← વેણીનાં ફૂલ વેણીનાં ફૂલ
બાલૂડી બ્હેન
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
બોલે મોરલો →





બાલૂડી બ્હેન


મારી બાલૂડી બ્હેન !
મારી ભોળૂડી બ્હેન !
તારી આંખો ઝીણી ને આભ જોતી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી વ્હાલૂડી બ્હેન !
તારૂં મોઢું નાનું ને હાસ્ય મોટાં રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી કાલૂડી બ્હેન !
તારી ઝીણેરી જીભ, બોલ ઘેરા રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી ઘેલૂડી બ્હેન !
તારી આછી પાંપણા ને નીંદ ઘાટી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી કોડીલી બ્હેન !
તારૂં માથું ટુંકુ ને વાળા લાંબા રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી લાડીલી બ્હેન !
તારી નાની કાયા ને જોર જબરાં રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી માધૂરી બ્હેન !
તારી ઉંમર છોટીને વાતા મોટી રે બ્હેન !

મારી બાલૂડી બ્હેન !
મારી ભોળૂડી બ્હેન !
તારાં જીવતર થોડાં ને હેત ઝાઝાં રે બ્હેન !

🙖