વસુંધરાનાં વહાલાં દવલાં/૫.પ્રેતાપ ડાહ્યો થયો!
← ૪.દુનિયાના અણમાનેતા | વસુંધરાનાં વહાલાં દવલાં ૫.પ્રેતાપ ડાહ્યો થયો! ઝવેરચંદ મેઘાણી |
૬.મા ને દીકરો → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
5
પ્રતાપ ડાહ્યો થયો!
પ્રતાપને શેઠે મોટી ઉઘરાણીએ મોકલ્યો હતો. છોકરો હાથમાંથી જાય તે બીકે શેઠે ઘોડીએ ચડી વેવાઈના ગામનો મારગ લીધો અને લગ્નની તાકીદ કરી. વેવાઈએ ઊતરેલ ધાનના હાંડલા જેવું મોં કરીને સંભળાવ્યું : "મારે હજી કાંઈ ઉતાવળ નથી. મારી લીલુહજી છોકરું છે. તમારા મોટા ઘરનો ભાર એ હજી ખેંચી શકે નહિ, પોત વાત, પોર."
વેવાઈનો એવો જવાબ અમરચંદ શેઠને માટે નવીન નહોતો. પોતે પણ આગમચ પરણાવેલી પોતાની બે કન્યાઓનો અનુભવ લીધો હતો. એવાઈના શબ્દોની ઊંડી મતલબ પોતે પામી ગયા.
"એમ ગોટા વાળો મા, શેઠ. આમ આવો, ઓરા આવો." એમ કહી અમરચંદ શેઠે પોતાનો ખેસ પહોળો કર્યો, ને એ ખેસની નીચે વેવાઈનો હાથ ખેંચ્યો. પોતાનો હાથ ને વેવાઈનો હાથ વાતો કરવા લાવ્યા. આપ્રકારની હસ્ત-વાણી એ વેપારની વાણી છે. ને વણિકો લગ્નને પણ વેપારનો એક પ્રકાર માને છે. આંગળીઓ મસલત કરતી ગઈ, તેમ તેમ બેઉ જણા મોઘમ બોલતા રહ્યા.
"ના, બોલશો જ મા."
"હવે ઠીક ઠીક, લ્યો હાઉં?"
"વાતા મૂકો ને, કહ્યું નહિ કે મારી લીલુ હજી છોકરું છે?"
"લ્યો હવે બસ!" અમરાચંદ શેઠે વેવાઈને હઠેળીમાં ત્રણેક મીંડા ચડવી દીધાં.
"ધડ્ય ન કરો, શેઠ! મારી નાની બાળ છોકરી ભાંગી જાય."
"ઠીક લ્યો, હવે?"
વેવાઈએ કુમાશથી હાથ ખેંચી લીધો. પણ મોં ઉપરનો કચવાટ તો એને ન જ ઉતાર્યો, જવાબ આપ્યો: "તમારું વેણ લોપતાં મને જ શરમ આવે છે. પત્યું. તમે જેમ રાજી રોં એમ. મારે તો વળી હશે તે થાશે."
"કહો બીજી ચોખવટ કરી લઈએ. વાંસેથી કજોયો નહિ. જાનમાં કેટલાં માણસ લાવું?"
"મારી ત્રેવડ તો તમે જાણો છો ને, શેથ? તમે ક્યાં અજાણ્યા છો?"
"પણ મારી આબરૂના પ્રમાણમાં તો લાવું ને?"
"કેટલાં?"
"સાત ગાડાં"
"એટલે પચાસ?"
"બસ."
"અરે મારે ગળાટૂંપો જ ખાવો પડે ને?"
"આટલું આટલું કર્યા પછીયે?"
"તે શું ? લીલુ જેવા કન્યા લેવા તો જાવ શેઠ ! ખોરાદે ઝકોળ દીવા કરે એવી છોકરિયું રસ્તામાં નથી પડી. તમે જ વિચાર કરોને, તમે જ અમારી નવી વેવાણની કેટલી કોથળિયું ચૂકવી'તી? અને લાવી લાવીને લાવ્યા તે સીસમનું લાકડું કે બીજું કાંઈ હી-હી-હી-હી."
"સીસમ કહો કે કે'વું હોય ઈ કહો. સારા પ્રતાપ તો મારે ઈ સીસમનાં પગલાંનાં જ ને? આજ એણે અમારા ઘરનો દી વાળ્યો."
"હા, અને પાછી કસદાર ભોં. બબે દીકરિયું દેવના ચકર જેવી એણે જ દીધી ! એનીય પાછી ભાણિયું બે હાથ આવી પડી ઈ ખાસી વાત ! એકએકની પાંચ પાંચ કોથળિયું તો તમે ઊભી કરશો જ ને?"
"જેવાં ભાગ્ય."
"ના, પણ મને પૂછ્યા વગર ક્યાંઈ ભેખડાઈ જાતા નહિ. હા, તમે છો જાણે ભોળા. અને મુંબઈ -કલકત્તાના માહિતગાર નહિ. ચકીબાઈ નાઈ રિયાં એના જેવું ઉતાવળિયું ન કરી લેવું. લેવા લેવા તો પાછી ઓછા શીદ લેવા? છાશ લેવા જાવું ને દોંણી શીદ સંતાડવી? ઈ કામ મને સોંપજો હો, પાછા ભોળા થાતા નહિ."
"તમને પૂછ્યા વગર પાણી ન પીઉં એની ખાતરી રાખજો. ધ્યાનમાં છે કોઈ?"
“છે શું? મારા ગુંજામાં છે ગુંજામાં.”
“ઠીક, તો આ વીવા ઉકેલીને પચે નિરાંતે નક્કી કરીએ . કહો, હવે જાનના માણસનું શું કહો છો?”
“બસ એટલું જ કે મને વાણિયાને મારવા જેવું ના કરતાં. તમને સમજૂને વધુ શું કહેવું? તેજીને ટકોરો જ બસ છે.”
“પણ આખી ફાંટ ભરાવું છું તોય?”
“ઈ ફાંટ કાંઈ પટારામાં થોડી મૂકવાની છે? મારે ત્રણ છોકરા વરાવવા છે ને.”
“તમારે તો લીલાં નાળિયેર આવે ને, ભા?” અમરચંદ શેઠે ડાબી આંખ ફાંગી કરી. એને ખબર હતી કે વેવાઈને ઘેર અગાઉ આવેલાં લીલાં નાળિયેરની ચાર-ચાર કોથળીઓ કૂકવવી પડી હતી.
“લીલાં આવે, સૂકાં આવે, ખોરાંય આવે.”
“આવે ભાઈ, આવે. બાકી તો ધંધા પાણી જ ના રિયાં મલકમાં, એમાં વાણિયાનો દીકરો મોંઘા ભાવના દૂધ પાઈને ઉછેરેલી દીકરીઓના દાન તે કરવા ક્યાંથી બેસે? એને જનમારો કાઢવો કેવી રીતે? વાણિયાના દીકરાથી કાંઈ કોળી-કણબીની જેમ મજૂરી કરવા થોડું જવાય છે? ઊજળો અવતાર આપ્યો ઈશ્વરે, એ તો સાચવવો જ રહ્યો ના!”
“તમે તો બધું સમજો છો,. એટલે મારી ત્રેવડનું પારખું કરશો મા, માબાપ!”
“ઠીક, ચાળીશ જાનૈયા લાવીશ.”
“ના પંદર ઉપરાંત સોળમો લાવો તો મારું ગળું વાઢી ખાવ.”
“ઠીક, ત્રીશ.”
“અરે શેઠ, આપણી ન્યાતમાં કાંઈક સુધારો કરો સુધારો. હવે રાજકોટ-જૂનાગઢમાં તો વર એકલો જઈને ચાનો વાટકો પી કરી પાછો વાયો આવે છે.”
“સુધારો આવ્યો પણ આબરૂ તો ગઈને ? ઠીક મૂકો ધડ. પચવીશ લાવીશ.”
“ને હું પાંચ ટંક જમાડીશ.”
“ના, તો તો પછી આબરૂ ક્યાં રહી?”
“ તો પંદર લાવો. હું પૂરા સાત ટંક જમાડું.”
“ઠીક કબૂલ છે, લીલુને શરીરો ઠેક છે ને?”
“અરે ઠીક શું ? ખૂબ હાડેતી થઈ છે. ઘણું ગજું કરી ગઈ છે. તમારે ઘેરે આવ્યા ભેગી તો ઘરનો તમામ ભાર ઉપાડી લેવાની.”
“કેસરના કઢા બધા પાટા રે’જો હમણાં. કામીકા વાનનો ઉઘાડ થાય.”
“લીલુના સારું તો ઘેરે ભેંસો બાંધી છે, શેઠ ! એના રૂપિયા પણ તમારી વેવાણ તો તમારી પાસેથી જ વસૂલ લેવાનાં છે, જોઈ રાખજો જાણ લઈને આવો ત્યારે.”
“અરે વેવાણને લોભ હશે ને, તો ભેંશના શું પાડાનાય ભલે લ્યે. આપનારો તો હું બેઠો છું ને બાર વરસનો.” ને બાજુના રસોડામાંથી કાન માંડીને આ શબ્દો સાંભળનાર લીલુની બાએ ગરવભર્યો ખોંખારો ખાધો. મર્યાદા સકવાય અને કહેવાનું કહી દેવાય એવા ઝીણા અવાજે એણે પોતાના છોકરાને કહ્યું :”ગાગા, વેવાઈને કહે કે હજુ તો અમારી લીલુને તમારા ખોળામાં લાડ કરવા બેસાડવી છે.”
નાની કન્યાને સાસરાના ખોળામાં બેસાડી પિતા-પુત્રીની લાગણી જન્માવવાને માટે રચાયેલો આ જૂનો રિવાજ પણ વટાવીને રૂપિયા કઢાવવાની કીમિયા તરીકે વાપરવાનું લીલુની બાનું મન વાંચીને અમરચંદ શેઠે ફિક્કું હાસ્ય કર્યું. તેણે કહ્યું : “ હવે તો લીલુને સારી શિખામણ આપજો. વેવાણ ! પ્રતાપને સાચવીને લેવાનું કપરું કામ લીલુના હાથમાં છે.”
આવી અર્થસૂચક વાણી સાંભળીને વેવાણે અમરચંદ શેઠની સામે જોયું, “કેમ, છે કાંઈ ?”
જવાબમાં અમરચંદ શેઠે એવી તો ગડબડગોટાળી વાણી વાપરી કે પોતે ને વેવાઈ સિવાય બીજા કોઈની મગડોર નહોતી એ કોઠાળા માયાળી પાંચશેરી પરખવાની.
“જુવાની છે, લફરામ વળગી જતાં વાર લાગે છે કાંઈ ? લીલું જેમ તમારી તેમ મારી પણ દીકરી છે ને? ઇનો જનમારો ના વણસી જાય તે માટે તો હું મારતે ઘોડે આવ્યો છું.”
“તેની ફિકરા નહીં.” લીલુના બાપને આ વાત બહુ વસમી ન લાગી, કેમ કે દૂપટ્ટાની નીચે એની હથેળીમાં જે રકમ લખાઈ હતી તે રકમ ગુમાવીને લીલુનો હેરફેર કરવાની એની હિંમત નહોતી."
"ફિકર તો એટલી કે," અમરચંદ શેઠે કહ્યું, "કંકોતરી લખી આપો એટલે હું ગુંજામાં જ ઘાલતો જાઉં. મારે ચાર ઉપર પાંચમો દિવસ થવા દેવો નથી."
"તમારી ખુશી રહે એમ કરું."
અને તે જ દિવસે બપોરે બાજઠ મંડાયો. તે પર કંકોત્રી લખાવા લાગી, તેની સાથે સ્ત્રીઓના કંઠમાંથી લગ્ન-ગીતના સ્વરો વછૂટ્યા:
- ઘડીએ ઘડીએ વહુ કાગલ મોકલે
- રાયવર વેલેરો આવ!
- સુંદર વર વેલોરો આવ!
- તારાં ઘડિયાં લગન રાયવર બહે જશે.
કંકોત્રીને ગજવામાં નાખીને ખડતલ શરીરવાળા અમરચંદ શેઠે પોતાની ઘોડીને પ્રતાપ ઉઘરાણીએ ગયેલો તે ગામડાં તરફ વહેતી મૂકી. પોતાની ઘોડીને પેઘડે પગ નાખીને ખીજડા-તળાવડીની નાની તંબુડીનું ધ્યાન ધરતો પ્રતાપ રાંગ વાળતો હતો તે જ ઘડીએ પિતાએ પુત્રની સાથે ઘોડી ભેટાડી દીધી. પ્રતાપને પિતા તે ક્ષણે ઝેરકોચલા જેવો કડવો લાગ્યો.
બાપ-બેટો રસ્તે પડ્યા અને પિતાએ વાત ઉચ્ચારી : "લગન લખાવી ચાલ્યો આવ્યો છું."
"પણ તમને કોણે કહ્યું'તું?" પુત્રનું મોં ઉતરી ગયું.
"તારી જુવાનીએ."
"મારે નથી પરણવું."
" એ તો સુધરેલાની બોલી થઈ, બેટા ! તારે પરણવાનું છે, વહેવાર ચલાવવાનો છે, આવતા દીને ઉજાળવાનો છે. આપણે કાંઈ કોળી-વાઘરી ઓછા છીએ? તે પણ ઠીક, આજ સુધી ક્યાં હું બોલ્યો તો?"
"તમે નો'તા બોલતા કેમ કે તમારે કસ કાઢવો'તો." પ્રતાપ મોં ફેરવી ગયો.
"જે થવું નિર્માણ હતું તે થઈ ગયું. હવે તો વેળા વર્તવી જોવે ને, ભાઈ!"
પ્રતાપે બાપ તરફની દાઝ ઘોડીનું ચોકડું ડોંચી ડોંચીને ઉતારી.
"તું બાળક છો, તને ભાન નથી, પણ આમાંથી કામીક બીજું, ત્રીજું પરિણામ આવે તો આપણા બાર વાગી જાય. ખોરાકી-પોશાકી તો જ્યાં સુધી એક માણસની આપવાની હોય ત્યાં સુધી ભારી ન પડે. પણ જામતી ઈસ્કામતનો કોઈક વારસદર-"
"વારસદાર!" એ શબ્દે પ્રતાપની આંખ-કાનનાં પડળ ઉઘાડી નાખ્યાં. ગમાર લાગતો પિતા પ્રતાપને તે ક્ષણે કેટલો બધો શાણો ને દીર્ઘદ્રષ્ટીવાળો લાગ્યો! પોતે એ વાતનો કેમ આજ સુધી વિચાર કર્યો જ નહોતો?
"ને ભાઈ," પિતાએ ખીલો વધુને વધુ ઊંડો ઠોક્યો : "આપણા દાઈ-દુશ્મન કાંઈ ઓછા છે? તારી ચડતી કળાને કોણ સાંખી શકે છે? તારા વિવા થઈ ગયા પછી તો જગતની આમ્ખોમાં ખોબો ભરીને ધૂળ નાખતાં મને આવડે છે, પણ આજ હું લાચાર બનીને આ ઉતાવળ કરી આવેલ છું."
થોડી વારમાં પ્રતાપ ઠંડો પડેલો લાગતાં જ બાપે કહ્યું : " હું તો લીલુને પણ જોઈ આવ્યો છું. તારે કાંઈ કહેવાપણું રહે એવી કન્યા નથી તેની મેં ખાતરી કરી છે. લીલુ તો રાંકને ઘેર રતન પાક્યું છે. એ ચીંથરે વીંટ્યું રતન છે." શેઠે પોતાનો મુદ્રાલેખ આંહી બંધબેસતો બનાવ્યો. "ને હમણાં આઠ દિવસ તું સાચવી લે. એક અઠવાડિયું જો તેં ખીજડા-તળાવડીનો મારગ લીધો છે ને, તો તું મને ને તારી બાને જીવતાં નહિ જોવા પામ. તને લીલુમાં લીલું કાંઈ ન લાગે તો તારા ધ્યાનમાં આવે તે કરજે. પણ ઓલી વાત ભૂલતો નહિ: કોઈ હલકી જાતમાંથી આ જામતી ઈસ્કામતનો વારસદાર ઈભો કરતો નહિ."