લીલુડી ધરતી - ૨/ઠાકરદુવારે
← કળોયું કકળે છે ? | લીલુડી ધરતી - ૨ ઠાકરદુવારે ચુનીલાલ મડિયા |
આઠ ગાઉ આઘી કાઢો → |
‘આ વેળુ પિલ્યે તેલ ન નીકળે.’ એમ વિચારીને, ઠકરાણાં પાસેથી ન્યાય મેળવવો વ્યર્થ છે એમ મનમાં ગાંઠ વાળીને ઘર ભણી પાછા ફરતાં ફરતાં પણ રઘો પેલા અણધાર્યા પ્રકોપનું કારણ શોધવા મથી રહ્યો હતો. શા માટે ઠકરાણાં ભઠી પડ્યાં ? પેલો ભેદી ખુંખારો સંભળાયો એ કારણે ? હું એ અવાજ સાંભળી ગયો એ કારણે ? કોનો હશે એ ખુંખારો ?
રઘાના મનમાં શંકાઓ ઘેરાવા લાગી, પોતે સાંભળેલા ખુંખારાનો અવાજ કઈ પરિચિત વ્યક્તિનો હોઈ શકે એ પારખવા પ્રયત્ન કર્યો. તખુભા દરબારનો તો એ સાદ નહોતો જ. દારૂના બાટલા ઢીંચી ઢીંચીને ગરગરાટી બોલાવતો ને ત૨ડાઈ ગયેલો તખુભાનો ખુંખારો હું ન ઓળખું ? તો પછી ખુંખારનાર અજાણ્યો છતાં ઓળખીતો કેમ લાગ્યો ?... હા, એક પંચાણભાભો આવે સાદે ખુંખારે ખરો. પણ ઈ તો કે’દુનો લાકડાં ભેગો થઈ ગયો. તો પછી પંચાણભાભા જેવો જ સાદ ક્યાંથી સંભળાણો ?
ઘેર પહોંચતાં સુધીમાં તો રઘાના વિચારક્રમણમાં એક ચિનગારી જેવો સંશય ઝબકી ગયો. ઈ સાદ સાચોસાચ પંચાણભાભાનો તો નહિ હોય ? ડોસો મરી ગયો, મરી ગયો એમ વાત હાલે છે, પણ હજી જીવતો તો નહિ હોય ? જીવલા ખવાસનું ભલું પૂછવું ! ઠકરાણાંએ કાંઈક ત્રાગડો રચ્યો હોય. સમજુબા તો સાત ભાયડાને ભાંગીને ભગવાને એક બાયડી ઘડી હોય એટલી પહોંચવાળી છે. પંચાણભાભાને જીવતો રાખ્યો હશે ને ખોંખારો હું સાંભળી ગયો એટલે જ મારા ઉપર ખિજાણાં હશે ?
પણ અત્યારે સંતુની ચિન્તામાં ડૂબેલા રઘાને આ ખોંખારાનો ભેદ ઉકેલવા બેસવાનો અવકાશ જ નહોતો. એના અંતરમાં તો એક જ ઉચાટ હતો. સવારના પહોરમાં સંતુની થનારી નાલેશી શી રીતે અટકાવવી ? જઈને નથુ સોનીને સમજાવું ? જઈને અજવાળીકાકીના પગમાં પડું, ને કહી દઉં કે હવે હદ થાય છે, સંતુ ઉપર વેર વાળવામાં હવે હાંઉ કરો. તમે તો વાતનું વતેસર કરી નાખ્યું. તમારા પોતાના ઘરની એબ ઢાંકવા જાતાં તમે તો એક પારકી જણીનું જીવતર સળગાવી રહ્યાં છો. તમે પેટનાં દાઝ્યાં ગામ બાળવા નીકળ્યાં છો... પણ ઘાએ ચડેલાં અજવાળીકાકી માનશે ખરાં ? એમને કેમ કરીને સમજાવું કે સંતું પણ તમારી જડી સમાણી દીકરી જ છે ? એના ઉપર આવાં આકરાં વીતક ન વિતાડાય ?... પણ અટાણે વેરના ઝનૂનમાં મારી વાત કાને ધરે જ શેનાં...?
રઘાને એક બીજો ઉપાય સૂઝ્યો. આ બધું કૌભાણ્ડ ઊભું કરનાર ઘૂઘરિયાળાને ચાવી ચડાવનાર જીવા ખવાસને ડારો દઈ આવું ? મારા પૂર્વજીવનના મારકણા રઘાનો એને પરચો દેખાડું ? શાપરની અદાલતમાં જુબાની દેવા જતી વેળા જીવા સામે જે બળ વડે ઝીંક ઝીલી હતી એ બળ આ વેળા પણ અજમાવું ?... પણ બીજી જ ક્ષણે રઘાને એ તરકીબની વ્યર્થતા સમજાઈ ગઈ... ગામ આખું જ્યારે પાખણ્ડની પૂજા કરી રહ્યું છે, ત્યારે હવે એકલા જીવા ખવાસને સમજાવવાથી કશું વળે એમ નથી. ગામના મોભી ભવાનદા, પણ હવે ભવાનદા નામની એક વ્યક્તિ રહ્યા નહોતા; સમગ્ર લોકોમાં વ્યાપેલ વહેમ, અંધશ્રદ્ધા, ભય અને પાખણ્ડનાં બળોના એ એક પ્રતીક બની રહ્યા હતા. આ બળો એવાં તો ઉગ્ર હતાં કે હવે એ ઉશ્કેરાયેલી લોકલાગણીને ઊવેખવાનું મુખીનું ગજું નહોતું. અને હવે તો ગામવાસીઓનું ઝનૂન એટલી હદે પહોંચ્યું હતું કે એની સામે શારીરિક બળ વાપરવું પણ બેકાર હતું.
તો કયા બળ વડે આ પાખણ્ડનો પ્રતિકાર કરું ? આ પ્રશ્ન રઘાના અંતરને વલોવી રહ્યો. એ ધારે તો આ આખા ય તર્કટના મૂળમાં રહેલા નથુ સોનીને ઘડીના છઠ્ઠા ભાગમાં ધૂળ ચાટતો કરી શકે એમ હતો. ઘૂઘરિયાળાને અને ઓઘડભાભાને ધુણાવનાર અને ગામ આખાને ભડકાવી મૂકનાર જીવા ખવાસને રઘો પોતાનો પરચો બતાવે એટલી જ વાર હતી. સંતુને સણસણતા તેલમાં હાથ બોળાવનારની છાતી સામે બંધૂકની નાળ નોંધવાની ય આ બ્રાહ્મણમાં તાકાત હતી. અરે, પોતે ધારે તો આ કિસ્સામાં દોરીસંચાર કરી રહેલાં સમજુબાને ય સાત પેઢી સંભારવી પડે એવી સ્થિતિ સર્જવાને એ સમર્થ હતો.
પણ રઘો અત્યારે પોતાનું રાજસ્ સ્વરૂપ પ્રગટ કરવા નહોતો માગતો. પોતે જે પૂર્વાશ્રમનો ત્યાગ કર્યો છે એમાં હવે એ પુનઃ પ્રવેશ કરવા નહોતો ઈચ્છતો. રઘાના પૂર્વ સંસ્કાર સળવળ્યા. હું બ્રાહ્મણનો પુત્ર, દુષ્કૃત્ય તરફ વળેલાં ગામલોકોને હું સત્કૃત્ય તરફ વાળી ન શકું તો ધૂળ પડી મારા બ્રાહ્મણત્વમાં ! હું ગામનો સંસ્કારરક્ષક આવે સમયે લોકોમાં સુસંસ્કાર પ્રેરી ન શકું તો મારું જીવવું શા કામનું ?
અને તુરત રઘાના હૃદયમાંથી સઘળા રાગ, દ્વેષ, વેર, ઝેર, આવેગો અને આવેશો ઓગળી ગયા. અંધશ્રદ્ધાળુ લોકમાં સદ્બુદ્ધિ પ્રેરવા માટે એ પોતાના બ્રહ્મતેજ ઉપર જ મદાર બાંધી રહ્યો.
મંગળવારના પ્રભાતના પહોરમાં ગામને ચોરે ઠાકર ભગવાનની સામે સંતુની અગ્નિપરીક્ષા યોજાઈ હતી. પણ પ્રભાતનો છડીદાર, જુસ્બા ઘાંચીનો કૂકડો છડી પોકારે એ પહેલાં તો રઘો અને એનો પુત્ર ગિરજાપ્રસાદ ચોરાનાં પગથિયાં પાસે જ હાથમાં રુદ્રાક્ષની માળાઓ લઈને બેસી ગયા હતા. વેજલ રબારી રાબેતા મુજબ વહેલાં પરોઢમાં દૂધ આપવા ગયો ત્યારે રઘાને કે ગિરજાને કોઈને ન જોતાં એને નવાઈ લાગી. થોડી વાર તો અડોસપડોશમાં ‘ક્યાં ગ્યો રઘો ? ક્યાં ગ્યો ગિરજો ?’ થઈ પડ્યું. પણ ત્યાં તો ગામ આખામાં સહુથી વહેલો એકો જોડનાર જુસ્બા ધાંચીએ સમાચાર આપ્યા :
‘રઘો ને એનો દીકરો ગિરજો તો એ... ને ઠાકરદુવારે બેઠા હાથમાં માળા ફેરવે છે—’
સંતુની અગ્નિપરીક્ષા કરતાં ય વધારે રોમાંચક જોણું તો અનશનવ્રત લઈને બેસી ગયેલા આ બ્રાહ્મણ પિતાપુત્રનું થઈ પડ્યું.
‘ઠાકરદુવારે રઘોબાપો ને ગિરજો પલાંઠી વાળીને બેહી ગ્યા છે—’
મોઢેથી શાશ્તરના શલોક ગાંગરે છે, ને કિયે છે કે સંતુનો નિયા નહિ થાય ત્યાં લગણ હું અનપાણીને નહિ અડું—’
વા’વાગે વાત પ્રસરી ગઈ.
‘એલા આ તો રઘા મારાજે ત્રાગું કર્યું, ત્રાગું !’
અગ્નિપરીક્ષાનું જોણું જોવા આવનાર લોકો વાત સાંભળીને ત્રાગાનું જોણું જોવા વહેલેરાં આવી પહોંચ્યાં.
‘આણે તો ઘરણટાણે જ સાપ કાઢ્યો—’
‘આ તો સો ચુઆનો મારનારો અટાણે હાથમાં માળા લઈને બગભગત થઈને બેઠો છે—’
અગ્નિપરીક્ષાના નાટકનો સુત્રધાર જીવો ખવાસ આવ્યો અને રઘા સામે જીભાજોડી કરવા લાગ્યો :
રઘાના મોઢામાં તો એક જ ઉત્તર હતો ? ‘ગામની નિયાણી દીકરીને અનિયા થાય ઈ પહેલાં મારી દેઈ પાડી નાખીશ—’
સાંભળીને લોકોના પેટમાં ધ્રાસકો પડી ગયો.
આ તો ગામ ઉપર બ્રહ્મહત્યાનું પાતક ચડશે; મેલડીનું બકરું કાઢતાં ઊંટ પેસશે—’
પણ જીવો આવા કલ્પિત ભયથી ગભરાઈ જાય એવો કાયર નહોતો. એણે જોરશોરથી રઘાની દાંભિકતા ઉપર પ્રહારો કરી કરીને લોકીને ઉશ્કેરવા માંડ્યા. તાબડતોબ મુખીને તેડાવ્યા, ઓઘડભૂવાને હાજર કર્યો અને કશી ય રોકટોક વિના વેઠિયા કણબીઓને બોલાવીને જબરદસ્ત કડાઈમાં તેલ ઉકાળવા મુકાવ્યું.
થોડી વાર વાતાવરણ તંગ બની રહ્યું. રખે ને લોકની સહાનુભૂતિ સંતુ તરફ કે રઘા તરફ વળી જાય એ ભયથી જીવો હાકલાપડકાર કરતો રહ્યો :
‘આવા તો કૈંક ધુતારા જોઈ નાખ્યા ! આમ તર્કટ કર્યે કોઈ ભરમાઈ નહિ જાય—’
જીવાની હાકલનેય અવગણીને કેટલાક સમજુ માણસેએ રઘાને સમજાવવા પ્રયત્ન કરી જોયો, પણ રઘો મક્કમ જ રહ્યો.
‘કાં તો ગામમાં હું નહિ ને કાં આ પાખણ્ડ નહિ—’
‘પણ આવી આકરી ટેક ન લેવાય—’
‘મરવાનું તો એક જ વાર છે ને ?’ રઘો કહેતો હતો, ‘તો ખાટલે પડીને પિલાઈ પિલાઈને મરવા કરતાં આ ઠાકરદુવારે આવા પુન્યના કામમાં શું કામે ન મરું ?’
‘હવે જોયો મોટો પુન્યશાળીનો આવતાર ?’ જીવો હાકોટા કરતો હતો ‘જિંદગી આખી ગોરખધંધા કર્યા ને હવે હાથમાં માળા લઈને બેઠો છે !’
સૂત્રધારના દિગ્દર્શન અનુસાર ઓઘડભૂવો ધૂણવા લાગ્યો.
કડાઈમાં તેલ ઊકળવા લાગ્યું.
મંદિરના પ્રાંગણમાં મેદની હકડેઠઠ થઈ ગઈ.
‘બરકો સંતુને ! ધરમના કામમાં ઢીલ કેવી ?’
થોડી વારમાં સંતુ હાજર થઈ અને સઘળી આંખો રઘા પરથી ઊઠીને સંતુ ઉપર ઠરી. ઓઘડભાભાએ હાંકોટા પાડવા માંડ્યા :
‘કરો પારખાં ! કરો પારખાં !’
સંતુ આગળ આવી.
રઘાએ વધારે મોટે અવાજે રામધૂન મચાવી.
‘ભલે ગાંગર્યા કરે ઈ બેઠો બેઠો !’ જીવાના ટેકેદારો વાતાવરણનો ઉત્સાહ ટકાવી ૨હ્યા.
‘બોળાવો હાથ ! ઓઘડે આદેશ આપ્યો, 'હમણાં ખબર સાચ-જૂઠની.'
સંતુ ધગધગતી કડાઈની નજીક આવી; મેદનીમાં સોપો પડી ગયો !
ગોબરને યાદ કરીને અને સતીમાને પ્રાર્થીને એણે તાવડામાં બોળવા માટે હાથ લંબાવ્યો.
લોકોના શ્વાસ તાળવે ચોંટ્યા !
રઘાએ અંતરના ઊંડાણમાંથી વેદનાપૂર્ણ સ્વરે રામનામ ઉચ્ચાર્યું.
એ રામનામની સાથે જ સંતુના મોઢામાંથી ભયંકર વેદનાની કાળી ચીસ નીકળી ગઈ ! એના કમળ-ડુંખ સમાં બન્ને કોમળ હાથનાં કાંડાં ફણફણતા તેલના અગનદાહમાં ફડફોલી ઊઠ્યાં હતાં !