← સંયુક્તા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
શશિવૃતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વીરકન્યા તાજકુંવર →


१३३–शशिवृता

દેવગિરિના રાજા ભાનુરાય યાદવની કન્યા હતી. એ અનુપમ સૌંદર્યવતી રમણી હતી. ભાનુરાયની ઇચ્છા એનું લગ્ન જયચંદના ભત્રીજા વીરચંદ કમધજ્જની સાથે કરવાની હતી; એટલા માટે એણે પોતાના ગોરની સાથે જયચંદની પાસે નાળિયેર પણ મોકલી દીધું હતું. એ લઈને ગોર કનોજ ગયો; પરંતુ શશિવૃત્તા પૃથ્વીરાજની પ્રશંસા સાંભળીને એના ઉપર મુગ્ધ થઈ ગઈ હતી. એણે સંકલ્પ કર્યો હતો કે, “વરીશ તો પૃથ્વીરાજને જ વરીશ.” પૃથ્વીરાજને પણ એ સમાચાર પહોંચી ગયા હતા.

લગ્નનો સમય પાસે આવ્યો ત્યારે કનોજથી વીરચંદ પોતાની સેના તથા સામંતોને લઈને પરણવા સારૂ દેવગિરિ તરફ રવાના થયો. એ વૃત્તાંત મળતાં પૃથ્વીરાજ પણ અનેક સૈનિકોને લઈને એ તરફ રવાના થયો.

શશિવૃત્તાનાં માતાપિતાએ જ્યારે કન્યાનો મનોભાવ જાણ્યો ત્યારે તેમણે પુત્રીને સમજાવવામાં મણા ન રાખી; પરંતુ શશિવૃત્તા જીવ જાય તોપણ વીરચંદને પરણવા તૈયાર નહોતી. તેની એ દશા જોઈને રાજાએ મંત્રીની સલાહ લીધી. મંત્રીએ કહ્યું કે, “આપ વીરચંદને ચાંલ્લો મોકલી ચૂક્યા છો, માટે હવે એની સાથેજ રાજકુમારીનું લગ્ન કરવું જોઈએ.” પરંતુ પોતાની કન્યા ઉપરની મમતાને લીધે રાજાએ એમ ન કરતાં, પોતાને હાથે પત્ર લખીને પૃથ્વીરાજને મોકલ્યો. એમાં લખ્યું હતું કે, “શશિવૃત્તા શિવાલયમાં બેઠી હશે. આ૫ આવીને ત્યાંથી એને લઈ જશો.”

એ સમાચાર મળતાંવારજ પૃથ્વીરાજ પોતાની સેનાનો પ્રબંધ એક વિશ્વાસુ સામંતને સોંપી, જાતે બે સામંત લઈને દેવગિરિ તરફ ગયો. શશિવૃત્તા પણ આતુરતાથી પૃથ્વીરાજની વાટ જોઈ રહી હતી. પૃથ્વીરાજના આવ્યાના સમાચાર એને મળી ચૂક્યા હતા. એક દિવસ તેણે રાજમહેલમાંથી પૃથ્વીરાજને જતો જોયો. પૃથ્વીરાજને પણ ખબર પડી ગઈ કે, પોતાના આવ્યાના સમાચાર રાજકુમારીને પહોંચ્યા છે. શશિવૃત્તા બીજે દિવસે પિતાની આજ્ઞા લઈને શિવપૂજન કરવા ગઈ. એની સાથે કમધજ્જ અને શશિવૃત્તાના પિતાની સેના પણ હતી.

પૃથ્વીરાજે આ સમયે યુક્તિ વાપરી. એણે પોતાના સિપાઈઓને યોગીઓના વેશમાં વીરચંદ કમધજ્જની સેનામાં દાખલ કરી દીધા. શસ્ત્રોને છુપાવીને એ લોકો એની સેનામાં ઘૂસ્યા. બીજી તરફથી પૃથ્વીરાજ પણ અશ્વ ઉપર સવાર થઈને મંદિરની પાસે ગયો અને શશિવૃત્તા મંદિરની બહાર પૂજા કરીને નીકળી એ વખતે તેનો હાથ પકડીને ઘોડા ઉપર બેસાડી ચાલ્યો ગયો.

શશિવૃત્તાનું હરણ થયેલું જોઈ વીરચંદની સેના પૃથ્વીરાજની પાછળ પડી. બન્ને પક્ષ વચ્ચે ઘણું ભારે યુદ્ધ થયું. શશિવૃત્તાનો ભાઈ એ યુદ્ધમાં માર્યો ગયો. બન્ને પક્ષના હજારો સૈનિકોનું બલિદાન અપાયા પછી પૃથ્વીરાજ શશિવૃત્તાને લઈને સહીસલામત દિલ્હી પહોચ્યો.

સંયુક્તાને પૃથ્વીરાજ પરણ્યો ત્યાંસુધી શશિવૃત્તા એના ગળાનો હાર બની રહી હતી. શશિવૃત્તાનો પતિપ્રેમ જન્મભર ઓછો થયો નહોતો. સપત્નીઓ સાથે તેની વર્તણૂક બહેનના જેવી હતી.

શશિવૃત્તાનું વિશેષ વૃત્તાંત જાણ્યામાં આવ્યું નથી.