વસુંધરાનાં વહાલાં દવલાં/૧૫.નવી લપ
← ૧૪.એ ક્યાં છે? | વસુંધરાનાં વહાલાં દવલાં ૧૫.નવી લપ ઝવેરચંદ મેઘાણી |
૧૬.એ આજ કેવડો હોત! → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
15
નવી લપ
પાંચાલ દેશના ડુંગરા પ્રમાણિક છે. જેવા છે તેવા જ દેખાય છે. પણ એ ડુંગરમાળામાંથી નીકળીને વહેતી એક નદીનું દિલ દગલબાજ છે. એ નદીનું નામ ભોગાવો છે. એનાં પેટમાં ફોડાં છે.
ચોમાસા પહેલાંજ વરસાદનું પાણી ડુંગરાઓનાં હૈયાંમાંથી અમૃત સરીખું નિર્ઝરીને જ્યારે ભોગવાના પેટમાં પડે છે ત્યારી છૂપુ ઝેર બને છે. એની સપાટી ઉઅપ્ર સૂકી માટીની પતરીઓ વળી જાય છે. જમીન જેવી એ જમીન નીચે બબ્બે-ત્રણત્રણ મથોડાં ઊંડી રાબ સંતઈ રહે છે. કેટલાંય ઘોડાં અને ઊંટિયા. અસવાર સહિત કે અસવાર વગરનાં, સીધી વાટે ચાલ્યાં જતાં, એ રાબડના ગુપ્ત કૂપો પર પગ પડતાંની સાથે જ અંદર ગાયબ બની ગયાના દાખલા છે. બહાર નીકળવા જોર કરનાર પ્રાણી એ ફોડાંની ચૂડમાં વધુ જલદી સપડાય છે.
એ મૃત્યુ ભયાનક છે, કેમ કે પોતાના ભક્ષને ગળી જતાં ફોડાં નથી પોતે કોઈ અવાજ કરતાં કે નથી પોતાના શિકારને, 'દોડજો ! દોડજો !' ની બૂમો પાડવાનો સમય આપતાં. ભોગવાનાં ફોડાં અને દગલબાજ માન્વી, બે વચ્ચે ફેર આટલો જ પડે છે કે ફોડાં ખાસ કોઈને ફસાવી પાડવા નીકળતાં નથી, તેમ પોતાનું કામ એ બે-પાંચ પળમાં જ પતાવી નાખે છે. માનવીની દગલબાજી ધીરે ધીરે અજગરની માફક ગળે છે, એટલે શિકારને તરફડિયાં મારવા જેટલો સમય લેવો જ પડે છે.
એવા ભોગવાને કિનારે એક દિવસ બપોર ટાણે મદારીનું કુટુંબ આવી પહોંચ્યું. એ જમાતમાં એક નવો તત્ત્વજ્ઞાની વધ્યો હતો. એ ગધેડો હતો.બીજા સર્વના વિચાર-ભાર પોતાનાં ભેજામાં ભરનારા માનવ૦ફિલસૂફ જેવો આ ગધેડો મદારીના તમામ સરંજામને પોતાની પીઠ પર ખેંચતો હતો. અને ફિલસૂફના માથાના જ્ઞાન-ગાંસડા પર કોઈ કોઈ વાર કવિતા ચડી બેસે તેમ મદારીના નવા સાથીને માથે વાંદરી રતનબાઈ પણ સવાર બનતી. વાંદરાનો વારો નહોતો આવતો.
સ્થાવર સરંજામમાં બે મોટા વાંસડા ઉમેરાયા હતા, ને તે વાંસડા ગધેડાની પીઠ પર આડા બંધાતા હતા. લાંબી લઆંબી ચર્ચાને આડી નાખીને તત્ત્વજ્ઞો જેમ જનસમૂહને પોતાના માર્ગમાંથી તરી જવાની ફરજ પાડે છે તેમ આ ગધેડો પણ પંથે ચાલતા વાટે માર્ગુઓને વાંસડાના બન્ને છેડાની બહાર તરીને જ ચાલવાની ફરજ પાડતો. ગધેડાની પાછળ પાછળ ચાલ્યાં આવતાં રીંછણ અને વાંદરો, ફિલસૂફની બુદ્ધિના કાયમી અનુચરો, જડતત્વ અને અસ્થિરતા જેવાં ભાસતાં.
સિત્તેર વર્ષના કાળને ખાઈ જનારો મદારી, હતો તેથી વધુ વાંકો વળ્યો હતો. ઇનો એક હાથ ડાંગ પર ને બીજો હાથ અખૂટ હાસ્યાના ભંડાર છોકરા ઝંડૂરિયાના ખભા પર ટેકો લેતો. ઝંડૂરિયાના ખભા ઊંચા થયા હતા કેમ કે એની ઉંમર તે ડિસે તેર વર્ષની હતી. એના દુધિયા દાંતને સ્થાને આવી બેઠેલા મોટા દાંત એના કપાયેલા હોઠ વચ્ચેથી વધુ મોટા દેખાતા હતા. એટલે કે ઝંડૂરિયાનું ‘અમર હાસ્ય’ પણ લંબાયું ને પહોળાયું હતું. ઝંડૂરનું શરીર સોટાની જેમાં સીધું વધ્યું હતું. ઋતુએ ઋતુએ શરીર પર પોતાપોતાના રંગોની પીંછીઓ ફેરવી જતી હતી એ સર્વ પીંછીઓના ઉપરાછાપરી પુટમાંથી ઝંડૂરિયાના શરીરે શ્યામલ વર્ણ ધારણ કર્યો હતો.
વાંસની ટોચે એ ખિસકોલી પેઠે ચડી જતો હતો. એનાં લાંબા લટૂરિયાં પર ટોપી નહિ પણ કાંસાની થાળીઓ ઓઢી હતી. એના ઘૂઘરિયાળા પગ ઊંચા દોરાને માથે એ થાળીમાં ચડી લસરી શકતા હતા. એના મોં પરનું હસવું સર્વ મનોવેદનાને પાર કરી ગયેલું હતું. તસતસતી બંદીમાંથી બહાર પડતા એના ખભા સુધીના હાથ સંઘેડિયાના સંઘેડા પર ઊતરેલા સરીખા ઘાટીલા હતા. પણ એનું અખૂટ હાસ્ય ભયાનક હતું.
મદારી-કુટુંબમાં બીજી પણ એક વૃદ્ધિ થઈ હતી. રાતનબાઈ વાંદરીને આઠ વાસાનું બચ્ચું હતું. એ બચ્ચું ઘણું ખરું ઝંડૂરિયાના ખંધોલે જ બેઠું બેઠું એના માથા પરની થાળીમાં મૃદંગના બજવૈયાજેવી થાપીઓ મારતું હતું. બચ્ચાના મોંમાંથી પડી જતાં જમરૂખનો ટુકડો ઝંડૂરિયો મદારીની નજર ચુકાવીને આરોગી જતો.
એ આખી જમાત ભોગવા નદીને કિનારે અષાઢા મહિનાના એકા સ્વચ્છ દિવસે ચાલી આવતી હતી. ઊતરવાનો આરો થોડા ફેરમાં હતો. આ રો આવી પહોંચ્યો. સામી ભેખડે હજુ આ મદારી-કુટુંબ નહોતું ઊતર્યું ત્યાં ઝંડૂરિયાએ નદીના પટમાં સામેથી ચાલી આવતી એક સ્ત્રીને દેખી. સ્ત્રીની પછવાડે એક સાતેક વર્ષની છોકરી ચાલી આવતી હતી. સ્ત્રીને માથે લાકડાનો ગંજાવર ભારો હતો. ભારો જાણે કે એને માથે ઉપાડેલ હોય તે કરતાં એને માથે ચડી બેઠેલા હોય એવો હિંસક લાગતો. એના ઘૂંટણ સુધી પગ ઉઘાડા હતા, ને ઘૂંટણથી ઊંચે છાતી સુધીના દેહની ચાડી ખાતા લૂગડાંના લીરા લબડતા હતા. છોકરી ‘માં માં’ ના કિકિયારા પાડતી હતી, કેમકે એના પગ તળે ભોગવાની થાપા-ભૂંજેલી વેકૂરી છમ છમ ઊના દામ દેતી હતી.
“ત્યાં ઊભી રે’ , ઊભી રે’, હું સામે કાંઠે ઉતારીને તને તેડી જાઉં છું”, એટલું બોલતી બાઈએ વેગ કરીને ઊંટ ખૂમડે તેમાં વેકરો ખૂંદ્યો, પણ કાંઠાને પહોંચવાનું પંદર કદમનું જ જ્યારે અંતર રહ્યું ત્યારે એના પગ સરક્યા. પગ નીચે ફોડાનું જડબું આવ્યું. માથા પર લાકડાના ભારાએ ભીમસા કરીને ફોડાને યારી આપી. ઓ ગઈ ! ઓ ગઈ ! ક્યાં ગઈ એટલું મનમાં મનમાં પણ વિચાર કરવાનો સમયા રહેવા દીધા વગર ભોગવાએ એ બાઈને આખી ને આખી પોતાના ઉદરમાં ઉતારી. ઝંડૂરિયો વાંદરીના બચ્ચાને નીચે પછાડીને ડોટ કાઢીને ત્યાં પહોંચ્યો. ત્યાં નદીની રેત પર બસ લાકડાનો ભારો પડ્યો હતો ને બાઈની ઓઢણીનો છેડો જારી જારી ડોકિયાં કરતો હતો તે પણ અદ્રશ્ય થયો. ફોડાની સપાટી પર ફક્ત થોડાં બડબડિયાં બોલ્યાં.
નાની છોકરી સામા કિનારા પાસે ઘડીજ એક પગ પર બીજો પગ ચડાવતી, ઘડીક બેસતી, ઘડીક ઊઠતી, ને બળતા પગ પછાડતી પછાડતી એ ધગેલી રેતીમાં ઊભી ઊભી બોલતી હતી:
"મા, બળું છું ! મા હાલ્ય ! મા, બળું છું !"
એક અજાયબી માંથી ઊંચે આવે તે પૂર્વે તો એ ઘાતકી મૃત્યુનો સાક્ષી ઝંડૂરિયો બીજા અચંબામાં ગરક થયો. આ છોકરી સામે ઊભી ઊભી જ પોતાની માને ધરતીના પેટાળમાં ગારદ થતી જુએ છે, છતાં હજુ ત્યાંથી ખસતી નથી ને માને પાછી આવવા બોલાવે છે."
ફરી વાર સાદ આવ્યો : " મા, તું કેમ નથી આવતી ?મા, હું બલું છું, મા, મા, એ...હેઈ...માડી!"
વાંદરાને, રીંછણને અને ગધેડાને છોડી ડોસાએ પણ નદીના પટમાં દોડ દીધી, ઘડી પહેલાંની જીવતી એક ઓરતનું ત્યાં નામ નિશાન નહોતું. ફક્ત લાકડામ્નો ભારો ડૂબેલા વહાણના ડાંડા જેવો ત્યાં દેખાતો હતો. નદીના મોંમાં કોઈ જવાબ નહોતો. નદીની રેત હિંસક હાસ્ય કરતી હતી: ધરતી પરનાં ખદબદતાં માનવીમાંથી એકને મેં ઓછું કર્યું તેથી દુનિયાને શી હાનિ આવી ગઈ ? વિશ્વની ઘટમાળને એક વિપળ પણ ક્યાં થંભવું પડ્યું? મીંદડા, કૂતરાં ને માન્વી - તમામ પોતાનો આહાર આરોગે છે તો ફોડાએ એનો ભક્ષ શા માટે ન મેળવી લેવો? નદીના મૂંગા હાસ્યની એ ઘાતકી રમૂજ હતી. એ રમૂજનાં નિરપરાધી પાત્રો ડોસો અને ઝંડૂરિયો સાત વર્ષાની છોકરી પાસે જઈ ઊભાં રહ્યાં ત્યારે છોકરીએ લામ્બા હાથ કર્યા ને કહ્યું : "મા, બળું છું, બૌ બળું છું મા, તેડી લે."
ઝંડૂર અજાયબ બન્યો. એણે મદારીની સામે જોયું. મદારીએ નીચા વળીને છોકરીને તેડી લીધી. એની આંખો તપાસી ચપટી વગાડી, આંખોની કીકીઓનું હલનચલન ત્યાં હસ્તી ધરાવતું નહોતું.
"અંધી છે, અંધી!" મદારીએ ઝંડૂરને કહ્યું.
છોકરીને સમજ પડી કે પોતાને તેડનાર મા નથી, પન કોઈક બિહામણા અવાજવાળો પુરુષ છે. એણે પોકર પાડ્યો : "મા, મા, માડી!"
"બસ," મદારીએ જીભ મોકળી મૂકી : "દુનિયાભરમાં મા વગર બીજો કોઈ બોલ સંભળાતો નથી. આખી દુનિયાની મા મરી ગઈ લાગે છે. 'મા, મા' કરવા બેસો છો પછેં માને પેટ અવતાર શા માટે લ્યો છો? મા મૂકીને ભાગી જાય છે ત્યારે તમને બધાંને મા માથે એવો પ્યાર ઊભરાઈ હાલ્યો છે? એટલા સાટુ તો હુંપરણ્યો જ નથી. હું પ્રણું તો જ મારે છોકરું થાય ને? ને છોકરું થાય તો એની મૂએલી કાં ભાંગી ગયેલી મા વાંસે એ રીડિયા પાડે ને?"
એવા થોડા બબડાટાએ એ ત્રણેને પાછાં સામી ભેખડે પહોંચાડી દીધાં - જ્યાં ગધેડો અવિચલિત જ્ઞાનભાવે આ ઘટનાનો સાક્ષી બની વીતરાગની દશામાં ઊભો હતો, ને જ્યાં વાંદરાએ વળી કોઈક નવા માનવીનો વધારો થઈ રહ્યો છે એ બીકે કૂદાકૂદ કરી મૂકી, જ્યાં રીંછણને નવા માનવ-માંસની તાજગીભરી સુગંધ આવવાથી એનું નાક હવા સામે ફાટી રહ્યું હતું.
"હવે?" મદારીએ તેડેલી છોકરીને પંપાળતા પંપાળત કહ્યું: "આ લપને ક્યાં નાખવી?"
"એનો બાપ નહિ હોય?" ઝંડૂરિયાએ તપાસમાં ઊતરવા ઇંતેજારી બતાવી.
"એના બાપને ગોતવાય આપણે જાવું?"
"આહીં બીજું કોઈ નથી."
"એટલે? આપણે આંહી નીકળ્યા એ શું આપણો ગુનો? તું બેવકૂફ થઈ ને દોડ્યો ગયો, નીકર આપણને ખબરેય પડત કે એની મા ક્યાં ગઈ. આપણે જોયું એટલે ફસાઈ ગયા ને? જોવાનું જ ઝેર છે ને ? દયા ઈ પણ એક ઝેર જ છે ને? દુનિયામાં દયાએ જ દાટ વાળ્યો છે ને?"
છોકરીને આ સંભાષણનો નિગૂઢાર્થ સમજાતો નહોતો. એ કોઈ બે જુદા જ માનવીઓના બોલ સાંભળતી હતી. એણે આંતરે આંતરે પૂછ્યે જ રાખ્યું : "મા ક્યાં ગઈ? મા, મા, મા !"
"લે હવે, રાખ છાની આને." ડોસો પોતાના દિલની વરાળ ઠાલ્વતો છતાં છોકરીના નજ્ઞ શરીરે હાથ ફેરવતો હતો.
"ઢોલક બજાવું?"
"ઢોલક કાંઈ મે કો;ક મૂએલી માનાં છોકરાં છાનાં રાખવા લીધી છે? પેટનો ખાડો પૂરનારી ઢોલક વધારાની છે? તને છાનો રાખવા ઘૂઘરા બાંધ્યા તે દીથી જ મારી તો અક્કલ ગુમ થઈ છે ને? એક હોઠકટો બસ નો'તો તે હવે બીજી આંધળી કમબખ્ત કિસ્મતમાં આવી પડી!"
"તો હું જ બજાવીશ." ઝંડૂરિયો ઢોલક તરફ ચાલ્યો.
"તને એ ઇલમ સીમના આંધળા છોકરાં રીઝવવા મેં નથી શીખવ્યો, એ તિ બેવકૂફોની મોજ લેવાનો કસબ છે. રે'વા દે, ગમાર ન બન. કસબને કઠેકાણે ન વાપર. ગવૈયા-બજવૈયા જાણશે તો તારી બેવકૂફી માથે થૂંકશે."
ઝંડૂર વિચારમાં પડ્યો. બુઢ્ઢાએ સીમમાં દૃષ્ટિ કરી.
"ઊભો રે, ઊભો રે. સામે શેઢે આદમી કળાય છે. એને પૂછી જોઉં - આ છોડી કોને સોંપવી?"
"એ...હેઈ...હેઈ." એણે એક સાદ દીધો.
જેને ફક્ત સભ્યતાને ખાતર 'ખેતર' કહી શકાય એવા એક ભૂખરા વેરાન ટુકડામાં એક સાંતી પડ્યું હતું. સાંતીને જોતરેલ બે બળદ પૈકીનો એક બળદ ઊભો હતો. તે બળદ કૂતરા જેવડો જ દેખાતો હતો. ને બીજો બળદ બેસી ગયો હતો તેને પરોણાની, પાટુની ને હાથની ત્રમઝટ બોલાવીને ઊભો કરવા મથતો એક ખેડૂત આ સાદ સાંભળવાની એટલી પણ ખેવના કરતો નહોતો - જેટલી એ ખેવના ખુદ ભોગાવાને હૈયે હતી. નદી તો સામો પડછંદો પણ પાડતી હતી.
"એ...હેઈ...જુવાન!" ડોસાએ બીજી બુમ પાડી.
ખેડૂતે સામે જોઈને આવવનો ઇશારો કર્યો. જર હાથ હલાવીને પાછો એ બળાને લાતો મારવા મંડી પડ્યો. ભોગવા નદીની ભેખડો એ લાતોના પડઘા ઝીલતી હતી.
"લે, જો, ઝંડૂરિયા" મદારીએ છોકરાને મહેણું દીધું : "એને કેટલી અક્કલ છે ! પારકી પંચાતમાં એ પડે છે? તારી જ અક્કલ કીડા ખાઈ ગયા છે. રાખ અંધીને અહીં, હું જઈ આવું. તારે તો ખીખી દાંત જ કાઢવા છે ને?"
મદારી ખેડૂતને મળવા ચાલ્યો ત્યારે ઝંડૂરે રડતી છોકરીને ઝોળી પર બેસાડી, હાથમાં ઘૂઘરા બાંધ્યા, ને ઢોલક બજાવવા માંડ્યું. મા વિનાની છોકરીને કાને ઢોલક-ઘૂઘરાના ગૂંથેલા ધમકાર પડ્યા. એ છાની રહી. એને મા મરી ગયાની સાન નહોતી. મા હજુ લાકડા વીણતી હશે.
તત્ત્વજ્ઞાની ગધેડો તો લલિતકળાઓથી અલિપ્ત રહીને ચિંતન કરતો રહ્યો. રીંછણ એનાં કાળાં રૂંવાંમાં દાંત પેસાડીને ગીંગોડા કરડવા લાગી. રતનબાઈ બચ્ચાને છાતીએ વળગાડીને એના માથાની જૂઓ જોવા બેઠી. રતનિયો ભાભો કલાનો પ્રેમી હતો એટલે ઊઠીને બે પગે ચક્કર મારવા લાગ્યો.
મદારી ખેડુ પાસે પહોંચ્યો કે તુરત ખેડુએ પૂછ્યું : "બીડી છે?"
"અરે ભલા આદમી, તારા ગામની એક બાઈ ફોડામાં ગારદ થઈ ગઈ. એની છોકરી રુએ છે."
"તેમાં આપણે શું કરશું, ભાભા?" ખેડૂતે નિર્મમતા કેળવી હતી. "આ ઢાંઢાને ઊભો કરવા લાગશો?"
"પણ છોકરીનું શું કરવું? એ અંધી મૂઈ છે. "
"આંધળી છોકરી છે ને? ઓળખી ! એના મા અમારા ગામની નો'તી. આંહી છ મહિનાથી આવી'તી, પણ સીમમાં એક કરગઠિયું નો'તું રે'વા દીધું રાંડે !"
"પણ એ તો ફોડામાં ગારદ થઈ."
"ઠીક થયું. નીકર ખાંપણ વિનાની રે'ત, ને એને કાગડા-કૂતરા ઠોલત."
"એ તો બરાબર, પણ આ આંધીને ક્યાં નાંખું?"
"નાખો ને ઈ જ ફોડામાં, નીકર ભૂંડે હાલે મરશે."
"એનો કોઈ બાપ, ભાઈ, કાકો, મામો છે કે નહિ?"
"કોઈ નો'તો, ને હોય તોય ન વેઠત. દાણા ક્યાં છે મલકમાં? ચાર દા'ડા અમારા ગામની કાઠિયાની બે છોકરાંને ગળે બાંધી કૂવે પડી. એ રિયો કૂવો, હજી ગંધાય છે. બીડી હશે બીડી એકાદી?"
એક નિર્લેપ વર્તમાનપત્રની રીત ખેડૂત આ દાણાના દુકાળની ને મા-બાળકોના આપઘાતની વાત કહી ગયો. એનું મુખ્ય નિશાન બીડી હતું.
"પીધેલી છે, હાલશે તમારે ?"
કહીને મદારીએ કાળા મોંવાળા વાંદરા જેવું ખોખું પોતાના કાન પરથી કાઢ્યું.
"હાલે, વગડામાં સંધુય હાલે. ગામમાં વળી ન પીયેં. આને મારી મારીને થાક લાગ્યો છે એટલે જરા ડિલે કાંટે કરી લેવું છે. બે ફૂંક જેટલો જડદો હશે તોય બસ છે."
બીડીનો દમ ખેંચતા ખેંચતા ખેડૂતે કહ્યું : "તમે દીઠી ઈ બાઈને ફોડામાં ઊતરતી?"
"મેં તો એની ઓઢણીનો છેડો જ દીઠો." મદારી અપરાધીની રીતે બોલ્યો: "પણ મારા ભેલો એક કપાતર છે, એણે ઓ ઓલી રાંડ કેડ સુધી હતી ત્યાં જ દોડીને જોઈ લીધી."
"બડબડિયાં બોલ્યાં'તાં?" ખેડૂતને ધુમાડાનો નશો નવીન જ તૉર આપી રહ્યો હતો.
"બોલ્યાં તો હશે જ ને? મને આંખે કમ કળાય છે."
"પણ કાને તો સાંભળ્યાં'તાં ને?"
"કાનની વાત કાન જાણે, મારે શું? લ્યો હાલો."
"આ ઢાંઢો ઊભો કરાવતા જાવને, ભાભા? આવ્યા છો તો એટલું કહેવાય છે. તેડવા કાંઈ થોડું અવાત?"
બળદને ઊંચકવાની એ ક્રિયા નકામી નીવડી. બળદ કાંઈ નિર્જીવ કબાટ થોડો હતો કે ઊંચો કર્યે ચાર પાયે ઊભો થઈ રહે? બળદ તો જીવતો જીવ હતો. એ પૂરો ઊંચકાઈને પાછો નીચે પછડાયો.
"આમ કેમ કરે છે?"
"ના, બીજું તો કાંઈ નથી. નખમાંય રોગ નથી. થાક્યો છે ને પાછો ભૂખ્યો છે. બીજું કાંઈ નથી."
મદારી જેવા નિરાશાવાદી વિચારકને પણ ખેડૂતના આ ખુશ ખબરથી જરા મોં મલકાવવું પડ્યું.
"ત્યારે ખવડાવીને પછેં જ હાંકો ને?"
"કાંક તો ગોલો છે. પેટનો જરા મેલો છે. ચાર દીથી અમલદારની વેઠે ગ્યો'તો ને, એટલે માથામાં અમલદારનો પવન ભરાણો છે, બીજું કાંઈ નથી. વેચાતો રાખવો છે? માથે વાંદરાં-બાંદરા બેઠે જાય, ભાર ભરાય, તમે પણ થાકો તયેં ચડો ને? એ મૂળ તો પોઠિયો જ હતો. ટેવાયેલો છે. આ તો અમલદારુંની વેઠ કરવામાં જ અમલદારીનો વા વાયો છે ગધાને, લઈ જાવ; ઠીક પડશે."
"ના ભાઈ, મારે તો હવે જાડાં જણ થઈ ગયાં છે. લ્યો ત્યારે, હવે રામરામ ! છોકરીને હું તો છૂટી મેલી દઉં છું."
“મેલી દેજો. આઇ તો આંધળી છે, પણ પોચેલી છે. ગામની ગંધે ગંધે જ ગામમાં પોગી જાશે. જીવશે એનાં નસીબ હશે તો, ને મારશે તોય મહાસુખ પામશે.”
“થાવું હોય તે થાવ અંધીનું ! આપણે તે કેટલ્લાક ગળે વળગાડશું, ભાઈ !” મદારી ચાલતાં ચાલતાં કહ્યું.
“બસ ! બસ !” ખેડુએ બળદનું પૂછડું ખેંચતે ખેંચતે કહ્યું, “ધરતીમાં એટલો બધો સમાસ જ ક્યાં છે ? ઢોરને ને માણસને બેયને ક્યાં સમાડવાં? પરમ ડી જ મારો છોકરો ધાણીફૂટ તાવમાં ઊડી ગ્યો. આઇ તો જલમ્યાં એટલાં જીવે નઈં ઈ જ સારું. ભગવાના કામી અણસમજુ હશે !”
એ વાકયના વિરામચિહ`ના રૂપે બળદના દેબા ઉયપરા ખેડૂતનો પરોણો પછાડાયો. તે સાંભળીને મદારીથી ફરી એક વાર પછવાડે જોવાઈ ગયું.
દૂરથી એણે જીણી નજરે જોયું. અંધી છોકરી ઝંડૂરના ખોળામાં બેઠી બેઠી ઝંડૂરના હોઠ પર હાથ ફેરવતી હતી. ઝંડૂર એને કશુંક પૂછતો ને કહેતો હતો : “ તારી માં છે ને, હેં ને, તે આઇ લાકડાં વીણવા ગઈ છે, ને મને કે’ટી ગઈ છે કે મારી છોડીને ઘેર લેતા આવજો, હો?”
“હો.”
છોકરીના આંગળાં ઝંડૂરના હોઠ પરથી જાણે શબ્દો વીણતાં હતાં. આ પૂર્વે છોકરીના દૂધાળા ને ગામડા હાથ માના મોં સિવાય કોઈના મોં ને સ્પર્શ નહોતા પામ્યા. અંધાને હમેશાં આંગળી આંખો ફૂટે છે. અંધાઓ પ્રેમ , પ્રકોપ અને મમતા- નિષ્ઠુરતાની વાચાને સામા માનવીના સ્પર્શ વડે ઉકેલતાં હોય છે. પોતાને મળનાર માનવીની આંખો અમીભરી છે કે રોષ-રાતી છે, એવી અંધાંને ખબર નથી પડતી. એટલે પાકી ખાતરી કરવા સારુ એ અડ અડ કરે છે. લાકડાંના ભારા ખેંચનારી કજાત ઓરતને છોકરીનો એવો સ્પર્શ સહેવા એની મા સિવાય બીજું કોઈ તૈયાર નહોતું. છોકરીને એવો પરાયો માનવી આ પહેલો જ મળ્યો. ભોગવાની વેકૂરીમાંથી ઉઠતી ભડ ભડ વરાળોમાં ભૂંજાતા બે માતૃહીન બાળકો અન્યોન્યાનાં ઉપકારકો ને આશ્રિતો બની રહ્યાં હતાં.
ઝંડૂરને પણ આજ પ્રથમ-પહેલી એક શાતા વળી. એના ફાટેલા હોઠને જોનારાં તમામ આજ સુધી એની સામે દાંતિયાં કરતાં, અને ખીજવતાં, એને કાંકરીઓ મારતાં, ને એનાથી બીને ચીસ પાડીને વેગળાં ભાગતાં. પોતાને જગતની ઠકડીનો ભોગા બનાવતું એનું મોં આજ પ્રિય થઈ પડ્યું આ આંધીની દસ નાની આંગળીઓને. એ મોંની બીભત્સતાથી આજે ના ડરનાર ને ના નાસી જનાર આ પહેલા વહેલું બાળક મળ્યું. આજ સુધી એના તમાશા જોવા મેદનીઓ ઊમટતી, પણ એના દીદાર માત્રથી નાનાં છોકરાં ઘરના ઊંડા ઓરડામાં નાસી જતાં, માતાઓની સોડમાં સંતાતા. અંધી છોકરી એના ખોળામાં ચડી અણબીતી બેઠી હતી. એ કાળમુખા હોઠ પર પોતાની આંખો અડકાડતી હતી. ઝંડૂરનાં જીવનમાં કોમળ પ્યારનો એ પ્રથમ જન્મ હતો. મદારીની લાગણી પર કઠોરતાનું પડ, શ્રીફળના ગોટા પરના દુર્ભેદ્ય છાલા જેવું બાઝેલું હતું. એ સ્નેહની લીલી ડાંખળી કાળમીંઢ પથ્થરોની કરાડમાંથી ચીરો પાડીને નીકળેલી હતી. અંધી છોકરીનો સ્નેહ એનાથી જુદો પડ્યો. ઝંડૂરિયાને મદારીની જોડે બરાડાથી કામ લેવું પડતું – આજ આ અંધીએ એના મોં પર વાણીની મૃદુતા જન્માવી.
“છાની રહી ગઈ છે.” ઝંડૂરે આવી પહોંચેલા મદારીને સુખ સમાચાર આપ્યા.
“એને છોડ; ચાલો, રસ્તે પડીએ.”
“એ ક્યાં જશે?”
“એને તો એ જ્યાં પગ મૂકશે ત્યાં રસ્તો જ છે ને !”
એમ કહીને એણે રીંછણ અને વાંદરાની રસી હાથમાં લીધી, ઝંડૂર ઊઠ્યો નહોતો. એ મદારીની સામે જોઈ રહ્યો. પણ એના મોં પર અનંત હાસ્યે એની મનોવેદનાને દગો દીધો.
“ખી ખી શું કરછ, ભા. ઊઠ, આ જીવડાં ભૂખ્યાં છે. તારે હમેંશા મારી મશ્કરી જ કરવી છે કે બીજું કાંઈ છે?”
ઝંડૂરે છોકરીને પોતાના કોળામાંથી ઉતારીને નીચે મૂકી. જરીક લીલા ઘાસમાં બેઠેલી છોકરી હાથ લંબાવીને સ્પર્શ માટે ઝંખતી હતી. મદારીના બોલવાનો અર્થ એને અગમ જ રહ્યો. પણ ઝંડૂરના સ્પર્શની સરગમ બજતી શા માટે બંધ પડી? એકાએક હાથમાંનું વાજિંત્ર ક્યાં સરી આવ્યું ? અંધીએ ચાલ્યાં જતાં પગલાંના ધ્વનિ પકડ્યા. અંધીનું નાક ચાલી જતી કોઈ સુગંધને શોધવા સતેજ બન્યું.
મદારીએ પશુઓને નદીમાં ઉતાર્યાં. ઝંડૂર પછવાડે ચાલ્યો. તેની પછવાડે સુગંધના અને ચરણધ્વનિના દોર પકડીને જાણે કે અંધીએ પગલાં ભર્યાં, સુગંધ અને પદધ્વનિના દોર સાત વર્ષની આંધળીના નાના નબળા હાથમાંથી સરવા લાગ્યા, તણાવા લાગ્યા, તૂટું તૂટું થયા, અને એણે બૂમ પાડી : "મા, મા, મા."
ઝંડૂર ઊભો થઈ રહ્યો. મદારી આગળ ને આગળ સળગતી રેતને પાર કરતો હતો. પાછળ પશુઓ હાય જાને પેલી અંધીની નવી લપ ચોંટશે એવી બીકે નાસ્યે જતાં હતાં પાછળ ઝંડૂર અંધીને પોતાની પીઠ પર ઉઠાવીને ચાલ્યો આવતો હતો. બિલ્લી જેવાં શબ્દહીન એનાં કદમો સાચવીને પડતાં હતાં.
સમી ભેખડે ચડીને મદારીએ તીરછી નજરે જોઈ લીધું. મૂંગા મૂંગા એણે ડોકું ધુણાવ્યું. પોતાને ખાતરી હતી કે ઝંડૂર જો ન લાવ્યો હોત તો છોકરીને તેડી લાવવા પોતાને જખ મારીને જવું પડત. 'કલેજું સડી ગયું ! મારામાં આવી દયા !' એવું વાક્ય એના મનમાં ઘોળાઈ રહ્યું. અરધોક ગાઉ સુધી એણે જોયું-ન જોયું કરીને ચાલ્યે જ રાખ્યું.
અંધી બાલિકાના હાથ ઝંડૂરના હોઠ પર ફરતા રહ્યા. અંધીની આંગળીને ટેરવે એ હોઠ કંપાયમાન બની ગયા. મૂંગા તાર બજતા હતા. જગતની વિદૂષકી કરવા નિર્માયેલો આ હોઠકટો કોમળ લાગનીઓના પ્રદેશમાં પશુઓ સિવાય કોને બીજાને પિછાનતો હતો ! એના કાપેલા એ હોઠ પર મા વિનાની અંધી વાજિંત્ર બજવતી હતી.
મા કેવી હોય ? એને યાદ નહોતું. કોઈક હતું એવો એક ઝાંખો ભણકાર રહી ગયો હતો. પોતાના બાળપણની બધી જ ઘટનાઓ, સંધ્યાકાળના પવનમાં કોઈ દૂર ગામની ઝાલર બજતી હોય તેના સ્વર-હિલ્લોલ સરીખી, કે ભર્યાં ભર્યાં ઝાંઝવા-જળની અંદર પડછાયા દાખવતી કોણ જાણે કયા મુલકની નગરીઓ જેવી, ઝંડૂરની સ્મૃતિમાં બની રહી હતી. ફક્ત હોઠ એના ચિરાયા હતા, ને નાનાં છોકરાં ભેળો પોતે છ મહિના રહ્યો હતો ત્યાં સલામ કર્યા વિના ખાવા નહોતું જડતું, ને પોતે એક રાત્રિએ ભાગી છૂટ્યો હતો, એટલી જ યાદ અનામત હતી. તે પૂર્વેની વાતો આગલા જન્મના સ્મૃતિઝંકાર સમી કેવળ અવાસ્તવિક કલ્પનાઓ જ હતી.
એકાએક એના અંતરમાં એક ફાળ પડી. અંધી છોકરી પોતાના હોઠમાં આંગળીઓ નાખીને પોતાની કદરૂપ સિકલ તો પારખી નહિ જાય ને? એની આંખો એકાએક દેખતી થઈને મારૂં કુરૂપ જોઈ નહિ જાય ને? ગરીબોની ગયેલી આંખ પાછી નથી આવતી તેટલી પણ એને ગમ નહોતી. બુઢ્ઢો મદારી તમાશા કરતો કરતો બેસુમાર ગપાટા લોકોની સામે હાંકતો : આ જડીબુટ્ટી ખાય તો બુઢ્ઢો જુવાન બની જાય : આ મારો સોયરો આંજે તો સાઠ્ વર્ષ અંધી આંખના પણ પડળ ઉઘડી જાય: આ ભૂકી છાંટું તો બિલાડીને બાયડી કરી દઉં ને બાયડીને હડકાઈ શિયાળ બનાવી દઉં ! આ મારા ઝંડૂરિયાને જંગલનો તેતર બનાવીને ઉડાડી મૂકું વગેરે વગેરે.
આજ સુધી બુઢ્ઢાની એ વાતોનો ભય નહોતો. ઘણી વાર તો તેતર બની જવાનું ઝંડૂરને દિલ પણ થતું. પણ હવે એક જીવન-પલટો થયો. એક મમતા જાગી. હવે ડોસો તેતર-બેતર બનાવી ઓઓકશે તો આ અંધીનું શું થશે? પણ અંધીને ક્યાંક દેખતી કરી દેશે તો ? ભગવાન, હું તેતર બનું તે બહેતર છે. એ દેખતી બનશે તો મારા હોઠ ભાળી અસૂરી સાંજે ને કાળી રાતે ફાટી મરશે. ડોસો એવી કોઈ ઇલમી વનસ્પતિ વાપરે તે પહેલાં ડોસાની ગરદન જ ચીપી નાખવાનો એણે મનસૂબો કરી લીધો.
હજુ અરધી જ કલાક પર એ ગરદન ચિપાઈ હતી. એક હાલતી ચાલતી ઉદ્યમવંત આખી સ્ત્રીને ધરતી ઢેઢગરોળીની માફક આરોગી ગઈ તી. એ દેખાવનાં કૂંડાળાં ઝંડૂરની આંખો સામે દોરાતાં રહ્યાં.
એ દેખાવ દીઠા પછી પોતે આ અંધીની સામે ઢોલક-ઘૂઘરા કેમ કરી બજાવી શક્યોમ, ને સામા ખેતરમાં સામ્તી હાંકતો ખેડૂત ઓરતનું કમોત સાંભળીને સાંતી છોડી ગામ ભણી ભાગી કાં ન ગયો? એ વગડામાં એકલવાયા ઊભા રહી શકાય? ફોડાની અંદર ઓરત કેટલી ઘડી જીવી હશે? પોતાની દીકરીને સાદ કરવા એણે મોં ફાડ્યું હશે? ગળાકાટુની માફક નદીએ એના મોંમાં ડૂચા દઈને મારી. આંધળી છોકરીનો દેહ પણન ઢાંકી શકનારી એ સ્ત્રીએ લાકડાની ભારી લેવા જતાં પહેલાં ખાધું હતું કે ભૂખી હતી? ફોડમાં ખાલી પેટે જલદી જીવ નીકળી જાય કે ભર્યે પેટે ? કદાચ ભૂખ્યા શરીરનો નિકાલ વહેલો આવી જતો હશે એવા વિચારે ચડીને એનાથી છોકરીને પૂછાઈ ગયું : "તેં ખાધું'તું ? મા એ ખાધું'તું?"
"અં-હં!" છોકરીએ ટૂંકો પ્રત્યૂત્તર દઈને કહ્યું : "મા ખાવા ગઈ? મને ખાવા નૈ ? હેં ?"
સવાલ-જવાબ સાંભળીને મદારીએ પાછળ જોયું. એ ઊભો રહ્યો. ફિલસૂફ ગધેડો પણ ઊભો રહ્યો. પછી પાછાં ચાલતાં ચાલતાં મદારીએ ઝંડૂરને કહ્યું : "આને તેં પીઠ પર બેસાડી છે, પણ એ ખાઉંખાઉં કરે છે. ભૂખ એ ડાકણ છે. તારા બરડામાંથી લોચા કાઢીને ખાઈ જશે. એ ખૂખ છે, ને પાછી અંધી છે. દેકહ્તી ભૂખ ભલી છે, ખાજ-અખાજનો તફાવત ગણે છે. આંખો વગરની ભૂખનો ઇતબાર ન કર. જમાનો આંધળી ભૂખનો આવ્યો છે. આ ગધેડાનું પેટ ખાલી હશે તો એ ધરતીનો ખાર ચાટીને પણ ધરવ કરી લેશે છે. આ રીંછણ ભૂખી હશે તો એ પોતાનાં જ રૂંછામાંથી ગીંગોડાં વીણશે. પણ આ ભૂખી આંધળી છે, ને પાછી ઓરત જાત છે, એ તારી ગરદન પર જ દાંત ભરાવશે. તું આગાળ ચાલ. મને પછવાડે ચાલવા દે. એનો ઇતબાર ન કરવો. રાજઓ તારા જેવા બેવકૂફ છે. એણે ભૂખને પીઠ પર બેસાડી છે. એ ખાઉં ખાઉં કરે છે. એનો ઇતબાર ન કરવો. હું આ પાંચાળનો રાજા હોત તો ઓલ્યા ખેડૂતને ફોડામાં નાખીને જાનથી મારી નાખત. એની ભૂખ આંધળી છે. એ એના બળદને ખખડાવ્યા વગર પરોણા ઝીંકે છે. એનું છોકરું પરમ દી મરી ગયું તેથી એ ખુશાલી કરે છે. એ સાચું કહેતો'તો - હવે ધરતીને માથે સમાસ નથી. ધરતી આ ગધેડા જેવી છે. ને ગધેડો મારા જેવો છે. તુંય ધરતી જેવો છો, સમાસ નથી તોય આપણે બધં આપની પીઠ પર ભૂખને ભેળી કરીએ છીએ. હું હકીમ છું, એટલે મોટો ગધેડો છું. મારી કને ઊંચા માયલું ઝેર નથી. પણ કાચની ભૂકી કરીને તમારી બેયની ખીચડીમાં મિલાવી દેવાની મારી પાસે વિદ્યા છે, છતાં હું એ વિદ્યાને વાપરતો નથી. શા માટે નથી વાપરતો ? તો કહું છું કે હું રાજહકીમ નથી. હું મુફલિસ હકીમીમાં જ રહી ગયો. હું ગામડાં ભમ્યો છું, મારી કને કેટલી ગરાસણીઓએ ઝેર માગ્યું છે, ખબર છે? મેં દીધું હોત તો હું ન્યાલ થઈ જાત, ને હું રાજહકીમ બની જાત. પણ ગધ્ધો છું ને મેં ગધ્ધા જ ભેગાં કર્યાં છે. નીકર મૂએલી માંના છોકરાંને લઈ ગામપરગામ શીદ ભટકત!"
વચ્ચે રીંછણે ઘુરકાટા કર્યો.
"હું તને નથી કહેતો, હેડમ્બા! તું ગધ્ધી નથી. તું અંધી પણ અન્થી, તું કોઈની મા પણ નથી. છોકરાં રઝળાવીને ભાગી જવાનું તારા જેવી ખાનદાન બાઈને નથી કરવું પડ્યું એ જ મને તો નવાઈ છે. આ તો બધાં ખાનદાનોના કામ છે, ને મારું કામ ખાનદાનોના કામનું ફળ ભોગવવાનું છે. લાવ, લાવ, હવે અંધીને મારે ખંધોલે. તું થાકે જઈશ, ઝંડૂર ! ને તું મારી પાછળ હાલ. મને અંધીનો ડર લાગે છે. સમાલજે, મારી ગરદન પર એ દાંત ન પીસે. આ લે આ રાણકોકડી દે એને. વાંદરી માટે આવતે ગામ વળી કાં'ક મળી રે'શે."
ડોસાએ અંધી છોકરીને પોતાના ખભા પર લીધી. ઝંડૂરે ડોસાનું ઢોલક ખભે ભરાવ્યું. છોકરીને ધીરું ધીરું ઢોલક સંભળાવતો એ પછવાડે ચાલ્યો ને અષાઢ મહિનાનાં વાદળાં ઇશાન ખૂણાના રાજમહેલમાં કરી રહેલાં હતાં તે કાવતરું પોતાના પહેલા છાંટા પાડવા લાગ્યું ત્યાં તો આ કુટુંબે એક નવા ગામનાં કૂતરાંના ભસભસાટ સાંભળીને જોરથી પગ ઉપાડ્યા.