લાગ્યાં શબદનાં બાણ
ગર્જના
રવિસાહેબ



લાગ્યાં શબદનાં બાણ

જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.

પતિવ્રતા જેના પિયુ પરદેશે,
એની કેમ ઝંપાવું ઝાળ રે ?
નાથ વિના અમને નિંદ્રા ન આવે,
સૂતા સેજલડી શૂળી સમાન રે… જેને.

દીપક દેખી જ્યારે મનડા લોભાણાં,
ત્યાં પતંગે છોડ્યા એના પ્રાણ રે,
આપ પોતાનું જ્યારે અગ્નિમાં હોમ્યું,
ત્યારે પદવી પામ્યો એ નિર્વાણ રે… જેને.

ચંદ્ર ચકોરને પ્રીત બંધાણી,
બંદા ચાંદો વહે આસમાન રે,
દેહ ઉલટાવે તોય દ્રષ્ટિ ન પલટે,
જેનાં નયણાંમાં ઘૂરે એ નિશાન રે… જેને.

જળ શેવાળને પ્રીત ઘણેરી બંદા,
મીન વસે જળ માંય રે,
સૂકા ગયા નીર ત્યારે પ્રાણ વછૂટ્યા,
જો જો પ્રીત કર્યાના પ્રમાણ રે… જેને.

ઊડી ગઈ રજની ઢળી ગયા તિમિર,
તોય ન મટ્યાં અભિમાન રે.
કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
તોય ન મટ્યાં અભિમાન રે… જેને.

કહે રવિદાસ સત ભાણ પ્રતાપે,
સ્વપ્નું સંસારિયો જાણ રે,
જેને વાગ્યા શબદના બાણ રે,
જેના પ્રેમે વીંધાયેલા પ્રાણ રે.