← આંબલી વનવૃક્ષો
રાયણ
ગિજુભાઈ બધેકા
ઊમરો →



રાયણ


ગુજરાત રાયણનું ઘર કહેવાય. કાઠિયાવાડમાં ગીરમાં પણ રાયણો છે. ગુજરાતનાં નાનાં નાનાં છોકરાંઓએ પણ રાયણ જોઈ હોય, અને કાઠિયાવાડમાં ઘણાંઓની આખી જિંદગી નીકળી જાય તો ય એમણે રાયણનું ઝાડ કદી ન જોયું હોય !

ગુજરાતમાં રાયણની ઋતુ આવે ત્યારે રાયણ ખાઈ ખાઈને લોકો એટલા ધરાઈ જાય કે તેની સામે પણ ન જુએ. રાયણ, રાયણ ! અમસ્તી ખાવા રાયણને રોટલી સાથે ખાવા પણ રાયણ. ગુજરાતમાં રાયણ રોટલીની નાતો થાય. અધધધ, કેટલી બધી રાયણો !

પણ કાઠિયાવાડમાં ગુજરાતની રાયણો આવે છે ખરી. પહેલાં ગાડારસ્તે આવતી અને બધાં ગામે ન પહોંચતી; પણ હવે તો રેલગાડી થઈ એટલે ઢગલાબંધ રાયણો આવી પડે છે અને ગામેગામ રેલાઈ જાય છે. કાઠિયાવાડનાં છોકરાંઓ રાયણનું ઝાડ તો ન ભાળે, પણ રાયણ તો ભાળે.

પહેલા જ્યારે રાકણો ચારેકોર નહોતી પહોંચતી ત્યારે રાણકોકડીઓ પહોંચી જતી. રાણકોકડીઓ એટલે સુકાઈ ગયેલી રાયણો. એટલી લીલી રાયણો ખાય ? એટલે ગુજરાતના વેપારીઓ તેને સૂકવે. સુકાયા પછી સૂકા મેવા તરીકે તે વખણાય. અસલ રાણકોકડીનાં ગાડાં આવતાં ને જતાં હશે; ખૂબ આવતાં જતાં હશે.

નાના છોકરાંને રાણકોકડીઓ બહુ ભાવે. પહેલાં તો પાઈની પાશેર મળતી, છોકરાં તે ધરાઈને ખાતાં. પછી રાણકોકડીઓનાં ગાડાં ઉપર ખુશી થઈ તેમણે જોડી કાઢ્યું હશે:-

"રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;
રાણકોકડીનાં ગાડાં આવે છે, જાય છે;"

રાણકોકડીને ફરાળ તરીકે પણ વાપરવામાં આવે છે. ગરીબ લોકોને એનું ફરાળ પોસાય છે. 'સોંઘુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.'

થોડીએક રાયણો કાઠિયાવાડમાં ચારેકોર ઊગાડીએ તો છોકરાંઓને ખાવાની બહુ મજા પડે. જુગતરામભાઈએ 'રાયણ' નામની ચોપડી કરી છે તે વાંચવાથી છોકરાંને મજા પડે એ ખરી વાત છે; પણ એમાંથી રાયણ જેવો સ્વાદ આવે ? જુગતરામભાઈ કાઠિયાવાડના છે; હમણાં તેઓ ગુજરાતમાં રહે છે. ત્યાંથી તેઓ બેચાર રાયણનાં ઝાડો લાવીને પોતાના ગામમાં વાવે તો કેવું સારું ! છોકરાં બિચારાં હોંશેહોંશે રાયણો ખાશે ને આશીર્વાદ આપશે.