વેળા વેળાની છાંયડી/હું એને નહીં પરણું !

← બહેનનો ભાઈ વેળા વેળાની છાંયડી
હું એને નહીં પરણું !
ચુનીલાલ મડિયા
સંદેશો અને સંકેત →





૩૧

હું એને નહીં પરણું!
 


બીજલના ગૂંજામાંથી સરી પડીને નીચે જમીન પર દહીંના ફોદાની જેમ વેરાયેલા ચકચકતા સિક્કાઓ તરફ ચંપા પૃચ્છક નજરે તાકી રહી.

ચંપાના ચહેરા પર દેખાતો મૂંગો પ્રશ્નાર્થ સમજી જઈને હીરબાઈએ જ ખુલાસો કર્યો: ‘ઓતમચંદ શેઠ આપતા ગયા—બીજલને ગૂંજે ઘાલતા ગયા—મને કાપડાના કરી… …’

‘સમજી! સમજી!’ ચંપા બોલી ઊઠી ‘તમારા ધરમના માનેલા ભાઈ આપતા ગયા—’

‘ધરમના માનેલા ખરા, પણ સગાથી સવાયા—’ હીરબાઈએ ઉમેર્યું.

‘સાચું, સાચું.’ કહીને ચંપા આ કાપડું આપી જનાર ‘ભાઈ’ની આર્થિક સમૃદ્ધિની કલ્પના કરી રહી.

ઘણા દિવસથી ઊડતી વાતો કાને આવ્યા કરતી હતી કે ઓતમચંદ શેઠ એક વાર આર્થિક ફટકો ખાધા પછી હવે ફરી પાછા તરતા થઈ ગયા છે, શેઠે જૂના ચોપડા ઉથલાવવા માંડ્યા છે, જેનું જેવું લેનું રહી ગયું હતું એ સહુને ઘરે જઈને વ્યાજ સાથે લેણી રકમ ચૂકવવા માંડી છે. નબળા દિવસોમાં અબ્દુલવશેઠને વેચી નાખેલી ઘોડાગાડી પાછી ખરીદી લીધી છે; વાસ્તુ કર્યા પછી થોડા દિવસમાં ત્યાગવી પડેલી નવી મેડી પણ ફરી પાછી લઈ લેવાની વેતરણ ચાલી રહી છે.

આવા આવા ગામગપાટા ચંપાના કાન સુધી પણ પહોંચતા હતા, પણ એનું પોતાનું ચિત્ત એવી તો સંતપ્ત દશામાં હતું કે આવી વાયકાઓ એને બહુ સાચી લાગતી નહોતી. જે દિવસે એણે નરોત્તમને સ્ટેશન ઉપરથી સામાન ઉપાડતા મજૂરના સ્વાંગમાં જોયેલો તે દિવસથી આ યુવતીના કુમળા માનસમાં ગજબનાક ગૂંચવણ ઊભી થઈ ગયેલી. દિવસો જતા ગયા તેમ તેમ એ ગૂંચવણમાં એવો તો વધારો થતો ગયેલો કે એની ગઠની ગાંઠ કેમેય કરી છૂટી શકે એમ નહોતી. રાજકોટથી પાછા ફરતી વેળા સ્ટેશન ઉપર કીલાએ પેલી પાંચ રૂપિયાની નોટ પાછી વાળતાં મામાને મોઢે જે વાત કહી હતી એ સાંભળીને ચંપા અવશ્ય હરખાઈ હતી—પેલો ‘મજૂર’ તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસીને મુંબઈ જતો હતો, એવું સાંભળીને એણે ઊંડો પરિતોષ પણ અનુભવ્યો હતો—પણ ઊંડે ઊંડે એનું મન આ સમાચારોની સચ્ચાઈ અંગે શંકાશીલ હતું. ‘આમ બની શકે ખરું? એક વાર જેણે વખાના માર્યા સ્ટેશન ઉપર મજૂરી કરી, એ આમ મુંબઈની સહેલસફર કરી શકે ખરું?’ આ શંકાની સાથોસાથ જ ચંપાના ચિત્તમાં એક બીજું વહેણ પણ વહેતું: ‘આમ કેમ ન બની શકે? સ્ટેશન ઉપરથી સામાન ઉપાડ્યો, એ મારી પરીક્ષા કરવા જ કેમ ન કર્યું હોય! મારું પાણી માપી જોવા ને મને છેતરવા જ આ નાટક કેમ ન કર્યું હોય?—એ સાચે જ મુંબઈનો વેપાર કેમ ન ખેડતા હોય! ઓતમચંદ શેઠ પોતે હવે આટલો મોટો વેપાર ખેડે છે, વજેસંગ ઠાકોર જેવાનો વજેભાગ વેચાતો લ્યે છે, તો એનો ભાઈ એનાથી સવાયો કેમ ન હોય!

આ બંને ચિત્તપ્રવાહોના સંગમસ્થાને જાણે એક નવું જ વિચારવહેણ રચાતું હતું. ‘અરે આવા સુખી હોય્ તો પામે તો હુંય કેટલી સુખી થાઉં!’

આ વિચારવહેણ થોડુંક આગળ વધતું હતું ત્યાં જ માર્ગમાં અંતરાય સમો પ્રશ્ન આવી ઊભતો હતો: ‘પણ હું એટલે કોણ ?’ હું એની શું સગી? મારે ને એની વચ્ચે હવે શું સગાઈ? તે દિવસે માથે ભાર ઉપાડીને મામાની ડેલીએ મૂકવા આવેલા, ત્યારે મેં એને કહેવા માંડેલું, ‘અરે, તમે તો મારા—’ ત્યારે એમણે અધવચ્ચે જ કહી દીધેલું ને, ‘કે હવે કાંઈ નહીં.’

‘સાચેસાચ હું એની કાંઈ નહીં?’ આ પ્રશ્ન ચંપાના સંતપ્ત હૃદયને વારે વારે તાવી રહ્યો હતો.

‘કેમ મૂંગી થઈ, ગગી?’ હીરબાઈનો અવાજ કાન પર અથડાયો ત્યારે જ ચંપાને ખ્યાલ આવ્યો કે હું વિચારના વમળમાં અટવાઇ ગઈ છું અને હીરીકાકીએ મને પકડી પાડી છે.

તુરત એણે સ્વસ્થ થઈને, આહીરાણીને કશી ગંધ ન જાય એ માટે હોઠ પર જે શબ્દો આવ્યા એ ઉચ્ચારી નાખ્યા: ‘હું તો આ બીજલના હાથમાં છે ઈ રમકડું જોયા કરતી’તી.’

‘તને ગમે છે, આ રમકડું?’ કહીને હીરબાઈએ બીજલના હાથમાંથી લઈને એ રમકડું ચંપાના હાથમાં મૂક્યું.

આ હતું, એક ગોરા યુગલનો આકાર ઉપસાવતું કાચનું રમકડું. આ પ્રદેશમાં આ રમકડું મળે જ નહીં, એમાં અંકિત થયેલ માનવીઓ પણ નવાં હતાં—એમના ચહેરામહોરા, એમનો પહેરવેશ અને એમની અદા બધું જ અહીં અજાણ્યું હતું.

‘આ વિલાયતી રમકડાં તો જો, ગગી! આ ભાયડો-બાયડી ભેગા ઊભાં છે; કેવાં લાગે છે!’ હીરબાઈએ કહ્યું.

‘આ તો ગોરા સાહેબલોક છે, હીરીકાકી!’ ચંપાએ રાજકોટ જ આવ્યા પછી પ્રાપ્ત કરેલા અલ્પ જ્ઞાનનો ઉપયોગ કરીને ઉમેર્યું: ‘આ સાહેબ છે, ને આ એની મઢમ છે! સાહેબે એની મઢમના માથા ઉપર છત્રી ઢાંકી રાખી છે–’

‘શું વિલાયતના માણસની ચતુરાઈ છે, ગગી!’ હીરબાઈએ અહોભાવ વ્યક્ત કર્યો: ‘આવાં, અકલ કામ ન કરે એવાં રમકડાં કાઢ્યાં છે!’

‘પણ આ વિલાયતી રમકડું આંહીં કેમ કરીને આવ્યું?’ ચંપાએ પૂછ્યું.

‘લે! હું તો તને કહેતાં જ ભૂલી ગઈ! આ તો ઓતમચંદ શેઠ હમણાં આપી ગયા બીજલને!’

‘પણ ઓતમચંદ શેઠ ક્યાંથી લાવ્યા હશે? આપણા મુલકમાં તો આવાં રમકડાં થાતાં નથી ક્યાંય—’

‘આ તો મુંબઈથી આવ્યાં છે!’

‘મુંબઈથી!’ ચંપાએ પૂછ્યું. ‘મુંબઈથી કોણ લાવ્યું?’

‘લે! તને ખબર નથી?’ ઓતમચંદ શેઠનો નાનો ભાઈ મુંબી જાય છે ને, એણે આ રમકડાં મોકલ્યાં—’

‘કોને? બીજલને?’

'ના, ના, બટુકને… વાઘણિયે મોકલાવ્યાં’તાં, એમાંથી ઓતમચંદ શેઠ આટલાં બીજલ સારુ લેતા આવ્યા—’

ચંપાને સમજાઈ ગયું… ઘણું ઘણું સમજાઈ ગયું. આજ સુધી મનમાં ઘોળાઈ રહેલ શંકાઓ અને સંશયો પણ દૂર થઈ ગયાં. ઓતમચંદ શેઠની અને નરોત્તમની નૂતન સમૃદ્ધિની સાંભળેલી વાતો અને હવે કીલાભાઈએ પેલા ‘મજૂર’ની મુંબઈની ખેપ વિશે જે વાત કરેલી એમાં પણ તથ્ય જણાયું.

શંકાઓનું નિવારણ થયા પછી ચંપા એક પ્રકારનો રોમાંચ પણ અનુભવી રહી. હીરબાઈએ જોવા આપેલા રમકડાનું એણે ફરી ફરીને નિરીક્ષણ કર્યું. ફરી ફરીને એને નખશિખ નિહાળી જોયું… આ રમકડું ચંપાના પ્રિય પાત્રે મોકલ્યું હતું. કોને માટે મોકલાવ્યું છે, એની શી ચિંતા? અત્યારે, એ મોકલનારની એક વેળાની વાગ્દત્તાના હાથમાં સાવ આકસ્મિક રીતે આવી પડ્યું હતું અને એમાં શાનું આલેખન હતું?—એક સ્ત્રી અને એક પુરુષનું. ભલે ને એ આકૃતિઓ પરાયા દેશનાં પરાયાં પ્રજાજનોની રહી! એ પ્રતીક તો ચિરંતન પુરુષ અને ચિરંતન નારીનું જ હતું ને!

‘ભાઈ બિચારા કેવા હેતાળવા, કે વિલાતનાં રમકડાં આ ભાણિયાને રમવા આપી ગયા!’ હીરબાઈ બોલતાં હતાં.

પણ આહીરાણીની આવી ઉક્તિઓમાં ચંપાને હવે રસ રહ્યો નહોતો. આ રમકડું કોણ આપી ગયું, અને કોને આપી ગયું એની પણ આ યુવતીને તમા નહોતી. એનાં પ્રણયપુષ્ટ ચક્ષુ તો રમકડામાં કંડારાયેલ સંજ્ઞાત્મક આકૃતિને જ ધારી ધારીને નીરખી રહ્યાં હતાં… યુવકને આલિંગીને ઊભેલી યુવતી અને યુવતીના મસ્તક ઉપર યુવકે ધરેલી છત્રછાયામાં એ કેટલી સુરક્ષિત અને નિશ્ચિંત લાગતી હતી! જીવનસાથીની છત્રછાયા તળે એ કેટલી આત્મશ્રદ્ધા અનુભવતા હતી!…

‘ભાઈ બિચારા આવ્યા’તા તો વેપારને કામે–વજેસંગ ઠાકોરની ડેલીએ-પણ… પણ ભાણિયા સારુ આટલાં રમકડાં ભેઠમાં બાંધતા આવ્યા!’ હીરબાઈ હજી પણ પોતાના ભાઈના પ્રેમની પ્રશસ્તિ કરી રહ્યાં હતાં.

ચંપા આ પ્રશસ્તિ ત૨ફ સાવ બેધ્યાન હતી. એના પ્રિયમિલનોત્સુક ચિત્તતંત્રનો તાર તો સંધાઈ ગયો હતો, આ રમકડું મુંબઈની બજારમાંથી ખરીદીને મોકલી આપનાર વ્યક્તિ સાથે. તુરત ભોળી મુગ્ધાએ આ નિર્જીવ આકૃતિઓમાં વ્યક્તિત્વારોપણ પણ કરી દીધું… પોતાનું ને નરોત્તમનું સુખી સૌહાર્દ સરજાયું છે… અતૂટ અને અખંડ સાહચર્ય… એકબીજાને સહારે જીવી રહેલાં બે જીવનસાથીઓ… અરે! આ કાચના ઠીકરામાં કેટકેટલા ભાવો ભર્યા છે!

‘ગગી, રમકડું તને બહુ ગમી ગયું, કાંઈ?’ ચંપાને ક્યારની મૂંગી ઊભેલી જોઈને આખરે હીરબાઈએ પૂછી જ નાખ્યું.

‘હા, કાકી!— જુઓને, કેવું મજાનું રમકડું છે!—ગમી જાય એવું, કહીને, ચંપાએ જરા ખચકાઈને ઉમેર્યું: ‘જાણે આપણને મોટેરાંને પણ રમવાનું મન થઈ જાય એવું!’

આહીરાણી ચંપાનું મનોગત પારખી ગયાં તેથી કે પછી કશા ખ્યાલ વિના જ બોલ્યાં: ‘તું પણ હજી ક્યાં બહુ મોટી થઈ ગઈ છે! સાસરે નથી ગઈ ત્યાં લગી હજી બાળપણ જ ગણાય ને!’ અને પછી પોતાની સ્વભાવગત ઉદારતાથી કહ્યું: ‘આ પૂતળું તને ગમી ગયું હોય તો તું લઈ જા!’

સાંભળીને ચંપાનું હૈયું હરખાઈ ઊઠ્યું… પોતે જેની માગણી કરતાં શરમાતી હતી, એ વસ્તુ સામેથી જ આ રીતે વણમાગી આવી પડશે એવી તો એને કલ્પના પણ નહોતી.

‘ના, ના, આ તો બીજલને રમવા સારુ મોકલ્યું છે, હું કેમ લઈ જાઉં?’ કેવળ ઔપચારિક ઢબે ચંપા બોલી ગઈ.

‘અરે બીજલને તો ઘણાંય રમકડાં પડ્યાં છે… આ છુક છુક ગાડી છે, આ વિલાયતી વાજાં છે…’

ચંપા ફરી હરખાઈ ઊઠી. મનમાં વિચારી રહી, મારા હૈયાની વાત હીરીકાકી જાણી ગયાં છે કે શું! હું આટલી વાર મૂંગી મૂંગી ઊભી રહી એમાં એ મારા મનની વાત સમજી ગયાં હશે?

ચંપા હર્ષાનુભવ સાથે થોડો ભય પણ અનુભવી રહી.

‘લઈ જા, ગગી, લઈ જા!’

આહીરાણીએ આગ્રહપૂર્વક રમકડું આપ્યું, ‘બીજલને તો ઘરમાં ગાડું એક રમકડાં પડ્યાં છે.’

પ્રેમાળ આહીરાણીએ પ્રેમપૂર્વક આપેલી આ ભેટ ઉપર ચંપાએ સાડલાનો છેડો સંકોરી દીધો.

‘ઢાંકીને શું કામ લઈ જાશ?’ હીરબાઈએ કુતૂહલથી પૂછ્યું.

‘કોક જોઈ જાય તો?’

‘જોઈ જાય તો શું થઈ ગયું વળી? શું કોઈની ચોરી કરી છે?’

‘ના, ના, પણ કોઈ પૂછે, કે આ કોણે મોકલ્યું તો… તો.’

‘તો કહી દેવું, ચોખું ને ચટ, કે નરોત્તમ શેઠે મોકલ્યું છે…’

‘હાય હાય! એમ કહેવાય કોઈને?’ એટલું બોલીને ચંપા હસતાં હસતાં ઘર ત૨ફ જવા નીકળી.

ચંપા શરમાતી-સંકોચાતી છતાં મનમાં હરખાતી હરખાતી ઘેર પહોંચી ત્યારે પણ કપૂરશેઠ અને સંતોકબા વચ્ચે ગંભીર ગુફતેગો ચાલુ જ હતી:

‘દરબા૨ની ડેલીએ આવ્યા! ઠાકોરનો ભાગ વેચાતો લીધો !’ સંતોકબા હજી પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં હતાં. મને તો વાત ગળે ઊતરતી નથી—’

‘મનેય પરથમ તો નહોતી ઊતરતી, પણ નરભા ગોરે કીધું તંયે સાચું માનવું પડ્યું,’ કપૂરશેઠ ગમગીન અવાજે કહેતા હતા.

‘પણ ગામધણીનો માલ જોખવો એ કાંઈ રમત વાત કોથળિયુંમાં કસ જોઈએ—’

‘હશે જ. કોથળિયું ઠલવ્યા વિના તે આવડો મોટો વેપાર થોડો થઈ શકે’?

‘પણ કોળિયું ઠલવવાનું એનું ગજું છે, ખરું? દીવાળું કાઢ્ય પછી તો સાવ ભૂખ ભેગા થઈ ગયા’તા—’

“મનેય એ જ કૌતક થાય છે.’ કપૂરશેઠ બોલતા હતા, ‘હમણાં હું ધોલેરે ગયો તો તંયે ખબર પડી કે સંધોય કપાસ ઓતમચંદે ટકો ઊંચો ભાવ આપીને ખંડી લીધો છે—’

‘સાચું કહો છો?’

‘હા, બજારમાં આજે ઓતમચંદની હૂંડી નગદ નાણાં જેવી ગણાય છે,’ કપૂરશેઠ કોચવાતે હૈયે કબૂલ કરતા હતા. ‘આજ સુધી સુરતવાળા આત્મારામ ભૂખણની હૂંડીના ભાવ ઊંચા બોલાતા, હવે વાઘણિયાની હૂંડીની સાખ વધી છે.’

‘પણ આટલો બધો માલ લઈ નાખે છે ક્યાં?’

‘વિલાયત ચડાવે છે, એમ વાત સાંભળી છે—’

‘પણ વિલાયતમાં કપાસ નહીં ઊગતો હોય?’

‘વિલાયતમાં તો, કહે છે કે કોલસા સિવાય કાંઈ નથી પાકતું એટલે અમેરિકાથી રૂ મંગાવીને મિલ ચલાવે છે. મનસુખલાલ ગયા કાગળમાં લખતા’તા કે હમણાં અમેરિકામાં લડાઈ ફાટી નીકળી છે એટલે વિલાયતની મિલો અટકી પડી, ને આપણા રૂની માંગ વધી ગઈ છે…’

સંતોકબાને આ આંતરરાષ્ટ્રીય અર્થકારણમાં કશો રસ નહોતો—વિશ્વવેપારની વિગતોમાં એમને ગતાગમ પણ નહોતી. એમને તો એક જ ચિંતા પરેશાન કરતી હતી: મુફલિસ ઠરેલો ઓતમચંદ ફરી પાછો માલદા૨ કેમ કરીને બની ગયો?’

વડીલો વચ્ચે ચાલી રહેલો આ સંવાદ સાંભળીને ચંપાને કહેવાનું મન તો થયું કે નરોત્તમને લીધે જ ઓતમચંદ શેઠ મુફલિસમાંથી માલદાર બન્યા છે; પણ એણે કશું બોલવાને બદલે મૂંગા રહેવાનું જ ઉચિત ગણ્યું. એ તો કરુણ છતાં રમૂજભરપૂર જીવનનાટકનો તાલ જોવા ઇંતેજાર હતી.

મોટી બહેન સાડલા તળે કશુંક છુપાવીને લાવી છે, એમ સમજાતાં જસીએ ચંપાને પૂછ્યું: ‘છેડા નીચે શું ઢાંક્યું છે?’

‘તારે શી પડપૂછ?’ કહીને ચંપાએ પેલું રમકડું સંભાળપૂર્વક પેટીમાં મૂકી દીધું અને ફરી માતાપિતા વચ્ચે ચાલી રહેલા રસિક સંવાદ તરફ કાન માંડ્યા.

‘એણે નરભા ગોર પાસે રસોઈ કરાવવાની ના પાડી, ને કીધું કે ગામમાં મારી બેનનું ઘર છે. ત્યાં જમવા જઈશ—’

‘પણ ઓતમચંદ શેઠની બેનનું નામ તો આપણે સાંભળ્યું નથી, આ ગામમાં,’ સંતોકબા કહેતાં હતાં: ‘લાડકોરની એક આઘેની સગાઈની બેન છે ખરી; પણ એને ઘરે જમવા ગયા હશે તો તો આપણને ખબર પડ્યા વિના થોડી રહેવાની છે? એની છોકરી, શારદા તો આપણી ચંપાની સહીપણી છે. આજે કોઈ મહેમાન જમવા આવ્યા હશે તો ચંપા જાણી આવશે—’

‘મને તો લાગે છે કે એણે બહેનના ઘરનું બહાનું જ કાઢ્યું હશે— પોતાને ઘરે પહોંચવાની ઉતાવળ હશે, એટલે.’

‘મનેય એમ લાગે છે.’

મનમાં આછું આછું મલકાતી ચંપા અંદરના ઓરડામાં ઊભી ઊભી ઓસરીમાં થતી આ વાતચીત સાંભળી રહી હતી, ત્યાં જ ટપાલીનો પરિચિત અવાજ કાને પડ્યોઃ

‘લેજો, કપૂરબાપા!’

‘લ્યો, મનસુખલાલનો જ કાગળ નીકળ્યો!’ કપૂરશેઠ બોલ્યા.

‘ફોડ્યા વિના તમને કેમ ખબર પડી?’

‘એના અક્ષર ને આ વિલાયતી પેઢીનું છાપેલું નામ ઓળખાઈ જાય ને!’

‘વાંચો તો ખરા, શું લખે છે!’ સંતોકબાએ કહ્યું, ‘કોઈ નવું ઠેકાણું ગોત્યું છે કે નહીં?

‘બિચારાએ હજાર ઠેકાણાં તો ગોતી દીધાં’તાં, પણ આપણી છોકરીને એકેય મનમાં ઊતર્યું નહીં એમાં કોઈ શું કરે?’ કહીને ચંપા વિશે બબડતા કપૂરશેઠે કાગળ વાંચવા માંડ્યો.

કાગળ વંચાતો રહ્યો એ દરમિયાન ઓસરીમાં શાંતિ પથરાઈ ગઈ, પત્રનો સારાંશ જાણવા માટે સંતોકબા તલપાપડ થઈ રહ્યાં પણ એમના કરતાંય, કાગળની વિગતો જાણવાની વધારે તાલાવેલી તો ચંપાને લાગી હતી. સંતોકબાની અધીરાઈમાં કેવળ કુતૂહલ હતું, ત્યારે ચંપાની અધીરાઈમાં ચિંતા હતી, ઉદ્વેગ હતો. પોતે મામાને ઘેર રહેલી એ દરમિયાન એને જે માનસિક સંતાપ વેઠવો પડ્યો હતો, એની અસર હજી પણ સર્વાંશે દૂર થઈ નહોતી. મુનસફના છોકરા સહિત જે અનેક હાલીમવાલી યુવાનો સમક્ષ એને ઉપસ્થિત થવું પડેલું, એની રિબામણી એ હજી ભૂલી નહોતી. મામાના આજના કાગળમાં હજી કોઈ નવા યુવાન માટેનું સૂચન નીકળશે કે શું, એવો કલ્પિત ભય એ સેવી રહી.

અને એ કલ્પિત ભય સાચો પડ્યો.

કાગળ પૂરો વાંચી રહીને પિતાશ્રી બોલી ઊઠ્યા: ‘આ વખતે મનસુખભાઈએ સારામાં સારું ઠેકાણું ગોત્યું છે!’

‘સાચે જ?’ સંતોકબાએ સંતોષ વ્યક્ત કર્યો. ‘ચંપાનાં નસીબ અંતે ઊઘડી ગયાં!’

‘ઘેરે ગાડીઘોડાની સાહ્યબી છે!’ કપૂરશેઠે વિગતો આપવા માંડી ‘ને દેશાવરનો મોટો વેપાર!’

‘કયા ગામના છે?’

‘રાજકોટના જ!’

‘પણ મૂળ કયા ગામના?’

‘એ તો હજી લખે છે, કે બરાબર તપાસ કરી નથી, પણ રહે છે રાજકોટમાં જ,’ કપૂરશેઠે કહ્યું, ‘એનું નામ છે, પરભુલાલ.’

‘નામ તો બહુ ઠાવકું છે. પણ બાપનું નામ? કુળ? શાખ?’

‘એ સંધુંય વધારે તપાસ કર્યા પછી લખશે, એમ કહે છે. પણ આમાં લખે છે, કે આવો જુવાન બીજો કોઈ નહીં જડે…’

આ ‘જુવાન’ વિશેની આટલી વિગત સાંભળીને જ ચંપા એવી તો અકળાઈ ઊઠી કે એણે બહાર ઓસરીમાં આવી હિંમતભેર સંભળાવી દીધું:

‘હું એને નહીં પરણું!’