રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/નાગબાઈ ચારણી

← ઇંદુમુખી, માધુરી, ગોપી
અને
રસમયી
રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
નાગબાઈ ચારણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઝીમા ચારણી →



१६३-नागबाई–चारणी*[]

ઈ! આઈ ! આપણે ત્યાં આજે આપણા પવિત્ર મહારાજાધિરાજ પધારે છે; એવી ખબ૨ દૂત લાવ્યો છે. માટે તેમનો યથાયોગ્ય આદરસત્કાર અને સેવાબરદાસ કરવાની આપણે તૈયારી કરીએ.” એમ પુત્રી તુલ્ય પુત્રવધૂએ પોતાની સાસુ નાગબાઈ ચારણિયાણીને ઉતાવળે ઉતાવળે આનંદભેર ખબર આપી. સૌરાષ્ટ્રના મહારાજા રા’માંડળિક પંડે પોતાને ત્યાં પધારવાના છે, એ પોતાનું સદ્‌ભાગ્ય માની નાગબાઈએ તેનો સત્કાર કરવાની સઘળી તૈયારી કરી. પોતાને ત્યાં આજે સોનાનો સૂરજ ઊગ્યો ગણી પોતાના સ્વજન કુટુંબને એકઠાં કર્યું. ચારણનાં બૈરાઓએ ગીત ગાવા માંડ્યાં.

‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફડશે કે, રાજાજી ભલે આવે રે.’

આ પ્રમાણે નાગબાઈને ત્યાં આનંદમંગળનાં ગીતો સહિત ઉત્સવ થઈ રહ્યો છે, તેવામાં નવ સોરઠના ધણી નવઘણના પુત્ર રા’માંડળિકે મોણિયા ગામમાં પ્રવેશ કર્યો.

ચૂડાસમા રજપૂતોનું રાજ્ય સૌરાષ્ટ્રમાં હતું અને તેઓ રા’(રાહ) ને નામે ઓળખાતા હતા, તે વાત તો ગુજરાતનો ઇતિહાસ ભણી ગયેલા સર્વને સુવિદિતજ હશે. અણહિલપુર પાટણના મહારાજાધિરાજ મૂળરાજ સોલંકીની સામે થનારા જૂનાગઢના રા’ગ્રાહરિયા કે ગૃહરિપુને તેમજ નૃપચકચૂડામણિ લોકપ્રિય ગુજરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહની સામે થનારા, રાણકદેવીના પ્રિય પતિ રા’ખેંગારને ગુજરાતના ઇતિહાસના અભ્યાસકો સારી રીતે જાણે છે. તેથી અહીં ટૂંકામાં એટલુંજ જણાવવાનું કે, એ વંશમાં જૂનાગઢની ગાદી પર છેલ્લામાં છેલ્લો જે સ્વતંત્ર રાજા થઈ ગયો, તે રાજા રા’માંડળિક આજે જૂનાગઢથી વીસ માઈલ દૂર ગિરનારની પવિત્ર છાયામાં આવેલા મોણિયા ગામમાં નાગબાઈ ચારણને ઘેર આવે છે.

રા’માંડળિકને નાગબાઈએ ડેલીના ઉમરા પાસે આવી સોનારૂપાનાં પુષ્પોથી વધાવ્યા, તેને કળશિયો કર્યો, ચાંલ્લો કરી અક્ષતરૂપે મોતી ચોડ્યાં. પોતાના મુખ્ય ગૃહની ઓસરીમાં રાજાજી માટે ગાદીતકિયાની જે બેઠક કરી હતી, ત્યાં સુધી ડેલીએથી મદ્રાસીનું આખું થાન પાથરી દીધું હતું. તે પર રાજાજીને ચલાવીને જોગમાયા જેવી નાગબાઈ તેને તે ઓસરી તરફ લઈ ચાલી. રાજા પણ અતિ પ્રસન્ન થઈ ઉતાવળે ઉતાવળે ચાલી આગળ વધ્યા ને પોતાને માટે તૈયાર રાખેલા સિંહાસન ઉપર આવીને બેઠા. ચારણદેવીઓ મોટા મોટા વીંઝણા વડે તેમને પવન ઢાળવા લાગી.

માંડળિકે ચાંલ્લો કરવાની ઈચ્છા દર્શાવવાથી તે વખતની રીતરસમ મુજબ, નાગબાઈના દીકરાની વહુ રા’માંડળિકને ચાંલ્લો કરવા હાથમાં કંકાવટી અને અક્ષત લઈને આવી. પૂર્વાભિમુખે બેઠેલા રાજાને ચાંલ્લો કરવા જતાં, રાજા ઉત્તર તરફ મોઢું કરીને બેઠો. એટલે પુત્રવધૂ તે દિશામાં તેને ચાંલ્લો કરવા ગઈ, પરંતુ ત્યાંથી પણ ફરીને રા’માંડળિક પશ્ચિમ તરફ મોઢું કરીને બેઠો. વહુ બિચારી તે તરફ વળી તેને ચાંલ્લો કરવા ગઈ, પણ અફસોસ ! હજાર વાર અફસોસ, કે રાજએ પુત્રવધૂ તરફ કુદૃષ્ટિ કરી અને દક્ષિણ દિશા તરફ ફરીને બેઠા, વહુ તરતજ સાસુ તરફ પાછી ફરી અને બોલી કે, “આઈ ! રાજા તો ફરતો છે.” નાગબાઈ બોલી કે, “વહુ ! હું તેનું મન સમજી ગઈ છું. એ રાજા ફરતો નથી પણ તેનો દિવસ ફરે છે.” સખેદ લખવું પડે છે કે, પોતાની પુત્રી સમાન રૈયતની સ્ત્રીઓ ઉપ૨ જ્યારે પિતા સમાન રાજાની કુદૃષ્ટિ થાય, ત્યારે તો તેનો દિવસ ફરતો–માઠો જ આવ્યો એમ સમજવું.

ચારણિયાણી દેવી કહેવાય છે અને તેમાં પણ નાગબાઈની પવિત્રતાએ તેના કુળને એટલું બધું ઉજ્જવળ બનાવ્યું હતું કે, તે કાળે તે પ્રદેશમાં નાગબાઈ જોગમાયા તુલ્ય ગણાતી હતી. નાગબાઈને રાજાના આવા દુષ્ટ ઈરાદાની પ્રથમથી ખબર નહોતી. તેણે તો પવિત્રતાથી માની લીધું હતું કે, કુલગુરુ જેવા ગણાતા ચારણને ત્યાં મહેરબાનીની નિશાની તરીકે રાજાજીની આ પધરામણી થઈ હતી. રા’માંડળિક પણ મૂળે ઘણો પવિત્ર રાજા હતો. કાવડિયા રાખી ઠેઠ ગંગાજીથી તે પોતાને માટે ગંગાજળ દરરોજ મંગાવતો હતો. તેના એક મિત્ર વીંજાને રક્તપિત્તનો રોગ હતો, તે તેના સ્પર્શથીજ મટી ગયો હતો; છતાં જ્યારે માણસની મતિ ભ્રષ્ટ થાય છે, ત્યારે કાંઈ બાકી રહેતું નથી. સારાસારનો વિચાર કરવામાં પણ તે વખતે તેનું ભેજું કામ કરતું નથી. જોગમાયા જેવી નાગબાઈની પુત્રવધૂના રૂપનાં વખાણ બદમાસ હજૂરિયાએ કરવાથી તેના કાનમાં ઝેર રેડાયું ને તેને નજરે જોવા તથા પોતાની સાથે જૂનાગઢ ઉપાડી લાવવા તે મોણિયે આવ્યો હતો.

રાજાની કુદૃષ્ટિથી એ વખતે નાગબાઈને તથા તેના સ્વજન કુટુંબીઓને રૂંવે રૂંવે ક્રોધ વ્યાપી ગયો. સૌરાષ્ટ્રના લોકો આજે પણ પોતાના રાજાનું માન જાળવવામાં ઘણો આનંદ માને છે, તો પછી હાલની સ્વાર્થપરાયણતાવળી સ્વચ્છંદ હવાથી દૂર રહેલા તે વખતના જૂના માણસો રાજાનું માન જાળવે તેમાં નવાઈ નથી. તેથી તેઓએ રાજાને ત્યાં ને ત્યાં પૂરો ન કરી નાખતાં, જીવતો ને જીવતો ઘેર જવા દીધો; જેથી લોહીનું એકે બિંદુ તો ન પડ્યું, પણ ક્રોધાવેશમાં જોગમાયા નાગબાઈએ કહ્યું કે :–

ગંગાજળ ગઢેશા, પંડ તારું હુતું પવિત્ર;
વીંજાને રગત ગયાં, પણ મને તોવાવા માંડળિક.”

અને શાપ આપ્યો કેઃ—

“ગઢ જૂનાની પોળ, દામો કુંડ દેખીશ નહિ;
રતન પડશે રોળ, તે દિ મું સંભારીશ માંડળિક.
જાશે રા’ની રીત, રા’પણું રેશે નહિ;
ભમતો માગીશ ભીખ, તે દિ મું સંભારીશ માંડળિક.
ભૂલ્યો રાજા ભીંત, નાગબાઈને નમ્યો નહિ;
મંદિરઠેકાણે મસીદ, તે દિ મું સંભારીશ માંડળિક.
નહિ વાગે નિશાન, નક્કી બહુ કલશે નહિ;
ઉમટશે અસરાણ, તે દિ મું સંભારીશ માંડળિક.”

સતીના આ શાપનું પરિણામ એ આવ્યું કે, મહમદ બેગડાએ રા’માંડળિકને હરાવી મુસલમાન કર્યો. અમદાવાદમાં આજે પણ કંદોઈ ઓળમાં તેની કબર છે.

‘ભ્રષ્ટ થયું તેનો શતમુખ વિનિપાતજ નિર્મેલો’

  1. *‘સુંદરી સુબોધ’ અંક ૧૦૦–૧૦૧ માંનો શ્રીનિર્મળા બહેનનો લેખ અત્રે ઉપકાર સાથે ઉતારવામાં આવ્યો છે. —પ્રયોજક