રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/વીરકન્યા તાજકુંવર

← શશિવૃતા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
વીરકન્યા તાજકુંવર
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દેવળદેવી →


१३४–वीरकन्या ताजकुंवर

રમણી કાનપુરની પાસે ગંગાકિનારે વસેલા કિસોરા નામના ગામના નાના પણ સ્વતંત્ર ઠાકોર સજ્જનસિંહની કન્યા હતી. તેના ભાઈનું નામ લક્ષ્મણસિંહ હતું. તાજકુંવર સૌંદર્યની પ્રતિમા હતી. તેના સૌંદર્યની પ્રશંસા ચારે તરફ પ્રસરી રહી હતી. એ સમયે મુસલમાન બાદશાહોનો પ્રવેશ હિંદુસ્તાનમાં થઈ ચૂક્યો હતો. ગંગાની આસપાસના સુંદર મનમોહક પ્રદેશ ઉપર તેમણે અધિકાર મેળવવા માંડ્યો હતો. તાજકુંવરના સૌંદર્યની વાત મુસલમાન બાદશાહને કાને પણ પહોંચી અને તેણે તેને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. એ જાણતો હતો કે સજ્જનસિંહ ખરો વીર પુરુષ છે. જબરદસ્તીથી માગણી કરવા જઈશ તો એ કદી પોતાની કન્યા આપવાનો નથી; ઊલટું મેં ઘણી સત્તા હિંદુસ્તાનમાં જમાવી છે, તેનો પણ નાશ થશે, એટલા માટે જ્યાંસુધી પોતાની સત્તા ઘણી પ્રબળ ન થાય ત્યાં સુધી એવું સાહસ કરવાનું તેણે મુલતવી રાખ્યું.

સજ્જનસિંહે પઠાણો સાથે અનેક વાર યુદ્ધ કરીને કિસોરા સંસ્થાનનો બચાવ કર્યો હતો. એક વખત કાનપુર જીતવા જતી ફોજમાંની અડધી ટુકડીએ નાનકડા કિસોરા ઉપર હુમલો કર્યો હતો, પણ સજ્જનસિંહના પરાક્રમ અને સાહસ આગળ એ ગંજાવર સૈન્યનું પણ કાંઈ વળ્યું નહિ. આ પ્રમાણે કિસોરાનું નાનું રાજ્ય પોતાની સ્વતંત્રતા ટકાવી શક્યું હતું. એ રાજ્ય નાનું પણ ફળદ્રુપ હતું, કારણકે ગંગા નદીનો જળપ્રવાહ કિસોરાની ઘણીજ પાસે થઈને વહેતો હતો, એને લીધેજ કિસોરાની સમૃદ્ધિ હતી.

સજ્જનસિંહે કિસોરા શહેરને એક મજબૂત કોટ બંધાવ્યો હતો અને લશ્કરી બંદોબસ્ત પણ ઘણો સારો રાખ્યો હતો. પઠાણોએ તેને જીતવાને ઘણાએ પ્રયત્નો કર્યા હતા, પણ પોતાની હયાતીમાં કિસોરાનું સ્વાતંત્ર્ય નહિ ગુમાવવાનો સજ્જનસિંહે દૃઢ સંકલ્પ કર્યો હતો.

એવા તેજસ્વી રાજપૂત વીરનાં સંતાન પણ તેજસ્વીજ હતાં. લક્ષ્મણસિંહ પણ વીરોચિત ગુણોમાં પિતાના જેવોજ હતો. કન્યા તાજકુંવરે પણ ક્ષાત્રકર્મમાં પૂરૂં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. તીર ચલાવવામાં એ એવી નિપુણ હતી કે પૌરાણિક યુગના શરસંધાનમાં એક્કા ગણાતા યોદ્ધાઓનું તે સ્મરણ કરાવતી. ક્ષત્રિયો તેને ઘણું જ સન્માન આપતા અને દેવકન્યા સમાન ગણતા. એક પ્રસંગે એ પણ મુસલમાન સાથે યુદ્ધ કરવા ગઈ હતી. એ યુદ્ધમાં તેને વિજય મળ્યો હતો. કિસોરાના દરવાજા આગળ ડાબા હાથમાં શત્રુના લોહીથી ખરડાયેલો લાંબો ભાલો પકડીને અને જમણા હાથમાં રક્તમાંસથી તરબોળ થઈ ગયેલી તલવાર પકડીને ઘોડા ઉપર સવાર થયેલી એ દેવકન્યાને જોઈને કિસોરાની પ્રજાએ જયજયકાર કરી મૂક્યો હતો.

લક્ષ્મણસિંહ અને તાજકુંવરની માતા તેમને નાના મૂકીનેજ મરણ પામી હતી, ત્યારથી એ બન્ને ભાઈબહેન સંપીને આનંદપૂર્વક રહ્યાં હતાં. મૃગયાનો બન્નેને ઘણો શોખ લાગ્યો હતો.

એક દિવસ સૂર્યાસ્ત થવાને એકાદ કલાકની વાર હતી એ સમયે હથિયાર સજીને એ ભાઈબહેન, પિતાની આજ્ઞા લઈને ગંગાની આસપાસના પ્રદેશમાં શિકાર રમવા ગયાં હતાં. કિસોરાના જે પ્રદેશમાં થઈને ગંગાનો પુણ્ય પ્રવાહ વહી રહ્યો છે, તે પ્રદેશમાં બન્ને જણાં વાતો કરતાં કરતાં ધીમે ધીમે ઘોડેસવાર થઈને જતાં હતાં. વાયુની ઠંડી લહેરોનું સેવન કરતાં કરતાં તેઓ બન્ને જણ એક નાળા આગળ આવી પહોંચ્યાં.

લક્ષ્મણસિંહે પૂછ્યું: “કેમ બહેન ! તું એમ કહે છે કે તું મારા કરતાં વધારે પઠાણોને ઠાર મારીશ ?”

તાજકુંવરે કહ્યું: “હા, અવશ્ય !

લક્ષ્મણસિંહે જવાબ આપ્યો: “પણ બહેન ! તને હજુ પુરુષના બળની ખબર નથી.”

તાજકુંવરે કહ્યું: “ ત્યારે તમે મને બિલકુલ નિર્બળ સમજો છો ? ભાઈ !ખરેખાત હું તમારા કરતાં વધારે પઠાણોનેજ મારવાની.”

જુવાન ભાઈબહેન આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યાં હતાં, એવામાં એકાએક એક સ્વર તેમને કાને પડ્યો: “અય ! કાફિર ! જબાન સમાલકે બોલ” આ ઉદ્‌ગાર સામી બાજુની ઝાડીમાંથી આવ્યા. થોડીકજ વારમાં બે મોટા પથ્થર ધડાક કરતાં લક્ષ્મણસિંહના ઘોડાની ગરદન ઉપર આવી પડ્યા. એ જોઈને બન્ને જણ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં, પણ તરતજ તેઓ પરીસ્થિતિ સમજી ગયાં. પઠાણને જોઈને જ તાજકુંવર બોલી ઊઠી: “ભાઈ ! જોઈએ કે કોની તલવાર વધારે પઠાણોનાં મસ્તક તોડે છે.”

“હા જોઈ લેજે.” એટલું કહીને લક્ષ્મણસિંહ ગરજી ઊઠ્યો “હે તુર્ક ! રજપૂતોને કાફિર કહેનાર તું કોણ છે ? મોં સંભાળીને બોલજે. હજુ સુધી રજપૂત સાથે કામ પડ્યું હોય એમ દીસતું નથી.” એમ કહીને તેણે પોતાનો ઘોડો તેના અંગ ઉપર ધસાવ્યો. તાજકુંવર અને લક્ષ્મણસિંહ હથિયાર સજીને તૈયાર થઈ ગયાં, એટલામાં ઝાડીમાંથી દસબાર પઠાણ લાઠી લઈને તેમને મારવા ધસી આવ્યા; પણ આ વીર ભાઈબહેન આગળ તેમનું કાંઈ વળ્યું નહિ. તાજકુંવર અને લક્ષ્મણસિંહના તીક્ષ્ણ ભાલાના પહેલેજ સપાટે ચારપાંચ પઠાણો નીચે પડ્યા. લક્ષ્મણસિંહે તાજકુંવરને હર્ષભેર કહ્યું: “જોયું બહેન ! આખરે તારીજ સંખ્યા ઓછી રહી.” અભિમાની બાલિકાને એ શબ્દોથી ઘણું લાગી આવ્યું. તેણે તરત જ શરસંધાન કરીને બે પઠાણોને ઠાર કર્યા. બાકીના પઠાણો જીવ લઈને નાસી ગયા. આ પ્રમાણે બન્નેને મનમાન્યો શિકાર મળ્યો, એટલે ભાઈબહેન પ્રસન્ન થયાં અને ઘેર જઈને હર્ષભેર પિતાજીને બધા સમાચાર કહ્યા. સજ્જનસિંહે બાળકોની વીરતાના સમાચાર જાણી ઘણો હર્ષ પ્રગટ કર્યો.

તેમનો એ દિવસ તો આનંદમાં વ્યતીત થઈ ગયો, પણ બધા દિવસ કાંઈ એકસરખા જતા નથી. બીજો દિવસ ઊગતા પહેલાં કિસોરા ઉપર નવું સંકટ આવી પડવાનાં ચિહ્‌ન જણાવા લાગ્યાં. ઉપર અમે જણાવ્યું છે કે લક્ષ્મણસિંહ અને તાજકુંવરની સાથે યુદ્ધ કરનારા પઠાણેમાંના બે જીવ લઈને નાસી ગયા હતા. તેમણે જઈને પોતાની દુર્દશાનો વૃત્તાંત પોતાના બાદશાહને કહ્યો. બાદશાહને હવે સજ્જનસિંહને સતાવવાનું બહાનું મળ્યું. કિસોરા નગરના અને કિસોરા નગરની શોભારૂપ અત્યંત સૌંદર્યવતી તાજકુંવરના સ્વામી બનવાની તેને તીવ્ર ઈચ્છા હતી. તરતજ તેણે પોતાના સરદારને લડાઈની તૈયારી કરવાનો હુકમ આપ્યો અને સજ્જનસિંહને ખબર મોકલાવી કે, “તારી છોકરીએ મારા સૈનિકોને વગર કારણે ત્રાસ આપ્યો છે, માટે તું એ છોકરીને મારે સ્વાધીન કર; નહિ તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા.” આ સંદેશો સાંભળીને સજ્જનસિંહ અને તેના અનુયાયીઓને ઘણોજ ક્રોધ વ્યાપી ગયો. તેમણે તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે, “આખું કિસોરા શહેર પોતાના પ્રાણ આપવા તૈયાર છે. અમે કદી પણ અમારા કુળને કલંક લગાડનારૂં કૃત્ય કરીશું નહિ. દુષ્ટ યવનોનો સંહાર કરવા સારૂજ રજપૂતો જન્મ ધારણ કરે છે.” આ ઉત્તર સાંભળીને મુસલમાન બાદશાહનો ક્રોધ વધી ગયો. ઘણું મોટું સૈન્ય લઈને એ કિસોરા ઉપર ચડાઈ લઈ ગયો. કિસોરા ઉપર એક મોટું સંકટ આવી પડ્યું, પણ રજપૂત વીરો જરા પણ ભયભીત થયા નહિ. તેમણે પણ તૈયારી કરી રાખી હતી. મરતાં સુધી સ્વતંત્રતાને માટે લડવાનો તેમણે નિશ્ચય કરી રાખ્યો હતો.

પ્રત્યેક રજપૂત વીર પોતાના પવિત્ર કુળની ખાતર, પ્રાણથી પણ અધિક પ્રિય સ્વાધીનતાની ખાતર અને સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જન્મભૂમિની ખાતર देहं पातयामि वा कार्यं साधयामि । એ સંકલ્પ કરીને હથિયાર સજીને શત્રુની રાહ જોતો નગરના કોટ આગળ ઉભો હતો, એટલામાં શત્રુઓએ કિસોરા શહેરને બહારથી ઘેરો ઘાલ્યો અને ફરીથી સંદેશો કહાવ્યો કે, “હજુ સમજી જાઓ. તાજકુંવરને અમારા હાથમાં સોંપી દઈને તમારા રાજ્યની સ્વતંત્રતાનો બચાવ કરો.” પણ રજપૂતો એવી ધમકી સાંખી રહે એવા બાયલા નહોતા. “અમે અમારી સ્વતંત્રતાનું રક્ષણ યુદ્ધથીજ કરીશું” એવો સ્પષ્ટ ઉત્તર તેમણે મોકલી આપ્યો. હવે મુસલમાનોને યુદ્ધ કર્યા સિવાય છૂટકો જ નહોતો. યુદ્ધ આરંભાયું.

આ સમયે ઉત્તર તરફના એક ઊંચા બુરજ ઉપર બે તરુણ ધનુષ્યબાણ સજીને ઊભા હતા. બન્નેની ઊભા રહેવાની છટા ઘણીજ ચિત્તાકર્ષક હતી. બન્નેના ચહેરા ઘણા મનોહર દેખાતા હતા; પણ એ બે તરુણોમાંથી એકના મુખ ઉપર સુકુમારતા વધારે સ્પષ્ટ જણાઈ આવતી હતી. તેનો ચહેરો નયનરંજક હતો. વાચકવૃન્દ ! એ તરુણ કોણ હતો ? એ તો વીરવેશધારી આપણી ચરિત્રનાચિકા વીર કન્યા તાજકુંવર હતી. તેનાં નેત્રોમાંથી આ વેળાએ અગ્નિ વરસી રહ્યો હતો. યુદ્ધ શરૂ થતાંવારજ યવનોએ પહેલાં તો કોટના દરવાજા ઉપર હુમલો કરીને તેને તોડી નાખ્યા તથા એ રસ્તે અંદર પેસવાનું શરૂ કર્યું. રજપૂતોએ ઘણું પરાક્રમ બતાવીને એ વખત તેમને પાછા હઠાવ્યા; પરંતુ આખરે શત્રુઓએ કિસોરા શહેરમાં પ્રવેશ કર્યો. એ વખતે ઘણું જ ભયંકર યુદ્ધ થયું. તેમાં રાજા સજ્જનસિંહ મરણ પામ્યો અને રજપૂતપક્ષ નબળો પડ્યો.

પેલી તરફ લક્ષ્મણસિંહ અને તાજકુંવર બુરજ ઉપરથી શત્રુઓ ઉપર તીરોનો એકસરખો વરવાદ વરસાવી રહ્યાં હતાં. સજ્જનસિંહના મૃત્યુ વખતે યવન લશ્કરમાં જયજયકારનો ધ્વનિ થયો અને આખા શહેરમાં મુસલમાન સેના પ્રસરી ગઈ, પરંતુ લક્ષ્મણસિંહ અને તાજકુંવર એ સમયે પણ ઉપરાઉપરી બાણ છોડીને અનેક મુસલમાનોને ભોંયભેગા કરતાં હતાં. તાજકુંવરની છટા જોઈને મુસલમાન સેનાપતિ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે આજ્ઞા આપી કે, “સરદાર ! ગમે તેમ કરીને આ તરુણ (તાજકુંવર)ને જીવતો પકડજો. જો કોઈ એ કામ પાર ઉતારશે તેને હું બક્ષિસ…” એટલું બોલતાં બોલતાંમાંજ તે બેશુદ્ધ થઈને નીચે પડ્યો અને મરણ પામ્યો. જે સમયે તેણે તાજકુંવર તરફ ઈશારો કરીને તેને જીવતી પકડવાની સૂચના કરી હતી, તેજ સમયે તાજકુંવરે તેના તરફ તાકીને તીર માર્યું હતું અને એ એકજ તીરે તેની જિદગીનો અંત આણ્યો હતો. એ સમયે તેના અનુયાયીઓ ‘દીન દીન’ કરતા બુરજ ઉપર ચડી ગયા. તેમની સાથે યુદ્ધ કરવામાં તાજકુંવરે ઘણી બહાદુરી બતાવી. તેણે એકંદરે ૮૦ પઠાણોને ઠાર માર્યા; પણ યવનસેના ઘણી પાસે આવતી ગઈ ત્યારે તેણે ભાઈને પોતાનું રક્ષણ કરવાનો વિનતિ કરી, પરંતુ રક્ષણનો કોઈ ઉપાય નહોતો. વાચક ! લક્ષ્મણસિંહે તાજકુંવરનું કેવી રીતે રક્ષણ કર્યું તે સાંભળવા માગો છો ?

યવનનો સ્પર્શ પોતાની પવિત્ર બહેનને ન થાય એટલા સારૂ વીરયુવકે પોતાની તલવાર એકદમ ઉગામી, મમતાનું આવરણ એકદમ કાઢી નાખ્યું અને પોતાને હાથેજ તાજકુંવરના બે કકડા કરીને તેને શત્રુઓના હાથમાં જતી બચાવી. તાજકુંવર પણ એથી પ્રસન્ન થઈ હતી. આખરે લક્ષ્મણસિંહ પણ શત્રુઓની સાથે યુદ્ધ કરતાં કરતાં મરણ પામ્યો. રાજસ્થાનમાં આજ પણ તાજકુંવરના પરાક્રમનાં યશોગાન ગવાય છે.