રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/મહાદેવી અક્કા
← રાણકદેવી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો મહાદેવી અક્કા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
રાણી સાલમણિ → |
१२२–महादेवी अक्का
એનો જન્મ કર્ણાટક દેશમાં ઉડરડી ગામમાં ઈo સo ૧૧૬૦ માં એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. તેના રૂપ અને ગુણથી પ્રસન્ન થઈને રાજા કંષિકુએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી, પણ એ વિદુષી સન્નારીએ જીવનપર્યંત બ્રહ્મચારિણી રહીને લિંગાયત ધર્માનુસાર સંન્યાસિની થવાનું પસંદ કર્યું.
લિંગાયત શૈવ સંપ્રદાયનો એક પંથ છે. એ પંથના અનુયાયીઓ ગુરુ પ્રત્યે પુષ્કળ ભક્તિ ધરાવે છે અને શિવલિંગ સદા પોતાની પાસે રાખીને તેનું ધ્યાન તથા પૂજન કરે છે. મહાદેવી અક્કા કવિતા ઘણી સારી લખતી. એના એક કાવ્યનો ભાવાર્થ નીચે પ્રમાણે છે:—
“પહાડ ઉપર ઘર બાંધો તો જંગલી જનાવરોથી થવાનું કેમ પાલવે ? સમુદ્રકિનારે ઘર બાંધો તો એનો ભય રાખવો કેમ પાલવે ? ગામડામાં ઘર બાંધો અને ગડબડથી કંટાળો તો કેમ ચાલે ? આ સંસારમાં આપણે જરા પણ ક્રોધ કર્યા વગર શાંતચિત્તે નિંદા અને સ્તુતિને એક સરખી રીતે સહન કરવો જોઈએ.”