← ૫. ઇસ્પિતાલમાં વેવિશાળ
૬. નર્સ લીના
ઝવેરચંદ મેઘાણી
૭. પરોણો આવ્યો  →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


6

નર્સ લીના

નર્સ લીનાને કૌતુક થયું : આ બાઈ તે સ્માર્ટીની તબિયતના ખબર કાઢવા આવી છે કે દવાખાનાનાં દર્દીઓને જોવા આવી છે?

લીનાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજી સુખલાલ પર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ પણ જાણે કોઈક ચોરીછૂપીનું કૃત્ય કરતી હોય, તેવી અદાથી ચકળવકળ ચારે બાજુના ખાટલા તપાસ્યા કરતી હતી; ફરી પાછી સુખલાલના મોં પર નેત્રો ઠેરવતી હતી. ગોળ-ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે સુશીલાની હતી. એને એ મોટા 'વૉર્ડ'માંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિત મોં પોતાની સામે તાકતું લાગ્યું. આવી બેચેન અને વિકલ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ માંડ આટલું પૂછ્યું : "શું થયું છે?"

"ચૂપ ! ચૂપ ! સ્માર્ટી !" સુખલાલના હોઠ જવાબ વાળવા માટે જરીક ઊપડ્યા કે તરત લીનાએ આજ્ઞા છોડી, ને એણે સુશીલાને જરા કડક અવાજે કહ્યું : "ઉસકો બાત મત કરાવ. 'હેમોરેજ' હો જાયગા."

"સારું." સુશીલાએ આ નર્સના સુખલાલ પરના સ્વામિત્વ પ્રત્યે મોં મલકાવ્યું.

સુખલાલ માટે દવા લઈને આવીને ફરી લીનાએ સુશીલાને પૂછ્યું : "તુમ ઈસકી કૌન હૈ ? શેઠાની હૈ ? આન્ટ ( ફોઈ, કાકી કે મામી) હૈ ? કઝીન (પિત્રાઈ) હૈ ? ઈતના રોજ તો કોઈ નહીં આયા, તો તુમ તો ક્યા દૂસરા ગાંવસે આતી હૈ ?"

"હાં," સુશીલાનો ટૂંકો ને ટચ જવાબ.

"દેખો તુમ," લીનાએ ચલાવ્યું. "સ્માર્ટી કો અભી જલદી મત લે જાના, ઈસકો ખૂન ગિરા થા. અબ યે એકદમ કમજોર હૈ. યહાં રખો. મૈં ઉસકો તાકતદાર બના દૂંગી."

એટલું કહી વળી પાછી બીજાના ખાટલા પર જઈને એ પાછી ફરે ત્યારે બે મિનિટ વાતો કરવા થંભે, તે પછી ત્રીજાને દવા પાઈને પણ પાછી સુખલાલના જ ખાટલા પાસેથી નીકળે. લીનાના કામકાજની તમામ કડીઓ આ ખાટલાની આસપાસ થઈને નીકળતી હતી. દૂરને ખાટલે ઊભી ઊભી પણ લીના આ ઠેકાણે જ નજરની ચોકી કરતી, ને પોતાના પહેરેગીરની સરત ચુકાવવાનો લાગ શોધતી સુશીલા જરાક બોલવાનો આદર કરતી કરતી પાછળ જોતી કે તરત કોઈક દરદીની સારવાર કરતી લીનાની હાક સંભળતી  : "બાત મત કરના, સ્માર્ટી ! વો કુછ પૂછેગી તો તુમ જવાબ નહીં દેના, ટેઈક કેર, સ્માર્ટી - સમાલો બરાબર."

એટલું કહીને એ પાછી ત્યાંથી નીકળતી ત્યારે સુશીલાને સંભળાવતી ગઈ : " તુમ ગાંવડેમેંસે આનેવાલે લોક સમજ ભી નહીં સકતે કિ પેશંટ કી જિંદગી કિતની 'પ્રેશ્યસ' માયને કીમતી હોતી હૈ ! મેરા અચ્છા પેશંટ કો બિગાડ મત દેના."

લીનાને તો એ શંકા ઊપજવી પણ અશક્ય હતી, કે આવી કન્યા આ સૂતેલા ગરીબ યુવાનની વિવાહિતા હોઈ શકે. લીનાએ ફરીથી દૂર જઈ પછવાડે નજર કરી તો સુશીલાને એણે એક વધુ દોષ કરતી દીઠી. સવારે લીનાએ લાવીને સુખલાલના લોટામાં 'ક્રોટન'નાં ખુશબો વગરનાં ફૂલની એક ડાંખળી ગોઠવી હતી. તેને બહાર કાઢી નાખીને સુશીલા પોતાના રૂમાલમાંથી કાઢેલાં ગુલાબના ફૂલ ગોઠવતી હતી. એની આ પ્રત્યેક ક્રિયા સાથે એની વિહ્વળતા અને ધાસ્તીભરી મનોદશાના ફફડાટો તો ચાલુ જ હતા. પોતે આણેલાં ફૂલોને આ રીતે ઠેકાણે પાડ્યા પછી સુશીલાનો ફફડાટ ઓછો થયો.

લીના ફરી વાર પાસે આવી, આંખો કરડી કરવાનો એણે વ્યર્થ પ્રયાસ અજમાવ્યો. પણ લીના સખત થઈ શકતી નહોતી, સખત થવા જતાં જ હસી પડતી, એ સુશીલા જાણી ગઈ હતી. લીના આવીને હસવું ખાળવાની વ્યર્થ કોશિશ કરતાં કહ્યું : "બડી ચબરાક માલૂમ પડતી હૈ, મિસ ! - યા તો ક્યા મિસેસ ? હમને બોલને કો મના કિયા, તો તુમ ફૂલોંકી જબાન મેં બાત કરને લગ ગઈ ! દેખો, ટાઈમ હોને પર તુમ નિકલ જાના, હા? બડા ડૉક્ટર આયગા તો તુમારા 'ઇન્સલ્ટ' કર દેગા, માલૂમ?"

સુખલાલ સાથે સુશીલા એક પણ શબ્દનો વિનિમય કરી શકે તે પૂર્વે આવો અરધો કલાક ચાલ્યો ગયો ને જ્યારે લીનાએ સુશીલા તરફથી સુખલાલનું મોં ફેરવ્યું ત્યારે સુખલાલની આંખોના બન્ને ખૂણામાંથી શાંત આંસુના રેલા ધીરે ધીરે કાન તરફ ઊતરતા હતા. છતાં એનું સ્મિત ભાંગ્યું નહોતું.

"ક્યોં, ક્યોં, સ્માર્ટી ?" એમ બોલતી લીનાએ જઈને સુખલાલના કપાળ પર હાથ મૂકીને નૅપ્કિન વડે આંસુ લૂછ્યાં.

લીનાનો આ દાવો સુશીલાને અતિ ઘણો વધારે પડતો લાગ્યો. એ નજીક જતી હતી ત્યાં જ લીનાએ કહ્યું : આને તમે શું કહ્યું કે આજે એ રડે છે ? આટલા દિવસથી એ આંહીં છે પણ કોઈ દિવસ મેં એની આંખોમાં પાણી નથી જોયાં. તમે આજે આવીને એને મારાથી છૂપા છૂપા કાંઈક ખબર આપ્યા લાગે છે. તમે લોકો દરદીઓની મુલાકાત કેમ કરવી તે પણ સમજી શકતાં નથી. તમે લોકો - "તુમ લોક બિલકુલ બેસમજ ! તુમ લોક - "

એમ તુમ લોક તુમ લોક ચાલ્યું. સુશીલા આ કાગડી જેવી કાગારોળ કરી મૂકનારી નર્સને કેમ સમજાવવું તે જાણતી નહોતી. એણે મૌન પાળવામાં જ સલામતી માની. આ કોઈ અજાણી અર્ધદેશી ને અર્ધગોરી - કોને ખબર કાં તો ઢેડડી, કાં ગોવાનીઝ ને કાં કોઈ વટલેલી - પોતાના દરદી પર બેહદ અધિકાર જમાવી બેઠી છે. મને હજુ એક શબ્દ પણ બોલવા દેતી નથી. આટલી બધી ચિબાવલાઈ કેમ કરે છે? સુખલાલના ગાલો લૂછવાનો એને શો અધિકાર છે ? શરમનો છાંટોય છે નફટને ! હું આંહીં ઊભી છું તેની પણ પરવા નથી કરતી. નર્સના ધંધા કરનારી સ્ત્રીઓને વળી શરમ શી ? એને તો ગાલે અડવું કે પાનીએ, બધું એક જ છે ને ! એના હાથ તો ગમે તેવી ગંદકી ચૂંથનારા પણ એવા હાથ એ કોઈને ગાલે કે કોઈના કપાળે અડકાડતાં લજવાતી નથી ? સુખલાલ કેટલા સુગાતા હશે ! નહીં સુગાતા હોય તો શું એને મીઠું લાગતું હશે ? એ શા માટે ના નથી પાડી દેતા?

લીનાની દમદાટી અને સુખલાલની અશ્રુધારા, બેય વચ્ચે આધારહીન ઊભેલી સુશીલા લીનાની લવારીમાંથી એક વાત તો બરાબર પકડી શકી, કે દરદીની સારસંભાળ લેવા માટે આટલા દિવસ સુધી પેઢી પરથી કોઈ આવ્યું જણાતું નથી; અને આટલો કાળ રોગીની અહોરાત્રિની જે પોતે એકલી જ રક્ષક, પોષક ને પાલક રહી છે, તેને આજે આઠ દિવસે સુશીલા જેવી અજાણ છોકરીનું આક્રમણ ન ખટકે તો પછી એનું નારીત્વ ક્યાં રહ્યું ?

લીના ખસતી નહોતી, લીનાના હાથ સુખલાલના લલાટ પરથી ખસતા નહોતા. સૂતેલા સુખલાલની આંખો લીના ને સુશીલા વચ્ચે દષ્ટિદોરના વાણાતાણા નાખતી હતી. આખરે સુશીલાએ લીનાને જ પૂછ્યું : "એમને હવે કેમ છે?"

"લુક - દેખો, આજ તો એક હપતા હો ગયા. પીછે શાહજાદી પૂછતી હૈ કિ કૈસા હૈ?" લીનાએ હજુય વક્રભાવ ચાલુ રાખ્યો. "પહેલે તુમ મુઝે બતલાવ, તુમને ક્યા બાત કહ કર ઇનકો ઇતના 'નર્વસ' કીયા?"

"કશું જ નહીં . મેં એની સાથે વાત જ નથી કરી."

"ઇઝ ઇટ ટ્રુ, સ્માર્ટી ! - સાચું કહે છે એ?"

સુખલાલે સ્મિત-નમણું દુર્બલ મોં આસ્તે રહીને હલાવ્યું.

"તુમારી સેઠાની દિખતી હે, નેઈ?"

સુખલાલે શું કહેવું તેની સુખદુઃખમય મનોમૂંઝવણમાં હા પાડી.

"તુમ લોક," એમ બોલતી લીના સુશીલા તરફ ફરી. " અપને નોકરોં કો ક્યા ગધ્ધા સમજ કર ઇતની મઝદૂરી ખિંચવાતે હો? ઔર પિછે દવાખાનેમેં છોડકર સબ મામલા ખતમ સમઝ લેતે હો ! ઇસકે સ્પંજિંગ કે વાસ્તે કોલન વૉટર ઔર પાઉડરકી ડબી ભી નહીં દે ગયા ! મેં અપને ઘરસે લાઈ હૂં, દેખો ! કિતની હાઈ ક્વૉલિટી !" એમ કહેતાં કહેતાં એણે ટેબલનું બારણું ખોલીને એ વસ્તુઓ બતાવી.

"લી...ના..." એવો હેડ મેટ્રનનો સંગીતમય સાદ સાંભળતાં " યે...સ... મેટ્રન" કરતી લીના ત્યાંથી "સ્માર્ટી ચૂપ !" કહેતી, નાકે આંગળી મૂકતી દોડી ગઈ, ત્યારે એનાં મૂંગા બૂટ જાણે પહાડોના બરફશૃંગો પર છંદબદ્ધ છટાથી લસરતાં ગયાં ને એનાં સફેદ મોજાં હેઠળથી ઊપસેલી કોઈ સંઘેડિયાએ ઉતારેલા હોય એવી તેવા પગની - પિંડીઓ ઊછળતી ઊછળતી એના ઘૂંટણ સુધીના ફરાકની કિનારને પણ ઊછાળતી ગઈ.

"રોઈ શા માટે પડ્યા?" એટલું સુશીલાએ ઝટપટ ઉતાવળ કરીને સુખલાલને પૂછી લીધું.

તેનો પ્રત્યુત્તર દરદી આપી શકે તે પહેલાં તો સુશીલાને કશીક ચમક લાગી. પોતે ઊભી હતી ત્યાં જ ઉપર જવાના દાદર પાસે પડતું એ ભોંયતળિયાના વૉર્ડનું બારણું હતું. એ બારણા પાસે થઈને ત્રણ જણાં પસાર થઈ દાદર ચડતાં હતાં : એક હતો વિજયચંદ્ર, બીજી હતી બે સ્ત્રીઓ. સુશીલા એ બેને ઓળખી ન શકી, પણ વિજયચંદ્રની ને એની આંખો બરાબર મળી.

"કોને જોવા આવેલ છો?" એટલું પૂછવાનું વિજયચંદ્રને ટાણું મળે તે પહેલાં તો સુશીલાએ મોં ફેરવી લીધું હતું.

વિજયચંદ્ર પણ પેલી બે સ્ત્રીઓના સાથમાં સુશીલાની નજરે ચડી જવાથી, કે પછી કોણ જાણે કયા કારણે, થોડીક વાર ડઘાઈ ગયો; પણ ગુમાવેલી સ્વસ્થતા પાછી મેળવતાં એને પલકની જ વાર લાગી. પોતે આટલો છોભીલો શા માટે પડી ગયો એનું એને આત્મતિરસ્કારયુક્ત વિસ્મય થયું. પેલી બંને સ્ત્રીઓને સાથે લઈને જ એ બે પગથિયાં ચડેલો પાછો વળ્યો ને નીચેના ખંડમાં દાખલ થઈ સુશીલાની સન્મુખ આવીને ઊભો રહ્યો.

"કોણ માંદું છે?" આટલું પૂછીને વિજયચંદ્રે બિછાના પર નજર કરી ત્યારે આ કંગાલ રોગી પાસે ઊભેલી સુશીલા એને એક સમસ્યા જેવી લાગી. સુખલાલને વિજયચંદ્ર બરાબર ઓળખતો નહોતો. - અને રોગી સુખલાલ તો પરિચિતોને પણ ઓળખાય તેવો ક્યાં રહ્યો હતો?

ત્યાં સુધી તો સુશીલાને કાળી નાગણ જેવી થઈ પડેલી નર્સ લીના આ ક્ષણે સુશીલાને તારણહાર બની ગઈ. એક હતી તેમાં બીજું ત્રણનું, ને એમાંય બે સ્ત્રીનું ઝૂમખું ઉમેરાતું જોતાંની વારે જ એ બહાર ગયેલી ત્યાંથી છલાંગો મારતી પાછી આવી અને હાસ્યમાં વીંટેલ રોષ દેખાડી હાથ જોડતાં જોડતાં બોલી ઊઠી :"આજ યે ક્યા તમાશા લગાયા હૈ સ્માર્ટી કે બિછાને પર ? હંય? તુમ લોગ હૈ કોન ? પેશન્ટ કે કૌન હોતે હો ? ઉતને રોજ કહા છિપ ગયે થે ? હંય ?"

દરદી પોતાનો શું થતો હતો એ તો નવાં ત્રણેમાંથી કોઈ નહોતું કહી શકે તેવું.

"દરગુજર કરજો," વિજયચંદ્રે પોતાની ટોપી હાથમાં રાખી સુગંધી રૂમાલ વડે સ્વેદ લૂછતે લૂછતે અંગ્રેજીમાં કહ્યું, "હું તો આ બાનુને મળવા અવેલો." એણે સુશીલા પ્રત્યે આંખો કરી.

બીજા લોકોને જ્યાં હાથ હલાવી ચેષ્ટા કરવી પડે ત્યાં વિજયચંદ્રની તો પાંપણના એકાદ વાળનું હલવું જ બસ થઈ પડતું.

હસતી હસતી લીના બોલી : "આંહીં ઇસ્પિતાલમાં ! દરદીને બદલે નીરોગીની મુલાકાતો ! યોગ્ય જ સ્થળ ગોત્યું ! એ તમારે શું થાય છે?"

"પિછાનદાર," વિજયચંદ્ર સહેજ ખચકાયો પછી કહી શક્યો.

આ પિછાનદારના હુમલાએ લીનાને ફરી એક વાર સુખલાલનું લલાટ પંપાળવાની તક આપી.

સુખલાલ આ આખા તમશાનો મૂંગો સાક્ષી જ બની સૂતો રહ્યો. વિજયચંદ્રને એણે શેઠની પેઢી પર એક વાર જોયો હતો, ને પ્રાણજીવન ઉર્ફે 'પ્રાણિયા'એ સુખલાલને ઠોંસા મારી મારીને બતાવ્યો હતો : "સુખલાલ શેઠ આમને જોયા ? જોઈ રાખજો હો કે? ઓળખાણ કામ આવશે. તમારા હરીફ છે."

પ્રાણજીવનનો ઠોસો ખાવામાં નિમિત્ત બનનાર આ વિજયચંદ્રને ફરી એક વાર સુખલાલે ઉજાણીમાં જોયેલ. આજે એને ત્રીજી વાર દીઠો. એને સુશીલાની સન્મુખ ઊભેલો દેખવો, લાંબા સમયના પિછાનદાર તરીકે મોં મલકાવીને સુશીલાને મળતો જોવો, ટોપી ખોલીને તાલબદ્ધ સ્વરોના કોઈ વાદ્ય સરીખું સુંદર ઓળેલું મસ્તક દેખાડતો જોવો, ગજવામાં અરધો દેખાતો રૂમાલ બહાર ખેંચીને જાણે કે પસીનાનાં સ્વેદોમાંથી ખુશબો ફોરાવતો નિહાળવો, એ સાવ સહેલું તો થોડુંક જ હતું ?

તમે કહેશો કે સુખલાલ શાણો હતો છતાં આવું દૃશ્ય દેખીને સળગી જવાની બેવકૂફી એનામાંથી કેમ ગઈ નહોતી? કંગાલિયતનો કીડો હતો છતાં વિજયચંદ્રની ઈર્ષ્યા કરવા જેટલું વીરત્વ એનામાં બાકી કેમ રહી શક્યું હતું ? તમારામાંના કોઈ કોઈ તો એટલે સુધી ય કહી ઊઠશે કે, સુખલાલને સ્થાને અમે હોત ને, તો અમારી અપાત્રતાનો ખુલ્લો એકરાર કરી નાખી સુશીલાને બસ 'ધરમની માનેલ બહેન' કહી એનાં રૂપગુણના સાચા અધિકારી કોઈ આવા નવયુવનના કરમાં એનો કર મૂકી દેત, 'સુખી થાઓ' એવી આશિષો આપત અને વીર પહલી પર એ બહેનને ભાઈની 'રંક ભેટ' મોકલાવત.

હાય રે હાય માનવકીડા સુખલાલ, તું આટલી દિલાવરી ન દેખાડી શક્યો ! પથારીએ પડ્યાં પડ્યાં પણ તને વિજયચંદ્રની વિરુદ્ધ હિંસાત્મક વિચારો આવ્યા ! બીજી તો તારી લાયકાત પણ શી હતી એ મોત-બિછાના પર ? કેટલો નિર્વીર્ય દ્વેષ !

પોતાના લલાટ પર રમતો લીનાનો હથ સુખલાલે હળવેથી ઠેલી નાખ્યો. લીના ચકિત થઈ. 'સ્માર્ટી'ના કપાળ પરથી હાથ ઠેલાવું એને આ દરદીની છેલ્લા આઠ દિવસની રોગ-સૃષ્ટિમાં પહેલી જ વારના ભૂકંપ સરીખું ભાસ્યું.

સુશીલાએ સુખલાલની એ ક્રિયા જોઈ લીધી, સુખલાલનું મોં સંકોડાતું હતું, વધુ વાર એ ઊભી ન રહી શકી. લીનાની સામે 'અચ્છા તબ!' કરતી સસ્મિત એ ચાલતી થઈ. તેની પાછળ વિજયચંદ્ર, અને વિજયચંદ્રની પાછળ બે સ્ત્રીઓ, વીજળી-ગાડીના ડબા જેવાં બહાર નીકળી ગયાં.

"ઉપર ચાલશો?" વિજયચંદ્રે સુશીલાને કહ્યું, "અમે હમણાં જ એક દરદીને તપાસીને પછી તમને મોટરમાં ઘેરે મૂકી જઈએ."

"ના મારે ઘેર નથી જવું."

"જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈએ."

"આંહી નજીકમાં જ જવું છે."

એમ કહીને સુશીલા ઇસ્પિતાલનાં પગથિયાં ઊતરવા લાગી. અને બીજાઓને ન મળતી એ દવાખાનાના સ્ટાફ માટેની લિફ્ટમાં, એક ડૉક્ટર મિત્રની કૃપાથી ઊંચે ચડતો વિજયચંદ્ર સહેજ શોકાર્ત બન્યો - સુશીલા ચાલી ગઈ તે માટે નહીં, પણ પોતાની આ વિશિષ્ટ માનવંત સ્થિતિ જોયા પહેલાં જ ચાલી ગઈ તેને કારણે.

સુશીલા તો ત્યાંથી સીધી ટ્રામમાં બેસીને ઘેર જ ચાલી ગઈ, પણ મોટા બાપુજીને આ ખબર હમણાં જ પહોંચશે એવો ભય એને આખે રસ્તે મૂંઝવતો ગયો. વિજયચંદ્ર વારંવાર પેઢીએ જાય છે, તે સુશીલા જાણતી હતી. વિજયચંદ્રનું આ જવું - આવવું મોટા બાપુજીના કોઈ વિદ્યારસને અથવા વ્યાપાર-ઉદ્યમની સાહસિક યોજનાને આભારી હતું, કે કોઈ બીજા રહસ્યમય આશયની સિદ્ધિ તરફ લઈ જનાર હતું, તે બાબતમાં સુશીલા છેક અજાણ નહોતી. વિજયચંદ્ર ઘેર આવે ત્યારે સુશીલાના હાથનાં જ ભજિયાં ખાવાનો સ્વાદ બાપુજીની હોજરીમાં એકાએક ઊભરાઈ આવતો એટલું જ નહીં, પણ " આ ભજિયાં તેં શી રીતે બનાવ્યાં, બેટા!" વગેરે પાકશાસ્ત્રની ચર્ચા માટે મોટા બાપુજી સુશીલાને શા માટે વિજયચંદ્રની સન્મુખ બોલાવી મંગાવતા તે સમજી જવા જેટલી સુશીલાની ઉંમર થઈ ચૂકી હતી. વિજયચંદ્ર જો મોટા બાપુજીનો કેવળ વેપારી સ્નેહી હોત તો ભજિયાંને આ બનાવટ જ્યારે કાકા-ભત્રીજી વચ્ચે ચર્ચાતી હતી તે વેળા શરમાઈને નીચે નિહાળી મૂંગે મોઢે શા માટે બેસી રહેત ? પોતાની સામે ચોરની નજરે શામાટે નીરખાતો હોત?

આ જુવાન મારે વિશે શું ધારશે? મોટા બાપુજીને ખબર આપ્યા વગર તો કેમ જ રહેશે? બાપુજી પૂછશે કે કેમ મળવા ગઈ હતી, તો જવાબ શો આપીશ? કોને મળવા ગઈ હતી તે તો બાપુજી સમજી જવાના. બાપુજીનો ઠપકો તો શું, ઉતાવળો એક બોલ પણ સુશીલાએ કદી સાંભળ્યો નહોતો. બાપુજીની એ લાડકવાયી હતી. બાપુજીને જૂનું વેવિશાળ ઝેરી કાંટા સમાન જેવું ખટકી રહ્યું હતું તે, અને ઉજાણીદિનના બનાવની ગેરસમજણે બાપુજીને સુખલાલ પર સળગાવી મૂકેલ છે તે યાદ કરતાં સુશીલાનાં ગાત્રો ગળવા માંડ્યાં. પોતે સપડાઈ ગઈ. સુખલાલને ફૂલો આપવા જવાની પોતાની હિંમત પોતાને જ ડરાવતી થઈ. પોતાની બાની વિકરાળ વાઘણ-મૂર્તિ એની સામે તરવરી ઊઠી. ભલાં ભદ્રિક ભાભુ તો સુશીલાનાં પૂજનિય હતાં, એમને આ આચરણની જાણ થશે ત્યારે તો બારે વહાણ ડૂબી જવાનાં. ભાભુ મારે માટે કેવો મત બાંધશે ? . પોતાની બાની વિકરાળ વાઘણ-મૂર્તિ એની સામે તરવરી ઊઠી. ભલાં ભદ્રિક ભાભુ તો સુશીલાનાં પૂજનિય હતાં, એમને આ આચરણની જાણ થશે ત્યારે તો બારે વહાણ ડૂબી જવાનાં. ભાભુ મારે માટે કેવો મત બાંધશે ?