← કલાવતી (બીજી) રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
કોટારાણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
હમીરમાતા ને હમીરપત્ની →


१४७–कोटाराणी*[]

વાચક બહેનો ! જે કાર્યદક્ષ અને શીલવતી સન્નારીનો પરિચય અમે આ ચરિત્રદ્વારા આપવા માગીએ છીએ, તેનો જન્મ રાજસ્થાનમાં થયો નહોતો. કોટારાણીના નામથી લોકો સંદેહમાં પડે છે કે રજપૂતાનામાં આવેલા કોટા નામના સુપ્રસિદ્ધ રાજ્યની કોઈ અધીશ્વરની એ રાણી હશે, પરંતુ વસ્તુતઃ એમ નથી. કોટારાણી એ કાશ્મીરના નંદનવનનું એક અત્યુત્તમ પુષ્પ હતું. બિલ્હણ કવિએ શાકે ૧૦૭૦ માં રચેલા ‘રાજતરંગિણી’ નામના કાશ્મીર દેશના મોટા ઇતિહાસમાં કોટારાણીનો વૃત્તાંત લખવામાં આવ્યો છે.

ઈ○ સ○ ૧૩૩૦ માં કાશ્મીર દેશનું રાજ્ય શ્રીમાન મહારાજા ઉદયદેવના અધિકારમાં હતું. એ રાજા ઘણો પ્રતાપી અને યશસ્વી હતો. ન્યાયી રાજા તરીકે એનું નામ અત્યંત પ્રસિદ્ધ હતું અને દયાળુ તરીકે પણ એ અદ્વિતીય ગણાતો હતો. એ રાજાના રાજ્યકાળમાં દુલ્લચ નામના એક મોગલે પ્રવેશ કર્યો હતો. દુલ્લચ સાક્ષાત્‌ કાળ જેવો નિર્દય હતો. शिव शिव न हिंदुर्न यवन: જેવો અર્થાત્‌ કે નહિ હિંદુ કે નહિ મુસલમાન એવો એ હતો. એણે કાશ્મીર રાજ્યમાં પ્રવેશ કરીને ત્યાંનાં નગ૨, મંદિર, મહેલો અને બાગબગીચા વગેરેનું નિકંદન કાઢી નાખ્યું હતું. મનુષ્યોને પણ તે ઘાસની પેઠે કાપી નાખ્યાં હતાં. સુંદર કાશ્મીર દેશ ઉજ્જડ થઈ ગયો હતો અને કાશ્મીરમાંથી પ્રાચીન આર્યોના રાજ્યનો નાશ થતો જોઈને વિધાતાએજ તેની પ્રાચીન શોભાનો અંત આણ્યો હોય એવું દેખાતું હતું. ઇ○ સ○ ૧૩૩ર માં મહારાજ ઉદયદેવનો સ્વર્ગવાસ થયો. તેમને કંઈ સંતાન નહોતું, એટલે તેની રાણી કોટાએજ રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી.

મહારાજા ઉદયદેવના સમયથીજ શાહમીર નામે એક પુરુષ કારભારીની પદવી ભોગવતો હતો. આસપાસનાં કેટલાંક કારણોથી રાજ્યનું બળ ઘણા દિવસથી ઘટી ગયું હતું; એટલે કોટારાણીને સિંહાસનારૂઢ થયાને નવ મહિનાનો સમય થયા પછી, તે વિશ્વાસઘાતી કારભારીએ ધીમે ધીમે રાજ્યના બીજા બધા અમલદારોને પોતાના પક્ષના કરી લેવા માંડ્યા. એ પ્રમાણે પોતાનોને પક્ષ મજબૂત કર્યા પછી એણે કોટારાણીને પદભ્રષ્ટ કરી દીધી અને પોતેજ કાશ્મીરનો રાજા બની ગયો. કાશ્મીરની પ્રજાએ તો એને પોતાના રાજા તરીકે સ્વીકાર્યો નહિ, પરંતુ તેમનામાં એને ગાદીએ બેસતાં અટકાવવા જેટલી શક્તિ નહોતી; એટલે શાહમીર નિર્વિઘ્ને રાજા બની ગયો. પરંતુ નિમકહરામ શાહમીરની દુરાકાંક્ષા એટલેથીજ તૃપ્ત થઈ નહિ. તેણે રાણી કોટા સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવાનો નીચ સંકલ્પ કર્યો.

રાણી કોટાને તેના એક વિશ્વાસુ નોકર મારફતે એ બાબતની ખબર મળી. તેના હૃદયને ઘણો ઊંડો ઘા લાગ્યો. એ વિશ્વાસુ સેવકની સહાયતાથી એ રાજધાનીમાંથી પલાયન કરી ગઈ; પરંતુ દુષ્ટ શાહમીરના માણસોએ તેને ગુપ્તવાસમાં પણ ઝાઝા દિવસ રહેવા દીધી નહિ. તેઓ તેને પકડીને રાજધાનીમાં લાવ્યા. દુષ્ટ શાહમીરે હવે ખુલ્લી રીતે લગ્નની તૈયારી કરવા માંડી. આખા શહેરમાં હાહાકાર વર્તી રહ્યો. પોતાના સ્વર્ગવાસી મહારાજાની પ્રિય પત્નીનું શિયળ આજે એક અધમ મુસલમાનને હાથે ભંગ થશે, એ વિચારથી પ્રજાજનોને ત્રાસ ઊપજવા લાગ્યો.

પરંતુ રાણી કોટાએ જીવના જોખમે પોતાનું શિયળ સાચવવાનો સંકલ્પ કરી રાખ્યો હતો. જે વખતે નરાધમ શાહમીર તેનું પાણિગ્રહણ કરવા લગ્નમંડપમાં આવ્યો, તેજ સમયે એણે સંતાડી રાખેલી કટાર પોતાના પેટમાં મારીને આપઘાત કર્યો.

રાણી કોટાની સાથે કાશ્મીરનું હિન્દુ રાજ્ય પાછું સમાપ્ત થયું. શિયળને સારૂ દેહનું બલિદાન આપનાર રાણી કોટાને ધન્ય છે !

એક માન્યતા એવી પણ છે કે સતી કોટાએ પોતાની તીક્ષ્ણ કટારથી નરપિશાચ શાહમીરને પણ જહન્નમવાસી કરી દીધો હતો.

  1. * આ ચરિત્ર મારા સ્નેહી ગુર્જ૨ વિદ્વાન શ્રી નારાયણ વસનજી ઠકકરના લખેલા ‘વિશ્વરંગ’ નામના પુસ્તક ઉપરથી લખવામાં આવ્યું છે; જેને માટે તેમનો ઉપકાર માનું છું. —પ્રયોજક