વાંસળી
દયારામ



વાંસળી

વાગે વૃંદાવનમાં વાંસળી રે ઊભો ઊભો વગાડે (ક હા)ન;
નાદે વેધી મુનિવર પાંસલી રે નવ રહી કોને સાન. વાગે૦

તરુની શાખાઓ ઝૂમી રહી રે, ચરણે નમવાને કાજ;
વેલી વૃક્ષ સાથે ઝૂલી રહી રે, (૨)
ભાગ્ય અમારાં આજ ! વાગે૦

જમનાનીર ચાલે નહીં રે, મૃગમન મોહ જ થાય;
પંખી માળામાં હાલે નહીં રે, (૨)
નાદ સુણી ન રહેવાય. વાગે૦

વાછરૂં કાન દઈ સાંભળે રે, કરે નહીં પયપાન;
ગાયો ગાળા તોડી તહાં પળે રે, (૨)
નાદ સુણવાને કાન. વાગે૦

ફૂલ્યાં કમળ જળ ટાટડી રે, દીસે ઉદીઓ છે ભાણ;
શંકર સમાધિ મેલી રહ્યા રે, (૨)
થયું જગતને જાણ. વાગે૦

કાને પડીઓ તે વ્રજનારને રે, વ્હાલાજીનો રે નાદ;
સાંભળતા તજી નિજ ધામને રે, (૨‌)
ધાઇ ગયા સૌ સાથ. વાગે૦

લીલા કેવી કુંજધામની રે ! પવન થયો ગતિભંગ;
દેવતા વૃષ્ટિ કરે પ્રસન્ન થઇ રે (૨‌)
દેખી વ્રજનો ઉમંગ. વાગે૦