← ખજૂરાં વનવૃક્ષો
તાડ
ગિજુભાઈ બધેકા
આંબલી →



તાડ

તાડ એ નાળિયેરી, ખજૂરી ને સોપારીની જાતનું ઝાડ છે એમ કહી શકાય. સોપારી ને નાળિયેરીની પેઠે તેનું થડ ઊંચું વધે છે ને માથે પાંદડાંનું છત્ર ઓઢે છે.

ડુંગરોની તળેટીમાં અને દરિયાને કિનારે તાડની શોભા દૂરથી સુંદર લાગે છે.

વેગથી જતી રેલવેમાં બેસીને જતાં દૂરથી નજીક આવતી તાડોની હાર આંખને જોવી ખરેખર ગમે છે.

તાડ જમીનથી જેટલો ઊંચો છે તેટલો જ જમીનમાં ઊંડો છે. તેનાં મૂળિયાં જમીનમાં ખૂબખૂબ ઊંડે જાય છે અને પવનના સપાટાઓ સામે તાડને ટટાર ઊભો રાખે છે.

તાડનું બી બહુ કઠણ હોય છે, ને વાવ્યા પછી એક વર્ષે ઊગીને તે પાંદડું કાઢે છે; એટલો બધો વખત તે જમીનમાં મૂળ નાખે છે.

તાડને તાડિયાં નામનાં ફળ આવે છે. તેની અંદરથી નીકળતા ગોળાને લોકો ખાય છે. આ ગોળાને તાડગોળ કહે છે. ખજૂરાંમાંથી કાઢવામાં આવે છે તેમ આમાંથી પણ તાડી કાઢવામાં આવે છે.

તાડ જેટલો ઊંચો છે, એટલાં ઊંચાં બીજાં ઝાડો છે ખરાં, પણ તાડની ઊંચાઈ બહાર પડી જાય છે કારણ કે તેને ડાળો નથી, માત્ર થડ જ છે. ઊંચા ને પાતળા એવા માણસને તાડનો ત્રીજો ભાગ કહેવાય છે. સાચેસાચ માણસ જો તાડનો ત્રીજો ભાગ હોય તો તે ૧૦ થી ૧૩ ફૂટ ઊંચો થાય કારણ કે તાડનું ઝાડ ૩૦ થી ૪૦ ફૂટ ઊંચું થાય છે.

તાડની એકથી વધારે જાતો થાય છે. તેમાંથી એક જાતનાં પાંદડાનો બહુ સારો ઉપયોગ થયેલો છે. એ પાંદડાંને કાપીને તેનાં પુસ્તકનાં પાનાં આગળના લોકો બનાવતા. આ તાડનાં પાંદડાં ઉપર લોઢાથી લખવામાં આવતું. આવાં તાડપત્રો ઉપર લખાયેલ ગ્રંથો તો બ્રિટિશ મ્યુઝિયમમાં છે; સાહેબ લોકોએ અહીંથી તેમને લંડનભેગા કર્યા છે. પાટણના જૂના ગ્રંથભંડારોમાં આવાં પુસ્તકો સહેલાઈથી જોવા મળશે.

આ પાંદડાં ઉપર લોકો એટલા માટે લખતા કે ઊધઈ તેને ખાઈ શકે નહિ. પાંદડાં ઉપર બહુ સુંદર ચિત્રો ચીતરતા. સોનેરી ને જાતજાતની શાહીથી રંગેલાં ચિત્રો ને શણગારેલા ને મોતી જેવા અક્ષરો હવે ભાગ્યે જ લખાશે.

આ તાડપત્રનાં પુસ્તકોને ગ્રંથો કહેવામાં આવે છે. તાડનાં પાંદડાંને કાપીને વચ્ચે કાણું પાડી, એ કાણામાં લખાયેલાં પાંદડાંને દોરીથી પરોવી ઉપરથી ગાંઠ વાળવામાં આવતી, કે પાછાં પાનાં છૂટાં છૂટાં ન થઈ જાય. એ ઉપરથી એનું નામ ગ્રંથ પડ્યું. ગ્રંથિ એટલે ગાંઠ; ને ગ્રંથ એટલે ગાંઠથી બાંધ્યાં છે પાનાં જેનાં એવી ચોપડી.

ડાહ્યા ને સારા લોકોએ તાડનાં પાંદડાંનો આવો સરસ ઉપયોગ કર્યો ને તેમાં સુંદર જ્ઞાનને લખ્યું; જ્યારે મૂરખ લોકોએ તાડના થડમાં ખાડા પાડી તેમાંથી તાડી શોધી ને તે પીને તેઓ ગાંડા બન્યા !

કહે છે કે સ્વર્ગમાં જે સાત ઝાડો છે તેમાં એક ઝાડ તાડનું પણ છે. આપણે એમ કલ્પી શકીએ કે દેવો તાડપત્રો ઉપર દેવતાઈ ગ્રંથો લખતા હશે, ને દાનવો તાડી બનાવીને પીતા હશે ! આ સ્વર્ગનર્કની વાત તો માનવા જેવી નથી, પણ તાડ વિષેની આ કલ્પના સુંદર તો છે જ.