← તાડ વનવૃક્ષો
આંબલી
ગિજુભાઈ બધેકા
રાયણ →



આંબલી


ભૂતનું ઠેકાણું આંબલી. મેં તો કોઈ દિવસ આંબલી નીચે ભૂત ભાળ્યું નહિ; કોઈ "મેં ભાળ્યું છે." એમ પણ કહેતું નથી. લોકો ગપ્પાં મારે ત્યારે પાયા વિનાનાં ગપ્પાં મારે, એવું આ પણ એક ગપ્પું.

પણ ગપ્પું મારવાનું એક કારણ છે. કેમકે આંબલી એક મોટું ઘટાટોપ ઝાડ છે; જંગી ઝાડ છે. એવા મોટા ઝાડ ઉપર માણસ ચડીને બેસે તો દેખાય પણ નહિ; કેટલા યે વાંદરાઓ તેમાં ન દેખાય તેમ સમાઈ રહે; પાર વિનાનાં પક્ષીઓનો તે માળો થઈ શકે.

વળી આંબલી ઘણે ઠેકાણે ગામની બહાર, કોઈ કોઈ ઠેકાણે સ્મશાન પાસે, ને કોઈ કોઈ ઠેકાણે કોઈ ન જતું હોય એવા ખાડાટેકરાઓ ઉપર હોય છે. આંબલી બાગનું ઝાડ નથી, જંગલનું ઝાડ છે; છતાં લોકોએ આ ઝાડને પાળેલું છે. આંબલીનો વેપાર ચલાવવા ઝાડનું રક્ષણ કરવામાં આવે છે. તેનો છાંયો મજાનો છે, તેથી રસ્તાની બંને બાજુએ તેને રોપવામાં આવે છે.

આંબલીનું ઝાડ ઘણું ઊચું છે. ગુજરાત આંબલીનું પિયર કહેવાય. વરતમાં પણ 'સો આંબા સો આંબલી' છે, એટલે જેટલા આંબા એટલી આંબલી ગુજરાતમાં વખતે મળે. આંબલીનાં પાંદડાં તીરખીઓ ઉપર ઝીણાં ઝીણાં થાય છે. પવનથી કંપે છે ત્યારે તે જોવા જેવાં લાગે છે. આંબલીનાં ફૂલો રૂપાળાં અને ખાટી ગંધભર્યાં હોય છે. આંબલીનાં કાતરા વાંકા, ઘણી વાર દાતરડાના આકરના હોય છે. પાક્યા પહેલાં કાતરા લીલા હોય છે; પાક્યા પછી તપખીરી રંગના થાય છે. આંબલીનાં પાંદડાં ખાટાં, આંબલીના કાતરા ખાટા, ને આંબલીની હવા ખાટી; પણ આંબલીમાંથી નીકળતા આંબલિયા તૂરા.

આંબલીનો મોટો વેપાર ચાલે છે. ગુજરાત આખામાં દાળમાં, શાકમાં આંબલી નખાય છે. આંબલીનું પાણી ગોળ મેળવી બનાવાય છે તેને આંબલવાણું કહે છે; રોટલી સાથે તે સારું લાગે છે. ઉનાળાનું તે એક ઠંડુ પીણું છે. આંબલીથી ઊટકેલાં વાસણો બહુ ઝગારા મારે છે. આંબલી બહુ ખાવાથી સાંધા રહી જાય અને માથું દુખે.

આંબલિયાથી છોકરાંઓ એકીબેકી રમત રમે છે. આંબલિયા ફોલીને મુખવાસ તરીકે લોકો ખાય છે. આંબલિયો ઘસીને નાની નાની ફોડકીઓ ઉપર ડોશીઓ ચોપડે છે. આંબલિયો પથરા ઉપર ઘસીને, તપાવીને નાનાં છોકરાંઓ એકબીજાની ચામડીને અડાડીને ગમ્મત કરે છે.

આંબલીનું ઝાડ ઉગાડવા જેવું છે. આંબલીના ઝાડ ઉપર ચડવા જેવું છે. આંબલીનાં ફૂલ હાથમાં રાખવા જેવાં છે. આંબલીના ફૂલનું પાણી પીધા જેવું છે. આંબલીના આંબલિયાથી રમ્યા જેવું છે.

આંબલી સારી છે; ભગવાને એને ઠીક બનાવી છે.