વસુંધરાનાં વહાલાં દવલાં/૧૪.એ ક્યાં છે?

←  ૧૩.તીર્થક્ષેત્રે વસુંધરાનાં વહાલાં દવલાં
૧૪. એ ક્યાં છે ?
ઝવેરચંદ મેઘાણી
૧૫.નવી લપ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


14

એ ક્યાં છે?

પિતાનું નામ પ્રતાપભાઈએ જોતજોતામાં ભૂસી નાખ્યું. પિત્રાઈઓના ખોરડા ખરીદી લઈને શેઠે ફળિયું સુવાંગ કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા, ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાળી નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને પણ કોર ઓટા, ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબાવરાવે અને લીલાછમ તાજા રજકા બટકાવતી બે ઘોડીઓની લાદ પણ એક પ્રકારની સમૃદ્ધિદર્શક સુગંધે આખી ડેલીને ફોરાવી મૂકે.

શેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાટડી પણ પડાવી નાખવાના એને ઘણા માથા માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારું એ જ બેસણું, ને મૂઆ પછીયે જો પડાવશો તો ભોરીંગ સરજીને હું ત્યાં ભમીશ એટલે એ એક ખૂણાનો ખાંચો મૂકને પ્રતાપ શેઠે એક માલ ઉપર લેવરાવ્યો. એ માળ તેમ જ ડેલી માથેની એ માઢમેડી પર ચડીને દરિયાકાંઠાની ખારવાણો જયારે ટીપણી ટીપી ત્યારે ફરતાં ગામોના સીમાડામાં એના રાસડા સંભળાયા. વિજયગઢથ આણેલી કીટસન લાઈટો મેડીને માથે આખી રાત ઝાગતી રહી પણ ટીપણી બંધ ન પડી. અને છ મહીને જે દિવસ વાસ્તુના અવસર પર ઇન્દ્રનગરના અધિકારીમંડળની એંઠમાંથી ગામનો ઢેઢ, ઢાઢી, મીર, વાઘરી ને ઝાપડો પેટપૂરતું મળ્યું ધાન પામ્યો તે દિવસથી પીપરડી ગામ ‘આઈ સોઢીબાઈની પીપરડી’ એ જૂની નામથી ઓળખાતું બંધ પડ્યું – મલકમાં નવું નામ ફરી વળ્યું : ‘પરતાપ અમરાની પીપરડી.’

તે દિવસથી પ્રતાપ શેઠે દાતણપાણી કરવા માટે ડેલીના ઓટા ઉપર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિહારીઓએ પ્રતાપ શેઠની ડેલી પાસે થઇ ને નીકળવામાં જીવનનો મહિમા માન્યો. તે દીવસથી પાણી ભરનારીઓના ડગલાને દોઢય વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાને ચક-ચકાટ ચડ્યા, ઈઢોણીએ મોતીઓ જડાયા, ચરણીએ હીર ડોકાયા. જેમને પોતાની વહુદીકરીઓના આવા શણગાર કવાની ત્રેવડ નહોતી તેમની બાયડીઓએ નવાણે જવાના નોખા લાંબા પંથ પકડ્યા. કોળી, વાઘરી ને વાણંદની વહુવારુઓએ શેઠની ડેલી પાસે નીકળવાની હિમંત છોડી, કેમકે પ્રતાપ શેઠનું દાતણ એટલે તો પંદર-વીસ પરોણાનો દાયરો; ફરતાં પાંચ ગામડાનો મોભો, મલાજો, ઢાંકણ. ઘોડે ચડીને ગામમાં આવતો કોળી પાદરમાંથી જ નીચે ઉતરીને ઘોડું દોર્યો આવતો; ને ઘોડે ચડ્યો ગરાસિયો ગામના છીડા ગોતીને પોતાને મુકામે પેસી જતો.

‘હક્ય્મ જેવો બેઠો છે, બાઈ ! ‘ ગામ-નારીઓ વાતો કરતી. ‘ દી વળ્યો છે એમ ડિલેય કેવું વળ્યું છે, બાઈ ! પેટે તો વાટા પડે છે પરતાપ શેઠને ! ‘

સાંજ પડતી ત્યાં ઉઘરાણીની થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંઘી ગોદેસવાર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. એનો તરવાર-પતો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોના હૈયા ડારતી. રજપૂતોની એક પછી એક જમીન પોતાના બંધાણી ધણીઓથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ દસ્તાવેજોનાં દ્વારમાંથી તમને કઢાવી જાય એવો ગરાસિયો હવે જનમ લેવાનો નથી.

સ્વાદના શોખીનો ‘ પ્રતાપ અમરાની પીપરડી’ પર મીટ માંડે છે. પૂડલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપરડીનો કેડો સાંધે છે. લાડુના ભૂખ્યા લોકસેવકો ખેડૂતોના રોટલાથી થાકી પ્રતાપ શેઠની પીપરડીને પોતાના માર્ગમાં લયે છે. સવા રૂપિયાથી માંડી સવાસો રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને સૌ કોઈ પ્રતાપ શેઠની પીપરડી જ ‘ બંગલા ‘ ચીધાડે છે.

પ્રતાપે નાનકડા પીપરડી ગામમાં સર્વ પ્રકારના શહેરી સ્નેહીઓને આકર્ષણ કરનારી સામગ્રી વસાવી હતી.

‘મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે. પીપરડીની બંગલી સાફ છે કે ? ‘ પ્રતાપ પર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો.

‘હિંદભરમાં સ્વરાજ-ફાળો ઉઘરાવીને વિસામો શોધું છું. માથેરાન-મહાબળેશ્વર તો હવે જૂના બની ગયા છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડયા છે, તમારા પર કળશ ઢોળું કે ? ‘ એવો એક દેશસેવકનો કાગળ નહિ પણ તાર જ આવતો.

‘ઇન્દ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને માથે રાજની આફત આવી છે. તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો ? ‘ દેશી રાજ્યના ઇન્સફ્ને જાહેર સભામાં ‘બાપુ શાહી’ કહી વગોવનારા કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ કરનાર સાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા, ને લેતા એટલે, બસ, ફાવતા.

નાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ દેરાસર ગણાય અને સાધુ સાધ્વીઓને ઉતારવા ઉપશ્રય બંધાય અને એક ગાઉંના ફેરમાં જઇને રાજની રેલગાડીના પાનાં પીપરડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાઈ, સડક દોરાઈ, માટીના સૂંડલા ધમધોકાર પડવા લાગ્યા એ ખબર પડતાં તો મુનિશ્રી મોહવિજયજીએ પીપરડીના વણિકોના દસ ઘરોએ પોતાને ઘેર તીર્થકર ઊતર્યા ગણ્યા.

“એક જ વચન લેવા આવ્યો છું, શેઠ ! “ મુનિશ્રીએ એકાંતે વાત ઉચ્ચારી.

“ફરમાવો !”

“સ્ટેશનનું નામ શુ રાખવાના છો ?”

“ પીપરડી. “

“ન બને. “

“ત્યારે ? “

“તમારા ગામથી ત્રણ જ ગાઉં પર ગૌતમગિરિની પ્રતિષ્ઠા મેં કરી છે એ કેમ ભૂલી ગયા ? એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે. તમારે એ પુન્ય જોઈએ છે કે નહિ ? સ્ટેશનનું નામ ગૌતમગિરિ ન પડાવો તો પીપરડીનું પાણી મારે ને મારા સાધુઓને ખપશે નહિ. “

અને મુનિશ્રી મોહવિજયજી પ્રતાપ શેઠનો જમણો હાથ પોતાના પગને અંગૂઠે મુકવીને કોલ થઇ ગયા.

પચીસ ગાઉના ઘેરાવામાં ‘ પ્રતાપ શેઠ, પ્રતાપ શેઠ ‘ થઇ રહ્યું, અને પહેલી જ વાર ત્યાં આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબના સલૂનો લઇ આવ્યા. ત્યાર પછી એ જુવાનના પ્રતાપી કીર્તિ-મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું.

આવી દોમદોમ સાહિબીની ઉપર એક ચિંતાની વાદળી તોળાઈ રહી હતી. પ્રતાપ શેઠનો સાત વર્ષનો લાડકો પુત્ર ગાળેલું શરીર લઈને મૂંઢાં હાથની સેજને માથે લોચતો હતો. એની પહેલાનો બાળક ત્રણ વર્ષની ઉમર લગભગ પથારીમાં જ વિતાવીને મૃત્યુ પામ્યો હતો. દાકતરોની દોડાદોડ થતી હતી. મોસંબીના કરંડિયા છેક મુંબઈથી ઉતરતા હતા. મહેમાનોની ભીડ ચોવીસ કલાક ચાલુ રહેતી. ઇન્દ્રનગરથી અધિકારીઓ પણ આટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આગણામાં છોળો મારે એ અવસર ઉત્સવ નામને લાયક છે.

દસ વર્ષ : ગામની સૂરત બદલાઈ ગઈ હતી ? ના, ના, એક પ્રતાપ શેઠના મેડી-માળિયા જ એ વધુ ભાંગેલા ગામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતા ઊભા હતા. ચિતામાં બળતું શબ ઘણી ઘણી વાર બેઠું થઇ જાય છે, પણ એ બેઠા થવામાં પ્રાણ નથી હોતા. પીપરડી ગામના થોડાક ખોરડાના વિલાયતી નળિયા એટલે એ ગામના ચિતા-ચડેલા શબનું બેઠા થવું : ગરાસિયાના ઘરો ખંડેરો બન્યા હતા. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા થોલતા તેને ઉડાડવા માટે પૂછડાની તાકાત તૂટી ગઈ હતી.

સજીવન હતો ફક્ત વાઘરીવાડો. કૂબાનું લીપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કૂબાના ફળિયામાં પડેલા અજીઠા હાંડલાને કૂતરાઓની ઔષધિમાય જીભો જયારે દાણોદાણો ચાટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંજેલા જેવા બનાવી રહી હતી ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કૂબાને છાપરે ઝૂલા ખાઈ રહેલ ઠીબમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો, જેણે દસ વરસ પરની એક સંધ્યાએ તેજુની આડે પાડીને ગામલોકોનો લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા :

“ફરી વાર પાછી ઝાપડાઓને લે’ર થવાની !”

“કેમ ?”

“શેઠનો છોકરો હવે ઘડી-બે ઘડીનો મેં’માં છે. ખાપણમાં તો રોગા રેશમના રેટા જ ઓઢાડશે ને !”

“વાધરા બાઝી મારવાના. ઓલ્યો પે’લ વારકીનો મૂઓ ત્યારે કેવી બઘડાતી બોલેલી, ભૂલી ગ્યા ?”

“આપણે તો હમણાં ઊલટાના ભારી એક દાતણ રોજ નાખવા પડે છે શેઠને ઘરે. આપણને કાઈ લાભ ? મેં’માનોનો કાઈ પાર છે ?”

“ને હવે તો દાગતરુ મલક બધામાં હાલી મળ્યા છે. “ બોલનાર વાઘરી ભૂવો હતો : “ એટલે માતાના દાન જોવરાવતુંય લોક મટી ગયું છે. માતાના નામની માદળડી એક વાર તો બાંધી જોવે – પણ હવે એને કે’વા કોણ જાય ?”

‘માદળડી ‘ શબ્દ સાંભળીને એક સિતેર વરસનો ડોસો ઉભો થયો. એ પોતાના કૂબામાં ગયા. બે-ચાર માટલા પડ્યા હતા તેમાં તેણે ખાંખાખોળા કર્યા. એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. દસ વરસની કાટ ખાઈ ગયેલી એ એક ચારઆનીને એણે માંજીને ચળકતી કરી, લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. બે વાર તો નાઉમેદ બનીને પાછો વળ્યો, ત્રીજી વાર ‘જે થાય તે ખરી’ એમ બોલીને એણે પગ ઉપડ્યા. દાતણ નાખવાને નિમિતે એ પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોચ્યો. ઓરડાની અંદર ઢોલિયાને વીંટલાઈ વળી પુરુષો ને બૈરાનું ટોળું બેઠું હતું. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની એક યુવતી ઓસરીની થાંભલીએ અઢેલીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી.

“મા !” વાઘરીએ કહ્યું.

“અત્યારે નહિ, ચાલ્યો જા, ભાઈ !” બાઈએ એને તરછોડ્યો.

“હું કશું માગવા નથી આવ્યો – આપવા આવ્યો છું.”

“શુ છે ? “

“મા, હું અક્કલહીણો છું. મારી પાંતીનું દંખ ન લગાડજો. પણ જો એક વાર, હૈયે બેસેન્ન બેસે તોયે, જો એક વાર, આ પયલીમાં દોરો પરોવી ભાઈને ગળે બાંધો તો બીજું તો કાઈ નહિ, માં, ભાઈના વિવા’ થશે તે દી અમેય ગળ્યો કોળિયો પામશું – એટલી જ મારી તો અબળખા છે, માડી ! “

શેઠ-પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્વજ્ઞાનીએ પણ વહેમને વશ થઇ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ-પત્ની જે શ્રધ્ધા ને વહેમથી દવાદારૂ અને ઇન્જેકશનોને પણ અજમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતકાળના એક લૂલા-પાંગળા ઈલાજ લેખે લઇ બેઠી. એને કોઈને જાણ થવા જ દીધી. પાવલીમાં છાનુંમાનું છેદ પડાવીને એણે તે દિવસ રાતે, જયારે સૌ જમવા ઊઠયા હતા ત્યારે બાળને કંઠે બાંધી દીધી.

જગતમાં ઘણા અકસ્માતો બને છે. એકસાથે બનતી ઘણી ઘટનાઓ કાર્ય-કારણની કડીઓના રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીના વળતા પાણી થયા. વૈદોએ, દાક્તરોએ, સારવાર કરનારાઓએ – પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ માહમૂલી જિંદગી બચાવ્યાની જશ-પાઘડી પહેરી લીધી, ને પ્રતાપ શેઠે પોતે પણ વ્યવહારજ્ઞ માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી.

છોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગાળામાં પડેલી ચારઆનીની માદળડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું :

“આ તમારી વિદ્યા હશે !”

“રે’વા દેજો, એ કાઢશો નહિ.”

“તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યા કે ? સારું થાયુ કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડો’કે નાખવા નહોતા લઇ આવ્યા !”

“લાવી’તી !” એટલું કહીને એણે બે હાથના પંજાના આકડા ભીડીને પ્રેમ-માદળડીનો આકાર રચ્યો અને ઉમેર્યું : “નીકર તમે પણ ક્યાં બચવાના હતા ? ખીજડા-તલાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું”તું, વિસરી ગયા !”

“તને કોણે કહ્યું ?” પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો.

“હવે....એ વાત જવા દઈએ.”

“પણ આ માદળડી ક્યારે નાંખી’તી ?”

“પછી કહીશ.”

પાણીઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષોની ઊંઘનું ઘારણ વળ્યું હતું ત્યારે શેઠ-પત્નીએ ગર્વભેર બડાશ હાંકી કે તમારા વૈદ-દાકતરની માત્રા પાછળ બે હજાર રૂપિયાનું ખરચ કર્યું તો મને પણ એ માદળડીના બે હજાર ચૂકવો.”

“કોણે આપી ? ”

“નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કીમત નહિ રહે !”

“તોપણ કહો.”

“ફુલિયા વાઘરીએ.”

ફરીથી પાછુ વાઘરીઓનું કામણ-ટુમણ શરૂ થઇ ચુક્યું છે ને એનું મૂરત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હ્રદયમાં ખટકી. એણે થોડા દિવસ રહીને ફુલિયા વાઘરીને એકાંતે તેડાવ્યો ને ધમકાવ્યો : “ ગામ છોડવું છે ? શા દોરધાગા ચલાવવા માંડ્યા છે ? ડેબા ભાગી ગયા’તા એ ભૂલી ગયો ? હરામખોર, મારા જ ઘરમાં ?”

“માફ કરો, બાપા ! “ શેઠની મોજ લેવાની આશાએ આવેલ શેઠની ચંપલ પડી હતી તે મોમાં લઈને કરગરવા લાગ્યો : “ દસ વરસ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે. હવે માફ કરો !”

“દસ વરસની શી વાત ? હજી મારો ખેધ છોડતા નથી કે તમે વાઘરા ?”

“બાપા સા’બ, મારો ગનો નથી. મેં તો સોપેલી વાતનો મારા દલ માથેથી ભાર ઉતર્યો છે. મારા સોણામાં આવી આવીને રોજ રગરગતું ને રોતું મો હું તે દી ન સંઘરી શક્યો. મને કહે છે કે : ફુલિયા ભાભા, પાવલી આજ નૈ આપ તો પંછે કે’દી આપીશ ? “

“કોણ કહેતું’તું ? કોનું મો રોતું તું ?”

“ભાઈસા’બ, મને ભઠશો માં, હો ? મેં આજ લાગી કોઈને નથી કહ્યું.”

“નહિ ભઠું, કહે.”

“તેજુડીનું મોં.”

પ્રતાપની આંખો નીચી ઢળી.

“એની દીધેલ જ એ પાય્લી : મને હાલતી વખતે સમ ખરાવી ખરાવી કીધું તું કે માદળડી ઘડાવીને ડોકમાં પે’રાવવાનું કે’જે, હો ફૂલાભાભા ? શરીરે નરવ્યા રે’શે ભાઈ ! પણ હું આંહી એ વાત લઈને શી રીતે આવું ? મારા પગ શે ઊપડે ? નીકર મોટા ભાઈ માંદા ને માંદા રેતા’તા ત્યારે મને કાઈ થોડું મન થયું હશે ? “ વાઘરીએ કહ્યું.

“તું આ બધું શુ બબડી રહ્યો છે, ઘેલા ? તને ક્યારે આપી’તી પાવલી ? ક્યારે આ બધું કહ્યું’તું ? કે જોડી કાઢ છ ને મને ઉઠા ભણાવ છ ?”

“ માતા લ્યે મને, જો હું ઉઠા ભણાવતો હોઈશ તો ! જાતરાએ જાતી જાતી ઈ મને કે’તી ગઈ’તી, બેય વાત કે’તી ગઈ’તી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વીસર્યા નથી પણ આ બીજી વાત પાળવાના પગ નો’તા ઉપડ્યા બાપુ ! “

“ જાત્રાએ ? “ પ્રતાપ પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. “ કોની જાત્રાએ ? “

“ ઈ.....ભાઈ....ભગત માણસ કે’તો’તો તે તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાતરાએ લઇ જાશું. અમનેય તે ઈમ થ્યું કે પ્રાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ. માથે બદનામુ હોય ત્યાં સુધી તો.....”

ફૂલો બોલતો બોલતો બંધ પડી ગયો. એને મોડું મોડું ભાન આવ્યું કે પોતે જુના જખમના ટેભા ઉતરડ્યા હતા.

“ ફૂલા ભાભા ! “ પ્રતાપ શેઠ પોચા પડયા : “ તૂટક તુટક વાત છોડીને મને કડીબંધ આખી વાત કહીશ ? “

“ કઉં, ભાઈસા’બ ! કે’વામાં મને શો વાંધો છે ? પણ તમે મને...”

“ હું તને કાઈ નહિ કરું, ભાભા ! મારે એ આખી વાત સાંભળવી છે.”

ફૂલાએ માંડીને વાત કહી.

“ અત્યારે એ ક્યાં છે ? “

“ કાઈ પત્તો નથી. “

“ ઇન્દ્રનાગરના એ મકાનની તને ખબર છે ? “

“ મેં ફરી કે’દી જોયું નથી. “

“ મારી સાથે આવીશ ? આપણે ત્રાગડો મેળવવો છે. “

“ પણ બાપા ! “ ફૂલો ભયથી ધ્રુજી ઉઠ્યો : “ હવે ઈ ઈને રસ્તે ચાલી ગઈ. મરી ખૂટી હશે. જીવતી હોય તોય તમને વતાવતી નથી. હવે ઇના મૂળિયાં ખોદવાથી શો સાર ? ખમાં, ભાઈ બેઠા થયા છે ! એની માદળડીનું બા’નું તો બા’નુય જાળવી રાખો, બાપા ! એ દટાઈ ગઈ છે તેમાંથી ખોદવાની શી જરૂર છે ? “

પ્રતાપની આંખોમાં જળ ઉભરાયા : “ ભાભા, મારે એના મૂળિયાં પણ નથી ખોદવા. એના મૂળિયાં ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મારી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે ? જીવે છે કે મૂએલા છે ?”