વેળા વેળાની છાંયડી/પ્રારબ્ધનો પરિહાસ

← કામદાર કા લડકા વેળા વેળાની છાંયડી
પ્રારબ્ધનો પરિહાસ
ચુનીલાલ મડિયા
બહેનનો ભાઈ →




૨૯

પ્રારબ્ધનો પરિહાસ
 


સ્ટેશન ઉપર આસમાની સુલતાની જેવો અણધાર્યો બનાવ બની ગયો. હિદના વડા હાકેમના એજન્ટે રમકડાંની રેંકડીવાળા સાથે વાતચીત કરી! ઘણા લોકોને તો, સગી આંખે આ દૃશ્ય જોયું હોવા છતાં સાચું લાગતું નહોતું.

‘આવડો મોટો લાટસાહેબ ઊઠીને કીલા જેવા મુફલિસ માણસ સાથે વાત કરે ?’

‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી આ ઘટના અંગે સહુ પોતપોતાના મનફાવતાં અનુમાનો કરતા હતા:

‘એ તો ગોરાસાહેબને આ મહુવાનાં રમકડાંની કારીગરી ગમી એટલે રેંકડી પાસે ઊભીને કાંઈક પૂછગાછ કરી હશે—’

‘ના રે ના. વિલાયતનાં રમકડાં પાસે આ આપણાં કાઠિયાવાડી ના વિસાતમાં… કારણ કાંઈક બીજું જ હશે.’

‘અરે કીલાને હજી તમે ઓળખતા નથી. કાંઈક બખડજંતર કર્યું હશે ને વાંકમાં આવ્યો હશે એટલે ગોરાસાહેબે ઠપકો આપ્યો હશે.’

‘કીલો છે તો અકડલકડિયો, પણ કાંઈક વાંકમાં આવી ગયો હશે.’

‘અરે ભલો હશે તો રેલખાતાની રજાચિઠ્ઠી કઢાવ્યા વિના જ સ્ટેશન ઉપર રેંકડી ફેરવતો હશે એટલે ઠેઠ એજન્સી સુધી એના રિપોર્ટ થયા હશે.’

લોકોએ તર્કવિતર્ક કરવામાં કશું જ બાકી ન રાખ્યું. અને નવરા માણસોના કુતૂહલને વધારે ઉત્તેજે એવી ઘટના તો એ બની કે પોલિટિકલ એજન્ટ કીલા સાથે વાતચીત કરી ગયા અને બીજે જ દિવસથી કીલો દેખાતો બંધ થઈ ગયો. એની રેંકડી તો રાબેતા મુજબ દાવલશા ફકીર અને ભગલા ગાંડાના સંયુક્ત કબજામાં જ રહી, પણ રેંકડી પર કીલાએ ઢાંકેલું શણિયું આ બેમાંથી એકેય સાથીદારે પાછું સંકેલ્યું જ નહીં. રમકડાં ખરીદવા માટે કોઈ ગ્રાહક આવી ચડે તોપણ ચરસ ફૂંકતો ફકીર આ પારકી થાપણને અડકવાની જ ના પાડતો. ‘કીલાભાઈ કો આને દો માલ ઉસકા હૈ, હમેરા નહીં,’ એ એક જ જવાબ આપતો. સામો પૂછે, ‘પણ કીલો ક્યાં છે?’ ત્યારે ફકીર અફીણના ઘેનમાં અજબ લાપરવાહીથી ઉત્તર આપતો: ‘ખુદા કુ માલૂમ!’

ઓલિયા ફકીરનો આવો મભમ જવાબ સાંભળીને પૃચ્છકોનું કુતૂહલ શમવાને બદલે બમણું ઉશ્કેરાતું.

લોકોની શંકાઓ વધારે ઘેરી તો એ કારણે બની કે કે ઓરડી ઉપર પણ દેખાતો નહોતો. આઠેય પહોર ઉઘાડી રહેતી ઓરડી પર એનો માલિક ઉપરાઉપર બે દિવસ સુધી ફરક્યો નહીં ત્યારે પડોશીઓએ પોતાનો પડોશીધર્મ બજાવીને ઓરડીની સાંકળ વાસી દીધી.

‘ગોરા સાહેબે કીલાને કોઠીની કચેરીએ હાજર થવાનો હુકમ કર્યો તો ખરો… રેંકડીની પડખે ઊભેલા પોલીસે કાનોકાન સાંભળ્યું’તું.’

જાણભેદુઓ કલ્પનાની સહાયથી કીલાનું પગેરું કાઢવા મથતા હતા.

‘કોઠીમાં ગયો તે કોઠીમાં જ રહી ગયો કે શું?’

‘કે પછી એજન્ટ સાહેબે હાથકડી પહેરાવીને હેડ્યમાં ઘાલી દીધો?’

‘કે પછી કાળે પાણીએ ધકેલી દીધો?’

‘ભલું પૂછવું કીલાનું, કાંઈક કાળાંધોળાં કર્યાં હશે તે ભોગવવાં પડશે—’

આવા શંકાઘેરા વાતાવરણમાં જ ચંપાને મેંગણી મૂકી આવીને પાછા ફરેલા મનસુખભાઈએ કીલાની તલાશમાં સવારસાંજ સ્ટેશન ઉપર અને સ્ટેશનથી કીલાની ઓરડી સુધી ધક્કા ખાવા શરૂ કર્યા. કીલાના પરિચિતો એમ સમજ્યા કે મનસુખભાઈ જેવા મોટા શેઠ રોજ ધક્કા ખાય છે. તે કીલા પાસેથી કશુંક વસૂલ કરવા આવતા લાગે છે. જરૂર કીલાએ કાંઈક કબાડું કર્યું છે. કોઈકની માલમિલકત ઓળવી છે; ક્યાંક હડફો ફાડ્યો છે, અથવા હાથફેરો કર્યો છે. નહીંતર ઘરબાર, રેંકડી બધું રેઢું મેલીને એકાએક પોબારા ગણી જાય ખરો?

મનસુખભાઈને તો કીલાને મળવાની એવી ચટપટી લાગી કે સવારસાંજ ઉપરાંત બપોર ટાણે પણ કીલાની ઓરડીએ આંટાફેરો કરવા માંડ્યા. પડોશીઓ તે હરેક વખતે એક જ જવાબ આપી દેતા: ‘કીલાભાઈ હજી ફરક્યા જ નથી, કે નથી કોઈ વાવડ!’ મનસુખભાઈની વિદાય પછી, પાછળથી સહુ ભય અનુભવતા: ‘સાચે જ કીલાએ કાંઈક ગોરખધંધા કર્યા લાગે છે! નહીંતર, આવડા મોટા શેઠિયા આમ દિવસમાં ત્રણ-ત્રણ ફેરી આંટા ખાય ખરા?’

બરોબર આઠ દિવસ સુધી આવી અફવાઓ વહેતી રહી. આખા રાજકોટમાં જાણ થઈ ગઈ કે સ્ટેશન પરથી કાંગસીવાળો ક્યાંક ભાગી ગયો છે.

ગામ આખામાં નરોત્તમ સિવાય બીજા કોઈને કીલા વિશે કશી માહિતી નહોતી.

બરાબર નવમે નવમે દિવસે શહેરમાં તોપના ધડાકા જેવા સમાચાર ફૂટ્યા:

‘પોલિટિકલ એજન્ટ ના શિરસ્તેદારને હોદ્દે કીલાચંદ હેમતરામ કામદારની નિમણૂક થઈ છે.’

શહેરીઓને સહેલાઈ ગળે ન ઊતરે એવા આ સમાચાર હતા.

‘એલા, આ કયા કીલાની વાત છે? ઓલ્યો કાંગસીવાળો જ કે બીજો કોઈ?’

‘એ જ, એ જ રમકડાની રેંકડી ફેરવે છે, એ જ કીલો.’

 ‘પણ એની શાખ તો કાંગસીવાળો છે ને! આ કામદાર કે’દીનો થઈ ગયો? વળી બાપનું નામ હેમતરામ ક્યાંથી નીકળ્યું?’

‘તુરત ગામનાં ડોસાંડગરાઓએ યાદદાસ્ત ખંખોળી ખંખોળીને સંશોધન શરૂ કરી દીધું અને જોતજોતામાં તો આ સમાચારનો તાળો મેળવી કાઢ્યો:

‘હા, હવે યાદ આવ્યું! હેમતરામ કામદાર કરીને સીતાપુર સ્ટેટના આજમ દીવાન હતા ખરા!… કાઠિયાવાડમાંથી એ પહેલવહેલા વિલાયત જઈને બૅરિસ્ટર થઈ આવેલા. એમણે એક તો સમુદ્રોલ્લંઘન કરીને મહાપાતક વહોરેલું, એટલું જ નહીં, મ્લેચ્છો સાથે માંસ-મદિરા ખાઈને કાયા ભ્રષ્ટ કરી આવેલા એવી શંકા પરથી આરંભમાં તેઓ નાત બહાર મુકાયેલા અને સમાજમાં બહિષ્કૃત બનેલા. પણ પછીથી, આ બહિષ્કૃત માણસ દીવાનપદે પહોંચવાથી, આપમેળે એને સમાજની સ્વીકૃતિ મળી ગયેલી. એકમાત્ર સીતાપુરના મહારાજ આ ધર્મભ્રષ્ટ કારભારીનો સ્પર્શ થયા પછી છૂપી રીતે ગંગાજળનું આચમન લઈને પોતાની દેહશુદ્ધિ કરી લેતા. સીતાપુરના લોકો હજી પણ યાદ કરે છે કે હેમતરામભાઈના ઘરમાં કેડ કેડ સમાણા ઊંચા ચૂલા હતા. બૈરાંઓ ઊભાં ઊભાં રસોઈ કરતાં, ટેબલખુરશી પર કાચનાં ઠામમાં જમતાં અને હાથે કોળિયો ભરવાને છરીકાંટા વાપરતાં. મહારાજાનો બાળ પાટવી, રાજ્યના દીવાનનો દીકરો મંચેરશા અને પ્રાઇવેટ સેક્રેટરીનો પુત્ર કીલો એ ત્રણેય બાળગોઠિયા રજવાડી બગીમાં ભેગા ફરવા નીકળતા.

હા, રાજકોટવાસીઓને હવે જ યાદ આવ્યું કે સીતાપુર સ્ટેટની ગાદીના વારસા વિશેનો બહુ ગવાયેલો મુકદ્દમો લડવા બૅરિસ્ટર કામદાર રાજકોટમાં આવતા ખરા. કિશોર વયનો કીલો પણ સાથે કોઈ કોઈ વાર આવતો. એ વેળા કાઠિયાવાડમાં વિલાયત જઈ આવેલ આ એકમાત્ર ‘દેશી’ માણસ સાથે પોલિટિકલ એજન્ટને સ્વાભાવિક રીતે જ મૈત્રી કેળવાઈ ગયેલી. બંને વચ્ચે સારો ઘરોબો થઈ ગયેલો.

પછી તો, ગાદીવારસાનો આ ખટલો છેક પ્રિવી કાઉન્સિલમાં પહોંચેલો અને બૅરિસ્ટર કામદાર એ માટે વિલાયત સુધી લડવા ગયેલા. ત્રણ-ત્રણ વરસ સુધી ચાલેલા આ ખટલાને અંતે બૅરિસ્ટર પરાજિત થઇને પાછા ફરેલા. ખટલો નિષ્ફળ ગયાના સમાચાર, અલબત્ત, ચોંકાવનારા હતા. પણ એથીય વધારે ચોંકાવનારી ઘટનાઓ તો એ પછી બનવા પામેલી, જેને પરિણામે આખું કાઠિયાવાડ ખળભળી ઊઠેલું. કોઈએ સીતાપુરના રાજવીના કાન ભંભેર્યા કે બૅરિસ્ટર કામદારે પ્રતિવાદીઓ પાસેથી જબરી લાંચ ખાધી છે, અને જાણી જોઈને મુકદ્દમો હારી ગયા છે. અને કાચા કાનના રાજવીએ પોતાના કારભારીના ઘર ઉપર જપ્તી બેસાડી. આવા મશહૂર કારભારીના ઘર પર જપ્તી બેઠી એ સમાચાર જેટલા આઘાતજનક હતા, એથીય વધારે ગમખ્વાર બનાવ તો એ બન્યો કે જપ્તીના દિવસે જ શકમંદ સંજોગોમાં કારભારી હેમતરામ કામદારનું અવસાન થયેલું.

આ અણધાર્યા અવસાન અંગે પણ ગામમાં જેટલી જીભ હતી એટલાં અનુમાનો થવા પામ્યાં હતાં. એક વાયકા એવી હતી કે પોતાની પ્રામાણિકતા ઉપર આવેલું આ આળ ખમી ન શકવાથી લોકનિંદામાંથી બચવા ખાતર કામદારે અફીણ ઘોળીને આપઘાત કરેલો. બીજું અનુમાન એવું હતું કે રાજવીએ આગલી રાતે એક ભોજન-સમારંભ યોજેલો એ વખતે કારભારીના ખોરાકમાં ગુપ્ત રીતે ઝેર ભેળવી દેવામાં આવેલું. સાચી વાત શી હતી એ તો આજ સુધી કલ્પનાનો જ વિષય રહ્યો હતો. એ ગમખ્વાર બનાવને પરિણામે હેમતરામ કામદારનું કુટુંબ છિન્નભિન્ન થઈ ગયેલું. પતિના અવસાન પછી વૈધવ્યનો અને પ્રતિષ્ઠાહાનિનો બેવડો આઘાત કામદાર પત્નીથી લાંબો સમય જીરવી શકાયો નહીં. એક વેળા જેને ત્યાં સુખસાહ્યબીની છોળો ઊડતી હતી એ ગૃહિણીને, મબલખ માલમિલકત અને ઘરવખરી સુધ્ધાં પર સરકારી સીલ લાગી ગયાં પછી જે દિવસો જોવા પડ્યા એ કોઈ પણ ગૃહિણીનું હૃદય ભાંગી નાખવાને બસ હતા. પત્નીને પતિવિયોગની કળ કદી વળી જ નહીં. કુટુંબ પર આવી પડેલ કલંકમય આપત્તિનું દુઃખ કણસતાં કણસતાં જ તેઓ મરી પરવાર્યાં.

યુવાવસ્થામાં પ્રવેશેલા કીલાને તો ત્રેવડો વજ્રાઘાત લાગ્યો. ક્ષયરોગની મરણપથારીમાંથી એ દૈવકૃપાએ ઊભો થયેલો ત્યારે મૃત્યુની ચોટ તો અનુભવી જ ચૂક્યો હતો. એમાં વૈવાહિક જીવનનો આઘાત ભળ્યો. સહુને ખાતરી હતી કે ક્ષય જેવા જીવલેણ રોગમાંથી આ યુવાન ઊગરશે નહીં, એ ગણતરીએ તો એની વાગ્દત્તાનું વેવિશાળ બીજે સ્થળે કરાયેલું પણ જાણે કે પ્રારબ્ધનો પરિહાસ કરવા જ કીલો મંદવાડમાંથી સાજો થઈને ઊઠ્યો. એની જિજીવિષા જોઈને સગાંસ્નેહીઓને પણ કૌતક થયું. પણ રાજરોગમાથી ઊગરી ગયેલો એ યુવાન, અગાઉનો આશાભર્યો, ઉમંગભર્યો, જીવનરસથી છલોછલ એવો કોડીલો ને કોડામણો કીલો નહોતો રહ્યો. એ તો હતું પૂર્વાશ્રમના કીલાનું હાલતુંચાલતું પ્રેત માત્ર. અને જ્યારે એને જણાવવામાં આવ્યું કે એની વાગ્દત્તા મીઠીબાઈના જીવનમાં ભયંકર કરુણતા સરજાઈ ગઈ છે. ત્યારે આ યુવાનના દિલમાં તેમજ દિમાગમાં નિતાંત નિર્વેદ છવાઈ ગયો.

અને એ નિર્વેદમાં ઉમેરો કરનારી કૌટુંબિક આપત્તિ આવી પડી. નરશાર્દૂલ સમા પિતાનું જે નામોશીભર્યા સંજોગોમાં મૃત્યુ થયું, એ સંજોગોએ કીલાના ચિત્તતંત્ર ઉપર બીજી ચોટ મારી. અને એમાંથી હજી તો પૂરી કળ વળે એ પહેલાં જ તેની વહાલસોયી માતાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

આટલી આપત્તિઓ કોઈ પણ વિચારશીલ માણસના હૃદયમાં સંઘર્ષ જન્માવવા માટે પૂરતી હતી. યુવાન કીલાના હૃદયમાં પણ પશ્ન ફૂંફાડી ઊઠ્યો: માણસ ઉપર આટલાં દુઃખો શા માટે?…

અને એ પ્રશ્નનો ઉત્તર મેળવવા એ ચાલી નીકળ્યો.

અજ્ઞાતવાસનાં પૂરાં પાંચ વરસ આ યુવાને ક્યાં અને કેવી રીતે ગાળ્યાં, એ તો કીલાનાં સગાંસ્નેહીઓ પણ કશું જાણી શકેલાં નહીં. કર્ણોપકર્ણ વાતો આવતી: કીલો બાવો થઈ ગયો છે ને ગિરનારમાં કોઈ યોગી સાથે રહે છે. એણે તો જૈન સાધુ પાસેથી દીક્ષા અંગીકાર કરી છે અને પાવાપુરી તરફ વિહાર કરે છે, ના, ના એ તો પરિવ્રાજક થઈને હિમાલય તરફ નીકળી ગયો છે, ના રે ના, એણે તો દીક્ષાય નથી લીધી ને યોગી પણ નથી થયો, એ તો, પેટનો ખાડો પૂરવા અજાણ્યાં ગામડાંમાં ભીખ માગતો ભટકે છે… કોઈએ તો એટલે સુધી જાહેરાત કરી દીધી કે કીલો તો ક્યારનો મણિકર્ણિકાના ઘાટ ઉપર મરી પરવાર્યો છે.

આમાંની આ છેલ્લી જાહેરાતનો જાણે કે જવાબ આપવા જ કીલો એક સવારના પહોરમાં રાજકોટની શેરીમાં મોટે સાદે બોલતો બોલતો નીકળી પડ્યો: લ્યો, આ માથાં ઓળવાની વિલાયતી કાંગસી!… માથામાંથી જૂ, લીખ, ખોડો, સંધુય ખંખેરી કાઢે એવી આ નવતર કાંગસી!’

અને, બહુ લાંબી વાતો, બહુ લાંબા સમય સુધી યાદ ન રાખવાને ટેવાયેલી લોકસ્મૃતિ કીલાની મૂળ અટક ‘કામદાર’ને સગવડપૂર્વક ભૂલી ગઈ અને એને ‘કીલો કાંગસીવાળો’ તરીકે પ્રસ્થાપિત કરી દીધો.

અને આજે એ લોકોનો લાડીલો કાંગસીવાળો – શહેરનાં આબાલવૃદ્ધ સહુ જેને તુંકારે સંબોધતાં એ, રમકડાંની રેંકડી ફેરવીને પેટિયું રળનારો માણસ—વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીમાં શિરસ્તેદારના આદરણીય હોદ્દા પર સ્થાપિત થયો હતો.

આ સમાચાર સાંભળીને આરંભમાં તો લોકોએ આઘાત અનુભવ્યો. પણ તુરત, જે તે પરિસ્થિતિને અનુકળ થવાને ટેવાયેલા લોકમાનસે આ નિમણૂકને વાજબી ઠરાવતાં કારણો પણ આપમેળે જ શોધી-ઉપજાવી કાઢ્યાં:

‘અરે ભાઈ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! હમણાં ભલે કીલો રખડતો રઝળતો થઈ ગયેલો, પણ અંતે ફરજંદ કોનું? — હેમતરામ કામદારનું !’

‘બાપની હોશિયારી દીકરામાં આવ્યા વિના રહે? અંતે કદર થઈ ખરી!’

‘પણ કૌતુક તો જુવો, કે આપણે સહુએ તો બિચારાને કાંગસીવાળો, કાંગસીવાળો કરીને સાવ કાંકરો જ કાઢી નાખ્યો’તો એમાં આ પારકા પરદેશના ગોરા સાહેબે એનું પાણી પારખ્યું!’

‘લાટસાહેબ પણ સંબંધનો સાચવવાવાળો નીકળ્યો! હેમતરામ હારેનો જૂનો નાતો ભૂલ્યો નહીં. પોતાના દોસ્તારના દીકરાનો હાથ ઝાલ્યો ખરો!’

નવા શિરસ્તેદારની નિમણૂક થયાના સમાચાર સાંભળતાં જ રાજા-રજવાડાં તો આ નવા અમલદારને ખુશાલી પાઠવવા ભેટસોગાદો લઈ લઈને દોડી ગયાં. ઓળખાણને કલ્પવૃક્ષ સમી સમૃદ્ધિની ખાણ સમજનાર વ્યવહારડાહ્યા લોકો પણ ખુશાલી વ્યક્ત કરવાને બહાને સાકરના પડા લઈ લઈને કોઠીમાં કીલાને મળવા દોડી ગયા. દુનિયાદારીને ઘોળીને પી ગયેલો, ફરતલ ને જાણતર કીલો બધી મતલબી લીલાને એક મર્મજ્ઞની દૃષ્ટિથી અવલોકી રહ્યો. પોતાના હોદ્દાનો મોભો સમજીને એ મોઢા ઉપર મહાપરાણે ભાર રાખી રહ્યો હતો, પણ મનમાં તો સંસારની આ સ્વાર્થલીલા પર દાર્શનિકની અદાથી હસતો જતો હતો. એને નવાઈ તો એ લાગતી હતી કે આજે ‘આપણે તો એક જ કુટુંબનાં,’ ‘સાવ નજીકનું સગપણ,’ ‘એક જ ગોતરિયાં’ વગેરે સંબંધોનો દાવો કરનાર આટલાં બધાં સગાંઓ એકાએક ક્યાંથી ફૂટી નીકળ્યાં? આટલા દિવસ આ સહુ સગાં ને સંબંધીઓ ક્યાં સંતાઈ ગયાં હતાં? નાનપણમાં પિતા સાથે અમલદારીનો દોરદમામ નજરે જોઈ ચૂકેલો કીલો આ બધી ખુશામતભરી ખુશાલીઓથી અંજાઈ જાય એમ નહોતો. હેમતરામ કામદારની હયાતી દરમિયાન રજવાડાંના ખૂની ભપકા તો એણે આંખ ભરીને નિહાળ્યા હતા. તેથી જ તો, લોટસાહેબના અતિઆગ્રહને થઈને શિરસ્તેદારના હોદ્દા પર આરૂઢ થયેલો કીલો બેચાર દિવસમાં જ એવો તો અકળાઈ ઊઠ્યો કે ખુશામત ને સિફારસના ગૂંગળાવનારા વાતાવરણમાંથી ઘડીભર મોકળાશ મેળવવા એ સાંજને સમયે સીધો પોતાના બાલમિત્ર મંચેરશાને મળવા દોડી ગયો.

કીલો જ્યારે મંચેરશાની પેઢી ઉપર પહોંચ્યો ત્યારે મંચેરશા પોતે અંદરના ઓરડામાં પરદેશોની ટપાલ તૈયાર કરવામાં રોકાયા હતા.આગળના ઓરડામાં નરોત્તમ સ્થાનિક ખરીદીઓના હિસાબ તૈયાર કરતો હતો.

કીલાને પેઢીનાં પેઢીનાં પગથિયાં ચડતો જોઈને જ નરોત્તમે એને ઉમળકાભેર આવકાર આપ્યો: ‘પધારો, પધારો, શિરસ્તેદાર સાહેબ, પધારો!’

‘અલ્યા, ગામ આખું તો ઠીક, પણ તું પોતેય મારી ઠેકડી કરીશ?’ કીલાએ કહ્યું.

‘એમાં ઠેકડી શાની? મોટા અમલદારને તો સાહેબ કહીને જ બોલાવાય ને?’

‘અલ્યા, પણ આપણે બેય તો નાનામોટા ભાઈ ગણાઈએ. તું ઊઠીને મને સાહેબ કહે એ શોભે?’

‘પણ તમે ઊઠીને મને પરભુલાલ શેઠ કહો એ શોભતું હોય તો શિરસ્તેદાર સાહેબ કહું એ શા માટે ન શોભે?’

નરોત્તમ અને કીલો બંને ખડખડાટ હસી પડ્યા.

કીલાના પરિચિત હાસ્યનો અવાજ સાંભળીને અંદરના ઓરડામાંથી મંચેરશા દોડી આવ્યા અને ‘અરે, કીલા, દીકરા, તેં તો ગજબ કરી નાખિયો ને કાંઈ!’ કહીને, પોતાના બાળગોઠિયાને પ્રેમપૂર્વક ભેટી પડ્યા.

બાજુમાં ઊભેલો નરોત્તમ, નાનપણના આ બે દિલોજાન દોસ્તોને અહોભાવથી અવલોકી રહ્યો.

અને પછી તો બંને બાળગોઠિયાઓએ કેટકેટલીય પેટછૂટી પ્રેમ વાત કરી. મંચેરશાએ કહ્યું:

‘તેં તો બાવા, તોપનો ધડાકો કરી નાખિયો ને કાંઈ?’

‘મેં નહીં, એ. જી. જી. સાહેબે. એણે પરાણે મને આ પળોજણ વળગાડી—’ કીલાએ ખુલાસો કર્યો.

‘પણ આટલા દિવસ સુધી કઈ દુનિયામાં ગાયબ થઈ ગયો હતો?’ મંચેરશાએ ફરિયાદ કરી: ‘તારી તપાસ કરવા પાનસો માણસ પેઢી ઉપર આવી ગયેલા—’

‘હું તો વૉટ્સન સાહેબને બંગલે જ પુરાઈ રહ્યો હતો—’

‘તે લાટસાહેબે તને બંગલામાં પૂરી મૂકેલો?’

‘લગભગ એવું જ.’ કહીને કીલાએ ખુલાસો કર્યો: ‘ઘરબાર છોડ્યા પછી પાંચ વરસ સુધી મેં શું શું કર્યું, ક્યાં ક્યાં ફરી આવ્યો એ બધું સાહેબને સાંભળવું હતું—’

‘બાવા, અમે બધું પૂછીએ છીએ ત્યારે તો કાંઈ સંભળાવતો નથી, ને આ વેલાતી સાહેબને બધું સંભળાવી બેઠો?’ મંચેરશાએ બીજી ફરિયાદ કરી.

‘પણ એ. જી. જી. સાહેબે બહુ આગ્રહ કર્યો ત્યારે નાછૂટકે બધું કહેવું પડ્યું… ને એમણે એ બધું અક્ષરેઅક્ષર નોંધી લીધું—’

‘નોંધી પણ લીધું?’ મંચેરશાએ આશ્ચર્યથી પૂછ્યું: ‘બધું નોંધી લઈને તારા ઉપર રિપોર્ટ કરવાના છે કે શું?’

‘રિપોર્ટ નહીં, વાર્તા.’ કીલાએ કહ્યું: ‘વૉટ્સન સાહેબ તો કાઠિયાવાડને ગામડે ગામડે ફરીને જૂના બહારવટિયાઓની વાત તૈયાર કરે છે ને!’

‘બરોબર છે.’ મંચેરશા વ્યંગમાં બોલ્યા: ‘આ કીલો પણ કાદુ મકરાણી જેવો બહારવટિયો જ છે ને!’

‘પણ કાદરબક્ષ જેટલાં કોઈનાં નાક નથી કાપ્યાં!’

‘અરે, તેં તો છરી કે ચપ્પુ વાપર્યા વિના જ ગામ આખાનાં નાક કાપી નાખિયાં છે.’ મંચેરશાએ ટકોર કરી: ‘શિરસ્તેદારની પોસ્ટ પર પૂગીને તેં તો ભલાભલા મુછાળાઓનાં નાક શું, મૂછ પણ મૂંડી નાખી છે—’

‘આમેય અમલદારોનું કામ ઊંધે અસ્તરે જ મૂંડવાનું હોય છે.’ કીલાએ મિત્રની મજાકમાં પૂર્તિ કરી આપીને ઉમેર્યું: ‘પણ મને તો લાટસાહેબે પરાણે આ લપ વળગાડી… મારા બાપુના એ જૂના દોસ્તાર હતા ને—’

‘હું ક્યાં નથી જાણતો?… રોજ સાંજે બેઉ જણા સાથે જ ડિનર લેતા એ—’

‘એ ડિનરમાંથી જ આ મોંકાણ ઊભી થઈ ને!’ કીલાએ કહ્યું, ‘હું ટેબલ ઉપર બાપુની પડખેની ખુરશીમાં બેસતો, એટલે સાહેબને ચહેરો બરાબર યાદ રહી ગયેલો… ને આટલાં વરસ પછી સ્ટેશન ઉપર મને રમકડાં વેચતો આબાદ ઓળખી કાઢ્યો—’

‘પણ કીલા હવે તારી એ રમકડાંની રેંકડીનું શું થવાનું?’

‘રેંકડી તો ફરતી જ રહેશે—’

‘પણ ફેરવશે કોણ?’ મંચેરશાએ ઉગ્ર અવાજે પૂછ્યું, ‘કોઠીની કચેરીમાંથી તું ફેરવવા આવીશ?’

‘દાવલશા ફકીર ફેરવશે.’ કીલાએ સ્વસ્થ અવાજે જવાબ આપ્યો. ‘ભીખ માગીને ચરસ ફૂંકે છે, એને બદલે હવે રેંકડીમાંથી રોટલા કાઢશે—’

‘અલ્યા, તું તો આવડો મોટો અમલદાર થયો તોય રેંકડીનો મોહ છૂટ્યો નહીં?’

‘નહીં જ છૂટે; ને છોડવોય નથી. મંચેરશા!’ કીલાએ સમજાવ્યું ‘અમલદારી તો આજ છે, ને કાલ ન હોય. પણ રેંકડી તો કાયમ રોટલા આપે. તમે તો રજવાડામાં જ ઊછર્યા છો, એટલે જાણો છો, કે ઊતર્યો અમલદાર કોડીનો. હું પણ હોદ્દેથી ઊતરું તો પાછો રેંકડી ઉપર બેસી જઉં. બાકી આ બધાં માનપાન કીલાને નથી મળતાં. કીલાના હોદ્દાને મળે છે… મારા બાપુ કહેતા, કે સિપાઈને નહીં સિપાઈની લાકડીને માન છે.’

માનપાન વિશેની વાતચીતમાંથી કયા કયા રાજવીઓ કીલાને નજરાણું કરી ગયા એની વાત નીકળી. કીલાએ જરા ક્ષોભ સાથે જણાવ્યું:

‘આપણો અજુડો પણ સોનેરી સાફો ને મીઠાઈનો ટોપલી મૂકી ગયો—’

નરોત્તમ આ ‘અજુડો’નો અપરિચિત નામોચ્ચાર વિચારમાં પડી ગયો, પણ મંચેરશા તો એનો સંદર્ભ તુરત સમજી ગયા. ‘અજુડો’ એ સીતાપુરના વર્તમાન ઠાકોર અજિતસિંહનું બાળપણનું આ ભાઈબંધોએ યોજેલું વહાલસોયું સંબોધન હતું. એ અજુ સાથે કીલો અને મંચેરશા રજવાડી બગીમાં બેસીને ફરવા નીકળતા. રમતો રમતા, મસ્તીતોફાન કરતા; પણ હવે અણગમતા બની ગયેલા નામનો ઉલ્લેખ સાંભળીને મંચેરશાએ પ્રકોપ ઠાલવ્યો:

‘અજુડો તને મીઠાઈની ટોપલી આપી ગિયો? ને તેં એ લઈ પણ લીધી?’

‘લઈ જ લેવી પડે ને!— માણસ સામેથી આપવા આવે એને આડા હાથ થોડા દેવાય છે?’ કીલાએ કહ્યું.

‘એ અજિતસિંહના બાપે તો હેમતરામને ઝેર ખવરાવિયું હતું, ને એનો પોરિયો તને મીઠાઈ ખવરાવવા આવે…’

‘બોલો મા, મંચેરશા, બોલો મા!’ કીલાએ પોતાના મિત્રને અરધેથી બોલતો અટકાવી દીધો. ‘ગઈ ગુજરી હવે યાદ ન કરાય. બધોય બનવાકાળ. જે થવાનું હતું એ થઈ ગયું. જૂનાં વેરઝેર સંભારવાથી શું ફાયદો? બાપ કમોતે મર્યા એ હવે થોડા પાછા આવવાના હતા?’

બોલતાં બોલતાં કીલાનો અવાજ ગળગળો થઈ ગયો. પિતાના કરૂણ મૃત્યુની યાદ તાજી થતાં ગળે ડૂમો ભરાયો. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં એ પાઘડીના છેડા વડે લૂછી નાખ્યાં.

પોતાના મિત્રને શોકમગ્ન જોઈ સહૃદય મંચેરશા પણ મૂંગા થઈ ગયા.

નરોત્તમ તો આભો બનીને કીલા સામે તાકી જ રહ્યો. બાહ્ય દેખાવે રૂક્ષ અને કાઠી છાતીવાળો દેખાતો આ માણસ આટલો બધો સંવેદનશીલ અને પોચા હૃદયનો હતો? અહોનિશ આનંદની છોળો ઉડાડનાર આ હસમુખા માણસનું અંતર આંસુથી જ છલોછલ છે કે શું? હૃદયના અશ્રુપ્રવાહને ખાળી રાખવા ખાતર જ તો એ હરહંમેશ મોઢા ઉપર મુસ્કરાહટ નથી રાખતો ને?

વાતાવરણમાં એવી તો ગમગીની ફેલાઈ ગઈ કે ત્રણેય જણ સાવ મૂંગા જ બેસી રહ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી કિલાએ કહ્યું: ‘જૂના વેરઝેર ભૂલી જઈએ, તો જ આ દુનિયામાં જીવી શકાય મંચેરશા!’ અને પછી પોતાની આદત મુજબ એક સુભાષિત સંભળાવી દીધું: ‘મીઠાબાઈસ્વામી વખાણ વાંચતાં વાંચતાં કહે છે એ સાચું છે, કે વેરથી વેર શમતું નથી, વનો વેરીને પણ વશ કરે સમજ્યા ને?’

પણ બન્યું એવું કે હેમતરામ કામદારના ઉલ્લેખથી આંસુ કીલાની આંખમાં આવ્યાં હતાં, પણ એનો આઘાત તો કીલા કરતાંય મંચેરશાને વધારે લાગ્યો હતો. આ સાચદિલ પારસી સજ્જન સાવ મૂંગા જ થઈ ગયા હતા. આ સ્થિતિ ચકોર કીલાના ધ્યાન બહાર થોડી રહી શકે? તુરત એણે વાતાવરણમાંનો ગ્લાનિભાર દૂર કરવાના ઇરાદાથી વાતચીતમાં વિષયાંતર કર્યું:

‘વેપારપાણી કેવાંક ચાલે છે, મંચેરશા?’

‘ઘન્ના જ સરસ. આ મોસમમાં તો ઓતમચંદભાઈએ રંગ રાખી દીધો છે. અમરગઢ સ્ટેશન ઉપરથી ત્રીસ વૅગન માલ તો ચડી પણ ગયો છે. પેલી વેલાતી પેઢીવાલા તો વિચારમાં પડી ગયા છે!’ મંચેરશાએ કહ્યું. અને પોતાની હરીફ વિલાયતી પેઢી યાદ આવતાં તુરત એમને મનસુખભાઈ પણ યાદ આવી ગયા. ‘અરે, હું તને કહેતાં જ ભૂલી ગયો, કીલા, પેલા લાંબા ડગલાવાળા મનસુખલાલ ખરા ને, તે રોજ બબ્બે વાર તારી તપાસ કરવા અહીંઆં આવ્યા કરે છે!’

‘આજ સવારના પહોરમાં જ એ મને મળી ગયા—ને સાકરનો પડો આપી ગયા—’

‘બિચારા એક અઠવાડિયાથી તારી પાછળ પગરખાં ઘસતા હતા. રોજ સવારે ને સાંજે અહીં આવી આવીને તારા પરભુલાલ શેઠને પૂછી જોતા કે કીલાભાઈ ક્યાં ગિયા છે? એ તારા ભલાભોરા ખોદાયજી જેવા વાનિયાને તેં સાનસામાં લીધો છે કે શું?’

‘સાણસામાં તો આજે એણે મને લીધો.’

‘કીલા જેવા કીલાનેય વરી સાનસામાં લઈ શકે એવો માઈનો પૂત કોઈ પાકિયો છે ખરો કે?’

‘આ મનસુખભાઈએ મને જરાક સાણસામાં લીધો ખરો.’ કીલાએ કહ્યું, ‘આજ સવારમાં આવીને મને પૂછી ગયા, કે મંચેરશાની પેઢીવાળા ૫૨ભુલાલ શેઠ માણસ કેવા?’

‘હા, પછી?’

‘મેં કહ્યું કે સોના જેવા—’

‘હા, પછી?’

‘પછી એણે પૂછ્યું કે પરભુલાલ પરણેલા છે કે કુંવારા?’ એટલે મેં કહ્યું કે, ‘કાચા કુંવારા!’

‘હવે સમજાયું કે વાનિયો આટલા દિવસથી પેઢીનાં પગથિયાં શું કામ ઘસતો હતો તે.’ મંચેરશાએ પૂછ્યું: ‘પછી શું વાત થઈ કીલા?’

‘પછી એણે કહ્યું કે, મારી એક ભાણેજ છે. મેંગણીમાં રહે છે, પરભુલાલ શેઠ કૃપા કરે તો એનું વેશવાળ કરવાનો વિચાર છે.’

‘ફાવી ગયો, એલા નરોત્તમ!’ મંચેરશા આનંદી ઊઠ્યા. ‘દીકરા, તું તો હવે અદરાવાનો!’

કીલાએ કહ્યું: ‘ધીરા ખમો. મંચેરશા, ધીરા ખમો. તમારા આ પરભુલાલ શેઠને એમ સીધેસીધા અદરાવી શકાય એમ નથી–’

‘કેમ ભલા? સીધેસીધો નહીં તો શું આડો આદરાવીશ?’ ઉત્સાહી મંચરશાએ ઉગ્ર અવાજે પૂછ્યું.

કીલાએ શાંત અવાજે છતાં શ્રદ્ધાપૂર્વક જવાબ આપ્યો: ‘હા, કોઇ આડી રીતે જ આ છોકરાને અદરાવવો પડશે, કેમ કે અત્યાર સુધીમાં આ કીલાએ એનું થોડુંક આડું વેતરી નાખ્યું છે.’