વેળા વેળાની છાંયડી/કામદાર કા લડકા

← ગમે ત્યાંથી ગોતી કાઢો ! વેળા વેળાની છાંયડી
કામદાર કા લડકા
ચુનીલાલ મડિયા
પ્રારબ્ધનો પરિહાસ →




૨૮

કામદાર કા લડકા
 


‘એલાવ એય ટાબરિયાંવ ! કોની રજાથી સ્ટેશનમાં પગ મેલ્યો ?… મારા હાળાવ, કોથળા ફાડી ફાડીને મગફળી ખાવ છો ?… તમારા બાપનો માલ સમજી ગયાં છો ?… માળાં ભૂખાળવાં, ઘરમાં તમારી માયું રોટલા ઘડીને ખવરાવે છે કે એમ ને એમ તગડી મેલે છે ?… કઈ સાલમાં જનમ્યાં છો ? છપ્પનિયામાં જ… નીકર પારકી મગફળી ફોલી ફોલીને પેટ ભરવાનું ક્યાંથી સુઝે ? ભાગો ઝટ. નીકર બરકું છું… આ આવડા દોથા ભર્યા છે તે મામાના ઘરનો માલ છે ?… કરો ગૂંજાં ખાલી, માળાં ચોરટાવ !…

સ્ટેશનના નિર્જન પ્લૅટફૉર્મ ઉપર કીલો સાર્વભૌમત્વ ભોગવતા શહેનશાહની અદાથી લટાર મારતો હતો. પોતે ‘વૉચ ઍન્ડ વૉર્ડ’ ખાતાના અધિકારી હોય એવી ઢબે આ છેડાથી પેલા છેડા સુધી મારીને સ્ટેશન પરની સ્થાવર-જંગમ મિલકતની રક્ષા કરતો હતો.

સાઈડિંગમાં પડેલ વેગનમાંથી મગફળી ફોલતાં છોકરાંઓને ટપાર્યા પછી એણે બીજી દિશામાં પડકાર શરૂ કર્યો.

‘એલી એય, માતાજી ! તારો કોઈ ધણીધોરી છે કે પછી તુંય મારા જેવી જ છો ?… ઘરબાર છે કે પછી જે સીતારામ ?… આ સ્ટેશનને શું મહાજનવાડો સમજી ગઈ છો ? આ લીલો રજકો સંધોય તારે સારુ આવે છે, એમ કે ! આ પાંજરાપોળ નથી. સ્ટેશન છે, સ્ટૅશન, સમજી ! ભલી થઈને તારે ખીલે હાલી જા, નીકર ડબા ભેગી કરવી પડશે.’

ગવતરી જેવા મૂંગા પ્રાણી સાથે પણ કીલો આવી સ્વગતોક્તિ જેવા સંવાદો ચલાવતો હતો.

‘ઊઠ એય ફકીર! બહુ ઊંઘ્યો, બહુ. માળો દી આખો ઊંઘી રહે ને રાત આખી જાગે. બધીય વાતમાં સામા પૂરના હાલવાવાળા… એલા, હમણાં વન-ડાઉન આવી ઊભશે, બેઠો થા, બેઠો. બે પૈસા ભીખ માગી લે, નીકર ચાનો પ્યાલો પીવા મારી પાસેથી કાવડિયાં લેવાં પડશે.’

કીલો આ રીતે નિરીક્ષણ કરતો કરતો છેક સ્ટેશન માસ્તરના ક્વાર્ટર્સ સુધી પહોંચી ગયો. માસ્તરનાં પત્નીને ઉદ્દેશીને એણે બૂમ મારી:

‘દયાબહેન, નળ આવી ગયો છે. પાણી ભરી લ્યો, ઝટ—’

દયાબહેને સામેથી કહ્યું: ‘કીલાભાઈ, આ બેડું જરાક નળ નીચે મેલી દેશો ?—મારા હાથ એંઠા છે—’

‘શું કામ નહીં મેલું ?’ કરતાંકને કીલાએ બેડું ઉપાડી લીધું, ને નળ તરફ જતાં બોલતો ગયો, ‘આ કીલાના કરમમાં આ એક જ કામ કરવાનું બાકી રહી ગયું’તું, તે આજે કરી નાખ્યું—’

ફરી પાછા પ્લૅટફૉર્મ ૫૨ લટાર મારતાં મારતાં એણે લુહાણાના એક છોકરાને હાકલ કરી:

‘એલી એય ડુંગળી ! લાયસન વગર ચેવડો વેચે છે તે આ સ્ટેશનને બોડી બામણીનું ખેતર સમજી બેઠો છો ? આજે ગાડીમાંથી એ. જી. જી. સાહેબ ઊતરવાના છે, એની ખબર છે ? ઝટ ઘર ભેગો થઈ જા, નીકર હમણાં પોલીસ આવીને, તારા ચેવડા ભેગો તનેય ફેંકી દેશે—’

રેલવે સ્ટેશનનો વિસ્તાર કેમ જાણે કીલાની સુવાંગ માલિકીનો હોય એવા રુઆબથી એ એક પછી એક વટહુકમ છોડતો હતો.

થોડી વારમાં જ પ્લૅટફૉર્મ ઉ૫૨ ચકચકતા બિલ્લા પહેરેલી એજન્સીની પોલીસ આવી પહોંચી અને ગોરા સાહેબની સલામતી માટે ભયરૂપ ગણાય એવા માણસોને ભાઠાં મારી મારીને બહાર કાઢવા લાગી. આ કાર્યમાં વરસોથી સ્ટેશન પર વગર પગારે બિનસત્તાવા૨ રખેવાળું કરનાર કીલાનું માર્ગદર્શન આ સરકારી માણસોને બહુ ઉપયોગી થઈ પડ્યું. અનાથાશ્રમ, ખોડાં ઢોરની પાંજરાપોળ, છાસની પરબ વગેરે પ્રવૃત્તિઓ માટે ઉઘરાણું કરવા હાથમાં ટચૂકડી પેટીઓ ફેરવનાર માણસોને આજે અનિચ્છનીય વ્યક્તિઓ ગણીને હાંકી કાઢવામાં આવ્યા. કીલાએ માત્ર બે જ જણને બચાવ્યા: દાવલશા ફકી૨ને અને ભગલા ગાંડાને, આ માણસો ઉપર પણ ધોકાપંથી પોલીસ પોતાનો દંડો ઉગામવા જતી હતી, પણ કીલાએ વચ્ચે પડીને કહ્યું, ‘રહેવા દિયો, આ તો આપણા ઘરના માણસ છે.’

લાટસાહેબની પધરામણી થતી હોવાને કારણે આજે સ્ટેશનનું વાતાવરણ એવું તો ભારછલ્લું બની ગયું હતું કે ‘વન-ડાઉન’માં જવા માટે જે છડિયાં આવતાં હતાં એય આટલી બધી પોલીસની હરફર જોઈને હેબતાઈ જતાં હતાં. ટિકિટબારી ઉપ૨ પણ બિહામણા સિપાઈઓની હાજરી જોઈને ઉતારુઓ બીતાં બીતાં ટિકિટ કપાવતાં હતાં અને પછી છાનામાના ખૂણેખાંચરે લપાઈ જતા હતા.

ટ્રેનને આગલા સ્ટેશન પર લાઇન મળી કે તુરત કીલાએ પોતાની રેંકડી પરથી શણિયું સંકેલ્યું અને પ્લૅટફૉર્મ પર લલકાર કરવા

‘એ… આ મહુવાનાં રંગીન રમકડાં—’

‘એ… આ ઘૂઘરો ને ઘંટી-ઘોડાં—’

‘એ મોરલો ને પોપટલાકડી—’

‘એ… બબલો ૨મે ને બબલાનો બાપ પણ રમે–’

રમકડાંની જાહેરાત સાથે આવી આવી મર્મોક્તિઓ ઉચ્ચારતો કીલો પ્લૅટફૉર્મ પર રેંકડી ફેરવતો હતો ત્યાં જ એકાએક એની આંખ તેમજ રેંકડી બંને થંભી ગયાં.

દરવાજામાંથી મનસુખભાઈ, એમનાં પત્ની ધી૨જ અને એમની પાછળ એક યુવતી સંકોચાતી શરમાતી આવતી હતી.

‘કેમ છો, કીલાભાઈ ?’ રેંકડી સાથે ઊભેલા કીલાને જોઈને મનસુખભાઈ પોકારી ઊઠ્યા.

‘ઓહોહો ! મનસુખભાઈ ? કિયે ગામ ?’ કીલાએ પૂછ્યું.

‘મેંગણી.’

‘ઓચિંતા જ કાંઈ ?’

‘આ ચંપાને મૂકવા જાઉં છું—’

‘બસ ? આટલા દીમાં પાછાં ? હજી તો હમણાં જ મેંગણીથી આવ્યાં’તાં…’

‘હું તો હજીયે કહું છું કે આવી છો તો મહિનો-બે મહિના રોકાઈ જા, પણ એણે તો મેંગણીનું વેન લીધું છે—’ મનસુખભાઈ બોલ્યા.

ધીરજે એમાં સૂર પુરાવ્યો: ‘ચંપાબેનને અમારે ઘરે સોરવતું નથી—’

‘રાજકોટ જેવા શહેરમાં સોરવતું નથી !’ કીલાએ કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કર્યું. અને મનસુખભાઈને ઉદ્દેશીને ઉમેર્યું: ‘સારું થયું કે તમારો ભેટો થઈ ગયો… સાંજે હું તમારે ઘરે આવવાનો હતો… મારે ધરમનો ધક્કો જ થાત ને ?’

‘કેમ ભલા ? કાંઈ કામ–’

‘કામ તો તમે સોંપેલું એ જ. બીજું શું ?’

‘ઓલ્યા મજૂરનો પત્તો લાગ્યો ?’

મનસુખભાઈ અધીરપથી પૂછી રહ્યા.

‘પત્તો તો લાગ્યો. માંડ માંડ કરીને—’

‘ક્યાં ? કેવી રીતે ?’

‘આજ સવારના મેલમાં જાતો’તો—’

‘કેની કોર ?’

‘મુંબઈ જ જાતો હશે – ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠો’તો, એટલે મામૂલી પરિયાણ તો હોય જ નહીં ને ?’

‘ફર્સ્ટ ક્લાસમાં બેઠો’તો ?’ મનસુખભાઈ હેબતાઈ ગયા.

‘ફર્સ્ટથી ઊંચો ક્લાસ તો ઊંચો ક્લાસ તો કોઈ છે નહીં, પછી તો ફર્સ્ટમાં જ બેસવું પડે ને ?’ કીલાએ કલ્પનાનો તુક્કો અડાવ્યો.

‘પણ મજૂરી કરતો કરતો ફર્સ્ટમાં ક્યાંથી પહોંચી ગયો હશે ?’

‘મને એ જ કૌતુક થાય છે.’

‘તમારે કાંઈક દીઠાફેર થઈ ગયો હશે. કીલાભાઈ !… કાંઈક સમજફેર… કોઈ ભળતા મોઢાનો માણસ—’

‘આ કીલો કોઈ દી છેતરાય એમ તમે સમજો છો, મનસુખભાઈ ?’

‘પણ તમે ઓલી પાકીટવાળી વાત એને પૂછી કે નહી ?’

‘એ સારુ તો મેં એનો કાન પકડ્યો’તો. તમે હુકમ કર્યો’તો કે ગમે ત્યાંથી ગોતી કાઢજો ને પાંચ રૂપિયા બક્ષિસના આપી દેજો, એટલે તો હું ચારેય દિશામાં નજર કર્યા કરતો’તો—’

ચંપા, ધીરજમામીની આડશે ઊભી ઊભી ઉત્કંઠ બની સંવાદ સાંભળી રહી.

‘પછી ? પછી તમે એને રૂપિયા આપી જોયા કે નહીં ?’ મનસુખભાઈએ અધીર અવાજે પૂછ્યું.

‘રૂપિયા આપી તો જોયા, પણ… પણ…’

‘પણ શું થયું ?’

‘આપતાં તો આપી જોયા, પણ પછી મને ભોંય ભારે પડી ગઈ—’

‘કેમ ભલા ? શું થયું !’ મનસુખભાઈએ ગભરાઈને પૂછ્યું. ‘પાંચ રૂપિયા એને ઓછા પડ્યા કે શું ?’

‘અરે, ઓછા શું પડશે ?’ કીલાએ કહ્યું. ‘એણે તો આવડું મોટું વડચકું ભરીને મારું મોઢું તોડી લીધું—’

‘હેં? શું કીધું? સરખી વાત તો કરો !’

‘મેં એને કીધું કે ઓલ્યા લાંબા ડગલાવાળા શેઠને ઘેર સામાન મેલવા ગ્યો’તો, ને ડગલામાંથી એનું પાકીટ પડી ગયેલું એ તેં પાછું સોંપી દીધું, એની ખુશાલીમાં શેઠે આ પાંચ રૂપિયા બક્ષિસના મોકલાવ્યા છે—’

‘બરાબર… પછી? પછી?’

‘પછી તો એણે મને જે સંભળાવી છે, એ સાત પેઢી સુધીય નહીં ભુલાય—’

‘તમને સંભળાવી?’

‘સંભળાવી તો તમને જ, પણ તમે તો હાજર નહોતા એટલે આ કીલાએ જ સાંભળવું પડે ને?’ કીલાએ રડમસ અવાજે કહ્યું.

‘માળો આ મજૂ૨ તો કોક અજબ માયા નીકળ્યો! ક૨વી મજૂરી ને મિજાજ રાખવો ખાંડીનો!’ મનસુખભાઈએ કહ્યું, ‘એણે સંભળાવી શું એ તો વાત કરો!’

‘એણે કીધું કે પાંચ રૂપરડી જેણે આપી હોય એના હાથમાં પછી પધરાવી આવ!—’

‘માળો માથાનો ફરેલ!’

‘ને વળી બોલ્યો, કે આ નોટ આપનારના કરતાં મેં વધારે રૂપિયા દીઠા છે!—’

‘માળાના મગજમાં સાચે જ રાઈ ભરી હશે!’

કીલાના વાક્યે વાક્યે મનસુખભાઈનો ઘવાયેલો અહમ્ વાચા પામતો જતો હતો અને ચંપા ઉત્તરોત્તર વધારે સંતોષ અનુભવતી જતી હતી. કીલો પોતે યોજેલી કપોલકલ્પિત કથની આગળ ચલાવતો જતો હતો:

‘એણે તો મોટા લખપતિની જેમ સંભળાવી દીધું કે આ રૂપરડી મોકલનાર માણસ જેવાને તો હું મારે ઘેર વાણોતરાં કરાવું એમ છું–’

ચંપાના ફૂલગુલાબી હોઠ ઉપર સંતોષ સૂચવતો મલકાટ ફરકી ગયો, જે ચકોર કીલા સિવાય કોઈના ધ્યાનમાં આવી ન શક્યો.

મનસુખભાઈએ પોતાના ઘવાયેલા અહમ્‌ની કડવાશ વ્યક્ત કરવા માંડી:

‘માળો આ તો સરોસર ફાટલ નીકળ્યો! દીકરો દળણાવાળીનો ને નામ ગુલાબદાસ જેવો કોક ઓટીવાળ હોવો જોઈએ! નહીંતર આવાં ઊંધી ખોપરીનાં વેણ ઉચ્ચારે નહીં.’

‘ના, મનસુખભાઈ, માણસ તો મને પૂરેપૂરો સાજાની લાગ્યો!’ હવે કીલાએ પોતાના સાથીનો બચાવ શરૂ કર્યો. એના દીદાર જ કહી દેતા’તા કે એ માણસને મન રૂપિયો તો હાથના મેલ સમો છે… ઘરમાં દોમદોમ સાહ્યબી દીઠી હોય એવા એના દીદાર લાગ્યા, મને તો.’

‘અરે, શેની સાહ્યબી ને શેના દીદાર વળી! મને તો કોક મુંબઈના મવાલી જેવો લાગે છે. મજૂરી ક૨વાને બહાને ઘરનું બારણું ભાળી ગયો. મુંબઈમાં સોનેરી ટોળીવાળા આવા જ ગોરખધંધા કરે છે,’ કહીને મનસુખભાઈએ ભય વ્યક્ત કર્યો: ‘આ અમે સહુ ડેલી બંધ ક૨ીને મેંગણી જઈએ છીએ, ત્યારે વાંસેથી એ મવાલી ઉંબરામાં ગણેશિયો ન ભરાવે તો નસીબદાર!’

સાંભળીને, ચંપા અસીમ ઘૃણાભરી નજરે મનસુખમામા તરફ તાકી રહી.

ચંપાના પ્રસન્ન ચહેરા પર એકાએક આવી ગયેલો આ ભાવપલટો પણ કીલા સિવાય કોઈના ધ્યાનમાં આવી શક્યો નહીં.

હવે તો ચંપાને રજમાત્ર શંકા ન રહી કે એ રમકડાં વેચનારો માણસ નર્યું નાટક જ ભજવી રહ્યો છે અને મામાને બનાવી રહ્યો છે. સ્વભાવસહજ હૈયાઉકલત ધરાવનાર આ યુવતીને ખાતરી થઈ ગઈ કે આ ‘કાંગસીવાળા’ને નામે ઓળખાતો માણસ નરોત્તમ વિશે રજરજ હકીકત જાણે છે. તે દિવસે આ જ સ્ટેશન પર આ જ સ્થળેથી એને સામાન ઊંચકી લેવાનું સૂચન પણ આ જ માણસે કર્યું હતું. એમાં અવશ્ય એનો કશોક સંકેત હશે જ, અને હવે એ જે અહેવાલ આપી રહ્યો છે, એમાં પણ એનો ગૂઢ સંકેત છે જ.

આટલી વારમાં તો પ્લૅટફૉર્મ ઉપ૨ પોલીસ અને મિલિટરીના માણસો, સરકારી કોઠીના વડા કર્મચારીઓ, જુદાં જુદાં રજવાડાંના કારભારીઓ, દીવાનો, એકબે રાજવીઓ વગેરેનાં આગમન થઈ ચૂક્યાં હતાં, એ જોઈને મનસુખભાઈએ કીલાને પૂછ્યું:

‘આજે આટલી બધી ધમાલ શેની છે?’

‘ખબર નથી?— પોલિટિકલ એજન્ટ આવે છે–’

‘કોણ? વૉટ્સન સાહેબ?’

‘હા.’

‘ક્યાંથી?’

‘સાસણના જંગલમાંથી — શિકાર કરીને આવે છે.’

સાંભળી ધીરજમામીને કમ્પારી છૂટી ગઈ. મોઢામાંથી ભયસૂચક સિસકારો પણ નીકળી ગયો.

‘પણ એમાં આટલું બધું માણસ અહીં—’

‘અરે સાત ફૂટનો સિંહ મારીને આવે છે—’

ધીરજમામીએ પ્લૅટફૉર્મ ઉ૫૨ જ થૂ… થૂ કરીને પોતાનો અહિંસાપ્રેમ અને જીવહિંસા પ્રત્યેનો તિરસ્કાર વ્યક્ત કરી નાખ્યો… મનસુખભાઈએ પૃચ્છા ચાલુ રાખી:

‘સાત ફૂટ લાંબો સિંહ ?’

‘એક ઇંચ પણ ઓછો નહીં—’

‘પણ સિંહ તો છ હાથથી લાંબો હોય એવું ક્યાંય સાંભળ્યું નથી—’

‘પણ વૉટ્સન સાહેબની ગોળીએથી વીંધાય એ બધાય સિંહ છ ફૂટમાંથી સાત ફૂટ લાંબા થઈ જાય છે–’

‘એનું કારણ શું, ભલા?’

સાહેબનો એ. ડી. સી. છે, એ પોતાની પાસે ફૂટપટ્ટીનું ફીંડલું રાખે છે, એમાંથી એણે મોઢા આગળનો એક ફૂટનો પટ્ટો સંચોડો કાપી નાખ્યો છે,’ કહી કીલાએ સ્ફોટ કર્યો: ‘એટલે, ગમે એવડો સિંહ માપો તોય એક ફૂટ વધી જ જાવાનો, સમજ્યા ને?’

મનસુખભાઈ રસપૂર્વક શિકારનાં આ રહસ્યો સાંભળતા રહ્યા. માત્ર ચંપાને આ ગોરા સાહેબમાં, શિકારમાં કે સિંહમાં કશો રસ નહોતો. એને તો હિંમત કરીને, કીલાને પૂછી નાખવાનું મન થતું હતું: ‘બોલો, કહી દિયો, ક્યાં છે તમે મોકલેલો મજૂર? એ ક્યાં રહે છે? શું કરે છે? મને યાદ કરે છે કે નહીં? એને કહી દેજો કે હું એક વાર એમને વરી ચૂકી છું, એમાં મીનમેખ નહીં થાય હવે.’

પણ આ મૂક સંદેશને વાચા મળી શકે એ પહેલાં તો ‘વન-ડાઉન’ મેલ ફૂંફાડા નાખતો આવી પહોંચ્યો અને મનસુખભાઈ ‘હાલો, આગળ હાલો, આખું ખાનું ખાલી છે,’ ક૨તાકને ધીરજને અને ચંપાને ઢસરડી ગયા.

શણગારેલા શહેનશાહી સલૂનના એક દરવાજામાંથી ગોરાસાહેબ ઊતર્યા, ને બીજા દરવાજામાંથી સાત ફૂટ લાંબા મૃત વનરાજને ઉતારવામાં આવ્યો, હિંદના વડા હાકેમના આ એજન્ટને ઉમળકાભર્યો આવકાર મળ્યો. રાજવીઓ અને કારભારીઓ કમ્મરને કાટખૂણેથી ઝુકાવીને, લળી લળીને કુરનિસ બજાવી રહ્યા.

ગોરા અધિકારીની માંસલ ગરદન ફૂલહાર તળે દબાઈ ગઈ. એથીય વધારે ફૂલહાર અને કલગીતોરા તો મૃત વનરાજને મળ્યા.

સાહેબની પાછળ એમનાં મેમસાહેબ ઊતર્યાં અને એમની પાછળ એક કિશોરને લઈને આયા ઊતરી.

મામાની સાથે ડબ્બામાં ગોઠવાઈ ગયેલી ચંપા વિચારતી હતી: કીલાભાઈએ આ બધી રમત શું કામે કરી હશે? મારું મન માપી જોવા? મારું પોતાનું પારખું કરવા? ગમે એમ હોય. પારખામાં હું બરોબર પાર ઊતરી છું. એણે ભલે કસોટી કરી જોઈ. આ સોનું એમાં સો ટચથી ઓછું નહીં ઊતરે.

પ્લૅટફૉર્મ ૫૨ મેમસાહેબ સાથે કિશોરને લઈને આયા ઊતરી ત્યારે કીલો એક હાથમાં ઘૂઘરો ખખડાવતો, બીજે હાથે રેંકડી ઠેલતો અને મોઢેથી કર્કશ અવાજે રમકડાંની જાહેરાત કરતો પસાર થતો હતો. એમાંના એક પચરંગી રમકડા તરફ કિશોરે આંગળી ચીંધી એટલે કીલો ઊભો રહી ગયો.

બાળકે રમકડું ચીંધ્યું એટલે આયા સાથે મેમસાહેબ પણ ઊભાં રહ્યાં અને પત્નીને ઊભી રહેલી જોઈને વૉટ્સન સાહેબ પણ ઊભા રહી ગયા.

ફૂલહારનો વિધિ અધૂરો રહી ગયો, સ્વાગતવિધિ પણ અટકી પડ્યો અને સ્ટેશન પર સહુ કોઈ ગોરા કિશોર અને એણે હાથમાં લીધેલા એક રમકડા તરફ તાકી રહ્યા.

‘વેરી ગુડ ટૉય, વેરી ગુડ !’ કીલો મિતાક્ષરી અંગ્રેજીમાં પોતાનો માલ વેચવા મથતો હતો.

‘આ દરમિયાન પોલિટિકલ એજન્ટની નજર પુત્ર તરફ નહોતી, રમકડાં તરફ પણ નહોતી. એમની વિચક્ષણ નજર તો આ રમકડાં વેચનારની મુખમુદ્રાને ધારી ધારીને અવલોકી રહી હતી. પણ કીલો, કોણ જાણે કેમ, સાહેબની નજરમાં નજર પરોવવાની હિંમત નહોતો કરતો. પોતાના ચહેરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહેલી એ નજરને ટાળવા કીલો ઘડીક કિશોર તરફ, ઘડીક આયા તરફ, તો ઘડીક મેમસાહેબ ભણી જોયા કરતો હતો.

આખરે, લાટસાહેબના મોંમાંથી શબ્દો છૂટ્યા: ‘તુમેરા નામ કીલાચંડ હૈ?’

ઉત્તરમાં ‘હા’ કહેવા જેટલા પણ કીલાને હોશ નહોતા રહ્યા. પોતાની અકળામણ ઓછી કરવા એ હકારમાં માત્ર માથું ધુણાવીને ‘વેરી ગુડ ટૉય, વેરી ગુડ ટૉય’નાં પોપટવાક્યો અન્યમનસ્ક બોલ્યા કરતો હતો.

પણ. એ. જી. જી. સાહેબ એમ સહેલાઈથી આ માણસને છોડે એમ નહોતા. એમણે બીજો પ્રશ્ન પૂછ્યો:

‘તુમ હેમટરામ કામદારકા લડકા હૈ?’

નવોઢા જેવી કઢંગી ઢબે કીલો નીચી નજરે ‘હાં સા’બ! હાં સા’બ!’ કરતો રહ્યો.

'કલ સુબ્હે મેં નવ ઘંટા પર કોઠી કી કચેરીમાં આવ !' ગોરા સાહેબે હુકમ ફરમાવ્યો.

સ્ટેશન પર એકઠો થયેલો આખો સમુદાય વિસ્ફારિત આ દશ્ય જોઈ રહ્યો અને વિસ્મય સાથે લાટસાહેબે રમકડાવાળાને આપેલો આદેશ સાંભળી રહ્યો.

કીલાએ આદરપૂર્વક માથું નમાવીને આ આદેશ ઝીલ્યો. કિશોરે પોતા માટે રમકડાંની આખરી પસંદગી કરી લીધી હતી.

કીલો અરધો અરધો થઈને બોલતો હતો: ‘લઈ જાવ, સાહેબ. સરસ રમકડું છે, લઈ જાવ!'

હવે પોલિટિકલ એજન્ટ જેવા માંધાતા કેવી રીતે આ રમકડું સ્વીકારશે એ અંગે લોકો અટકળ કરી રહ્યા હતા ત્યાં જ એ.જી.જી. સાહેબે મેમસાહેબને સૂચના આપી દીધી:

‘ટેઈક ધેટ ટૉય વિથ એસ. વી નીડ નોટ પે હિમ.' (૨મકડું લઈ લો, પૈસા આપવાની જરૂર નથી.).