← ઝેબા ચહેરા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
મીરાંબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત


१६७–मीरांबाई

જપૂતાનામાં મેડતા નામનું એક નાનું સરખું ગામ છે. બિકાનેરથી જોધપુર જતાં એ ગામ રસ્તામાં આવે છે. આ ગામમાં રાઠોડવંશના રાજા રાજ્ય કરતા હતા. જોધપુર શહેરને વસાવનાર રાવ જોધાજીના પૌત્ર રાવ રત્નસિંહ મેડતામાં વિક્રમના સોળમા સૈકામાં રાજ્ય કરતા હતા. એ રાવ રત્નસિંહ મીરાંબાઈના પિતા થાય, મીરાંબાઈનો જન્મ મેડતાના તાબામાં આવેલા ચાકડી નામના ગામડામાં થયો હતો.

જગતમાં જે પૂજ્ય સન્નારીઓ સગાંસંબંધી અને જનસમાજના અત્યાચારને સહન કરીને પણ ભગવાનને પ્રાપ્ત કરવા સારૂ કઠણ સાધના કરી ગઈ છે, તે સન્નારીઓમાં મીરાંબાઈનું નામ ઘણે ઊંચે દરજ્જે બિરાજે છે. મીરાંબાઈના જન્મથી ભારતવર્ષની સ્ત્રી જાતિનું ગૌરવ વધ્યું છે.

મીરાંબાઈનો જન્મ ઈ. સ. ૧પ૦૪ ની લગભગમાં માનવામાં આવે છે. મીરાંબાઈની જનની ઘણીજ ધર્મપરાયણ સ્ત્રી હતી. માતાના શિક્ષણ તથા ઉદાહરણથી મીરાંબાઈના કોમળ હૃયમાં ધર્મનાં બીજ બાલ્યાવસ્થાથીજ અંકુરિત થયાં હતાં.

મીરાંબાઈ જ્યારે બાલિકા હતી, ત્યારે તેના મહેલ આગળ થઈને એક દિવસ લગ્નનો વરઘોડો જતો હતો. એ વરઘોડો જોવા સારૂ આખા ગામની છોકરીઓ અગાશી ઉપર ચડી હતી. એ વખતે એકાંતનો પ્રસંગ જોઈને મીરાંબાઈની માં નીચે ઠાકોરજી.નાં મંદિરમાં જઈને પૂજા કરવા બેસી ગઈ. ભગવાનની પૂજા કરવામાં તેને એ આનંદ આવ્યો કે, વરઘોડો જોવા જવાની તેને જરા પણ ઈચ્છા થઈ નહિ.

માતાને આ પ્રમાણે ભગવાનની પૂજામાં તન્મય થતી થઈને, મીરાંબાઈનું ચિત્ત પણ રમતગમત ઉપરથી ઊઠી ગયું.

બાલિકા મીરાં માતાની પાછળ પાછળ પૂજાના મંદિરમાં જતી અને માતાની ભક્તિ ચુપચાપ જોયા કરતી. તેણે એક વખત પોતાની માને પૂછ્યું: “મા, મારે વિવાહ કરવો પડશે ? મારા વર ક્યાં હશે?” માએ બાલિકાને છાતીસરસી ચાંપીને સ્નેહપૂર્વક ચુંબન કર્યું. ત્યાર પછી ઠાકોરજી તરફ ઈશારો કરીને કહ્યું: “આ ઠાકોરજી તારા સ્વામી.”

સરળ બાલિકા માની વાતને સાચી માનીને શાંત થઈ ગઈ, એ દિવસથી મીરાં ખરેખાત એમજ સમજવા લાગી કે, ઠાકોરજી મારા સ્વામી છે. સ્વામીની આગળ નવવધૂ જેમ ઘૂમટો તાણે, તેમ મીરાં માના દેખતાં ઠાકોરજીની લાજ કાઢતી. મીરાંની માતા નાની સરખી બાલિકાનો આ સ્વાંગ જોઈને ખૂબ હસીને ચાલી જતી.

બાલિકા મીરાંબાઈનો ચહેરો ઘણો સુંદર હતો. તેનોને વર્ણ સોના જેવો ઉજ્જવળ હતો. જોતાંવારજ એ કોઈ દૈવીપ્રતિમા હોય, એવો ભાસ થતો હતો. તેનો કંઠ–સ્વર ઘણો મધુર હતો. મીરાંનાં ગીત સાંભળીને મેડતાનાં નરનારી મુગ્ધ થઈ જતાં.

નાની વયમાં જ મીરાંબાઈ વાંચતાં લખતાં શીખી હતી. એ પોતે કવિતા રચીને ગાતી હતી, તેની કવિતા અને સંગીતની પ્રશંસા ચારે તરફ ફેલાઈ ગઈ હતી.

રજપૂતાનામાં મેવાડનું રાજ્ય સૌથી વધારે પ્રતિષ્ઠિત છે. એ રાજ્યમાં અનેક વીર પુરુ જમ્યા છે. એ વીરપુરુષોએ પોતાના રાજ્યનું સન્માન સાચવી રાખવા સારૂ બાદશાહની સાથે લડીને પ્રાણ આપ્યા છે. એ સર્વ કારણેને લીધે રજપૂતાનાના રાજાઓમાં મેવાડની ઘણીજ ઈજ્જત આબરૂ છે. મેવાડપતિ આજદિન સુધી હિંદનો સૂરજ–હિંદુઓના સૂર્યના ઉપનામથી ઓળખાય છે.

જે સમયની આપણે વાત કરી રહ્યા છીએ, તે સમયમાં મેવાડની ગાદી ઉપર રાણા સંગ બિરાજતા હતા, રાણા સંગ એક બહાદુર પુરુષ હતા. માળવા અને ગુજરાતના બાદશાહો ઉપર વિજય મેળવીને તેમણે ઘણી ખ્યાતિ મેળવી હતી. મેવાડપતિ રાણા સંગના સાંભળવામાં મીરાંબાઈના રૂપ અને ગુણની પ્રશંસા આવી હતી, એટલે પોતાના મહારાજ કુમાર ભોજરાજની સાથે તેનો વિવાહ કરવાની તેમને ઈચ્છા થઈ. મેવાડના રાણાના કુમાર સાથે લગ્ન કરવામાં રજપૂતો પોતાનું ગૌરવ સમજતા હતા, એટલે રત્નસિંહ રાઠોડે ઘણાજ આનંદપૂર્વક ભોજરાજ સાથે મીરાંબાઈનું લગ્ન કરવાનું સ્વીકાર્યું. એ વખતે મીરાંબાઈની ઉમર માત્ર બાર વર્ષની હતી. વિવાહ કરવાની તેની પોતાની મરજી નહોતી; કારણકે એ તો ગિરિધર ગોપાળનેજ પોતાના સ્વામી ગણવા લાગી હતી. વિવાહની ખબર સાંભળવાથી તેના જીવને ઘણું દુઃખ થયું, પણ શરમને લીધે એ માતપિતાની આગળ ન કહી શકી નહિ.

લગભગ ઈ. સ. ૧૫૧૬ માં મેવાડના યુવરાજ ભોજરાજ સાથે મીરાંબાઈનું લગ્ન થઈ ગયું. રાજા મહારાજાને વિવાહ એટલે વૈભવનું તો પૂછવું જ શું? મહારાજ કુમાર ભોજરાજા ઘણી ધામધૂમ સાથે લાવલશ્કર લઈને લગ્ન કરવા આવ્યો હતો.

મીરાંબાઈનું જીવનચરિત્ર બાલ્યાવસ્થાથી તે અંતકાળ સુધી અનેક ચમત્કારી બનાવો અને દંતકથાઓથી ભરપૂર છે. એ કથાઓની સત્યાસત્યતાનો નિર્ણય હજુ સુધી જઈએ એટલી સંતેષકારક રીતે થયો નથી, પરંતુ એ ચાલતી આવેલી દંતકથાઓમાંથી પણ વાચક બહેનોને કાંઈક ઉપદેશ મળે, એ ઉદેશથી આ ટૂંકા ચરિત્રમાં અમે એ કથાઓનો પણ સમાવેશ કરીશું.

એમ કહેવાય છે કે લગ્ન પ્રસંગે મીરાંને જ્યારે વરની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે એ વરના સામું પણ જોયા વગર ઠાકોરજીના મંદિરમાં જતી રહી અને ગિરિધરલાલજીની મૂર્તિની પ્રદક્ષિણા કરીને તેમનું ભજન કરવા લાગી.

સાસરે વળાવવાનો વખત આવ્યો, ત્યારે મીરાંબાઈની સખીઓએ તેના સુંદર દેહને અનેક કિંમતી સુવર્ણ અને રત્નના અલંકારથી શણગારી દીધો. તેની માતાએ આંખમાં આંસુ આણીને તેને પ્રેમપૂર્વક શિખામણ આપીઃ “જોજે બહેન સાસરે જઈને આવી ઘેલછા ન કરતી. ત્યાં જઈને સાસુસસરાની સેવા કરજે. પતિને દેવ સમાન ગણજે અને ડાહી થઈને રહેજે.” પણ મીરાંના હૃદયમાં આ ઉપદેશે જરાયે અસર કરી નહિ. તેની ઘેલછા એવી ને એવી જ રહી. ભોંય ઉપર ઢળી પડીને એ છાતી ફાટરુદન કરવા લાગી. મીરાંબાઈના રોવાનું કારણ એ હતું કે, સાસરે ગયા પછી ભગવાનની ઉપાસના કરવાને તથા રાતદિવસ ગિરિધરલાલજીના ગુણ ગાવાને અવકાશ નહિ મળે. ઠાકોરજીની પૂજા કરવાને જે અનુકૂળતા સ્નેહાળ માતાએ કરી આપી હતી, તે અનુકૂળતા સાસરે ગયા પછી કદી નહિ મળે. આવા આવા વિચારોથી ભક્તશિરોમણિ મીરાંબાઈ શોકથી આકુળવ્યાકુળ થઈ ગઈ હતી.

પરંતુ વિવાહ કરીને સાસરે ગયા વગર કોઈને ચાલ્યું છે કે, બિચારી મીરાંને ચાલે ? મરજી હોય કે ન હોય, પણ મીરાંને સાસરે જવું જ પડ્યું.

સાસરે ગયા પછી મીરાં પોતાના પતિ ભોજરાજને ચાહવા લાગી, પણ પતિના પણ પતિ પરમેશ્વરને એ વીસરી ગઈ નહોતી.

પતિનું સુખ મીરાંબાઈ વધારે સમય સુધી ભોગવી શકી નહિ. લગ્ન પછી થોડાજ અરસામાં રાણા સંગના ગાદીવારસ મહારાજ કુમાર ભોજરાજનું તરુણ વયમાં મૃત્યુ થયું. પરંતુ વૈધવ્યના અસહ્ય દુ:ખમાં પણ વિધાતાની અપૂર્વ દયા સમાયેલી જોઈને, સાધ્વી મીરાં એમાં પણ સતોષ માનવા લાગી તથા પ્રભુભક્તિમાં મનને વિશેષ પરોવીને વૈધવ્યને સફળ કરવા લાગી.

મીરાંબાઈના વિધવા થયા પછી થોડે સમયે રાણા સંગનું પણું મૃત્યુ થયું. રાણા સંગની જગ્યાએ તેનો પુત્ર રત્નસિંહ વિ. સં. ૧૫૮૪ માં ગાદીએ બેઠો અને તેનો બીજો ભાઈ વિક્રમાજિત રણથંભોરની ગાદીએ બેઠો. રાણા રત્નસિંહનું પણ સ. ૧૫૮૮ માં બૂંદી રાજ્યની સરહદ ઉપર બૂંદીના મહારાવ સૂર્યમલને હાથે મૃત્યુ થયું, એટલે ચિતોડની ગાદી વિક્રમાજિતના હાથમાં આવી. એ વિક્રમાજિત ઘણા ખરાબ સ્વભાવનો હતો. એણે થોડો સમયજ રાજ્ય કર્યું હતું, પણ થોડા સમયમાંજ એ પોતાની પ્રજામાં ઘણો અપ્રિય થઈ પડ્યો હતો. એ રાજાનાં દુષ્ટ આચરણનું વર્ણન રાજસ્થાનના ઇતિહાસકારોએ ઘણી સારી રીતે કર્યું છે. મીરાંબાઈ ઉપર પણ સખ્તાઈ કરવામાં તથા તેને ભક્તિમાર્ગમાંથી વિમુખ રાખવા માટે તેણે કચાશ રાખી નહોતી.

મીરાંબાઈનાં સાસરિયાંએ તેને ગિરિધર ગોપાળની પૂજા છોડી દેવાનો આગ્રહ કર્યો હતો, પણ મીરાંએ સ્પષ્ટ કહી દીધું હતું કે:—

“મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ,
દૂસરા ન કોઈ, હે નાથ ! દૂસરા ન કોઈ.”

મીરાંબાઈની સાસુએ ક્રોધે ભરાઈને તેને જુદા મહેલમાં રાખી હતી. મીરાંને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. જુદા મહેલમાં રહેવાથી સંસારની બધી ગડબડથી તે બચી ગઈ. કોલાહલ શૂન્ય મકાનના એક એકાંત ઓરડામાં બેસીને તે મન ખોલીને ભગવાનની પ્રાર્થના કરવા લાગી. સગાંસંબંધીઓએ મીરાંનો ત્યાગ કર્યો, પણ ભક્તવત્સલ ભગવાને તેને પોતાની તરફ વધારે આકર્ષિત કરી. મીરાંબાઈએ હવે ખુલ્લી રીતે સાધુસંતોનો સત્કાર કરવાનું અને તેમની પાસે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાનું શરૂ કર્યું. સાધુસંન્યાસીઓ વગર સંકોચે મેવાડની પુત્રવધૂના મહેલમાં આવજા કરે છે, એ સમાચાર ધીમે ધીમે રાણાના મહેલમાં પહોંચ્યા અને તેઓ મીરાં ઉપર ઘણાજ ક્રોધે ભરાયા, મેવાડના કુળને મીરાં આ પ્રમાણે કલંક લગાડે, એ કોઈને પણ રુચ્યું નહિ. મીરાંની એક નણંદ ઉગ્ર ચંડિકાના જેવું રૂપ ધારણ કરીને મીરાંને ધમકાવવા આવી કે, “તમે મહારાણાના ઘરનાં વહુ થઈને, આમ સાધુસંતોને વગર સંકોચે તમારા મહેલમાં આવવા જવા દો છો, એ ઘણીજ શરમની વાત છે. તમારે ઈશ્વરનું ભજન કરવું હોય તો એકલાં બેસીને કરો. અમારા કુળને શું કામ કલંક લગાડો છો?” સાધ્વી મીરાંએ નણંદનો બધો ઠપકો શાંત ચિત્તે સહન કરીને પ્રભુને પ્રાર્થના કરીઃ “હે ગિરિધારિ! મારી સાસુ કેવી નિષ્ઠુર અને નણંદ પણ કેવી કજિયાખોર છે? આ કષ્ટ મારાથી કેમ સહન થાય ? પણ હું ગિરિધર, તારી ખાતર હું બધું સહન કરીશ.” આ પ્રસંગને ઉદ્દેશીને તેણે ગાયું છે કે:–

“સાધુન સંગ બૈઠ બૈ, લોકલાજ ખોઈ,
યહ તો બાત ફૂટ ગઈ, જાનત સબ કોઇ;
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ.
અંસુઅન જલ સીંચ સીંચ, પ્રેમ બેલ બોઈ,
યહ તો બેલ ફેલ ગઈ, અમૃત ફલ હોઈ;
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ.
આઈથી મેં ભગત જાન, જગત દેખ રોઈ,
લોગ કુટમ ભાઈબંધ, સંગ નહિ કોઈ;
મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ.”

આ બનાવ પછી રાણાના ક્રોધનો પાર રહ્યો નહિ. તેમણે મીરાંને મારી નાખવાના ઉપાયો શોધવા માંડ્યા. એ સંબંધી ખબર કોઇ કોઈ વખત મીરાંબાઈના શુભેચ્છકો ત૨ફથી મીરાંબાઈને કાને પણ પડતી, પણ એ તો સ્પષ્ટ જવાબ આપતી કે:–

“રાણાજી મેવાડા મારો કાંઈ કરલેસી
મેં રસિયો રામ રિઝાવા એમાં; રાણાજી મેવાડા.
રાણાજી રૂસેગા તો ઘર જાવેગા,
રામ રૂસ્યાં મર જાવાં એમાં; રાણાજી મેવાડા.”

અર્થાત્ કે, “મેવાડપતિ રાણાજી મને શું કરી શકવાના છે? હું તો પરબ્રહ્મ પરમેશ્વરને રીઝવી રહી છું. રાણાજી નાખુશ થઈને ઘર બહાર મને કાઢી મૂકશે, પણ પરમેશ્વર રિસાશે તો મારું મોતજ આવશે.”

રાણાજીએ હવે ક્રોધના આવેશમાં આવી જઈને એક કાળા ઝેરી સાપને સુંદર પેટીમાં પૂરીને એ પેટી મીરાંબાઈની પાસે એક દાસીની સાથે મોકલાવી આપી તથા કહેવરાવ્યું કે, “હું તમારી દૃઢ ભક્તિ જોઇને ઘણો પ્રસન્ન થયો છું અને આ કિંમતી રત્નોનો હાર તમારે માટે ભેટ તરીકે મોકલું છું, તેને કંઠમાં ધારણ કરજો.” મીરાંએ ઘણા આશ્ચર્ય સાથે પેટીનું તાળું ઉઘાડીને હાર કાઢવા સારૂ હાથ ઘાલ્યો. હાથ ઘાલતાંવારજ વિષમય સર્પે તેને દંશ દીધો; પણ મીરાં તો એથી જરા પણ ગભરાઈ નહિ. એણે તો એ વખતે નીચેનું પદ ગાયું:—

“સાપ પિટારો રાણાજીને ભેજ્યો,
ચંદનહાર વણાસ્યા એમાં.”

અને પોતાના ઈષ્ટદેવતા રણછોડજીનું સ્મરણ કરીને એ ઝેરી સાપને પણ મીરાંએ ફૂલની માળાની પેઠે ગળામાં ધારણ કર્યો.

સદ્‌ભાગ્યે એ સર્પના ઝેરની કાંઈ પણ અસર મીરાંબાઈના ઉપર ન થઈ. સર્પ કરડ્યાથી પણ મીરાંબાઈ ન મરી, ત્યારે રાણાજીએ બીજી યુક્તિ શોધી કાઢી. એક સોનાના પ્યાલામાં વિષ ઘોળીને એ પ્યાલો મીરાંબાઈની પાસે મોકલાવી કહેવરાવ્યું કે, “આ શ્રી રણછોડજીનું ચરણામૃત છે, એને પી જજો.” ચતુર મીરાંબાઈ સમજી ગઈ હતી કે, આ ચરણામૃત નથી; પણ મને મારી નાંખવા સારૂ મોકલેલું હળાહળ વિષ છે, છતાં પણ એણે તો નીચેનું પદ ગાઈને ચરણામૃત પી લીધું:—

“વિષકો પ્યાલો રાણાજીને ભેજ્યો,
ચરણામૃત કર પીસા એમાં.”

અર્થાત્–રાણાજીએ મોકલેલા વિષને પ્રભુનું ચરાણોદક ગણીને હું તો પી જઈશ અને ખરેખર પ્યાલો ઉઠાવીને મીરાં એ હળાહળ ઝેર પીજ ગઈ. ધન્ય ! ધન્ય ! ધન્ય ! એવી પરમ સ્ત્રી ભક્તને ! !

વિષપાનથી પણ મીરાંનું મૃત્યુ ન થયું, ત્યારે રાણાજીએ ગામમાં ઢંઢેરો પિટાવ્યો કે, “જે કોઈ સાધુસંત મીરાંના મહેલમાં જશે, તેને મારી નાખવામાં આવશે.”

મીરાં ઘણી વાર એકલી બેસીને ઊંચે સ્વરે પ્રભુની પ્રાર્થના કર્યા કરતી હતી. પહેરાવાળાઓએ એક દિવસ સાંભળ્યુ કે, મીરાં કોઈની સાથે ઘરમાં વાતચીત કરી રહી છે. તેમણે જઈને રાણાજીને ખબર આપી કે, “માતાજી કમાડ બંધ કરીને કોઈની સાથે વાત કરી રહ્યાં છે.”

રાણાજી લાલચોળ આંખો કરીને મીરાંના મહેલ તરફ ગયા. રાણાજીના હાથમાંની તલવાર સૂર્યના પ્રકાશમાં ઝગઝગ થઈ રહી હતી. રાણાએ બારણા આગળ જઈને ગર્જના કરીને મીરાંને કહ્યું: “તું છાનીમાની કોની સાથે વાતચીત કરી રહી છે? ઝટ બોલ, નહિતર જાનથી મારી નાખીશ.” મીરાંએ કમાડ ઉઘાડ્યાં. તેના ચહેરા ઉપર ભયની એક પણ રેખા નહોતી. તેની આંખમાં ઈશ્વરપ્રેમનું ઉજ્જવલ તેજ હતું. તેણે ધૈર્યપૂર્વક ઉત્તર આપ્યોઃ “હું ભગવાનની સાથે વાત કરી રહી હતી. રાણા ગર્જના કરીને બોલી ઊઠ્યા: “ક્યાં છે તારો ભગવાન? એકદમ કહી દે.” મીરાંએ ઉત્તર આપ્યો “આ મારી સન્મુખ ઊભા છે. મારા હૃદયની અંદ૨ તેમજ બહાર સર્વત્ર એ જ વસી રહ્યા છે.” મીરાંનો દૃઢ વિશ્વાસ જોઈને રાણા પણ સ્તંભિત થઈ ગયા અને નીચે મોંએ પોતાના મહેલમાં પાછા ગયા.

આખરે રાણાજીના ત્રાસથી કંટાળીને મીરાંબાઈ યાત્રા કરવા નીકળી પડી, મથુરાં, વૃંદાવન આદિ તીર્થોની યાત્રા કરતી કરતી એ દ્વારિકા નગરીમાં પહોંચી, રાણાજીએ પાછળથી મીરાંને તેડી લાવવા સારુ માણસો મોકલ્યાં હતાં. પોતાના રક્ષણનો બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી, મીરાંબાઈ ગભરાતી ગભરાતી ઇષ્ટદેવ રણછોડજીના મંદિરમાં પેસી ગઈ અને સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગી: “હે નાથ, દીનાનાથ, કૃપાળુ, ભક્તવત્સલ, અંતર્યામિ, દુ:ખભંજન, ભગવાન મારું રક્ષણ કરો. આ દુષ્ટોના હાથમાંથી મને બચાવો !!” દંતકથા એવી છે કે, એવી પ્રાર્થના કર્યા પછી તરતજ મીરાંબાઈ અંતર્ધાન થઈ ગઈ અને રણછોડજીની કૃપાથી સદ્‌ગતિને પામી ગઈ. જે લોકોએ તેને મંદિરમાં પેસતાં જોઈ હતી, તેમણે તેની ઘણીએ શેાધ કરી, પણ કંઈ પણ પત્તો લાગ્યો નહિ. અસ્તુ ! આ તો ભક્તોની માન્યતા છે. મહાન ભક્તોની અંતિમ લીલા સંબંધી ચમત્કારી વાત આપણા દેશમાં સર્વદા પ્રચલિત થાય છે, તે મીરાંબાઈના સંબંધમાં પણ એવી ચમત્કારી વાત કહેવાય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલું તો નક્કી છે કે, ભક્તશિરોમણિ મીરાંબાઈનો દેહાંત દ્વારિકા નગરમાં થયો હતો. તેનું મૃત્યુ સંવત ૧૬૦૩ ના વર્ષમાં થયેલું એમ સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા મુનશી દેવીપ્રસાદજીનો અભિપ્રાય છે; પરંતુ કેટલાકના અભિપ્રાય પ્રમાણે, ત્યાર પછી પણ થોડા વર્ષ સુધી મીરાંબાઈ વિદ્યમાન હતી.

મીરાંબાઈ ઘણી વિદ્વાન સ્ત્રી હતી. તેનાં રચેલાં પદ ભારત વર્ષમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આપણી ગુજરાતી ભાષામાં પણ તેણે ઘણાં ભજન રચેલાં છે, એમ મનાય છે અને એ ભજન સંગ્રહ એક વિદ્વાન સાક્ષર તરફથી ભવિષ્યમાં થવાનો છે, એમ સાંભળવામાં આવ્યું છે. મીરાંબાઈના ચરિત્રમાંની ખરી ઘટનાઓમાંથી દંતકથાઓ છૂટી પાડીને સત્યાસત્યનો નિર્ણય કરવાની આશા અમે એ વિદ્વાન પાસેથીજ રાખીએ છીએ.

મીરાબાઈનાં ભજનોના સંબંધમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા, જોધપુર રાજ્યના મુન્સફ કાયસ્થ કુલભૂષણ મુનશી દેવીપ્રસાદજી શું કહે છે, તે અમે નીચે જણાવીએ છીએ:—

“મીરાંબાઈનાં ભજનો દરેક સ્થાને, મંદિરોમાં, સદ્‌ગૃહસ્થોના ઘરોમાં અને સાધુસંતોના સમાજોમાં ગવાય છે. તેમાં ખરાં તો ઘણાં થોડાં છે, બાકી નકલી ઘણાં છે, સાધુસંતોએ પુષ્કળ ભજન મીરાંબાઈના નામથી બનાવ્યાં છે અને એ ભજનમાં રાણાજીને મીરાંને પતિ ગણીને સાચીખોટી ઘણી વાત કહી છે. અજ્ઞાનતાને લીધે, એ લોકો મીરાંબાઈને રાણાજીની પત્ની માને છે. ખરું જોતાં એ વાત સર્વથા જૂઠી છે.”

એક વખત જોધપુરના મહારાજ શ્રી માનસિંહજીના દરબારમાં મીરાંબાઈના નામથી પ્રચલિત થયેલું એક બનાવટી પદ ગાવામાં આવ્યું હતું. પદ સાંભળીને એક દરબારીએ પૂછ્યું હતું કે, “મીરાં સ્વર્ગમાં ગઈ હશે કે નરકમાં ?” મહારાજે પૂછ્યુ: “શા માટે ?” દરબારીએ જવાબ આપ્યો: “એ પદમાં પતિની નિંદા કરવામાં આવી છે, જેમકે—

“અબ નહિ રહું રાણા મૈં હટકી, મન લાગો ગિરિધરસું,
રાણાજી મેવાડો માકો કાંઈ કરસી;
હથ લેવો રાણા સંગ, જુડિયો ગિરિધર ઘર પટરાણી.”

મહારાજાએ કવીન્દ્ર જોશી શંભુદત્તજીની તરફ જોયું તો એમણે વિનતિ કરી જણાવ્યું કે, “અન્નદાતાજી ! એવા ભાવનાં ભજનો બોડકાઓ (સાધુઓ)નાં ઘડી કાઢેલાં છે. મીરાંબાઈ તો ઘણી મોટી સતી અને પતિવ્રતા હતી; એ શા સારૂ આવું આડુંઅવળું ભાષણ કરે ? એમણે તો ગીતગોવિંદની ટીકા રચી છે, એ પુસ્તક મંગાવીને આપ વાંચી જુઓ, એટલે આપને મીરાંબાઈનાં વિચાર અને આચરણ સ્પષ્ટ જણાઈ આવશે.”

મહારાજાએ એ ગ્રંથ મંગાવીને વાંચ્યો, તો એમાં એ ભજનોને મળતો આવતો ભાવ કંઈ દીઠામાં ન આવ્યો. રાજાની સભાના બધા સભાસદોને જોશીના કથન ઉપર વિશ્વાસ બેસી ગયો કે, સાધુઓએ એમના નામથી ઘણાં જૂઠાં પદ બનાવ્યાં છે. ઘણો ઊંડો વિચાર કર્યાથી જણાઈ આવે છે કે, એ પદમાંની કવિતા પણ કાંઈ ઊંચા પ્રકારની નથી, મીરાંબાઈ તો મોટી પંડિતા હતી અને તેની કવિતા પણ ઘણીજ સુંદર, પ્રાસાદિક અને ભક્તિરસપ્રચૂર હતી, મીરાંબાઈને નામે કપોલકલ્પિત ભજનો એટલાં બધાં પ્રચલિત થયાં છે કે એમાં એની મહત્તા અને પ્રતિભાસૂચક અસલ પદો ઢંકાઈ ગયાં છે.

મીરાંબાઈનાં બે અસલી પદ કાંચન કવિરાજ રાજાજી શ્રીસોહનસિંહજી સાહેબે પોતાના હાથથી નકલ કરીને મુનશી દેવીપ્રસાદજીને આપ્યાં છે. સોહનસિંહજી મહારાજ માનસિંહજીના પુત્ર હતા. એ પદ મોકલી આપતી વખતે તેમણે લખ્યું છે કે, “પહેલું પદ શ્રી મીરાંબાઈ દ્વારિકાના મંદિરમાં દર્શન કરવા પધાર્યાં તે વખતે ગાયું હતું અને બીજું પદ લય થતી વખતનું છે.

(રાગ સોરઠ, તાલ જલદ, તિતાલા વધીમા તિતાલા. )

હરિ કરિહો જનકી ભીર.
દ્રોપદીકી લાજ રાખી, તુમ બઢાયો ચીર;
ભક્ત કારણરૂપ નરહરિ ધ આ૫ શરીર.

હરિનકસ્યપ માર લીનો, ધર્યો નાહિન ધીર;
બૂડતે ગજરાજ તાર્યો, કિયો બાહિર નીર;
દાસ મીરાં લાલ ગિરિધર, દુઃખ જહાં ન પીર;
સાજન સુધ જ્યોં જાને, ત્યાં લીજે હા,
તુમ બિન મેરે ઔર ન કોઈ, કૃપારાવરી કીજે હો;
ધોસ ન ભૂખ ન રૈન નહિ યૂંતન, પલપલ છીજે હો,
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર મિલે બિછરન નાહિં કીજે હો.

મીરાંબાઈના ગ્રંથ

મીરાંબાઈ એ ભક્તિમાર્ગના અનેક ગ્રંથ બનાવ્યા છે. એણે નરસિંહ મહેતાનું મામેરું હિંદી ભાષામાં લખ્યું છે.

બીજો ગ્રંથ ગીતગોવિંદની ટીકાનો છે.

ત્રીજો ગ્રંથ રાગગોવિંદ નામનો છે. એ ગ્રંથ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા શ્રી. ગૌરીશંકરભાઈને મળી આવ્યો છે. મીરાંબાઇની કવિતા સંબંધી એ વિદ્વાન લખે છે કે, “મીરાંબાઈની કવિતા ભક્તિરસથી ભરેલી છે, એમાં ઈશ્વરપ્રેમ અને વૈરાગ્ય ઝળકી ઊઠે છે; તેની કવિતાની વાણી કોમળ, મધુર અને રસિક છે.”

મીરાંબાઈના ભજન

મીરાંબાઈનાં ખરેખરાં ભજનો શોધી કાઢવાનું કામ ઘણું કઠણ છે તે અમે ઉપર જણાવી ગયા છીએ. જોધપુરના પુસ્તકભંડારમાંથી તથા અન્ય વિદ્વાનોના પુસ્તકાલયમાંથી મુનશી દેવીપ્રસાદજીએ મેળવેલાં કેટલાંક ભજનો અમે નીચે ઉતારીએ છીએ:

(કાફી)

આજ અનારી લે ગયો સારી, બેઠી કદમકી ડારી, હે માય.
મારે ગેલ પડ્યો ગિરિધારી, હે માય, આજ.
મૈં જલ જમુનાં ભરન ગઈથી, આ ગયો કૃષ્ણ મુરારી, હે માય.
લે ગયો સારી અનારી મારી, જલમૈં ઊભી ઉઘારી, હે માય.
સખી સાઈનિ મોરી હસત કૈં, હસિહસિ દેમોહિ તારી, હે માય.

સાસ બુરી અ૨ નણદ હઠીલી, લરિલરિ દે મોહિ ગારી, હે માય.
મીરાં કે’ પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલકી વારી, છે માય.

(રાગ–સુખ સોરઠ)

પ્રભુજી થે કહાં ગયો નેહડી લગાય. ટેક
છાંડ ગયા વિસવાસ સંગાતી, પ્રેમ કી બાત બણાઈ.
બિરહ સમંદ મેં છાંડ ગયા છો, પ્રેમકી નાવ ચલાઈ.
મીરાં કહે પ્રભુ કબે મિલોગે, તુમ બિન રહા ન જાઈ

(પદ)

એ સહિયાં હરિ મન કાટો કિયો. ટેક
આવન કહે ગયે અજૂં ન આયો,
કરિ કરિ વચન ગયો.
ખાનપાન સુધ બુધ સબ બિસરી,
કૈસે કરિકે જિયો.
બચન તુમારે તુમહી બીસારે,
મન મેરે હર લિયો.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
તુમ બિન કૂટત હિયો.


મીરાંબાઈએ ગુજરાતી ભાષામાં પણ પદ રચ્યાં કહેવાય છે. મીરાંબાઈના નામથી પ્રચલિત પદો ગુજરાતમાં સારી પેઠે પરિચિત છે, એમાં તો બેએકનો અત્રે ઉલ્લેખ કરીશું.

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા. ટેક
સાકર શેરડીને સ્વાદ તજીને,
કડાવો તે લીમડો ઘોળ મા રે, રાધા○
ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાતે પ્રીત જોડ મા રે. રાધા○
હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાતે મણિ તોળ મા રે રાધા○
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં છે. રાધા○

ગોવિંંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. ગો○
એક મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગોવિંદો○
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંબાઈને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો○
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણ મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ. ગોવિંદો○
સાંઢવાળા ! સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ. ગોવિંદો○
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પાશ્ચિમ માંય;
સર્વે છોડી મીરાં નીસર્યા, જેનું માયામાં મનડું ન કાંય; ગોવિંદો○
સાસુ અમારી સુષમણા રે, સસરો પ્રેમ સંતોષ;
જેઠ જગજીવન જગતમાં મારો, નાવલિયો નિર્દોષ. ગોવિંદો○
ચુંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો○
મીરાં હરિની લાડીણી રે, રહેતી સંત હજૂર;
સાધુ સંઘાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગોવિંદો○