રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/કલાવતી (બીજી)

← ગોરાની પત્ની રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
કલાવતી (બીજી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કોટારાણી →


१४६–कलावती

ધ્ય ભારતમાં એક નાના સરખા રાજ્યના રાજા કરણસિંહની એ રાણી હતી. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને એક વખત રાજા કરણસિંહના રાજ્ય ઉપર ચઢાઈ કરી. રાજા કરણસિંહનું રાજ્ય ઘણું નાનું હતું. બાદશાહની સેનાના પ્રમાણમાં એની પાસે સૈન્ય પણ વધારે નહોતું; પરંતુ એમ છતાં પણ એ પોતાના ક્ષાત્રધર્મ અનુસાર બળિયા સાથે બાથ ભીડવા તૈયાર થયો. શત્રુથી ભયભીત થઈને યુદ્ધ કર્યા વગર તેને શરણે જવું એ ક્ષત્રિયને મનથી મોટામાં મોટું પાપ અને શરમનું કાર્ય છે; એટલે પછી રાજા કરણસિંહ જેવો સારો રજપૂત બાદશાહના આક્રમણ વિરુદ્ધ યુદ્ધ કરવાના કર્તવ્યથી પરાઙ્મુખ કેવી રીતે થાય ? એ તરતજ યુદ્ધની તૈયારી કરીને દેશનું રક્ષણ કરવાને માટે રણભૂમિમાં જવા તૈયાર થયો. પોતાના પતિને યુદ્ધને માટે તૈયાર થયેલો જોઈને રાણી કલાવતી પણ ઢાલ તલવાર બાંધીને પુરુષવેશ સજીને, ઘોડેસવાર થઈ પતિની સાથે ગઈ. રણક્ષેત્રમાં યુદ્ધ આરંભાયું. ધીમે ધીમે યુદ્ધની ભીષણતા વધવા લાગી. થોડા સમય સુધી તો બન્ને પક્ષના યોદ્ધાઓ ઘણી વીરતાથી યુદ્ધ કરતા રહ્યા. પોતાની સંખ્યા થોડી હોવાથી રજપૂત વીરો પ્રાણનો મોહ બિલકુલ છોડી દઈને તલવાર ચલાવવા લાગ્યા. અસાધારણ વીરતા અને સાહસથી એ મુસલમાન સૈન્યના સિપાઈઓનાં માથાં ઉડાવી નાખતા ગયા. એ યુદ્ધમાં રાણી કલાવતી ઘણી વીરતાથી પતિને મદદ આપી રહી. હતી. જે તરફ રાજા કરણસિંહ શત્રુઓની સાથે લડી રહ્યા હતા, તેજ તરફ એ પણ પોતાનું રણકૌશલ્ય બતાવી રહી હતી, તેમજ પોતાના પતિના અંગરક્ષણનું કામ પણ કરતી હતી. રાજાને યુદ્ધમાં ઘણા તલ્લીન થયેલા જોઈને વિરુદ્ધ પક્ષનો એક સિપાઈ ડાબી તરફથી આવીને તેમના ઉપર તલવારનો ઘા કરવા જતો હતો;  એટલામાં રાણીએ પોતાનો ઘોડો તેની તરફ દોડાવીને પોતાની તેજ તલવારથી એ સિપાઈના બે કટકા કરી નાખ્યા; પરંતુ થોડી વાર પછી રાજાને એક બીજો કારી ઘા વાગ્યો. રાજાની એ દશા જોઈને રાણી ઘણા ગુસ્સાથી શત્રુસૈન્ય સાથે લડવા લાગી. રાણીનું પરાક્રમ જોઈને રજપૂત યોદ્ધાઓને વધારે શૂર ચડ્યું અને તેઓ બેવડા પરાક્રમથી લડવા લાગ્યા. આખરે રાણી અને રજપૂત વીરોની વીરતા આગળ યવનોની સેના ટકી શકી નહિ. તેમને યુદ્ધ ભૂમિમાંથી નાસવું પડ્યું. રાણી કલાવતી પોતાના પતિને લઇને રાજધાનીમાં પાછી ફરી અને હોશિયાર વૈદ્યોને બોલાવીને તેમની દવા કરાવવા લાગી. રાજાના ઘા ઉપર વૈદ્યોએ ઘણાએ મલમપટા કર્યા, પણ જ્યારે તેથી કાંઈ પણ ફાયદો ન જણાયો ત્યારે તેમણે રાણીને કહી દીધું કે, “આ ઘા ઝેર પાયેલા હથિયારનો છે. જો ઝેરને કોઈ ચૂસી લે, તો રાજાને આરામ થઇ શકશે, પણ ચૂસનારો મરી જશે. એના વગર રાજાને મટાડવાનો બીજો કોઇ ઉપાય નથી.” રાણીએ વિચાર કર્યો કે, “સૌને પોતપોતાનો જીવ વહાલો હોય છે, માટે બીજા કોઈને સોંપવા કરતાં મારે પોતેજ પતિના આરોગ્ય ખાતર એ કામ કરવું જોઈએ.” આથી જેવા રાજા સૂઈ ગયા હતા ત્યારે એણે રાજાના ઘાનું ઝેર ચૂસી લીધું અને ચૂસતાવારજ એ કારી ઝેરની અસર એના ઉપર એટલી બધી થઈ ગઈ કે એ તરતજ મરી ગઈ. રાજાની આંખ ઊઘડી ત્યારે એમણે આ સમાચાર સાંભળીને કહ્યું: “જે પ્રાણપ્યારીએ મારા પ્રાણ બચાવવા માટે પોતાનો પ્રાણ આપ્યો, તેના વગર હું પણ આ દુનિયામાં જીવીને શું કરૂં ?” તેમણે પણ તરતજ પોતાના પેટમાં કટારી ખોસીને પ્રાણ ત્યજ્યો. ધન્ય છે એ પતિપત્નીને જેમણે એક બીજાની ખાતર જિંદગીના મોહને છોડી દીધો ! પતિની ખાતર પ્રાણ સમર્પણ કરનાર આ સ્ત્રીઓનાં દૃષ્ટાંત તો ઘણાં મળી આવે છે; પરંતુ પત્નીના વિયોગથી જીવનને નિરર્થક ગણીને આત્મોત્સર્ગ કરનાર પુરુષનાં દૃષ્ટાંત વિરલજ હોય છે. ધન્ય છે એ દંપતીને !