રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ગોરાની પત્ની

← પદ્મિની રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ગોરાની પત્ની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કલાવતી (બીજી) →


१४५–गोरानी पत्नी

દ્મિનીના ચરિત્રમાં ગોરા અને બાદલનો પરિચય અમે આપી ગયા છીએ. પદ્મિનીના શિયળના રક્ષણ તથા મહારાણા ભીમસિંહના છુટકારા સારૂ મુસલમાનો સાથે પરાક્રમપૂર્વક યુદ્ધ કરતાં કરતાં ગોરાનો પ્રાણ ગયો હતો. તેના બાર વર્ષની વયના ભત્રીજા બાદલે પણ એ યુદ્ધમાં અસાધારણ વીરતા દાખવી હતી અને અનેક શત્રુઓનો સંહાર કરીને એ વિજયી વીર લોહીલુહાણ શરીરે કાકીની પાસે ગયો હતો. વીર ગોરાની પત્ની પણ એક વીરાંગના રજપૂતાણી હતી. બાદલ એકલો ખિન્ન હૃદયે પાછો ફરતો જોઈને એ સમજુ નારી કળી ગઈ, કે પ્રાણનાથે સંગ્રામભૂમિમાં પ્રાણ ત્યજી દીધા છે. બાલવીર બાદલને ચુપચાપ ઊભેલો જોઈને એ બોલી: “બાદલ ! હું શોકસમાચાર તો જાણી ચૂકી છું, હવે તો કેવળ એટલું જ જાણવાની ઈચ્છા છે કે પ્રાણેશ્વરે યુદ્ધમાં કેવી વીરતા પ્રગટ કરીને દેહ ત્યજ્યો. બેટા ! મને એ વૃત્તાંત પૂરેપૂરો કહી સંભળાવ, એ કથા સાંભળ્યાથીજ મને શાંતિ વળશે.” બાદલે ઉત્તર આપ્યો “કાકીજી ! કાકાના પરાક્રમનું વર્ણન મારાથી નથી થઈ શકવાનું. એમની અદ્ભુત વીરતા જોઈને શત્રુનું લશ્કર પણ છક થઈ જતું હતું અને તેઓ પણ એમની પ્રશંસા કરતા હતા. એમણે તો પોતાની સામે આવનાર એક પણ શત્રુને જીવતો જવા દીધો નથી.” એ સમાચાર સાંભળીને વીરાંગના ગોરા–પત્ની ઘણીજ પ્રસન્ન થઈ અને બોલી: “બસ, મારે આટલુંજ સાંભળવું હતું. હવે સ્વામીની પાસે જતાં મને જેટલી વાર થશે તેટલા સ્વામી અપ્રસન્ન થશે.” એટલું કહીને તેણે પતિના શબના અગ્નિસંસ્કાર સારૂ ચિતા તૈયાર કરાવી અને પતિના શબને ખોળામાં લઈને ચિતામાં પ્રવેશ કરીને સતી થઈ ગઈ.

ગોરાની સ્ત્રીએ ભત્રીજાને મુખેથી પતિની વીરતા અને પરાક્રમનું વર્ણન સાંભળ્યું ત્યારે એને પતિના મૃત્યુનો જરા પણ શોક થયો નહોતો; બલકે આનંદોલ્લાસથી તેનું મુખ પ્રફુલ્લિત થયું હતું અને શાંતિથી પતિની સહગામિની થઈ હતી. એ પ્રસંગનું સ્મરણ કરીને એક ઇતિહાસવેત્તા લખે છે કે, “સતી શિરોમણી વીરાંગનાઓ ! તમારી જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી થોડી છે, આવાં દૃષ્ટાન્તો ઉપરથી જણાય છે કે, એ વખતની વીર ક્ષત્રિયાણીઓને પોતાના પ્રાણાધાર પતિઓ સાથે કેટલો બધો પ્રેમ હતો. યુનાન દેશની સ્પાર્ટન જાતિની સ્ત્રીઓ તથા કાર્થેજ દેશની ફિનિશિયન સ્ત્રીઓ પણ એ આર્ય વીરાંગનાઓની આગળ કશી ગણતરીમાં નથી, એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.”

સ્વામીભક્ત ગોરાને અને પતિપરાયણા તેની પત્નીને ધન્ય છે !