← બ્રહ્મકુમાર અને ચંદ્રપ્રભા વીરક્ષેત્રની સુંદરી
વસુકુમારી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
મદિરાક્ષી  →


વસુકુમારીની વાર્ત્તા

પૂર્વે અમરાવતી નગરીમાં ધનાનન્દ નામનો એક શાહૂકાર રહેતો હતો. તેની સ્ત્રીનું નામ વસુકુમારી હતું અને તે તરુણ તથા મહા સુંદર હતી. બહુ દિવસથી તે ગુપ્ત વ્યભિચાર કર્યા કરતી હતી; પણ પછીથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે;– ગૃહને ત્યાગી ચાલ્યા જવું, ભયમાંથી છૂટવું, સ્વતંત્ર થવું અને વિષયસુખની બની શકે તેટલી યથેચ્છ તૃપ્તિ કરી લેવી !” આવી ભાવનાથી એક દિવસ પોતાના ગૃહમાંથી પુષ્કળ દ્રવ્ય અને બહુમૂલ્ય અલંકાર ઇત્યાદિ લઈને પોતાના એક બહુ દિવસના પ્રિયમિત્ર શ્રીપતિ નામક સૈનિક સાથે મધ્યનિશાના સમયમાં પલાયન કરી ગઈ. પ્રભાત થતાં તેઓ એક નદીના તીરે આવી પહોંચ્યાં. નદીમાં પૂર હોવાથી તેનો તે જાર તેને કહેવા લાગ્યો કે;-“વ્હાલી ! તારા આ અલંકાર અને શરીર પરનાં મૂલ્યવાન વસ્ત્રો પણ ઊતારીને મને આપી દે; કારણ કે, નદીમાં પાણી બહુ હોવાથી એ ભીંજાઈને ખરાબ થઇ જશે. અત્યારે હજી અહીં લોકોની આવજાવ થઇ નથી અને આ જંગલ હોવાથી કોઇ આવે તેમ પણ નથી, એટલે થોડીવાર જો નગ્નાવસ્થામાં ઊભી રહીશ, તો પણ ચિંતા જેવું નથી. હું આ બધી વસ્તુઓ પેલેપાર રાખી આવીને હમણાં જ તને લઇ જવા માટે પાછો આવી પહોંચું છું !” આમ સમજાવી તેનું સર્વસ્વ લઇ કરીને તે સૈનિક નદી ઉતરીને સ્હામેપાર જઇ પહોંચ્યો અને પછી મનમાં વિચાર કરવા લાગ્યો ;–“હવે આના નાદમાં લચીપચી રહેવાથી કશો પણ લાભ થવાનો નથી. કારણ કે, એ મોટા માણસની બાયડી છે. અને વળી સાથે ધન પણ પુષ્કળ લાવી છે, એટલે એનો ધણી શોધ તેા કરવાનો જ, અને કદાચિત તે પોલીસને લઇને નીકળી પણ ચૂક્યો હશે એટલે જો તે અહીં આવી લાગશે તો અમો બંનેને પકડીને લઇ જશે. પકડાઇશું તો એ રાંડના પાપે મારી પણ દુર્દશા થશે, અને સ્ત્રી જવા સાથે આ હાથમાં આવેલી દોલત પણ ચાલી જશે. આટલા માટે આ હાથમાં આવેલી લક્ષ્મીથી જ સંતોષ માની દેશમાં ચાલ્યા જવું અને ત્યાં બાલબચ્ચા સાથે અમનચમનમાં દિવસ વીતાડવા, એજ વધારે સારૂં છે.” આવા નિશ્ચય પર આવીને તે સૈનિકભાઈ ત્યાંથી પાછા વળવાને બદલે આગળ વધવામાં જ પ્રવૃત્ત રહ્યા.

અહીં વસુકુમારી નગ્નાવસ્થામાં પોતાના હસ્ત વડે લજ્જાનું રક્ષણ કરતી જારના આવવાની વાટ જોતી ઊભી હતી. એટલામાં પ્રભાતકાળ થએલો ગહોવાથી એક માછણ હાથમાં થોડુંક માંસ લઇને ત્યાં આવી લાગી. તે તીરે તીરે ચાલી આવતી હતી એટલામાં એક મોટી માછલી બહાર તીરપર પડેલી તેના જોવામાં આવી. તેને જોઇને હાથમાંનું માંસ નીચે મૂકીને માછલીને પકડવા આગળ વધી. એટલામાં આકાશમાંથી એક સમળી ઊતરી અને માંસને લઇને ઊડી ગઇ અને બીજી તરફ પેલી માછલી પણ ચપળતાથી પાણીમાં સરકી ગઇ એટલે માછણ માછલી અને માંસ બંને વસ્તુને ખોઇ નિરાશાથી આકાશમાં જોવા લાગી. આ બધી ચેષ્ટાને જોઇ વસુકુમારીએ તે માછણને કહ્યું કે;–“આકાશમાં દૃષ્ટિ દોડાવવાથી શું ફળ મળવાનું હતું ? તેં જે ઉદ્યાગ કર્યો હતો તે તારી મૂર્ખતાથી નિષ્ફળ ગયો છે !”

માછણે કલ્પનાથી તેની સ્થિતિ જાણી લીધી હતી અને દૂરથી તેણે પેલા સૈનિકને નદી ઊતરતા પણ જોયો હતો, એટલે તે પ્રત્યુત્તરમાં બોલી કે;–“મારી દોઢડાહી બાઇ ! આ બે પૈસાનું માંસ ગયું તેની કાંઇ વધારે ચિંતા નથી; એ તો બીજું પણ મળશે પરંતુ તે પોતાની મૂર્ખતાની સીમા કરીને દ્રવ્ય, જાર અને પતિ ત્રણેને ખોઇ દીધાં છે, તે તને આ જન્મમાં મળવાં તો અશક્ય છે. જે હતું તે બધું ચાલ્યું ગયું, છતાં નિર્લજ્જ દશામાં હાથથી લજ્જાનું રક્ષણ કરી તું કોની વાટ જોતી ઊભી છે વારૂ ? હવે સુખ માટેની તારી સર્વ આશાઓ વ્યર્થ છે.”

માછણના આ શબ્દો સાંભળી વસુકુમારી નિશ્ચયપૂર્વક જાણી ગઇ કે, “મારો જાર મને દગો દઇને દ્રવ્ય લઇ પલાયન કરી ગયો છે !” અને તેથી એ વેળાએ તેના હૃદયમાં જે પશ્ચાત્તાપ થયેા, તે ખરેખર અપૂર્વ હતો. એ પછી બહુ વિચાર કરીને પોતે ઉન્માદિની હોવાનો દંભ કરી તેણે પોતાના કેશને છૂટા કરી નાખ્યા અને નગ્નાવસ્થામાં જ પાસેના એક ગામમાં તે પેસી ગઇ. એને ખરી ઉન્માદિની જાણી લોકોએ તેના નગરનો પત્તો મેળવી પકડીને તેને પાછી તેના પતિ પાસે મોકલી દીધી. તેના પતિએ તેની આવી દશા જોઇને આનંદથી તેનો સ્વીકાર કર્યો અને ઐાષધોપચારથી તેના ઉન્માદને દૂર કરી દીધો.

આ પ્રમાણેની વસુમતીની વાર્તા સંભળાવીને મેં મારી પ્રિયતમાને કહ્યું કે;–“ જુઓ સુંદરિ ! એમાંથી એટલા જ સારનું ચલણ કરવાનું છે કે, એ સ્ત્રી મહાચતુર હોવાથી જ પાછી પોતાના પતિગૃહની સ્વામિની થઇ શકી. પરંતુ જો તમે તમારા ગૃહને ત્યાગી દેશો, તો તમારી શી દશા થશે, એની કશી કલ્પના અત્યારે કરી શકાતી નથી. કારણ કે, જે જે અબળાઓએ અત્યાર સુધીમાં પોતાના વિવાહિત પતિના ગૃહનો ત્યાગ કર્યો છે, તેમનો સર્વ પ્રકારે નાશ અને નાશ જ થયો છે. એ વિશેના સહસ્ત્રાવધિ દૃષ્ટાંતો ઉપલબ્ધ છે. ચોર અને જારના ગામ કદી વસ્યાં નથી અને વસવાનાં પણ નથી. હું એક સાધારણ સૈનિક અરે લુખ્ખો સિપાહી ભાઇ છું, એટલે તમારો નિર્વાહ તમારી કુલીનતા પ્રમાણે મારાથી ચલાવી શકાશે કે કેમ, એનો પ્રથમ તમારે વિચાર કરવાનો છે.”

તે મારી પ્રિયતમા આ પ્રમાણેનો ભારે ઉપદેશ સાંભળીને કાંઇક કોપાયમાન થઇને બોલી કે;-“ ડૉક્ટર સાહેબ ! મેં તમારા સર્વ ગુણોની પરીક્ષા કર્યા પછી જ મારી લજ્જાના ભેાક્તા તમને બનાવ્યા છે; અને તેટલા માટે હવે અંતકાળ પર્યન્ત આપના સમાગમનો સ્વતંત્ર અને યથેચ્છ આનંદ ભોગવવા વિશેનો મારો દૃઢ નિશ્ચય થઇ ગયો છે. હું જ્યારે મારા સર્વસ્વને ત્યાગવાને તૈયાર છું, તો તમારે હવે આવી નપુંસકતા બતાવવી ન જોઇએ. તમારી આ ચેષ્ટા પુરૂષોચિત નથી.”

આવી રીતે તેણે અત્યંત આગ્રહ કર્યા છતાં જ્યારે મેં તેની ઇચ્છાનો સર્વ પ્રકારે અસ્વીકાર કર્યો એટલે તે ડૂસ્કાં ભરી ભરીને રડવા લાગી. મને પણ દયા આવી ગઇ અને તેથી તેને શાંત પાડવામાં આખી રાત વીતાડી દીધી. પ્રભાતમાં પોતાને ઘેર જતી વેળાએ તે કહેવા લાગી કે;-“ડૉકટર સાહેબ ! તમે મને જેવો દગો દીધો છે, તેવો દગો તમને ઇશ્વર આપશે ! એ વિશે તમારે નિશ્ચય રાખવો. હવે આપણો મેળાપ થવો અશક્ય છે. આજે બે દિવસથી મારો પતિ બીજે ગામ ગયો છે તેથી અહીં પણ અવાયું અને ન્હાસી જવાનો હજી સારો લાગ છે, કારણ કે, તે આવતી કાલે આવવાનો છે. આવો પ્રસંગ ફરી ફરીને મળી શકવાનો નથી. માટે આજ રાત્રે મારે ઘેર આવીને મને પોતાના અંતિમ સમાગમસુખનો લાભ આપી જશો, તો મોટો ઉપકાર થશે.”

અનંગભદ્રા ! ત્યાર પછી સંધ્યાકાળે હું તેની ઇચ્છા પ્રમાણે તેને ઘેર ગયો અને તેણે મારો નિત્ય કરતાં પણ ઘણો જ સારો સત્કાર કર્યો. ત્યાર પછી તે તુલસી, ગંગાજળ અને ચોખા આદિ વસ્તુઓ મારી આગળ લાવીને કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! હવે જરાક સૂક્ષ્મ વિચાર કરીને કહો કે, તમે મારે અંગીકાર કરો છો કે નહિ!”

“મારો આ પ્રમાણે કરવાને જરા પણ વિચાર થતો નથી; અને તમને પણ એ પ્રમાણે ન કરવાનો જ મારો આગ્રહપૂર્વક ઉપદેશ છે.” મેં મારા પૂર્વના અભિપ્રાયને જ પુનઃ વ્યક્ત કરી બતાવ્યો.

મારા મુખમાંથી આ શબ્દો નીકળતાં જ ક્રોધથી તે કંપવા લાગી અને મને હાથ ઝાલીને પોતાના અંતગૃહમાં લઇ જઇ દાસીને બહાર કાઢીને તેણે બારણાં અંદરથી વાસી દીધાં. ત્યાર પછી પોતાના હાથમાં એક તીક્ષ્ણ છૂરી લઈને તે પોતાનું ગળું કાપવાને તૈયાર થઇ ગઇ. તેની આ વિલક્ષણ ચેષ્ટાને જોઇને હું તો ગર્ભગળિત જ થઇ ગયો; અને બીજા કોઇને મદદે બોલાવવાનો વિચાર કરવા લાગ્યો, પણ હું કેવી અવસ્થામાં હતો એનું ભાન થતાં તે વિચારને માંડી વાળ્યો. કારણ કે, જો તે જ માણસો મને આમ પારકા ઘરના એકાંત ભાગમાં ઘુસેલો જોઇને મારવા મંડી જાય તો ? આવા ભયથી લાચારીએ મેં જ હિંમત લાવીને તેના હાથમાંથી છરી છીનવી લીધી અને તેને શાંત થવા માટે હું અનેક પ્રકારની વિનંતિ કરવા લાગ્યો પરંતુ એથી શાંત થવાને બદલે વિશેષ આક્રોશ કરીને વધારે અને વધારે મોટે સાદે બોલવા મંડી ગઇ. મારા શરીરમાં કંપ થવા લાગ્યો અને મારી બુદ્ધિ બહેર મારી ગઇ. ત્યાંથી છૂટવાનો બીજો કાંઇ પણ ઉપાય ન જણાયાથી એવો પણ ભય થયો કે, જો ઘરનો માલિક આવી લાગશે, તો અહીં અને અત્યારે જ મારાં સો વર્ષ પૂરાં કરી નાખશે, અથવા તો નાક કાપીને જન્મારાની ખોડ આપી દેશે. છેવટે મેં આત્મહત્યાનો વિચાર કર્યોઃ પરંતુ પુનઃ નરકવાસનું સ્મરણ થતાં તે વિચારને ફેરવી નાખ્યો. તે સાથે એવો વિચાર પણ આવ્યો કે, જ્યાં સુધી આપણે પકડાયા નથી, ત્યાં સુધી તો ધૈર્યનું અવલંબન કરવું જ, કારણ કે, પુરુષના ધૈર્યની સત્ય પરીક્ષા આવા સંકટના પ્રસંગમાંજ થાય છે. છતાં જો તેવો જ પ્રસંગ આવી લાગશે, તો આત્મહત્યા કરવામાં શો વિલંબ થવાનો હતો વારૂ ? આવી ધારણાથી મેં પુનઃ તેને સમજાવીને બુદ્ધિમાં લાવવાના અનેક પ્રયત્ન કર્યા, પણ તે હઠવાદિની એકની બે થઇ નહિ. અંતે જ્યારે તેની છરીથી હું મારૂં પોતાનું ગળું કાપીને મરી જવાને તૈયાર થઇ ગયો, ત્યારે જ કાંઇક શાંત થઇ. મારો હાથ ઝાલીને કહેવા લાગી કે;-

“આજ તમારો પુરુષાર્થ કે ? આમ આત્મહત્યા કરીને અકાળે મરી જવાથી શું ફળ મળવાનું હતું વારૂ ?”

“જો તમે આ ક્ષણે જ મને અહીંથી જવા દેસો તો તો ઠીક છે; નહિ તો લોકોને આપણી ફજેતી જોઇને તાળીઓ વગાડતાં જોવાં અને શરમભરેલી જિંદગીથી જીવવું, એના કરતાં આબરૂ જાળવીને પોતાના હાથે મરી જવાનું હું વધારે પસંદ કરૂં છું.” મેં દીનતાદર્શક અને નિશ્ચયાત્મક ગંભીર વાણીથી કહ્યું.

“ડોક્ટર સાહેબ! આજની ઘટના એવી થઇ છે કે, હવે આપણને સુખ કે વિલાસભોગ ભોગવવાનો અવશર તો નથીજ મળવાનો; કારણ કે આપણા મરણની ઘટિકા બહુ જ પાસે આવી લાગી છે. એટલા માટે આ નશ્વર દેહમાં જ્યાં સુધી પ્રાણપક્ષીનો નિવાસ છે, ત્યાં સુધી અહીં જ બેસો અને અહીંથી જવાની આશાનો ત્યાગ કરો. કારણ કે, જેવી રીતે એક સરદારની સ્ત્રી પોતાના પતિ, પુત્ર, અને દાસી એ સર્વને સાથે લઇને જ મરણના માર્ગમાં ગઇ હતી, તેવી રીતે હું પણ તમને સાથે રાખીને જ મરવાની છું; તમારા જેવા સહચારી વિના નરકના ભયંકર માર્ગનો પ્રવાસ હું એકલી જ કરી શકું તેમ નથી.” તે સુંદરીએ વિકટ સ્મિત કરીને કહ્યું.

કોઇ રીતે રાત વીતી જાય અને સૂર્યોદય થાય એવા હેતુથી મેં કહ્યું કે,–“તે સ્ત્રી પોતાના પતિ, પુત્ર, જાર અને દાસી આદિ સર્વને સાથે લઇને કેવી રીતે મરણ પામી હતી, તે કથાભાગ જો અડચણ ન હોય, તો કૃપા કરીને મને સંભળાવશો ?”

મારી પ્રાર્થનાને માન્ય કરીને તે સુંદરી તે સ્ત્રીની કથા વર્ણવતી કહેવા લાગી કે;–