રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/દાહિર રાજાની બે કુંવરીઓ-૧

← દાહિર રાજાની રાણી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
દાહિર રાજાની બે કુંવરીઓ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઇન્દુલેખા →


१००–१०१–दाहिरराजानी बे कुंवरीओ

લીફા વલીના સેનાપતિ મહંમદ બીન કાસીમે ઈ. સ. ૭૧૮ માં ભારતભૂમિમાં આવીને સિંધદેશના રાજાદાહિર ઉપર ચડાઈ કરી. રાજા દાહિરે ઘણીજ વીરતાથી યુદ્ધ કર્યું; પણ એ સ્વદેશનું રક્ષણ કરવામાં સફળ ન થયો. રાજ્યની સાથે એણે પોતાનો પ્રાણ પણ ખોયો. તેની વીર રાણીએ પણ વીરતાથી શત્રુઓ સાથે યુદ્ધ કરીને, વિજયની કાંઈ પણ આશા ન રહી ત્યારે ‘જોહરવ્રત’નું પ્રથમ ઉદ્યાપન કર્યું. એમ કહેવાય છે કે એ યુદ્ધમાંથી શત્રુઓ દાહિર રાજાની બે રૂપવતી કન્યાઓને પણ ઉપાડી ગયા. એ બંને રમણીઓને બગદાદ શહેરમાં મોકલી આપવામાં આવી. ખલીફા એમના અનુપમ રૂપલાવણ્યની વાત સાંભળીને ઘણો પ્રસન્ન થયો અને એ સુંદરીઓની સાથે પાપકર્મ કરવાની લાલસા તેના મનમાં ઉત્પન્ન થઈ. પોતાના વિલાસભવનમાં એ રાજકુમારીઓને લાવવાનો તેણે હુકમ આપ્યો. આજ્ઞાનું તરતજ પાલન થયું. ક્ષત્રિયકુળની પવિત્ર કમલિની, મદોન્મત્ત હાથી જેવા નિર્દય કામી મુસલમાન બાદશાહની સમક્ષ લાવવામાં આવી. નિઃસહાય, નિરાશ્રિત, અનાથ રજપૂત કન્યાઓનું શિયળ ભંગ થવાનો પ્રસંગ આવી પહાંચ્યો. દાહિર રાજાના પવિત્ર નામને કલંક લાગવાનો સમય આવી પહોંચ્યો; પણ એ રાજકુમારીઓની રગેરગમાં સાચા રજપૂતનું લોહી વહેતું હતું, પાતિવ્રત્ય ધર્મની હિંદુઓની પવિત્ર ભાવના તેમના દેહના પ્રત્યેક પરમાણુમાં પ્રવેશ કરી ગઈ હતી. એ શુદ્ધ હૃદયની રાજકુમારીઓએ જ્યારે જોયું કે અહીયાં બચવાનો બીજો કોઈ ઉપાય નથી, ત્યારે એમણે પોતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી કાઢી. જે સમયે તેમને ખલીફાની રૂબરૂ લઈ જવામાં આવી તે વખતે એમણે રોવાનું શરૂ કર્યું અને રોતે રોતે કહ્યું: “અમારું શરીર આપને સ્પર્શ કરવા લાયક નથી રહ્યું. હરામખોર કાસીમે અમારા શિયળનો ભંગ કર્યો છે,” આટલું સાંભળતાં તો ખલીફા રાતોપીળો થઈ ગયો. તરતજ એણે કાસીમને માટે સખ્ત સજા ફરમાવી. એણે પેાતાની સેનાના અમલદારને હુકમ લખી મોકલ્યો કે, “મહંમદ બીન કાસીમને તાજા બળદના ચામડામાં જીવતો શીવી દઈને જલદીથી અહીં રવાના કરી દો,” બનતી ઉતાવળથી આ કઠોર આજ્ઞાનું પાલન થયું. આખરે દુર્ગંધમય ચામડામાં શિવાચેલી તેની લાશ બગદાદ પહોંચી. બંને રાજકુમારીઓએ ખલીફાને આ પ્રમાણે ક્રોધાગ્નિમાં નાખીને પોતાના શિયળનું રક્ષણ કર્યું તથા પોતાના પિતાના દેહ અને માતૃભૂમિના સ્વાતંત્ર્યનો નાશ કરનાર મહંમદ કાસીમનું વેર લીધું. ધન્ય છે રાજકુમારીઓ તમારા સાહસને !