લીલુડી ધરતી - ૨/કોરી ધાકોર ધરતી
← જડી ! જડી ! | લીલુડી ધરતી - ૨ કોરી ધાકોર ધરતી ચુનીલાલ મડિયા |
આવ્યો આષાઢો ! → |
સંતુનો ખાલી ખોળો આકસ્મિક રીતે ભરાયો એ જોઈને સમજુબા સમસમી રહ્યાં. જીવા ખવાસની આંખમાં પણ ઝેર રેડાયું. પણ પેલા ભેદી બહુરૂપીઓ ગામમાં આંટો મારી ગયા એ પછી પોતાની વાડીમાં ગેરકાયદે સિક્કા પડાવાની તથા અમથીવાળા દાણચોરીના સોનાની ઘાલમેલ પર સરકારનો ડોળો છે એવો વહેમ આવતાં ઠકરાણાં હમણાં હમણાં સસલાં જેવાં સોજાં થઈ ગયાં હતાં. માથે મોટો ભય તોળાઈ રહ્યો હોવાથી ઠકરાણાં નમીને ચાલતાં હતાં. ગામમાં હવે વિરોધીઓ વધારવાનું એમને મુનાસબ લાગતું નહોતું. પરિણામે ઘણા ય કડવા ઘૂંટડા એમને ગળી જવા પડતા હતા.
જીવા ખવાસની સ્થિતિ પણ સમજુબા જેવી જ વિષમ હતી. પેલા બહુરૂપીઓએ વિવિધ વેશ કાઢીને જ બેસી ન રહેતાં, સાંભળનારને વહેમ આવે એવી આડીઅવળી પૂછગાછ કરેલી; અનેકાનેક અસંબદ્ધ એવી વાતો કરેલી; તખુભા બાપુની અને પંચાણ ભાભાની તબિયતની ખબર પૂછેલી, તેથી જીવો વધારે વહેમાયેલો અને એમાં ય એક વાર તો ખરે બપોરે એ વેશધારીઓ ખીજડિયાળા ખેતરનાં વાડીપડાની લગોલગ આવી ગયેલા ત્યારે તો જીવાને પાકો વહેમ બંધાયેલો કે આ લોકો કોઈ છૂપી પોલીસના માણસો જ છે, અને કૂવાને તળિયે ગોઠવેલા સિક્કા પાડવાના યંત્રની એમને ગંધ આવી જ ગઈ છે. એ તો સદ્ભાગ્યે મુખીએ એ બહુરૂપીઓને અભ્યાગત ગણીને ઊઘરાણું કરી આપ્યું, ને પંચાઉ ફાળે ચૂરમાના લાડવા જમાડીને વિદાય કરી દીધા અને તુરત તો કશો અજુક્તો બનાવ બન્યો નહિ; છતાં જીવાના પેટમાં જે ફડક પેસી ગયેલી એ હજી ય પૂરી દૂર થઈ નહોતી.
તેથી જ તો, સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં માનતા પૂરી કરવા માટે સંતુએ જ્યારે નથુસોનીનું જ ઘડેલું છત્તર સતીમાના ફળા ઉપર ઝુલાવ્યું અને જીવા ખવાસે પેટે બળતાં ઠકરાણાંને સમાચર આપ્યા કે ‘કણબીની સંતુડીએ તો આપણે ચડાવ્યું’તું ઈ છત્તર કરતાં ય દોઢેરું મોટું છત્તર ચડાવ્યું,’ ત્યારે સમજુબા વધારે સમસમી રહ્યાં.
ઠકરાણાંની આ ઈર્ષાના મૂળમાં પેલા છત્તરનું દોઢું કદ જ જવાબદાર નહોતું; એ ઈર્ષાગ્નિનાં મૂળ તો અદકેરાં ઊંડાં ને એથીય અદકેરાં સૂક્ષ્મ હતાં.
ભાંગેલી ઠકરાતનાં આ ઠકરાણાં પોતાની રાંકડી રૈયતનાં સૌભાગ્ય સાથે પોતાનું સૌભાગ્ય સરખાવી રહ્યાં હતાં. રૈયતની એક એક વ્યક્તિ એમની નજર સામે આવતી હતી અને પોતા કરતાં એ કેટલી વધારે નસીબદાર છે એની તુલના થઈ જતી હતી. ગિધાની વહુ ઝમકુ કેવી નસીબદાર કે પોતાને અણગમતા ધણીને પનારેથી છૂટીને મનગમતા માણસના ઘરમાં બેસી ગઈ ! અમથી સુથારણ કેવી નસીબદાર કે મલક આખો ખૂંદીને પાતાળ ફોડીને ય પોતાના ગિરજાને ગોતી કાઢ્યો ને સરેધાર એને દીકરો થાપીને બેસી ગઈ ! અરે, આ જુસ્બા ઘાંચી જેવા ઘાંચીની ઘરવાળી એમણા ય કેવી નસીબદાર છે !...અને સંતુ ?...
એ જ તો આ ઈર્ષાગ્નિના મૂળમાં છે. ઘડીભર તો ઠકરાણાંને થઈ આવ્યું કે સંતુને સ્થાને આજે હું હોત તો આજે કેટલી સુખી હોત ! સંતુનો ધણી કમોતે મરી ગયો, પણ એણે એ મૃત્યુ છુપાવવું નથી પડ્યું. મારે તો દરબારને સ્થાને એક ખવાસને ગોઠવીને, પતિ હજી હયાત છે એવું છળ રમવું પડ્યું છે. અરે, મારા કરતાં તો ઊજમ નસીબદાર છે, કે એણે અદૃશ્ય બનેલા પતિનું પણ અડદનું પૂતળું બાળી નાખીને એની અંતિમ ક્રિયા કરી નાંખી અને નિખાલસપણે પોતિનું વૈધવ્ય જાહેર કરી શકી... અને સંતુ ?...
ઠકરાણાં પોતાના કરમને જ દોષ દઈ રહ્યાં. વિધિની વક્રતા તો જુઓ ! નિઃસંતાન સંતુએ પારકા સંતાનને પોતાનું કર્યું અને એ સુખી થઈ ગઈ; એનું ગાંડપણ ચાલ્યું ગયું ને ઘરમાં આનંદમંગળ વરતાઈ રહ્યાં. સંતુએ તો જાહેર રીતે હસતે મોંએ પારકા જણ્યાને પોતાનું કર્યું, ને એમાં એણે ધન્યતા અનુભવી. મેં ગુપ્ત રીતે, છળકપટ કરીને પારકા સંતાનને મારું કરીને સ્થાપ્યું, પણ નસીબમાં એ ન સમાયું.
સંતુના કિસ્સામાં શાર્દૂળનું નામ સંડોવાયેલું ત્યારથી જ સમજુબાએ એ યુવતીને દાઢમાં રાખેલી. જીવા ખવાસની સહાયથી એને હેરાનપરેશાન કરવામાં કશું જ બાકી નહોતુ રાખ્યું; અને છતાં આજે પોતાના કરતાં એ ગરીબ શ્રમજીવી વધારે સુખી ને સદ્ભાગી લાગતાં સમજુબા પોતાના જીવનની ભયંકર વિફળતા નિહાળી રહ્યાં.
ગુંદાસરમાં બે માતાઓનું સંતાનસુખ સમજુબાને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતુ : એક અમથીનું, ને બીજું સંતુનું. રખડતી માગણને વેશે અમથીએ ગામમાં આવીને પોતાના પેટના જણ્યા ગિરજાપ્રસાદનો કબજો લઈ લીધો ત્યારે શાદૂળની એ સાચી જનેતાને ઠકરાણાં સુખે રહેવા નહિ દે, બન્ને વચ્ચે ચકમક ઝરશે, સંભવત : સમજુબા આ સુથારણનું જડાબીટ કાઢી નાંખશે, ગામમાંથી રાતોરાત ઉચાળા ભરાવશે, એવી જાણકારોની દહેશત હતી. પણ અમથી પાસે જે ગુપ્ત ખજાનામાં અઢળક સોનું હતું તે જોઈને તો મુનિવરો પણ ચળે; તો દાયકાની આળસને પરિણામે ઘસાઈ ઘસાઈને મુફલિસ થઈ ગયેલાં ઠકરાણાંનું શું ગજું ? સમજુબા પણ આ સુથારણની મબલખ સંપત્તિ જોઈને અંજાઈ ગયાં, એટલું જ નહિ, એ સોનાના ગેરકાયદે વેપારમાં પોતે ભાગીદાર બન્યાં. જોતજોતામાં જ આ બન્ને સ્ત્રીઓ વચ્ચે જે ગાઢ બહેનપણાં–સહીપણાં જામી પડ્યાં એ જોઈને તો જાણકારોએ આંગળાં કરડ્યાં.
હવે બાકી રહી એક સંતુ. જીવા ખવાસે તો એક વાર ઠકરાણાંને સૂચન કર્યું પણ ખરું કે ‘બાનો હુકમ હોય તો ઈ સંતુડીનો બાંધ્યો માળો વીંખી નાખીએ.’ પણ સમજુબા આ ખવાસ કરતાં વધારે સમજુ હતાં. પેલા બહુરૂપીઓ જે ગુપ્ત તપાસ કરી ગયા હતા એમની તલવાર તો માથા પર તોળાતી જ હતી અને એ સ્થિતિમાં ગામમાં વધારે વેરઝેર વાવવાનું એમને હિતાવહ નહોતું લાગતું; અને આટલું જાણે કે ઓછું હોય એમ એક બ્રાહ્મણ ટહેલિયો ગામમાં આવ્યો.
ઉઘાડું ડિલ, ઉઘાડા પગ, કપાળમાં ત્રિપુણ્ડ, લાંબી શિખા અને પૂળોએક દાઢી લઈને આ બ્રાહ્મણે એક સવારના પહોરમાં ‘રામભરોસે’ના આંગણામાં ઊભીને ટહેલ નાખી :
‘ટેલિયા ભામણની ટેલ છે...
ધરતીને મન સહેલ છે...’
ધર્મી લોકોને મન સાવ સહેલું હોવાનું જે એ કહેતો હતો એ માત્ર હજાર રૂપિયાની મામુલી રકમ જ હતી.
બ્રહ્મપુત્ર એક નાજુક ધર્મસંકટમાં આવી ૫ડેલા અને એમાંથી મુક્ત થવા માટે રોકડા હજાર રૂપિયાની જ એમને જરૂર હતી; અને એ ઉઘરાવવા માટે બીજું કોઈ નહિ ને ગુંદાસર ગામ જ પસંદ કર્યું હતું.
ભૂતેશ્વરની આ ધરમશાળામાં ઊતરવાને બદલે ગામની વચ્ચોવચ્ચ, ચોરામાંજ આ ટહેલિયાએ ઉતારો રાખ્યો હતો. વહેલી સવારમાં ઊઠીને એ ટહેલ નાખવા નીકળી પડતો. બરોબર ગણીને સાત ડગલાં ચાલીને એ થોભી જતો અને ટહેલની વિગતો અને પોતાની આપવીતી અપદ્યાગદ્ય જેવા લયમાં લલકારી દેતો, અને વળી આગળ વધતો. એની ટહેલનો મુખ્ય મુદ્દો અને ટૂંક સાર આ પ્રમાણે હતો :
પોતે યજમાનવૃત્તિ પર નભનાર ગરીબ બ્રાહ્મણ હતો. ઘરમાં ઘેરો એક છોકરાં હતાં, મોટી દીકરી પરણાવેલ હતી. થોડા દિવસ પહેલાં પુત્રી આણું વાળીને પિયર આવેલી અને સાથે સાસરિયાંના ઘરનું ‘સૂંડલોએક’ સોનું લેતી આવેલી. ભૂદેવનું ગામ એટલે લોંટોઝોંટો કરીને જીવનારા કાંટિયા વરણનું ગામ. કોઈક જાણભેદુએ ગામની દીકરીના આ દાગીના ઉપર નજર રાખી. શ્રાદ્ધના દિવસોમાં ભૂદેવ યજમાનને ગામ સરામણાં કરાવવા ગયા એનો લાભ લઈને ઘરમાં ખાતર પાડ્યું ને આણાત દીકરીના ઘરેણાની અકબંધ ટ્રંક ઉઠાવી ગયો ! ભૂદેવે ગામના મહાજન સમક્ષ ધા નાખી, ઉપવાસ–અનશન કર્યા, પણ પેલા જાકુબના દિલમાં દયા આવી નહિ ને કશો માલ પાછો મળ્યો જ નહિ. બીજી બાજુ પુત્રીનાં સાસરિયાંએ ગરીબ ભૂદેવ ઉપર એવું આળ ચડાવ્યું કે આ ખાતર પડ્યાની વાત તો તર્કટ છે, ને તમે જ દીકરીને આણું વાળવાને બહાને તેડાવીને બધા દાગીના ઓળવી ગયા છો. સાંભળીને ભૂદેવને કાળજે ઘા લાગ્યો અને આ આરોપથી મુક્ત થવા માટે એમણે ચોરાયેલાં ઘરેણાં ઘડાવી આપવાનો નિર્ણય કર્યો, અને એના તરણોપાય તરીકે છેવટે દયાધરમી માણસો સમક્ષ ટહેલ નાખવા નીકળી પડ્યા.
ટહેલિયો ગામની શેરીએ શેરીએ, ડેલીએ ડેલીએ અને ઉંબરે ઉંબરે ફરે છે, સાત સાત ડગલે, ચાવી આપી રાખેલા થાળીવાજાની ઢબે, આખી ય ટહેલનો ઇતિહાસ યંત્રવત ગગડાવી જાય છે, પણ કોઈ દયાળુના દિલમાં રામ વસતા નથી. ઊલટાનું, સમજુબા જેવાં સંશયાત્માઓને તો વહેમ પણ આવે છે; આ માણસ ખરેખર વખાનો માર્યો ટહેલ નાખવા આવ્યો છે કે પછી છૂપી પોલીસના ખાતામાંથી કોઈ વેશપલટો કરીને ગામમાંથી કશી ગુપ્ત બાતમીઓ મેળવવા આવ્યો છે ?
ટહેલિયો બાપડો સાત સાત ડગલાં ભરતો દરબારની ડેલીએ પહોંચ્યો ત્યારે ઠકરાણાંએ એને દૂરથી જ જાકારો દઈને પાછા કાઢ્યો ત્યારે તો લોકોને પણ આ યાચકની સચ્ચાઈ અંગે થોડી શંકા આવી.
‘આ દુકાળ વરહમાં માગણ ઝાઝાં !’
‘ટહેલને નામે આંગણે ફરીને હંધું ય ભાળી જાય, ને રાત્ય પડ્યે ખાતર પાડે.’
‘કોને ખબર છે, આ ટેલિયો હશે કે પછી કો’ક વેશધારી હશે ?’
અને એક વાર તો ખુદ જીવા ખવાસે જ આ બ્રાહ્મણને રામ ભરોસે હોટેલ નજીક હડધૂત કર્યો અને મભમ રીતે સૂચવ્યું કે તું ટહેલિયો નથી પણ ચોર છે, ત્યારે તો ઘણા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ ડગમગવા લાગી.
અને છતાં ખુદ ટહેલિયાની શ્રદ્ધા તો અગાઉના જેટલી જ દૃઢ રહી. એને ઊંડી આસ્થા હતી કે આજે નહિ તો આવતી કાલે પણ કોઈ હરિનો લાલ મારી ટહેલ પૂરી કરશે જ.
અને એ અડગ શ્રદ્ધાથી તો એણે પોતાને વિષેની લોકવાયકાઓને અવગણીને વરસાદ અંગેની આગાહીઓ, વર્ષફળ, ફળાદેશ વગેરે પણ કહેવા માંડ્યાં. રાત પડે ને ચોરા પર કેટલાક ભાવુક ભેગા થાય ત્યારે એ અલકમલકની વાતો કરતો અને એમાં એક દિવસ એણે આવતી સાલનો વર્તારો પણ રજૂ કર્યો, કે ગયું વરસ નપાણિયું ને દુકાળિયું ગયું છે, એટલે હવે આ વર્ષે વરસાદ વહેલો થાશે ને એટલે બધો વરસશે કે કદાચ ભીનિયું પણ થઈ જાય.
ટહેલિયાની પોતાની આપવીતી કરતાં આ આગાહીમાં લોકોને વધારે રસ પડ્યો. કેટલાંક પ્રાદેશિક પક્ષીઓનાં વહેલેરાં સ્થળાંતર પરથી પણ વહેલેરા વરસાદની આગાહીને સમર્થન મળી રહ્યું, તેથી તો ઘણા અશ્રદ્ધાળુઓને પણ આ બ્રાહ્મણમાં શ્રદ્ધા જાગી.
હાદા પટેલ આ વાત સાંભળી આવ્યા અને એમણે બીજે જ દિવસે ખેતરની કોરી ધાકોર ધરતી પર નજર નાખી. ઊજમને અને સંતુને વાત કરી અને ઝટઝટ ખેડાણ પતાવી નાખીને બિયારણ તૈયાર રાખવાની સૂચના કરી. પોતાને તો હવે આંખે મોતિયો આવ્યો હોવાથી બધો આધાર સાથી ઉપર રહેતો હતો; અને કમનસીબે, દશેરાને દહાડે જ ઘોડું ન દોડે એમ ખેતરનાં કામકાજને ખરે ટાણે જ સાથી ઝઘડો કરીને ચાલ્યો ગયો, તેથી હાદા પટેલની મૂંઝવણ વધી.
ઊજમે કહ્યું : ‘એમાં મુંઝાવ છો શું કામે ને ? અમારા દેરાણી–જેઠાણીના હાથપગ કાંઈ ભાંગી નથી ગ્યા !’
સંતુએ પણ પોતાની મૂક સંમતિથી આમાં સૂર પુરાવ્યો.
પોતાને એક આંખે ઝામર અને એક આંખે મોતિયો હોવાથી ખેડનો બધો જ ભાર ઊજમ–સંતુ શી રીતે ઉપાડી શકશે એની હાદા પટેલને ચિંતા થવા લાગી. એમણે માંડ માંડ કરીને એક ઊભડ ખેડૂતને શોધી કાઢ્યો. એનું વરસનું મહેતાણુ ને બે જોડી કપડાંનું ઠરાવ્યું ને પગરખાંની જોડીનું પરમાણું પણ નાખી દીધું. વળતી સવારથી એણે ખેતરે જવું એમ નક્કી થયું. પણ રાતે એ નવો સાથી ‘રામભરોસે’માં ચા પીવા ગયો અને જીવા ખવાસે એને કોણ જાણે કેવી ય ભંભેરણી કરી કે પછી કશોક ભય બતાવ્યો કે પેલો ગુપચુપ ગામ બહાર ચાલ્યો ગયો. અને પછી મોઢું જ ન બતાવ્યું.
પણ ટહેલિયા બ્રાહ્મણની વહેરા વરસાદની આગાહી સાંભળ્યા પછી ઊજમ–સંતુ કોઈ સાથીની રાહ જોઈને બેસી રહે એમ નહોતાં. સીમમાં સહુનાં ખેતરોની કોરી ધાકોર ધરતી ઉપર ચાસ પડવા શરૂ થઈ ગયા હતા તેથી ઊજમે પણ હળ જોડ્યું.
આ વખતે તો, જડીને બક્ષિસ રૂપે મળેલું માંડણનું ખેતરે પણ ખેડવાનું હોવાથી કામ બમણું થઈ ગયું હતું. હાદા પટેલે સૂચન કર્યું કે ટીહા વાગડિયાને સાથી તરીકે રાખી લઈએ, પણ ઊજમે એ સૂચન અવગણી કાઢ્યું.
‘અમારા હાથપગ કંઈ ભાંગી ગ્યા છે ?’ કહીને એણે તો સંતુની મદદથી રોજ ઊઠીને હળ જોડવા માંડ્યું.
અને એવામાં ટહેલિયા બ્રાહ્મણે એક દિવસ ઓચિંતી જ વિદાય લીધી. એની ટહેલ પૂરી થઈ ગઈ. ધરમીને મન સહેલ હોવાનું એ કહ્યા કરતો હતો એવો કોઈક અજ્ઞાત ધરમી જીવ ગામમાંથી એને મળી રહ્યો હતો, અને એણે આ ગરીબ બ્રાહ્મણને રોકડા રૂપિયા આપવાને બદલે એનું જેટલું સોનું ચોરાયું હતું એટલું ભારોભાર જોખી દીધું હતું.
‘આવા માઠા વરહમાં સોનું નીકળ્યું કોના ઘરમાંથી ?’
‘કોઈની કોઠીમાં ખાવા ધાન તો રિયું નથી, ને એટલું સોનું ક્યાં સંતાઈને પડ્યું’તું ?’
અને તુરત સંશાયાત્માઓની શંકા, સતીમાને સોનાનું ખોભરું ચડાવનાર વ્યક્તિ તરફ વળી.
‘સોનું આપનારી અમથી સુતારણ જ, બીજું કોઈ નહિ.’
અલબત્ત, ટહેલિયાએ તો પોતાના દાતાનું નામ ગુપ્ત જ રાખ્યું હતું – બલકે એ શરતે જ એને દાન મળ્યું હતું પણ લોકોની કલ્પનાશક્તિ કાંઈ કુંઠિત થોડી થઈ ગઈ હતી ? એમણે દાતાની ઓળખ કરી પાડી; એટલું જ નહિ, આ જબરા દાન પાછળનાં પ્રયોજનો પણ કલ્પી કાઢ્યાં.
‘સતીમાને સોને મઢવાની જેમ આ દાનની માનતા ય એણે માની જ રાખી’તી—’
‘ગિરજો પાછો જડ્યો એની આ માનતા હતી : કો’ક બ્રાહ્મણને રાજી કરવાની માનતા. આ ટેલિયાની ટેલ એણે પૂરી કરી દીધી—’
જોતજોતામાં તો સંતુ અને ઊજમે થઈને બન્ને ખેતર ખેડી નાખ્યાં. આકાશમાં વાદળાં ઘેરાવા માંડ્યાં. જાણકારો નક્ષત્રો અને યુતિઓ જોવા લાગ્યા, ફરી ભડલીવાક્યો ઉચ્ચારાવા લાગ્યાં, અને વરસાદના દિનની અટકળો થવા લાગી. લોકોનાં હતાશ હૈયાં ફરી વાર પુલકિત થવા લાગ્યાં.
અને બરાબર ટાંકણે જ હાદા પટેલના ખાંડિયા – બાંડિયા બળદની જોડી તૂટી. બાંડિયો બળદ આકસ્મિક મૃત્યુ પામ્યો.
હાદા પટેલ વિમાસણમાં પડી ગયા.