વેળા વેળાની છાંયડી/સંદેશો અને સંકેત

← હું એને નહીં પરણું ! વેળા વેળાની છાંયડી
સંદેશો અને સંકેત
ચુનીલાલ મડિયા
સ્વાર્થનાં સગાંઓ →





૩૨

સંદેશો અને સંકેત
 


મંચેરશાના ‘કુશાદે’ બંગલાની પરસાળમાં બેઠો બેઠો નરોત્તમ પોતાના વહી ગયેલા જીવનવહેણનું સિંહાવલોકન કરી રહ્યો હતો. નાનીશી જિંદગીમાં બની ગયેલી મોટી મોટી ઘટનાઓ યાદ કરી કરીને એ હર્ષ અને શોકની મિશ્ર લાગણીઓ અનુભવી રહ્યો હતો.

જીવનની આ ગંગાજમના ઉપર વિચાર કરતાં કરતાં નરોત્તમનું ધ્યાન કમ્પાઉંડની બહારના રસ્તા ઉપર ગયું. એક યુવતી આત્મશ્રદ્ધાભે૨ કમ્પાઉંડનો દરવાજો ઉઘાડીને અંદર આવતી જણાઈ.

મંચેરશા તો અત્યારે ઘરમાં હતા નહીં, તેથી આ યુવતી કોને મળવા આવી હશે એ નરોત્તમને સમજાયું નહીં પણ યુવતી તો નરોત્તમ તરફ જ મુસ્કુરાતી આગળ વધી, તેથી નરોત્તમને વધારે નવાઈ લાગી.

પરસાળનાં પગથિયાં ચડતાં ચડતાં એ જાણે કે ક્રૂર૫ણે કટાક્ષમય બોલી: ‘કેમ છો, પરભુલાલ શેઠ?’

નરોત્તમ વધારે વિસ્મય પામીને આ આગંતુકને અવલોકી રહ્યો. આ અજાણી વ્યક્તિને મોઢેથી ‘૫રભુલાલ શેઠ’ જેવું સંબોધન સાંભળીને એ એવો તો ડઘાઈ ગયો હતો કે એને ‘આવો’ કહી આવકાર આપવાનું પણ ન સૂઝ્યું.

‘ઓળખાણ-પિછાણ કાંઈ પડે છે?’ યુવતીએ હિંમતભેર નજીક આવતાં પૂછ્યું: ‘કે પછી નરોત્તમભાઈમાંથી પરભુલાલ શેઠ થયા એટલે જૂનાં સગાંવહાલાં સહુ ભુલાઈ ગયાં?’

આવો સીધો ને સટ પ્રશ્ન સાંભળીને નરોત્તમ વધારે ગૂંચવણમાં પડ્યો. ‘જૂનાં સગાં’નું સૂચન મળતાં એને આગંતુકનો અણસાર તો પરિચિત લાગ્યો, પણ એ ઓળખી કાઢવાનું હજી મુશ્કેલ બની રહ્યું.

નરોત્તમ વિસ્ફારિત આંખે આ ‘જૂનાં સગાંવહાલાં’નું આક્રમણ અવલોકી રહ્યો હતો, ત્યાં જ આગંતુકે ત્રીજો પ્રશ્ન પણ પૂછી નાખ્યો: ‘હવે તો મુંબઈ ખેડનારા મોટા વેપારી થઈ ગયા, એટલે મેંગણીવાળાં ગરીબ સગાંસાંઈ શેનાં સાંભરે?’

‘કોણ? શારદા’ નરોત્તમ એકાએક બોલી ઊઠ્યો. ક્યારનો ઓળખ પાડવા મથી રહ્યો હતો, મનમાં નામ પણ ગોઠવી રહ્યો હતો.એમાં ‘મેંગણીવાળાં સગાં’નો ઉલ્લેખ એને મદદરૂપ બની ગયો. હવે યાદ આવ્યું કે લાડકોરભાભીનાં દૂરનાં માસી મેંગણી ગામમાં રહે છે, એની આ દીક૨ી છે, અને એનું નામ છે, શારદા.

‘તમને, શેઠિયા માણસને સગાંવહાલાંનાં નામ સબળ યાદ રહે છે?’ ટોણાના જ ટીપસૂરમાં શરૂ થયેલી શારદાની ઉક્તિઓ આગળ વધી.

‘તું તો ભારે મિજાજી નીકળી કાંઈ!’ નરોત્તમે કહ્યું, ‘ઝાઝે વરસે જોઈ, ને નામ ભુલાઈ ગયું હતું એમાં ઓળખતાં જરાક વાર લાગી ત્યાં તો મહેણાં ઉપ૨ મહેણાં મારવા મંડી!’

‘તમે મને એકલીને જ નથી ભૂલી ગયા… બીજાંય ઘણાને ભૂલી ગયા છો—’

‘કોને?’ નરોત્તમે પૂછ્યું, ‘કોણ ભુલાઈ ગયું છે?’

‘કોણ ભુલાઈ ગયું છે, એય પાછું ભુલાઈ ગયું લાગે છે!’ શારદાએ કહ્યું, ‘શેઠિયા માણસ કોને કહેવાય!’

નરોત્તમને સમજાતાં વાર ન લાગી શારદા શું કહેવા માગે છે. સાથોસાથ, આ યુવતીના અણધાર્યા આગમનનું કારણ પણ સમજાઈ ગયું.

જીવનવહેણના નવા પલટા અંગે નરોત્તમ વિચાર કરતો રહ્યો એટલી વાર આ બોલકણી છોકરી થોડી મૂંગી રહી શકે એમ હતી? એના મોઢામાંથી તો નવો પ્રશ્ન વછૂટી જ ગયો હતો:

‘યાદ તો કરી જુઓ! બરોબર સંભારી જુઓ. કોઈ કરતાં કોઈ યાદ આવે છે?’

કાબેલ ધારાશાસ્ત્રીની ઢબે જાણે કે ઊલટતપાસમાં પુછાયેલા આ અર્થસૂચક પ્રશ્નનો એકમાત્ર અને એકાક્ષરી ઉત્તર તો ‘હા’ હતો. પણ એ હકાર શી રીતે વ્યક્ત ક૨વો એ ભોળા નરોત્તમને સમજાયું નહીં.

‘બરોબર સંભારી સંભારીને યાદ કરી જુવો!’ શારદાની પજવણી ચાલુ હતી. ‘કોણ ભુલાઈ ગયું છે, ભલા?’

હવે નરોત્તમને ખ્યાલ આવ્યો કે શારદા તો ચંપાની બાળગોઠિયણ છે, અને તેથી જ પોતાની સહીપણીનો સંદેશ લઈને અહીં આવી છે અને આટલા ઉત્સાહથી આ પજવણીભરી પૂછગાછ કરી રહી છે. મારે મોટેથી ચંપાનું નામ લેવડાવવાની જાણે કે પ્રતિજ્ઞા કરીને જ અહીં આવી લાગે છે. સામી વ્યક્તિના આદેશ અનુસાર વર્તવામાં નરોત્તમને જાણે કે પોતાનો અહમ્ ઘવાતો લાગ્યો તેથી એ કશું બોલવાને બદલે મૂંગો મૂંગો હસતો જ રહ્યો.

‘તમે તો ભારે ભુલકણા નીકળ્યા, ભાઈ! માણસ જેવા માણસને આમ સંચોડા ભૂલી જાવ છો, તે તમારે પનારે પડનારાના તો કેવા હાલ થાય!’ શા૨દાએ પ્રેમભર્યા પ્રહારો ચાલુ રાખ્યા. ‘અરે, કાં બોલવાને બદલે આમ મરક મરક શું કર્યા કરો છો?… મોઢામાં મરી ભર્યાં છે?… કે પછી કોણ ભુલાઈ ગયું છે એનું નામ લેતાં શરમાવ છો?… અરે, તમે ભાયડા માણસ શરમાવા બેસશો તો અમે સાડલા પહેરનારીઓ શું કરશું પછી?… બોલી નાખો ઝટ કોણ ભુલાઈ ગયું છે?’

નરોત્તમે હવે બોલવા ખાત૨ જ બોલી નાખ્યું: ‘કોઈ યાદ નથી આવતું—’

પણ આવો બનાવટી ઉત્તર સાંભળીને શારદા કાંઈ શાંત રહે એમ નહોતી. એણે તો સાડલા તળે ક્યારની ઢાંકી રાખેલી એક ચીજ બહાર કાઢી. નાનકડા કપડામાં વીંટાળેલી એ વસ્તુ તરફ નરોત્તમ કુતૂહલથી જોઈ રહ્યો. આ ચાલાક છોકરી હવે કયો દાવ અજમાવે એ જાણવા એ ઇંતેજાર બની રહ્યો.

શારદાએ એ નાનકડી પોટકી પર બાંધેલું કપડું છોડી નાખ્યું તો એમાંથી એક વિલાયતી રમકડું નીકળી પડ્યું. એક ગોરો સાહેબ છત્રી લઈને ઊભો છે અને એની છાયામાં લપાઈને એની મઢમ ઊભી છે.

નરોત્તમ તો આભો બનીને આ રમકડાં તરફ જોઈ જ રહ્યો.

‘હવે કાંઈ યાદ આવે છે?’ શારદાએ કહ્યું, ‘હવે તો તમે ગમે તેવા ભુલકણા હશો ને, તોય યાદ આવ્યા વિના નહીં રહે.’

નરોત્તમને એક યાદ તો તાજી થઈ પણ એ યાદને પરિણામે તો એ વધારે ગૂંચવણમાં પડ્યો. ઝડપભેર બોલી ગયો: ‘આ રમકડું તો મે બટુક સારુ વાઘણિયે મોકલાવ્યું’તું—’

‘હવે ચંપાએ તમને મોકલાવ્યું છે.’

‘પણ એની પાસે ક્યાંથી આવ્યું? કેમ કરીને આવ્યું?’

‘એનું તમારે શું કામ?’ શારદાએ કહ્યું, ‘આ તો તમારી મોકલેલી ચીજ ચંપાએ પાછી તમને મોકલી દીધી ને ભેગાભેગું કહેવરાવ્યું પણ છે, કે—’

બોલતાં બોલતાં શારદા ઇરાદાપૂર્વક જરા ખચકાઈ, એટલે નરોત્તમે પૂછ્યું: ‘શું? શું કહેવરાવ્યું છે?’

‘એમ કહેવરાવ્યું છે કે આ રમકડામાં જે બે જણાં ભેગાં ઊભાં છે, એને ભેગાં જ રહેવા દેજો—’

‘હા…’

‘આ બેય જણાં નોખાં ન પડી જાય એનું ધ્યાન રાખજો—’

નરોત્તમ ઘડીભર મૂંગો થઈ ગયો તેથી શારદાએ વધારે ભારપૂર્વક કહ્યું: ‘સાંભળ્યું ને પરભુલાલ શેઠ, ચંપાએ કહેરાવ્યું છે કે આ રમકડામાં છે એવી આપણી જોડી પણ અખંડ જ રાખજો—’

નરોત્તમને આ આખીય રમત સમજાઈ ગઈ. ચંપાએ યોજેલો ચાતુરીભર્યો વ્યૂહ સમજાઈ ગયો. શારદાએ કરેલું દૂતીકાર્ય હવે સમજાઈ ગયું અને પોતાની વાગ્દત્તાએ આ નિર્જીવ રમકડામાં આરોપેલો સાંકેતિક સંદેશ પણ સમજાઈ ગયો.

‘કેમ, કાંઈ મૂંઝવણમાં પડી ગયા, ૫૨ભુલાલ શેઠ?’ શારદાએ પૂછ્યું.

‘મને પરભુલાલ શેઠ કહીને બોલાવીશ તો હું તારી સાથે વાત નહીં કરું,’ નરોત્તમે કહ્યું.

‘પણ તમે પોતે જ આવું બનાવટી નામ રાખ્યું છે, પછી તો ‘એ નામે જ તમને બોલાવવા જોઈએ ને?’ કહીને, શારદાએ પૂછ્યું: ‘આ બનાવટી નામે તો મેંગણીમાં કેવો ગોટાળો કર્યો છે, એની તમને ખબર છે?’

‘મેંગણી સુધી આ નામ પહોંચી ગયું છે?’

‘હા—’

‘પણ પહોંચાડ્યું કોણે?’

‘ચંપાના મામાએ, મનસુખભાઈએ,’ શારદા બોલી. મનસુખભાઈએ મેંગણી કાગળ લખ્યો, કે ચંપા સારુ પરભુલાલ કરીને એક છોકરો ગોતી રાખ્યો છે…’

‘સાચે જ?’

‘હા. એ સમાચાર સાંભળીને ચંપાએ સંભળાવી દીધું કે પરભુલાલને હું નહીં પરણું—’

‘તો પછી કોને પરણશે ?’

‘નરોત્તમને જ!’ શારદાએ કહ્યું.

અને બંને જણાં ખડખડાટ હસી પડ્યાં.

‘આ તો બહુ ભારે ગોટાળો થઈ ગયો!’ નરોત્તમ બોલ્યો.

‘તમે જ હાથે કરીને ગોટાળો ઊભો કર્યો છે, એમાં કોઈ શું કરે? શારદાએ કહ્યું: ‘ચંપા તો બિચારી મને પરભુલાલ નામના કોઈક અજાણ્યા માણસ સાથે પરણાવશે એમ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રોયા કરે છે—’

‘એટલો બધો ગોટાળો થઈ ગયો છે?’ નરોત્તમે હસતાં હસતાં પૂછ્યું.

‘ગોટાળો કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું છે?’

‘હજી તો થોડુંક બાકી છે,’ નરોત્તમે કહ્યું. ‘આમેય આટલો ગોટાળો થયો છે, તો હવે એને પૂરો જ કરજે.…’

‘હું પણ હજી ગોટાળો કરું?’

‘હા, ક૨વો જ પડશે, નરોત્તમે કહ્યું: ‘એ વિના બીજો છૂટકો નથી હવે.’

‘પણ આવી બનાવટ તે કરાતી હશે, ભલા માણસ! ચંપા તો, પરભુલાલનું નામ સાંભળીને પોશ પોશ આંસુએ રુવે છે-ક્યાંક કૂવો—હવાડો ન પૂરી બેસે તો સારું—’

‘અરરર!—એટલી બધી વાત!—’

‘તે તમને અહીં બેઠાં શું ખબર પડે કે ચંપા બિચારી તમારી પાછળ કેટલી ઝરે છે! એટલે તો, હું અહીં આવતી’તી ત્યારે એણે આ રમકડું મોકલીને આટલું કહેવરાવ્યું કે—’

‘પણ આ રમકડું એના હાથમાં આવ્યું, ક્યાંથી?’

‘એ હું તમને નિરાંતે કહીશ… એની તો બહુ લાંબી વાત છે, શારદાએ કહ્યું: ‘હમણાં તો તમે ઝટ જવાબ કહેવરાવી દિયો એટલે એના જીવને નિરાંત થાય.’

‘ચંપાને તમે ભલે કહો કે પરભુલાલ મારું જ નામ છે; પણ બીજા કોઈને આ વાત કરવાની નથી—’

‘કારણ?’

‘કારણ એટલું જ કે બીજા કોઈને ખબર પડે તો વધારે ગોટાળો થઈ જાય એમ છે…

‘તમે તે કેવી વાત કરો છો!’

‘તને હમણાં નહીં સમજાય, પણ હું સાચું કહું છું. મારું નામ નરોત્તમ છે, એવી મનસુખભાઈને જાણ થઈ જાય તો એને બહુ માઠું લાગી જાય!

‘પણ આવાં નાટક તે ભજવાતાં હશે?’

‘અરધું તો ભજવાઈ ગયું છે, એટલે હવે તો ગમે તેમ કરી પૂરેપૂરું ભજવવું પડે ને?’ નરોત્તમે કહ્યું, ‘માણસને ઘણી વાર સાચી જિંદગી કરતાં નાટકની જિંદગી જોવી વધારે ગમે છે.’

‘એ તો કોઈ પારકાની જિંદગીનાં નાટક જોવાં ગમે,’ શારદાએ કહ્યું, ‘પોતાની જિંદગીમાં તે કાંઈ નાટક કરાતાં હશે?’

‘કોઈ વાર કરવાંય પડે,’ શારદા સાથેની આટલી વાતચીત પછી આટલી નિકટતા કેળવાઈ હોવાથી નરોત્તમે અંત૨ની વાત કહેવા માંડી.

‘તને ખબર છે, અહીં રાજકોટમાં અમારાં સગાંવહાલાં બહુ છે. હું શરૂઆતમાં અહીં આવ્યો ત્યારે એ સહુ સગાં મારી ઓળખાણ જ ભૂલી ગયાં હતાં. રસ્તામાં સામાં મળી જાય તો મને જોયો ન જોયો ક૨ીને આઘાં તરી જતાં. હવે એ બિચારાંને સહુને ખબર પડે કે મંચેશાની પેઢીમાં પરભુલાલ નહીં પણ નરોત્તમ કામ કરે છે, તો વળી પાછી એમને ઓળખાણ તાજી ક૨વાની તકલીફ લેવી પડે ને?’

‘સમજી! સમજી! ત્યારે તો સ્ટેશન ઉપર મજૂરી કરી. ત્યારે પણ નાટક જ ભજવતા હતા, ખરું ને?’

‘મજૂરી? સ્ટેશન ઉપર?’

‘કેમ વળી? માથે સામાન ઉપાડીને મનસુખભાઈને ઘેરે મૂકવા આવેલા ને?’ શા૨દાએ યાદ આપી. ‘કે પછી, બીજું ઘણુંય ભૂલી ગયા, એમ એ વાત પણ ભૂલી જવા માગો છો?’

‘પણ તને કોણે આ વાત કહી?’ નરોત્તમે પૂછ્યું.

‘ચંપાએ જ વળી, બીજું કોણ કહે? તમને મજૂરી કરતા જોઈને, બિચારીને ભોંય ભારે પડે એટલી ભોંઠામણ થઈ પડી. ને પછી છાને ખૂણે રોઈ રોઈને અરધી થઈ ગઈ—’

‘ખરેખર?’

‘નહીં ત્યારે? બિચારીથી કોઈને કહેવાય પણ નહીં, ને સહેવાય પણ નહીં, આવું નાટક તમે તો ભજવેલું,’ કહીને શારદાએ સીધો પ્રશ્ન ફેંક્યો: ‘તમને જરાય દયા પણ નથી આવતી?’

હવે નરોત્તમને સમજાયું કે શારદાને વિશ્વાસમાં લીધા વિના છૂટકો નથી. તેથી એણે પોતાના રાજકોટનિવાસનો અથથી ઇતિ ઇતિહાસ રજૂ કરી દીધો. કીલા કાંગસીવાળાનો પરિચય આપ્યો. કીલાની દોરવણી તળે જ પોતે આગળ વધી રહ્યો છે એ સમજાવ્યું, સ્ટેશન ઉ૫૨ જે કહેવાતી ‘મજૂરી’ કરેલી એમાં પણ કીલાનું જ સૂચન હતું એની ખાતરી આપી.

આ બધો ઘટસ્ફોટ કરતી વેળા નરોત્તમની નજ૨ તો ચંપાએ મોકલેલ પેલા સંજ્ઞાસૂચક રમકડા ઉપર જ કેન્દ્રિત થયેલી હતી.

નરોત્તમની આ નિખાલસ વાતો સાંભળી શારદાને એની નિષ્ઠા અંગે પ્રતીતિ થઈ. એ પ્રતીતિને કા૨ણે જ એણે સૂચક પ્રશ્ન પૂછ્યો: ‘તો પછી, હવે મેંગણી જઈને ચંપાને હું શું જવાબ આપું?’

સાંભળીને, પેલી યુગલમૂર્તિ સામે તાકી રહેલા નરોત્તમના મોઢા ઉપર ગંભીરતા છવાઈ ગઈ. પોતે વિચાર કરતો રહ્યો એટલી વારમાં શારદાએ ફરી વાર પૂછી નાખ્યું:

‘ચંપાએ આ રમકડું મોકલીને એના હૈયાની વાત કહેવડાવી. હવે તમે શું કહેવડાવો છો?’

નરોત્તમ જાણે કે મૂંઝવણ અનુભવી રહ્યો હોય એમ મૂંગો મૂંગો મંચેરશાના દીવાનખાનામાં નજર ફેરવવા લાગ્યો.

‘કાંઈક એવું કહેવરાવો, કે જેથી એને ઉચાટ ઓછો થાય. મનમાં કચવાટ ઓછો થાય, જીવને નિરાંત થાય—’

‘તું મોઢે જ કહી દેજે ને’ નરોત્તમે સૂચવ્યું.

‘આવી વાતમાં મોઢાનાં વેણ કોઈ માને?’

‘તું તો ભારે કાયદાબાજ નીકળી—મોટા બારિસ્ટર જેવી!’ નરોત્તમે કહ્યું: ‘મારી પાસેથી લેખિત દસ્તાવેજ લેવું છે?’

‘દસ્તાવેજ પણ શું કામનું? ચંપાને બિચારીને વાંચતાં કે લખતાં થોડું આવડે છે?’ શારદાએ સ્ફોટ કર્યો. એટલે તો બિચારીએ પોતાના મનની વાત તમને પહોંચાડવા સારુ આ રમકડાનું ઓઠું લીધું—’

‘હું પણ એવું જ કંઈક ઓઠું લઉં તો કેમ? નરોત્તમ બોલતાં તો બોલી ગયો. પણ તુરત પાછો મૂંઝવણમાં પડી ગયો.

‘સોનાથી ઊજળું શું બીજું?’ શારદાએ કહ્યું, ‘તમેય કાંઈક એવું જ એંધાણ મોકલો કે બિચારીના અંતરનો ઉચાટ ઓછો થાય ને ભેગાભેગું તમારું સંભારણું પણ નજર સામે રહ્યા કરે.’

શારદાને મોઢેથી ‘સંભારણું'નું સૂચન સાંભળીને નરોત્તમે ઝીણી નજરે દીવાનખાનામાં આમતેમ જોવા માંડ્યું.

દરમિયાન, શારદાએ ચંપાની વકીલાત કરવાનું તો ચાલુ જ રાખ્યું હતું:

‘મારી બહેનપણીને કાંઈક એવું સંભારણું મોકલો, કે આઠે પહોર તમે એની આંખ સામે જ રહ્યા કરો—’

હવે નરોત્તમ હસવાનું રોકી ન શક્યો: ‘મારી છબી પડાવી મોકલું?’

‘હાય હાય! આ શું બોલો છો? આ શહેરમાં રહીને તમે તો સાહેબલોક જેવી વાત કરો છો!’ શારદાએ ઠપકો આપ્યો. ‘છબી મોકલો, ને ચંપાનાં માબાપના હાથમાં આવે તો બિચારીને ગળાટૂંપો જ દઈ દિયે કે બીજું કાંઈ કરે?’

દીવાનખાનાનાં રાચરચીલા પર શોધક નજ૨ ફેરવતા નરોત્તમની આંખ એકાએક ચમકી ઊઠી. સામેની ટચૂકડી ટિપૉય ઉપર ૫ડેલી હાથીદાંતની એક સારસ-સારસીની જોડલી ઉપર એની નજર ઠરી હતી. મંચેરશા મુંબઈ ગયેલા ત્યારે હાથકારીગરીનું આ કોતરકામ ખરીદતા આવેલા. આ જરથોસ્તી જીવ પોતે તો એકાકી હતા, પણ એમનું જિગર એક કવિનું હતું, એટલે આ પક્ષીયુગલનું પ્રતીક એમને જચી ગયેલું. એમાંનું આલેખન કેવું અર્થસભર અને સંજ્ઞાત્મક હતું! દ્વૈતમાંથી અદ્વૈત સાધતું સારસયુગલ એકબીજાની ડોકમાં ડોક પરોવીને ઊભું હતું. પુરુષ અને પ્રકૃતિનું સનાતન સત્ય એમાં મૂર્તિમંત થતું હતું. સારસ-સારસીની સુડોળ પ્રલંબ ગરદનો જાણે કે એકબીજી સાથે વણાઈ જઈને એક બની જતી હતી. બે જુદાં જુદાં શરીરો જાણે કે એક જ નાકે શ્વાસ લેતાં હતાં. માનવપ્રણયની પરિભાષા નહીં જાણનાર આ પક્ષીઓના પ્રસન્ન પરિતૃપ્ત મુખભાવ પોકારી પોકારીને કહેતા: ‘અમે બે નથી, એક જ છીએ, અમારાં જીવન તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે. અમને મૃત્યુ સિવાય બીજું કોઈ બળ વિચ્છિન્ન નહીં કરી શકે.’

નરોત્તમને યાદ આવ્યું કે સારસ-જોડલી જીવનપર્યંત સજોડે સંયુક્ત જ રહે. એક સાથીના વિયોગ પછી બીજું ઝૂરી ઝૂરીને આપમેળે જ મૃત્યુ પામે છે. અતૂટ સખ્યનું આ પ્રતીક નરોત્તમની આંખમાં વસી ગયું અને એ એણે શારદાના હાથમાં મૂકતાં કહ્યું:

‘લ્યો, આ તમારી સહીપણીને આપજો.’

શારદા પણ ઘડીભર તો આ પ્રતીક તરફ પ્રસન્ન ભાવે જોઈ રહી. એમાં સમાયેલો ગૂઢાર્થ અને સાથેનો સાંકેતિક સંદેશ સમજતાં આ સ્રીહૃદયને શાની વાર લાગે?

‘કાલે જાતાવેંત, છાનીમાની ચંપાને આપી આવીશ,’ શારદાએ ઉત્સાહભેર કહ્યું, ‘બીજું કાંઈ મોઢામોઢ કહેવડાવવાનું નથી?’

‘આ ચીજ પોતે જ ઓછું કહે છે કે હજી વધારે કાંઈ કહેવડાવું પડે?’ નરોત્તમ બોલ્યો.

‘સમજી ગઈ! સમજી ગઈ! આ બે પંખીની જેમ તમે ભેગાં જ રહેવાનાં!’ કહીને શારદાએ મજાકમાં ઉમેર્યું: ‘નરોત્તમભાઈ, તમે તો ગજબના પહોંચેલ નીકળ્યા! પણ એમાં કાંઈ નવાઈ જેવું નથી… અંતે તો તમે વ૨ કોના? ચંપાના જ ને!’

‘ને તું પણ કાંઈ ઓછી માયા નથી!’ નરોત્તમે વળતી મજા કરી. ‘આ રમકડાંના સાટાપાટાનું કારસ્તાન કરી ગઈ! તું પણ અંતે તો સહીપણી કોની?—’

‘તમારી ચંપાની જ! એણે તો મને આ સુઝાડ્યું. મારી તો આમ અકલ પણ કામ ન કરે,’ કહીને શારદાએ છેલ્લો ટોણો મારી લીધો, ‘જેવું તમે કારસ્તાન કર્યું, એવું ચંપાએ કર્યું—’

‘ને એ બેય કા૨સ્તાનમાં કાસદિયાનું કામ શારદાએ કર્યું. બરોબર ને?’

‘હું તો તમારા આ નાટકમાં સખીની જેમ દાસી જેવું કામ કરું છું સંદેશા લઈ આવવાનું ને લઈ જવાનું—’

‘આને નાટક કહે છે, તું?’

‘નહીં વળી? નરોત્તમભાઈ પરભુલાલ શેઠનો પાઠ ભજવે, એને નાટક નહીં તો શું ચેટક કહેવાતું હશે?’

‘તો હવે આ નાટકની વાત તારા મનમાં જ રાખજે,’ નરોત્તમે સૂચના આપી: ‘મેંગણીમાં કોઈને પરભુલાલના સાચા નામની જાણ ક૨જે મા—’

‘એક ચંપા સિવાય,’ કહીને શારદા હસતી હસતી બંગલા બહાર નીકળી.