતો એટલામાં કલાવતી હાથમાં દીપક લઈને નીચેથી આવી અને કાલિદાસના પલંગમાં પડેલી સ્ત્રી એકદમ શરમાઈને નીચે ચાલી ગઈ. તેથી કાલિદાસ ઘણું આશ્ચર્ય પામ્યો અને પુત્રીના ચાતુર્યની પ્રશંસા કરવા લાગ્યો કે, “હે વિદુષી પુત્રી ! આજ તેં મારી લાજ રાખી છે. બાકી મારી વિદ્યા તો આજે વંઠી ગઈ હતી.”

કલાવતીએ કહ્યું: “પિતાજી ! આપ કાંઈ પણ ખેદ ન કરશો. આપના પ્રશ્નનો ઉત્તર આપવા સારૂજ મેં આ યુક્તિ રચી હતી. કામદેવનો ખરો પિતા એકાંતજ છે. કામોદ્દીપન કરનાર બધી સામગ્રી હોય પણ એકાંત ન હોય તો બધાં સાધનો નિષ્ફળ જાય છે. કાલિદાસે બીજે દિવસે રાજસભામાં જઇને ઉત્તર આપ્યો કે,
“एकान्तमेवैकमवेहि राजन् सर्वेऽपि तेनैव विना व्यलीका:।”
“હે રાજન ! ખરૂં જોતાં એકાંતજ કામદેવનો સાચો પિતા છે; કેમકે એના બીજા પિતાઓ એકાંત વગર નિષ્ફળ છે.”

આ પ્રસંગ કલાવતીની બુદ્ધિમત્તાનો પરિચય આપવાને માટે પૂરતો છે.