રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/દાહિર રાજાની રાણી
← જયશિખરીની રાણીઓ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો દાહિર રાજાની રાણી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
દાહિર રાજાની બે કુંવરીઓ → |
९९–दाहिर राजानी राणी
હિન્દુ ગૌરવ સિંધુરાજ દાહિર જે સમયે સિંધુદેશનું રાજ્ય સિંહાસન સુશોભિત કરી રહ્યા હતા, તે સમયની આ કથા છે. એજ સમયમાં ભારતવર્ષને જીતવાને મુસલમાનોએ પહેલવહેલો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પરદેશીઓને હિંદમાં પ્રવેશ કરવાનો મુખ્ય રસ્તો સિંધમાં થઈને હતો.
ભારતવર્ષની પશ્ચિમ દિશામાં અરબસ્તાનમાં આરબ જાતિના લોકોમાં મુસલમાન ધર્મનો પહેલવહેલો ઉદય થયો. નવા ધર્મબળના ઝનૂનથી ઉત્સાહિત બનેલી એ વીર આરબજાતિએ ઘણા થોડા સમયમાં એશિયાખંડના પશ્ચિમ ભાગમાં અને આફ્રિકાખંડના ઉત્તર ભાગમાં પોતાનો વિજયવાવટો ફરકાવીને એક વિશાળ રાજ્ય સ્થાપના કરી. આ વિશાળ રાજ્યની પહેલી રાજધાની બગદાદ શહેરમાં સ્થાપવામાં આવી અને ત્યાં બેસીને આરબ રાજાઓ રાજ્ય કરવા લાગ્યા. એ રાજાઓ ‘ખલીફા’ ના નામથી ઓળખાય છે. એ ખલીફાઓના રાજ્યકાળમાં ઈ. સ. ની આઠમી સદીમાં, મહમ્મદબીન કાસીમ નામના એક સેનાપતિએ સિંધ ઉપર ચઢાઈ કરી. દેવળ બંદર અને બીજા કેટલાંક નગર ઉપર પોતાનો કબજો કરીને, કાસીમ સિંધુરાજ દાહિરની રાજધાની આલોર શહેર આગળ આવી પહોંચ્યો. રાજા દાહિર સૈન્ય લઈને કાસીમની સામે થયો.
એ સમયમાં ભારતવર્ષના રાજાઓ હાથી ઉપર બેસીને યુદ્ધ કરતા હતા. એમાં સગવડ તેમજ અવગડ બન્ને વાનાં હતાં. હાથીને શૂરમાં ચડાવીને શત્રુના સૈન્યમાં દોડાવવાથી શત્રુઓ ભયભીત થઈને નાસભાગ કરતા, તેમજ કેટલીક વાર એમ પણ થતું કે હાથી શત્રુના લશ્કરમાં જવાને બદલે પાછળ નાસતો, તો પછી એને રોકવાની કે પાછો વાળવાની કોઈની હિંમત ચાલતી નહિ. પોતાના પક્ષના માણસોનો કચ્ચરઘાણ વાળી નાખીને એ નાસી જતો. વળી એમ પણ બનતું કે રાજાને લઇને હાથીને આ પ્રમાણે નાસતો જોઈને ફોજના સિપાઈઓ એમ સમજતા કે રાજાજી પલાયન કરી જાય છે, આવું વિચારીને તેઓ પણ એમની પાછળ નાસતા અને અંતે પરાજય પામતા.
આ યુદ્ધમાં પણ એવું બન્યું. મુસલમાનોના હથિયારથી ઘાયલ થવાથી દાહિરનો હાથી પોતાના સ્વામીને લઈને જોરથી નાઠો અને પાસેની એક નદીમાં જઈને પડ્યો. રાજાને નાસી ગયેલો ધારીને સેનાના લોકો પણ રણમાંથી વિખરાઈ ગયા.
દાહિર ઘાયલ થયો હતો, પણ્ સૈનિકોનો ભય અને ઉચાટ જોઈને, યુદ્ધમાં પરાજય પામવાની બીકથી પોતાનું બધું દુઃખ ભૂલી ગયેા. જરા પણ વિલંબ કર્યા વગર એ એક ઘોડા ઉપર સવાર થઈને, ઝટપટ વિખરાઈ ગયેલા સૈન્યમાં આવી પહોંચ્યો. અત્યંત ઉત્સાહપૂર્ણ શબ્દોમાં સૈનિકોને ઉપદેશ આપીને શૂર ચડાવ્યું અને ફરીથી પરાક્રમપૂર્વક મુસલમાનો સાથે યુદ્ધ કરવાને સૈન્યને હુકમ આપ્યો; પણ છિન્નભિન્ન થઈ ગયેલું સૈન્ય પહેલાંની પેઠે તો એકઠું નજ થઈ શક્યુ. આરબ સૈન્ય આટલી વારમાં આગળ વધી આવ્યું હતું; તે ત્યાંનું ત્યાંજ કાયમ રહ્યું. પાછા હઠવાને બદલે તેઓ દાહિરની છિન્નભિન્ન સેનાને ભેદીને ધીમે ધીમે અગ્રેસર થવા લાગ્યા.
દાહિર સમજી ગયો કે, જય અને રાજ્યરક્ષાની આશા હવે મિથ્યા છે, પણ સ્વતંત્રતા ખોયા પછી જીવતા રહેવું એ પણ શા કામનું ? જીવનની શેષ શકિત—આશાને લીધે આવેલા છેલ્લા સમયના પ્રચંડ બળ વડે શત્રુસેનાનો નાશ કરતાં કરતાં, આખરે આ વીર નૃપતિ દાહિર, શત્રુઓના લોહીથી રંગાયેલી રણશય્યામાં ક્ષત્રિય વીરોની પરમગતિને પામી ગયો. દીવો હોલવાઈ ગયો; પણ ક્ષત્રિયોની મર્યાદા તે સમયે અકલંકિત રહી.
અફસોસની વાત એટલીજ છે કે, આ યુદ્ધમાં બહાદુર દાહિરનો બાયલો પુત્ર, ક્ષત્રિયોના ગૌરવને નામોશી લગાડીને, દૂર દેશાવરમાં નાસી ગયો. સિંધુરાજ્ય વિપત્તિના સાગરમાં ગરકાવ થઈ ગયું.
આજ રાજધાની આલોર અરક્ષિત છે. રાજા મરણ પામ્યો, રાજપુત્ર અગિયારા ગણી ગયો, સૈન્ય ખેદાનમેદાન થઈ ગયું. હવે રાજ્યનું રક્ષણ કોણ કરશે ? નિરાધાર રૈયત આજે વિદેશીને હાથે અપમાન અને દુઃખ વેઠશે ! પવિત્ર આર્ય સન્નારીઓના દેહને વિદેશીઓનો અપવિત્ર સ્પર્શ કલંકિત કરશે ! પણ શું આલોરવાસીઓ છેકજ નામર્દ થઈ ગયા છે ? આલોરવાસી પુરુષોમાંથી એક પણ પુરુષના દેહમાં લોહીનું એક પણ ટીપું રહેશે ત્યાં સુધી શું ખરેખાત આલોરનગરી પરદેશીઓની દાસી થશે ? આ કલંક શું ભારતના ઈતિહાસમાં આલોરવાસીઓને સદાને માટે કલંકિત કરી રાખશે ? શું એવું કોઈ પણ રહ્યું નથી કે આલોરનગરના જીવતા રહેલા, ઘાયલ થયેલા સૈનિકોને એકઠા કરીને, તેમના હૃદયમાં એક વાર ફરીથી સાહસનો સંચાર કરીને જીવસટ્ટે આલોરની રક્ષા માટે છેવટનો પ્રયત્ન કરે ?
દાહિર રાજાની રાણીના હૃદયમાં આ ચિંતાનો દાવાનળ સળગવા માંડ્યો. પતિશોકનું મહા દુઃખ ક્ષણભરને માટે વીસરી ગઈ. પુત્રની કાયરતાની દારુણ લજ્જાની વેદના પણ એણે એ સમયે પોતાના હૃદયમાં સમાવી દીધી અને વગરવિલંબે રણરંગિની ભૈરવીનો વેશ ધારણ કરીને, ઘોડેસવાર થઈ, આલોરના રાજમાર્ગમાં આવી ઊભી.
આલોરનું રાજ્ય ચમકી ઉઠ્યું. રણક્ષેત્રમાં રમવા નીકળેલી રાજરાણીના ગંભીર હુંકારાથી આલોરવાસી સ્તંભિત થઈ ગયા. વીરાંગનાના વીર આહ્વાનથી ડરી જઈને વિખરાઈ ગયેલા, નાસી આવેલા સૈનિકો નવા સાહસપૂર્વક તેની ચારે તરફ આવીને હાજર થયા. નગરવાસી લોકો પણ ઘરબાર છોડી દઈને હથિયાર સજીને સૈનિકોની પાસે આવી ઊભા, રાણીએ બધાને સંબોધન કરી કહ્યું: “સૈનિકો ! નગરવાસીઓ ! તમે બધા પોતપોતાની જગ્યાએ ઊભા રહી મારૂં કહ્યું સાંભળો ! મારા વીર રાજાજી રણક્ષેત્રમાં માર્યા ગયા છે, અધમ રાજકુમાર આજ પલાયન કરી ગયો છે, પણ તમે તેથી ગભરાશો નહિ. નિરાશ થશો નહિ. હું હજુ જીવું છું. રાજાની રાણી હું છું. વીર પુરુષની હું સહધર્મિણી છું. આજ હું તમને યુદ્ધ કરવાનો ઉત્સાહ આપીશ; તમને સાહસ અને હિંમત આપીશ, આજ હું તમને બધાને લઈને યુદ્ધ કરવા અગ્રેસર થઈશ. તમારી માતૃભૂમિ આજે શત્રુના પગતળે રગદોળાઈ જવાની તૈયારીમાં છે; તમારાં દેવમંદિરો આજે વિધર્મીઓને હાથે તૂટી પડવાની તૈયારીમાં છે; તમારી માતાઓ, પત્નીઓ, બહેનો અને કન્યાઓને આજે પરદેશીની ગુલામડી બનવાનો વારો આવ્યો છે; તો પછી કયા સુખને માટે આ નિર્માલ્ય જીવનનું રક્ષણ કરવા ઘરે નાસી આવ્યા છો ? સ્વદેશી અને સ્વધર્મનું અપમાન પોતાનીજ આંખ આગળ જોવાની ઈચ્છા ન રાખતા હો, કુળની સ્ત્રીને વિદેશીઓના સ્પર્શથી કલંકિત થયેલી જોવા ન માગતા હો, કુતરાને મોતે વિદેશીઓને હાથે મરવા ન માગતા હો અને જંગલી જાનવરની પેઠે પરતંત્રતાની બેડી પહેરીને પરદેશીઓના ઘરમાં ગુલામગીરી કરવાની ઈચ્છા ન હોય તો, ચાલો આજે તમે બધા મારી સમક્ષ આવીને રણક્ષેત્રમાં મરવાની પ્રતિજ્ઞા લો ! પ્રાણની પ્રતિજ્ઞા લઈને દેશનું, જાતિનું, ધર્મનું અને કુટુંબની સ્ત્રીઓનું સર્વશ્રેષ્ઠ ગૌરવ રાખવા તૈયાર થાઓ. !”
રાજરાણીના મુખમાંથી નીકળતાં આવાં ઉત્સાહનાં વાક્યની અસર ન થાય એવો પાષાણ હૃદયનો હિચકારો કોણ હોય ? બધાંએ રાણીની આજ્ઞા માથે ચડાવી, અસંખ્ય સૈનિકો મરતાં સુધી દેશનું રક્ષણ કરવા સારૂ લડવાની પ્રતિજ્ઞા લઈને રાણીને શરણાપન્ન થયા. રણડંકો વાગી ઊઠ્યો, સિંધુ રાજ્યમાં ખળભળાટ મચી રહ્યો. સૈનિકોના હુંકારથી અને જયનાદથી આખું શહેર ગાજી ઊઠ્યું.
આ તરફ રાણીની આગેવાની નીચે, દેશનું રક્ષણ કરવાનો સૈનિકોએ અને નાગરિકોએ નિશ્ચય કર્યો. પેલી તરફ આરબ લશ્કરે નગરને ઘેરો ઘાલીને કોટ ઉપર હુમલો કર્યો.
સૈનિકો અને નાગરિકોની મદદથી શૂરે ચડેલી વીર રાણીએ નગરના બચાવને માટે મજબૂત ટક્કર ઝીલી અને શત્રુઓના હુમલામાંથી શહેરને બચાવવાનો પાકો બંદોબસ્ત કર્યો. કેટલીક વાર સુધી રાણી પોતાની યુક્તિમાં સફળ નીવડી. પણ આખરે શહેરમાંની ખોરાકી ખૂટી પડી. બહારથી ખોરાકી આવી શકે એવો કોઈ ઉપાય નહોતો. એકાએક આ પ્રમાણે શહેરમાં ફસાઈ જવાશે, એવો પહેલાં કોઈને વિચાર સૂઝ્યો નહોતો, એટલે લડાઈમાં ઉતરતા પહેલાં અગાઉથી કોઈએ લશ્કરની ખોરાકીને માટે ભંડાર ભરી મૂક્યા નહોતા.
રાણીએ દીઠું કે હવે નગરના રક્ષણનો કોઈ ઉપાય નથી.
તરતજ, એ મહાતેજસ્વી નારીએ નગરના આગેવાનોને અને સૈનિકોને એકઠા કરીને કહ્યું: “સિંંધુગૌરવ વીર પુરુષો ! આજ આપણે જોયું કે આપણા પવિત્ર શહેરના રક્ષણનો કોઈ ઉપાય હવે રહ્યો નથી; પણ સાંભળો ! રક્ષણનો ઉપાય નથી રહ્યો તેનો અર્થ કાંઈ એવો નથી થતો કે આપણે જીવતા રહીને શત્રુને તાબે થવું ! મરવું તો એક દિવસ છેજ, તો પછી ચાલો, આપણે બધાં મનુષ્યની પેઠે મરીએ. મનુષ્ય થઈને, ક્ષત્રિય થઈને, રજપૂત થઇને, મનુષ્યત્વહીન, પરાધીન જીવન કદી સ્વીકારીશું નહિ. અમે આર્ય નારી છીએ. સતીત્વને માટે પ્રાણ આપતાં કદી અચકાઈએ એમ નથી, સ્વામીના પરલોક સિધાવ્યા પછી અસાર જીવન ગાળવાને બદલે, સ્વામીની ચિતામાં બળીને સ્વામીના સાથી બનવું એ આપણું કર્તવ્ય છે. નગરવાસી બહેનો ! આજે આપણે બધીઓ સાથે મળીને એકજ ચિતામાં પ્રાણનું બલિદાન આપીશું. ત્યાર પછી આપણા આ ભયંકર મૃત્યુનું સ્મરણ હૃદયમાં તાજું રાખીને, આપણા વીર નાગરિકો શત્રુઓની સામા થશે અને શત્રુઓનો નાશ કરતાં કરતાં શત્રુઓની તલવાર વડે રણક્ષેત્રમાંજ ક્ષત્રિયોને શોભે એવા મૃત્યુને ભેટશે ! સાંભળો ! આજે આપણે જે પવિત્ર કઠોર, જૌહરવ્રતનું અનુષ્ઠાન કરીશું, તેનું અનુકરણ, પરદેશી અને પરર્ધમી દુશ્મનોને હાથેથી ધર્મનું રક્ષણ કરવા સારૂ, આપણી ભવિષ્યની રજપૂતાણીઓ કરશે અને એમ કરીને ભારતનારીનું પવિત્ર નામ ઉજ્જવલ કરશે.”
રાણી આટલું ભાષણ આપીને શાંત થઈ. સિંધ દેશના બધા વીરોએ મૂંગે મોંએ રાણીની આજ્ઞાને અનુમોદન આપ્યું.
એ વખતે શહેરની વચ્ચોવચ એક મોટી ચિતા સળગાવવામાં આવી. રાણી અને શહેરમાંની બીજી સ્ત્રીઓએ લાલ સાડીઓ પહેરીને હસતે હસતે ધગધગ સળગતી ચિતામાં પ્રવેશ કર્યો. જોતજોતામાં અગ્નિની હજારો ઝાળો આકાશને સ્પર્શ કરવા લાગી. હજારો મનુષ્યોએ ત્યાં ઊભા રહીને, પોતાની આંખો આગળ સિંધુરમણીઆનું આ મર્મભેદી દૃશ્ય જોયું. કોઇની માતા તો કોઈની સ્ત્રી, કોઈની ભગિની તો કોઈની કન્યા, એકે એકે આ ચિતામાં પ્રવેશ કરવા લાગી. વીરપુરુષોના હૃદયમાં પણ હજારો ચિતા સળગી ઊઠી.
ચોથોડી વારમાં એ સર્વ આર્ય રમણીઓ ભસ્મીભૂત થઈ ગઈ; એટલે ભયંકર ગર્જના કરીને હજારો વીરપુરુષો પ્રલયકાળના એક જ્વલંત વજ્રની પેઠે આરબસેના ઉપર તૂટી પડ્યા. તેમના તેજથી, તેમની તલવારોના ઝપાટાથી આરબસેનામાંથી ઘણા લોકો માર્યા ગયા. ઘણા દિવસનો રજપૂતોનો જઠરાગ્નિ એ દિવસે તૃપ્ત થયો.
દાહિર મહિષીના તેજને લીધે એ દિવસનો રજપૂતનો ટેક સચવાઈ રહ્યો, દાહિરે રાજાની મહારાણીથીજ ભારતના ઇતિહાસમાં ભીષણ અગ્નિકાંડ – ‘જૌહરવ્રત’નો પ્રચાર થયો.