વેણીનાં ફૂલ/તલવારનો વારસદાર

← બ્હેન હિન્દવાણી વેણીનાં ફૂલ
તલવારનો વારસદાર
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
જાણવા જેવા શબ્દોનો કોષ →




તલવારનો વારસદાર


[ઢાળ–શેના લીધા મારા શ્યામ
અબોલડા આ શેના લીધા રે!]

🙖

ભેટ્યે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
ભીંતે ઝુલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

મારા બાપૂને ! બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ:
[]હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ;
વીરાજી કેરી ભેટ્યે ઝુલેરે.

મોટે માગી છે મો’લ મ્હેલાતું વાડીયું
નાને માંગી છે તલવાર
હાં રે બેની ! નાને માંગી છે તલવાર – વીરાજી૦

મોટો મ્હાલે છે મો’લ મોડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી૦

મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડિયે
નાનેરો ઘોડો અસવાર – વીરાજી૦

મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી૦

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ
નાનો ડુંગરડાની ધાર – વીરાજી૦

મોટો મઢાવે વેઢે વીંટી ને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી૦

મોટાને સોઇં હીર–ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી૦


મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો []ઝીંકે છે ઘાવ – વીરાજી૦

મોટેરે માડી ! તારી કૂખૂં લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦

મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦

ભેટે ઝુલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે !

ભીંતે ઝુલે છે તલવાર
બાપૂજી કેરી ભીંતે ઝુલે રે!

  1. * બધી કડીઓમાં બીજી ત્રીજી વાર આ રીતે ગવાશે તો રાસડો ચગાવી શકાશે.
  2. * બીજો પાઠ : ઝીલે છે ઘાવ