રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/યશોદા કુમારી

← વિકટ નિતંબા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
યશોદા કુમારી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ફલ્ગુહસ્તિની →




११३–यशोदाकुमारी

ધારાનગરીના નિવાસી એક વૃદ્ધ બ્રાહ્મણની કન્યા હતી. ભોજરાજા એ સમયે ધારા નગરીમાં રાજ્ય કરતા હતા. યશોદાને પિતા તરફથી ઘણું સારું શિક્ષણ મળ્યું હતું. સંસ્કૃત ભાષામાં તે સારી કવિતા પણ રચી જાણતી.

એક વખતે ભોજરાજા લશ્કરની કવાયત જોવા સારૂ ગયો હતો તે વખતે યશોદાએ તેને એક શ્લોક સંભળાવ્યો કે, “હે રાજેન્દ્ર ! તમારો પ્રતાપરૂપી સૂર્ય છત્ર વગરનાઓનો ત્યાગ કરીને છત્રવાળા શત્રુઓના સમૂહને તપાવે છે, એ આશ્ચર્ય છે. વળી હે રાજન ! તમારા પ્રતાપરૂપી અગ્નિથી સાતે સમુદ્ર સુકાઈ ગયા હતા, પણ તમારા વેરીઓની વનિતાઓનાં આંસુના પ્રવાહોથી એ પાછા ભરપૂર થયા છે.” આ શ્લોકો સાંભળીને રાજા ઘણો પ્રસન્ન થયો. રાજાએ લોકોની મેદનીમાંથી તેને આગળ લાવી અને આસન ઉપરથી ઉતરીને તેનું સન્માન કર્યું અને પોતાની આટલી બધી સ્તુતિ કરવાનું કારણ પૂછ્યું. તેણે ઉત્તર આપ્યો: “રાજન ! મેં આપની જે પ્રશંસા કરી છે તે અનુચિત નથી. આપનો ઉજ્જવળ યશ જગતમાં સર્વત્ર આનંદદાયી નીવડ્યો છે. આપનું સૈન્ય જોઈને મને ઘણો આનંદ થાય છે. મહારાજ ! સર્વત્ર આપનો વિજય થશે.” આ સાંભળી ભોજરાજે દરેક શબ્દદીઠ લાખ લાખ રૂપિયાનું ઇનામ યશોદાને આપ્યું તથા એની સ્તુતિના ઉત્તરમાં જણાવ્યું કે, “બહેન ! યુદ્ધની સામગ્રીઓને તૈયા૨ ૨ાખવી એ ક્ષત્રિયનો ધર્મ છે, કેમકે આફતને વખતે એ એકદમ કામ આવે છે. રોગ તથા શત્રુને ઊગતાંજ છેદવા જોઇએ. રાજા એમાં બેદરકાર ન રહેવું જોઈએ."

યશોદાએ વિદાય થતી વખતે રાજાને આશીર્વાદ આપ્યો કે, "આપ વિદ્વાન અને સરસ્વતીના ઉપાસકોના આશ્રયદાતા છો. આપની વિદ્યાભિરુચિ અને જ્ઞાન અખંડ રહો.”