← વહેમના વમળમાં લીલુડી ધરતી - ૨
બે કલંકિની
ચુનીલાલ મડિયા
મારું જીવતર લાજે !  →



પ્રકરણ ત્રીજું

બે કલંકિની

સંતુના જીવને ક્યાં ય ચેન નથી. દિવસે દિવસે એની સામેના સંશયો વધારે ને વધારે ઘેરા બનતા જાય છે. ઘરમાં એ હરફર કરે છે ને ઊજમ એના તરફ મૂંગી મૂંગી તાકી રહે છે. ખડકીની બહાર નીકળે છે ને પડોશણોની એવી જ મૂંગી નજરના ભાલા ભોંકાય છે. શેરી વળોટીને નાકા સુધી જાય છે, ત્યાં ગામલોકો અર્થસૂચક નજરે એની દેહયષ્ટિને નિહાળી રહે છે...

કોઈ કશું બોલતું નથી, કોઈ કશો સ્ફોટ કરતું નથી, કોઈ મગનું નામ મરી પાડતું નથી; અમારા મનમાં શી વાત ઘોળાય છે એ બાબત તડ ને ફડ કહી દેવા જેટલી કોઈનામાં હિંમત નથી. માત્ર તાતી નજરે સહુ ટગર ટગર તાકી રહે છે.

મોઢેથી મીઠાબોલાં માનવીઓની આંખોમાંથી છૂટતી આવી મીંઢી નજરોનો માર સંતુથી ખમાતો નથી. એ પોતે જાણે છે કે લોકોનાં મનમાં શી વાત ઘોળાઈ રહી છે. તેઓ કયા પ્રકારનું આળ આરોપી રહ્યાં છે એની ય એને જાણ છે. પણ એ વ્યવહારડાહ્યાંઓ એક અક્ષર સુદ્ધાં બોલતાં નથી તેથી સંતુ વધારે નાસીપાસ થાય છે.

ગામના આખા વાયુમંડળે જાણે કે સંતુ સામે કાવતરું રચ્યું છે. ખુદ આબોહવામાં જ પેલા આળની મૌન વાણી વ્યક્ત થઈ રહી છે. કંઈક અગણિત અદૃષ્ટ અંગુલિઓ ચોદિશાએથી એની સામે ચીંધાઈ રહી છે અને એનાથી ય અદકી અગણિત લોકજીભો એને અપરાધી ઠરાવી રહી છે :

‘તું દુષ્ટા છે !’

‘તું હત્યારી છે !’

‘તું કુલટા છે !’

શરદ ઋતુની આછેરી વાયુલહરી આવે છે ને સંતુના કાનમાં ગણગણાટ કરી જાય છે :

‘તારાં કુકર્મ અમે જાણીએ છીએ. તું પતિને બેવફા નીવડી છે. તારા અનાચાર અમારાથી અજાણ્યા નથી. તારા માર્ગમાંથી પતિનું કંટક દૂર કરવા માટે એને હણી નાખ્યો છે... અમે જાણીએ છીએ, તારા ઉદરમાં કોનું બાળક ઊછરી રહ્યું છે.’

મૂંગાં મહેણાંઓની આ ભીંસ એવી તો અસહ્ય બનતી કે સંતુ આખરે અકળાઈ ઊઠીને કહી રહેતી :

‘તમે મૂગાં મુંગાં મને રિબાવો છો એના કરતાં મોઢેથી બોલીને સંભળાવો ને, જેથી હું સામો જવાબ આપી શકું ? અરે, સાચી વાત શું છે એટલું તો કોઈ મને પૂછો, જેથી હું ખુલાસો કરી શકું ? અરે, કોઈ મને સાંભળો, મારે અંતરની આગ ઠલવવી છે. કહું છું મને કોઈ કાનસરો તો દિયો ? મારે મારો હૈયાભાર હળવો કરે છે... તમે એકપક્ષી વાત સાંભળીને મને તકસીરવાર ઠરાવી દીધી છે, પણ, મને મારો બચાવ કરવાની તો તક આપો !’

પણ સંતુને બચાવ કરવાની તક આપે તો તો એ ગામલોકો શાના ? ઊજમે અને અજવાળીકાકીએ મળીને એને ગુનેગાર ઠરાવી જ દીધી.

અને સંતુને નિમિત્તે તો ગામમાં નાનામોટા ઝઘડા પણ થવા માંડ્યા.

ગોબરની હત્યા થઈ એ દિવસે સંતુની મા હરખ અને અજવાળીકાકી વચ્ચે થોડી બોલચાલ થઈ ગયેલી. એ વેળા તો વાત ત્યાંથી જ અટકેલી, પણ પછી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સાંજે ગામ આખું ભૂતેશ્વરના મંદિરના ભોળા શંભુનાં દર્શને એકઠું થયેલું ત્યારે અજવાળીકાકીએ એ ધર્મકામ પતાવ્યા પછી પાછાં વળતાં સ્ત્રીવૃંદ વચ્ચે ‘કર્મ’ની વાત કાઢેલી.

‘હવે તો દેવ ગ્યા ડુંગરે ને પીર ગ્યા મક્કે... માણસને ધરમની આસ્થા જ ક્યાં રહી છે ? ભગવાનનો ભો જ સંચોડો હાલ્યો ગ્યો છ... નીકર આ સંતડીએ કર્યું એવું કાળું કામ કોઈ કરે ખરાં ?’

‘સંતડીએ શું કાળું કામ કરી નાખ્યું, અજવાળીકાકી ?’ પછવાડે જ ટોળામાં આવી રહેલી હરખે મોટેથી પૂછ્યું.

‘કોણ બોલ્યું ઈ ? ટીહલાની હરખી ?’

‘હા, હું હરખી !’

‘દીકરીનું બવ દાઝ્યું કાંઈ ?’

‘દાઝે જ ને ? આવાં ન બોલ્યાંનાં વેણ બોલતાં જરા ય વચાર નથી થાતો ?’

‘તારી દીકરીને કાંઈ કાળીગોરી કહી નાખી મેં ?’

હવે હરખે તીખે અવાજે સંભળાવ્યું :

‘કાળું કામ, કાળું કામ, બોલતાં શરમાતાં નથી આવડાં ગલઢાં આખાં ?’.

‘પણ ઈ શેજાદીને એવું કામ કરતાં શરમ ન આવી તો અમને બોલવામાં શેની શરમ ?’

‘એવું તી કયું કામ કરી નાખ્યું છે ?’ હરખે હિંમતભેર પૂછ્યું, ‘મારી છોકરીએ કાંઈ ચોરી-છિનાળવું કર્યું છે ?’

‘ચોરી-છિનાળવું !’ અજવાળીકાકીએ આ બે શબ્દો એવા તો વિચિત્ર લહેકાથી ઉચ્ચાર્યા કે અડખેપડખે ઘેરો વળીને ઊભેલી સહુ સ્ત્રીઓ કશાક ધડાકાની અપેક્ષામાં જ સ્તબ્ધ થઈ ગઈ. અજવાળી કાકીએ ઉમેર્યું : ‘ચોરી-છિનાળવાં માથે તી કાંઈ શિંગડાં ઊગતાં હશે ? બે આંખવાળું માણહ ગામમાં નજરોનજર ભાળે છે.’ ‘શું ભાળે છે ?’

‘તારી છોડી મોટું પેટ લઈને ફરે છે ઈ ! બીજું શું વળી ?’

હરખે સાવ સાહજિકતાથી કહ્યું :

‘તી તમે તમારાં ઓધાન ઓદરમાં સાચવવાને સાટે માથે લઈને ફર્યાં હશો ?’

સાંભળીને ટોળામાં હાસ્યની આછી લહેર ફરી વળી. અજવાળીકાકીને સમજાયું કે ‘ટીહલાની હરખી’ તો મારી જ હાંસી કરી ગઈ તેથી તેઓ વધારે ઉશ્કેરાયાં. દાઝપૂર્વક પૂછ્યું :

‘એલી, ઓધાન – ઓધાન કરે છે, પણ કોનું ઓધાન લઈને સંતુડી ફરે છે, ઈ તો વાત કર્ય ?’

‘ઓધાન કોનાં હોય વળી ? ઈના ધણીનાં. બીજાં કોનાં ?’

‘તું જોવા ગઈ હઈશ, જાણે !’

‘તયેં તમે જોવા ગ્યાં’તાં ?’

‘અમે મર જોવા ન ગ્યાં હોઈએ, પણ હંધુ ય જાણીએ છંયે—’

‘શું જાણો છો ?’

‘ઠાલું મારા મોઢે શું કામ બોલાવ છ ?’ અજવાળીકાકીએ કહ્યું : ‘ગામનું ખહુડિયું કૂતરું ય જાણે છે કે કોનાં ઓધાન છે !’

‘ડોહી ! જરાક જીભ સાચવજે, નીકર આ હરખી જેવી કોઈ ભૂંડી નથી—’

‘મને જીભ સાચવવાનું કે છ, એના કરતાં દીકરીને સાચવવી’તી ને ? તો આવા દી’ ન આવત.’

હવે ઘા કરવાનો વારો હરખનો હતો :

‘ડોહલી ! તેં પંડ્યે તારી ગગલીને કેવીક સાચવી છે, ઈનો તો વચાર કર્ય ? મારી સંતીને તો એના પરણ્યા ધણીનાં ઓધાન રિયાં છે, પણ તારી જડકીને તો કુંવારે જ—’

હરખની ઉક્તિ અહીં જ અધૂરી રહી, બાકીનાં વેણ એ પૂરાં કરે એ પહેલાં તો ઉશ્કેરાયેલાં અજવાળીકાકીનો જોરદાર ઢીંકો એના મોઢા ઉપર પડી ચૂક્યો હતો.

પણ ઉજળિયાત વરણના હાથનો ઢીંકો આ ખેડૂત સ્ત્રી ખાઈને બેસી રહે એ શેં બને ? હરખે પણ એટલા જ ઉશ્કેરાટથી હાથ ઉગામ્યો અને અજવાળાકાકીના કપાળ પર ઝીંકાયો.

અને અજવાળીકાકીની આંખ સામે લાલ−પીળા રંગો રમી રહ્યા. મુષ્ટિપ્રહાર કરતાં વાગ્પ્રહારમાં જ વધારે સલામતી છે એમ સમજતાં તેઓ કંપતે હોઠે ને ધ્રૂજતે અવાજે તૂટક તૂટક શબ્દો જ બોલતાં રહ્યાં :

‘હઠ રાંડ ગોલકી ?... અંત્યે જાત્ય ઉપર જ ગઈ... જેવી મા એવી જ એની છોડી... કડવે વેલે મીઠું તૂંબડું ક્યાંથી ઊતરે ?—’

હરખ પાસે અજવાળીકાકીને આંટે એવી ડંખલી ભાષા નહોતી પણ પોતાના બાહુબળ પર એ મુસ્તાક હતી. કડવાં વેણ અંગેનાં કડવાં ઝેર વેણનો વળતો જવાબ આપવા એણે ફરી મુક્કો ઉગામ્યો. પણ હરખના એક જ ધુંબા વડે લોથપોથ થઈ ગયેલાં ઊજળિયાત અજવાળીકાકી હવે વધારે ઢીંકાનાં ઘરાક નથી એમ સમજતાં અડખેપડખે ઊભેલી સ્ત્રીઓએ હરખનો ઉગામેલો હાથ ઝીલ્યો હતો :

‘હવે હાંઉ કરો, હાંઉ—’

‘એક જ શેરીનાં રે’વાવાળાં ઊઠીને વઢો મા—’

‘આજે શાવણિયા સોમવારે આવી ગાળ્યું ભેળ્યું દિયો છો તી શંકર ડાડો રૂઠશે તમારી ઉપર—’

સ્ત્રીઓને તો જોણું અને વગોણું બંને મળી રહ્યાં. હરખે આવેશમાં આવી જઈને અજવાળીકાકીની જડાવ વિષે જે ચોંકાવનારા સમાચાર જાહેર કરી દીધા હતા એ તો ગોબરની હત્યા કે સંતુના ‘ઓધાન’ કરતાં ય વધારે સનસનાટીપ્રેરક હતા. તેથી જ તો, ‘વઢો મા, વઢો મા,’ કરીને બંને પક્ષોને નોખા પાડતાં પાડતાં સ્ત્રીસમુદાય આ નવું રહસ્ય જાણી ગયા બદલ મનમાં ને મનમાં મલકી રહ્યો હતો.

‘આજકાલ તો કોઈનું ય વાંકું બોલતાં હજાર દાણ વિચાર કરવો પડે એવું છે—’

‘જુવોની, આ અજવાળીકાકીએ પાણો ઉલાળ્યો ઈ એના જ પગ ઉપર આવી પડ્યો.’

‘આ તો ઢાંક તારાં ને ઉઘાડ મારાં જેવો ઘાટ થઈ પડ્યો.’

‘પોતાના જ પગ હેઠળ બળતું હોય ઈ ભાળે નહિ ને પારકી ભોઈ-પટલાઈ કરવા જાય પછી તો આમ જ થાય ને ?’

એક તરફ અજવાળીકાકી સાંભળે નહિ એવાં ધીમાં કાનસૂરિયાં ચાલતાં હતાં :

‘અરરર માડી ! આ સોનીની જડકી તો ભારે જોરુકી નીકળી !’

‘બચાડીને કૂવો–અવેડો કરવો પડશે હવે.’

‘ધરતી ઉપર આવા પાપના ભાર વધતા જાય, એમાં વરસાદ ક્યાંથી આવે ? વરહોવરહ છપ્પનિયો જ પડે કે બીજું કાંઈ ?’

બીજી તરફ, હરખને હવે વધારે મુષ્ટિપ્રહારો કરતી રોકી રખાઈ હોવાથી અજવાળીકાકીની જીભને વેગ મળ્યો હતો.

‘ઈ ટીહલાની હરખી ઊઠીને મને તુંકારો કરી જાય ?... મારીને ભોંયમાં ભંડારી દઉં... હંઅં... અ... ને મારી જડીને બેજીવી કહેનારી ઈ બે દોકડાની કણબણ્ય કોણ ?’

‘હું નથી કે’તી, ગામ આખું કિયે છ !’ હવે હરખે પોતાની જીભ છૂટી મૂકી : ‘ન માનતાં હોય ઈ જઈને પૂછી આવો સામતા આયરને !’

આખરે હરખે તોપનો ધડાકો કરી જ નાખ્યો. ગોલંદાજ પલિતો ચાંપે ને તોપમાંથી કાન ફાડી નાખે એવો ધડાકો થાય ત્યારે ઝાડ પર ઊંઘતાં સેંકડો પક્ષીઓ કલબલાટ કરી ઊઠે એવો કલબલાટ સ્ત્રીઓના ટોળામાં ઊઠ્યો.

‘સામતો આયર ! સામતો આયર !... ન ઓળખ્યો ?... ઓલ્યો નથુબાપાની હાટને ઊંબરે આખો દિ’ બેઠો રે’તો’તો ઈ જ... મરે મુવો... જડીનું બચારીનું જીવતર રોળી ગિયો...’

હવે અજવાળીકાકીને ભાન થયું કે અહીં ઊભા રહેવું સલાહભર્યું નથી. પોતે આળ ચડાવવા ગયાં સંતુ ઉપર, પણ આળ આવ્યું પોતાની જ પુત્રી ઉપર; પોતે વગોવણી આદરી સંતુની, પણ આખરે વગોવણી થઈ ગઈ જડાવની ! સંતુ જોડે શાદૂળનું નામ સંડોવવા જતાં જડી અને સામતા આયરનાં નામનો જ ધજાગરો બંધાઈ ગયો એ હકીકતનું ભાન થતાં એમણે હવે હરખની બોલતી બંધ કરવા ઝટપટ બહાદુરીપૂર્વક ઘરભેગાં થઈ જવાનું જ ગનીમત ગણ્યું.

અને જતાં જતાં તેઓ પોતાની બહાદુરી બતાવવા ખાતર હરખને અનેકવિધ ધમકીઓ પણ આપતાં ગયાં :

‘જોજે તો ખરી રાંડ ગધેડી ! મને ઢીંકો માર્યો છે, પણ તને જેલમાં ન પુરાવું તો મારું નામ અજવાળી નહિ... ટીહલાને ગુંદાસરનો ટીંબો છોડાવું તો કહેજે કે હા...’

જડીના જીવનનું અત્યંત ગુપ્ત રહસ્ય આમ ઊભી શેરીએ જાહેર થઈ જાતાં અજવાળીકાકી બહુ અસ્વસ્થ થઈ ગયાં હતાં. પોતાની ખડકી તરફ નાકું વળતાં હરખ તો ઘણી ય દૂર પડી ગઈ હોવા છતાં તેઓ આંતરિક અસ્વસ્થતા ઓછી કરવા ખાતર હરખને ઉદ્દેશીને સંભળાવી રહ્યાં હતાં :

‘ટાંટિયો વાઢી નાખશ... નાને પંડ્યે નાની ને મોટાં માણહ હાર્યે લવારો કરવા આવી છે !... જીભડો ખેંચી લઈશ જીભડો !... અડદ ને મગ ભેગાં ભરડતાં શીખી છો, પણ ભોંયમાં ભંડારી દઈશ, ભોંયમાં !...’

ખડકીના ઊંબરામાં પ્રવેશ કરતાં ય એમની સ્વગતોક્તિઓનો વાક્‌પ્રવાહ તો અસ્ખલિત જ વહેતો હતો :

‘મારા હાળાં ભૂડથાંવની ફાટ્ય તો જો વધી છે !... લોકિયાં વરણ ઊઠીને ઉજળિયાત માણહને ધડ કરતોક ને ઢીંકો મારી જાય એટલે તો હાંઉ ને !.... પણ હું ખરી તો ટીહલાની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખું !.... હરખી રાંડ પોલાળું ભાળી ગઈ છે. પણ ફોજદારી ન નોંધાવું તો મારું નામ અજવાળી નહિ—’

‘શું થયું, મા ? શું થયું ?’ ઊંબરામાં પ્રવેશતાં જ જડીએ પૂછ્યું.

‘થાય શું ? સાવરણી ને સૂંથિયાં ? પણ રાંડને જેલમાં જ પુરાવું—’

‘કોને ?’

‘ઓલી ટીહલાની હરખીને. જીભડો હાથ એકનો વધાર્યો છે, અને.’

‘પણ શું કામે ?’

‘શું કામે ? મને વાંહામાં ઘમ્મ કરતોકને ઢીંકો મારી લીધો વંતરીએ ! હવે તો ગોલકીને પાકી જેલમાં જ પુરાવું.’

જડીએ પૂછ્યું : ‘પણ ઢીંકો અમથો અમથો જ મારી લીધો ? કે કાંઈ બોલાચાલી થઈ’તી ?’

‘એની નભાઈની જીબ બવ વકરી છે. હમણાં સો માણહની વચાળે તારી આબરુ ઉઘાડી પાડી ભૂંડણ્યે...’

સાંભળીને જડીના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતે સગર્ભા બની ત્યારથી આ આબરુનો હાઉ એને અહોનિશ પજવી રહ્યો હતો. જાગતાં ને ઊંઘતાં કોઈક ભયંકર દુઃસ્વપ્નની જેમ એની યાદ વારંવાર તાજી થયા કરતી હતી. અત્યારે સો માણસની વચ્ચે કોઈએ પોતાની વગોવણી કરી હોવાની હકીકત માતાને મોઢેથી સાંભળીને એ વધારે ગભરાઈ ગઈ.

‘મા ! એણે શું કીધું, શું કીધું ?’

‘શું કિયે બીજું ? મુવું મને તો બોલતાં ય શરમ આવે. હજાર માણસની હાજરીમાં ઈ નુઘરીએ સામત આયરનું નામ પાડ્યું—’

‘નામ પણ પાડ્યું ?’ જડીએ અર્થસૂચક પ્રશ્ન પૂછ્યો : ‘સામતકાકાનું ય નામ પાડ્યું ?’

‘મારે સગે કાને સાંભળ્યું ને ! દાઝ તો એવી ચડી કે ઈ નભાઈડીનો નળગોટો જ દબવી દઉં—’

‘બિચારા સામતકાકા !’ જડીએ સહાનુભૂતિયુક્ત ઉદ્‌ગાર કાઢ્યો.

‘કેમ અલી, કાંઈ બવ દયા આવે છે સામતકાકાની ?’

જડી મૂંગી રહી, એટલે માતાએ હરખ પ્રત્યેની દાઝ બધી સામત ઉપર ઢોળવા માંડી.

‘મુવે તારો મનખાદેહ તો અભડાવ્યો, ને હજી એને બિચારો ગણશ ?’

જડી આંખો ઢાળી ગઈ.

‘મહાણિયે તારું જીવતર ધૂળધાણી કરી નાખ્યું... એનું નખોદ જાય...’

‘બિચારાને ગાળ્યું શું કામ દિયો છો ?’ જડી બોલી.

‘ગાળ્ય ન દઉં તો શું એને ચોખા ચડાવું ?’ મતીરો મૂવો ઘરનો જ ઘાતકી નીકળ્યો... તને ભોળીને ભરમાવી—’

‘મને એણે નથી ભરમાવી—’

‘સામતે આયરે નથી ભરમાવી ?’

‘ના.’ કહીને જડી ફરી મૂંગી થઈ ગઈ.

માતાએ ફરી ફરીને પૂછ્યું, ફેરવી ફેરવીને પૂછ્યું, પણ પુત્રી કશો ઉત્તર આપવાને બદલે આંખો વધારે નીચી ઢાળી ગઈ.

‘ઈ સામતાના નામનો તો આજે ઢોલ પીટ્યો ઓલી ટીહલાની હરખીએ. ઈ જોરાળ્યને હવે તો જેલમાં જ પુરાવું. અબઘડીએ જ કાસમા પસાયતાને બરકાવું. ક્યાં ગયા તારા બાપુ ?’

‘ઈ તો કીડિયારું પૂરવા ગ્યા છ ત્યાંથી પાછા નથી આવ્યા.’  ‘ઈ આવે ઈ ભેગા જ ફોજદારી નોંધાવું. ઈ બે દોકડાની કણબણ્ય ઊઠીને મારી દીકરીને વગોવી જાય તો તો હાંઉં થઈ ગ્યું ને ?’

‘મા, હવે મારી વધારે વગોવણી કરવી રે’વા દિયોની !’

‘કેમ ભલા ? ઈ સોઢીને સારીપટ પાંહરી કર્યા વન્યા મને સખ નહિ વળે.’

‘પણ આમાં તો બવ ચોળ્યે ચીકણું થાય. બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે—’

‘સૌનાં સાંભળતાં એણે સામતકાકાનું નામ પાડી દીધું ઈ હું સાંખી લઉં ?’

હવે જડીએ ન છૂટકે બેસવું પડ્યું. તૂટક તૂટક શબ્દો ઉચ્ચાર્યા : ‘સામતકાકાની આંખ્યમાં તો સગા બાપથી ય સવાયું હેત ભર્યું છે—’

‘ઈ રાખહ—’

‘રાખહ નથી, દેવ છે, મા !’

‘તારો અવતાર રોળી નાખનાર માણહને તું દેવ ગણીને–’

‘દેવ ગણીને પૂજવો પડે એવો છે—’ કહીને જડીએ આખરે અંતરની વાત કહી જ દીધી. ‘એણે મારો અવતાર નથી રોળ્યો—’

‘એણે નહિ તો કોણે ?’ કહીને અજવાળીકાકીએ પુત્રીના દેહ પર તાતી નજર નોંધી.

ફરી જડી મૂંગી થઈ ગઈ...

પુત્રીનું મૌન હવે માતાને વધારે અકળાવી રહ્યું. જાણે કે જીભને બદલે પેલી તાતી નજર વડે જ એમણે નિર્દેશ કરીને પૂછ્યું :

‘આ પાપ ?—’

‘સામતકાકાનું નથી—’

બસ. સોયમાં સોંસરવાં નીકળી શકે એવાં અજવાળીકાકીને હવે વધારે ખુલાસાની આવશ્યકતા ન રહી. કેવળ સ્ત્રીહૃદયોમાં જ સંભવી શકે એવી કોઈક ઈશ્વરદત્ત અંતઃસ્ફૂરણાથી જ તેઓ બધું સમજી ગયાં. ગુનેગારની મૂર્તિ એમની સમક્ષ આવી ઊભી. એના  કુકર્મની કલ્પનામાત્રથી એમને કમકમાં છૂટ્યાં. પુત્રીએ કરેલો આ એકરાર માતા માટે આશ્ચર્યપ્રેરક હતો, પણ બહુ આઘાતજનક નહોતો. આવી અસાધારણ ઘટનામાં ય એમને કશું અસંભાવ્ય ન જણાયું, તેથી જ, પોતે કશો તીવ્ર પ્રત્યાઘાત રજૂ કરવાને બદલે કેવળ સાહજિક પ્રશ્ન જ પૂછ્યો :

‘આટલા દિ લગણ કાંઈ બોલી કેમ નંઈ ?’

‘કિયા મોઢે બોલું ? મારી જીભ કચડાય—’ કહીને જડીએ નાના બાળકની જેમ માતાની ગોદમાં મોઢું સંતાડ્યું. ગળામાં ક્યારનો બાઝી રહેલો ડૂમો છૂટી ગયો અને મોકળે મને રડવા લાગી.

ખડકીને ઊંબરે ડાઘિયો કૂતરો મોટેથી ભસવા લાગ્યો અને જડી હીબકે ચડી.

અત્યાર સુધી હરખીને બેસુમાર ગાળો ભાંડીને આવેલી, અજવાળીકાકી પીપળના પાન જેવી હવે સાવ શાંત થઈ ગઈ. જાણે કે હોઠ જ સિવાઈ ગયા.

પરવશ શિશુની જેમ માતાના ખોળામાં મોઢું ઘાલીને, જાણે કે પોતાનું કલંક છુપાવવા મથી રહેલી પુત્રીનાં દબાયેલાં ડૂસકાં વચ્ચેથી એથી ય વિશેષ દબાયેલા શબ્દો માતાને હૃદય સોંસરવા ભોંકાઈ રહ્યા :

‘આ તો વાડ... ઊઠીને ચીભડાં ગળ્યાં...’

‘તો પછી આટલા દિ’ લગણ તેં સામતકાકાનું નામ શું કામે લીધા કર્યું ?’

‘સામતકાકે જ મને કીધુ’તુ કે કોઈ પૂછે તો મારું નામ પાડજે—’

‘સામતકાકે સામેથી કીધું’તું ? પોતાનું જ નામ પાડવાનું ?’

‘હા—’

‘શું કામ ?’

‘તને જાણ્ય થઈ જાય ઈ પહેલાં હું ગળે ફાંહો ખાવા ગઈ’તી, પણ આપણું સીંચણિયું હિંડોળાના કડામાં સરખુંથી સલવાણું નહિ.  પછે હાટમાં બાપુ બાર ગ્યા ઈ ટાણે બરણીમાંથી તેજાબ પીવા ગઈ, પણ સામતકાકા ઓચિંતા ઊંબરે ચડ્યા ને મને ભાળી ગ્યા. હંધી ય વાત પૂછી, કારણ પૂછ્યું કે મારાથી કાંઈ છાનું ન રખાંણું. બળતે પેટે મારાથી બાપુનું નામ પાડી દેવાણું. સામતકાકે મને હૈયારી દીધી. તેજાબની બરણી માંડ્ય ઉપર પાછી મેલાવી દીધી ને કોલ કીધો કે ‘તું ગમે તેમ કરીને જીવતી રૈશ તો તારા પાપનું પ્રાછત હું લઈ લઈશ. મેં કીધું કે જીવતી રૈને માને મોઢું નહિ દેખાડી શકું. સામતકાકે કીધું કે અજવાળીભાભી પૂછે તંયે કે’જે કે આ પાપ સામતકાકાનું છે. જેણે તને જલમ દીધો ઈ સગા બાપનું નામ વગોવીએ ઈ નો શોભે—’

‘સાચે જ ? સામતકાકે પારકું પાપ ઓઢી લેવાનું કીધું ?’

‘એણે ઓઢી જ લીધું. બોલ્યા, આ મારો દેવીપૂરતનો કોલ સમજજે. ચારણના જેવી જ આ મારી આયરની ખેાળાધરી છે.’ કહીને જડીએ મોઢું ઊંચું કર્યું: ‘આ તે દિ’ની મારે હૈયે ધરપત થઈને જીભ કરડીને મરી જવાનો વિચાર માંડી વાળ્યો. સામતકાકો કહી ગયા કે તને વપત્ય પડે તંયે મને વેણ કેવરાવજે. ખોટે કેવરાવીશ તો ય સાચે આવીને ઊભો રૈશ ને તારી વપત્ય ટાળીશ.’

‘અરરર ! સગે બાપે ઊઠીને તને વખ ઘોળવવા જેવું કર્યું ને ઓલ્યા પારકા સામતકાકે તારી રખ્યા કરી ?’ હવે વેદના ઠલવવાનો વારો માતાનો હતો : તારા બાપુનો શભાવ મૂળથી જ હું સારી પટ જાણું. પેટની જણી દીકરી ઉપરે ય જેની કુડી નજર ઊતરે એને માણહ કે’વાય કે ઢોર ?’

કીડીઓને જીવતદાન આપવા અર્થે કીડીયારું પૂરવા ગયેલા પિતાની ગેરહાજરીમાં કલંકિની પુત્રી જ્યારે માતાને ખોળે માથું મૂકીને હીબકાં ભરી રહી હતી ત્યારે ઠુમરની ખડકીમાં એવી જ એક બીજી કલંકિની સંતુ પોતાની જેઠાણીને કહી હતી :  ‘ગામને મોઢે કાંઈ ગળણું ન બંધાય. ઈ તો બે ગાઉ આઘું હાલે ને બે ગાઉ પાછું હાલે.’

‘પણ માડી ! આ તો અજવાળીકાકી જેવું મઢેલું માણહ બોલ્યું.’ ઊજમ કહેતી હતી. ‘ગામમાં ગોકીરો થઈ ગ્યો—’

'ગામને તો પારકી વાત સાકરના ગાંગડા જેવી મીઠી લાગે. ઈ તો અજવાળીકાકીને ય પગ હેઠળ રેલો આવશે તંયે ખબર પડશે—’

ભૂતેશ્વરથી પાછા ફરતાં હરખ અને અજવાળી કાકી વચ્ચે થઈ ગયેલી ગાળાગાળી અને મારામારાની વાત સાંભળીને ઊજમ ઉશ્કેરાઈ ગઈ હતી.

હાદા ઠુમર આજે ભૂતેશ્વરની વાડીએ ભજનમાં બેઠા હોવાથી દેરાણી–જેઠાણી ઘરમાં એકલાં હતાં. દોણે મેળવણ નખાઈ ગયા પછી, અને કાબરીને કડબ નિરાઈ ગયા પછી પણ મોડે સુધી બંને વચ્ચે ધીમી ધીમી ચડભડ ચાલુ રહી :

‘મારાથી હવે આ ગામમાં ઢેઢફજેતા નથી ખમાતા.’ ઊજમ કહેતી હતી.

‘તમને મારામાં વશવા છે કે ગામમાં ?’ સંતુ પૂછતી હતી.

‘આ કળજગમાં વશવા તો કોનો કરાય ? સગા પેટનાં જણ્યાંનો ય વશવા કરવા જેવો જમાનો નથી. નથુકાકાની જડી માબાપ ઉપર કાળી ટીલી ચોંટાડશે એવું કોણે ધાર્યું’તું ?’

‘એટલે તમને મારા વેણમાં વશવા નથી, પણ ગામનાં માણહ બોલે ઈ સાચું માનો છો ?’

‘બાપુ ! હંધુ ય માનવું પડે. વાણી બોલે જાણી—’

‘વાણી બોલે જાણી !’ સંતુએ આકરે અવાજે પૂછ્યું. ‘ઈ બોલનારાં હંધાં ય કેમ કરીને જાણી આવ્યાં ? ઈ કાંઈ ભગવાન થઈ આવ્યાં છે ? મારો ને મારા ધણીનો વેવાર જાણનારાં ઈ છે કોણ ?’

ઊજમ પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો. એ ઉત્તર ટાળવા જ  એણે નિર્ભય બનીને સંભળાવ્યું :

‘તો તો પછી હવે તારો ધણી પંડ્યે જ આવીને સાચી વાત કહી જાય તો થાય !’

‘મહાણે ગ્યાં મડદાં એમ બરક્યાં ભેગાં પાછાં આવતાં હશે ?’ સંતુએ આખરે જીવ પર આવીને સંભળાવી દીધું, ‘હવે તો હું પંડ્યે જ મહાણ ભેગી થઈને મારા ધણીને પૂછી આવું તો તમને ધરપત થાય ?’

‘તારે શું કામ મહાણ ભેગું થાવું પડે ? તું તો એઈ... ને મૂળાને પાંદડે મજો કર્ય ની ! જી માણહ આડો નડતો’તો એને તો તેં વધેરી નાખ્યો છે—’

‘મેં વધેરી નાખ્યો ? અરરર... આવું બોલતાં તમારી ઉપર આભ કાં નથી તૂટતું ? તમારાં કાળજાં લોહીનાં છે કે લોઢાનાં ? ઉપર બેઠો છે ઈ હજાર હાથવાળો તમારો જવાબ નહિ માગે ?’

રાત ભાંગતી ગઈ તેમ તેમ બે સ્ત્રીહૃદયો વચ્ચેની આ ચકમક વધારે ઉગ્ર બનતી ગઈ.

ભૂતેશ્વરની વાડીમાં ભજનની રમઝટ જમાવી રહેલાં દોકડ ને મંજીરાંના તાલ સંભળાઈ રહ્યા હતા. ગામને પાણીશેરડે જળ જંપી ગયાં હતાં. એ નીરવ શાંતિમાં જાણે કે ખલેલ કરવા જ, ક્યાંય નહોતો ત્યાંથી ઓચિંતો ગોકીરો ઊઠ્યો; ઊભી બજારે હો...હા ને ધાગડિયો થઈ પડ્યો. ભડાક ભડાક અવાજો સાથે દુકાનોમાં ‘મારો ! મારો !’ નો દેકારો ઊઠ્યો. શાંત નીંદરમાં સૂતેલી શેરીઓમાં હડિયાપાટી થઈ રહી. આગળિયા વાસેલી ખડકીઓનાં કમાડ ફટોફટ ઊઘડ્યાં ને પાછાં ધડોધડ ભિડાઈ ગયાં. સૂમસામ રસ્તા ઉપર ધડબડાટી બોલી રહી. શ્વાનનિદ્રા લઈ રહેલો ડાઘિયો કૂતરો જાગી ઊઠ્યો ને ભયગ્રસ્ત અવાજે ભસવા લાગ્યો.

હાદા પટેલની ગેરહાજરીમાં એકલાં પડેલાં બન્ને સ્ત્રીહૃદયો આ ગોકીરો સાંભળીને ગભરાઈ ગયાં. ઊજમે ઊઠીને ખડકીનાં કમાડ ઉપર એક વધારે આગળિયો વાસ્યો, ને નવેળામાં જઈને ભયભીત અવાજે ધીમેથી સાદ કર્યો :

‘ઝમકુવવ ! એ...ય ઝમકુવવ ! આ ગોકીરો શેનો થ્યો ? ખમીસો બારવટિયો તો ગામમાં નથી ગર્યો ને ?’

નવેળાની પદ્ધતિના જાળિયામાંથી ઝમકુએ એથી ય અદકા ભયભીત અવાજે જવાબ આપ્યો :

‘ના ના; આ તો કિયે છ કે રઘાબાપાને ને એના ગિરજાને કો’ક મારે છે. અંબામાની હોટલમાં લાકડિયું ઊડે છે ને સોડાની બાટલિયું ફૂટે છે.’


*