શિવાજીની સુરતની લૂટ/દુમાલનું મેદાન
← પ્યારની વૃદ્ધિ | શિવાજીની સૂરતની લૂંટ દુમાલનું મેદાન ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
મહારાજ શિવાજીની માટી કચેરી → |
પ્રજારક્ષક સૈન્યની ઝડપ, હિંમત અને સાહસનો વિચાર કરતા મરાઠા સિપાહો મેદાન પડ્યા કે “હરહર મહાદેવ !” નો એક મોટો ધ્વનિ થયો અને તેનો પ્રત્યાધાત પાછો તેટલા જ જોરમાં પડ્યો.
“પેલા ! પેલા !” મરાઠાઓએ પોતાની આંગળી બતાવી, જે લશ્કરને આપણે પૂર્વમાં વર્ણવી ગયા તેને બતાવ્યું, “પેલા કાફરો, નવાબના કૂતરા અને તેના સરદાર આવે છે. આપણે હવે તેમનાપર એકદમ તૂટી પડિયે !”
“હા, શૂરા જવાનો !” સરદાર તાનાજી માલુસરેએ કંઈપણ વિચાર વગર હુકમ આપ્યો, પણ તેના મનમાં જે ઢચુપચુપણું હતું તે તેની આસપાસના યોદ્ધાઓ બરાબર જોઈ શક્યા, ને તેથી તેમની હિમ્મત પાછી હઠી ગઈ. તેમના મનમાં તુર્ત આવી ગયું કે સરદારના મનમાં જ આજની ઝપાઝપીનું પરિણામ શકમંદ છે, તો પછી જયની આશા ક્યાંથી હોય ? મરાઠાઓ આ સમયે ઘણા શૌર્યાવેશમાં આવ્યા હતા, પણ તાનાજીનો સ્વર સાંભળતા સાથે તેઓ અટકી ઉભા રહ્યા.
મરાઠા લશ્કરની જગા અને પ્રજારક્ષક સૈન્યની જગા વચ્ચે આ વખતે લગભગ પા મૈલનો અંતર હતો. શિવાજી એક ઘણા વર્ષના પુરાણા વડના ઝાડ તળે ઉભો રહી ક્ષણભર વિચાર કરતો હતો. વખત રાત્રિના ચાર વાગ્યાનો હતો. બન્ને લશ્કર વચ્ચે માત્ર એક ખાઈ કે જે નદીનાં પાણી રેલને વખતે આવે તેને રહેવા માટે, હમણાં છે તે કરતાં ત્રણ ગણી મોટી હતી. તેમાં આ વખતે પુષ્કળ કીચડ ભરાયલો હતો. મરાઠાઓએ પોતાને શહેરમાં જવા આવવા માટે નાના લાકડાનો પુલ બાંધીને દરવાજા આગળ મૂક્યો હતો, કે જેનાપર હમણાં પ્રજારક્ષક સૈન્યની સત્તા હતી નિયમિત લડાઈ લડવાની ટેવ મરાઠાઓને હતી નહિ, પણ આ સમયે તેઓ આવા યુદ્ધને માટે તૈયાર થયા; ને તેમ થાય તો જ આપણને જય મળે, ને વધેલી લૂટ લઈ જઈ શકિયે એવો વિચાર પોતાના મન સાથે શિવાજી કરતો હતો. પણ “રણસ્તંભ " રોપવાની આ જગ્યા નહોતી, ને તે માટે કશી તૈયારી પણ નહોતી. સંજોગથી આ સમયે શિવાજીને આ વિચાર થતો હતો ત્યારે નવરોઝ, મરાઠાના વિલંબનું કારણ શું છે તે શોધવાને મથતો હતો. તેના મનમાં વિશેષ ભય પ્રાપ્ત થયો કે જો નિયમિત યુદ્ધ ચાલે તો ખચિત ઘણી ખરાબી થાય. એક તો સૈન્ય નાનું ને બીજું એ કે તે બીનકવાયદી હતું. પણ નવાબના મહેલમાંથી આવેલી “કેવલરી ” (હેદલ) સૌથી સરસ હતી, તેમાં હિરાતી ને તુરકોમાની ઘોડાઓ એવા તો સરસ હતા કે, તેવા સરસ તેના મુકાબલામાં ભાગ્યે જ મરાઠામાંથી ચેાથો ભાગ પણ નીકળી શકે; ને તેથી નવરોઝ સરદારના જીવને લગાર વધારે ઠંડક હતી કે કદાચિત શિવાજી “રણસ્તંભ” રોપીને લડાઈ ચલાવવા માંડશે તો તેમાં નવાબ કરતાં વિશેષ હાનિ તેને જ થવાની. આ વિચાર ખરો હતો ને તે ધારવામાં નવરોઝની ગણત્રી આ વખતે બહુ અનુભવી ને આબાદ ઉતરે તેવી હતી.
દુમાલનું મેદાન, જો કે ઘણું મોટું હતું, તથાપિ તેમાં ઉંચી નીચી જમીન, બાજુએ ટેકરા ટેકરી અને વળી ઝાડોથી ભરેલું હતું, ત્યાં નિયમિત યુદ્ધ થવા માટે કોઈ પણ મોટી જગ્યા હતી નહિ. લડાઈમાં જેઓ પહેલે સપાટે ફતેહ મેળવે, તે જ બાજુને સઘળી વેળા ફાવતું આવે, પછી બીજી બાજુ ગમે તેવી સબળ હોય તોપણ તેનું કશુંએ વળે નહિ. ખરી રીતે, આ જગ્યા માત્ર છુટી છવાઈ મારામારી માટે જ યોગ્ય હતી. જો લુટારાઓ એકવાર ચઢી આવી પછી પાછા નાસરડું લે તો ક્યાં ભરાઈ બેઠા છે તેની કેટલીકવાર કંઈ ખબર પણ પડે નહિ. આવી રચનાવાળી જગ્યા, કે જે અવર્ણનીય પંચરંગી હતી, ત્યાં કોઈ પણ પ્રકારે ખરું યુદ્ધ થશે નહિ એવો વિચાર બંને પક્ષના સરદારોને આવ્યો - ને તે એક જ સમયે, તેથી એક સરદાર વધારે સબળ ને એક નિર્બળ થયો. બંનેએ ભવિષ્ય શું નીવડે છે, તેપર આધાર રાખ્યો. બન્ને સરદારોના મનમાં આ વખતનો રંગ નવો જ હતો ને બંને જણ એમ સારી રીતે જાણતા, સમજતા ને માનતા હતા કે, કોઈ પણ રીતે લડાઈ બંધ પડે તો વધારે સારું. નવરોઝના મનમાં વિચાર થતો કે શિવાજી કંઈ બે ત્રણ હજાર માણસ વગર આવ્યો ન હશે, વળી તેનું કવાયદી લશ્કર છે, તેના મોં આગળ આ મુઠ્ઠીભર માણસોનો હિસાબ નથી, તેથી જો એ ભાગી જાય તો શહેર હવે પછીની પીડામાંથી મુક્ત થાય. જે ગયું તે પાછું આવવાનું નથી, ને તેનો બદલો લેવાના મૂર્ખાઈ ભરેલા વિચારો નકામા છે. નાશ વહોરી સંહાર કરાવવો એ ખોટું છે. વળી ઔરંગજેબ જાલમ છે. તે આ તકનો કદાપિ વ્યર્થ લાભ લે તો 'બકરું કાઢતાં ઉંટ પેસે,' ને લાભ કરતાં હાનિ વધારે થાય. વળી નવાબી હુકમ મળ્યો નથી, ને લડાઈ વધારે વખત ચાલી તો તે માટેનાં સાહિત્ય લશ્કર પાસે નથી. હાર્યા તો શિવાજી પ્રજાને કચડી નાંખશે, માટે બને ત્યાં સુધી રક્ષકનીતિ પકડીને એને ભગાડવો.
શિવાજીના મનમાં પણ આવો જ વિચાર હતો. તે મનમાં બોલ્યો કે, “કદાપિ નવાબનું લશ્કર પૂરેપૂરું ચઢી આવ્યું હશે તો તે આ મરાઠા, જે માત્ર પંદરસોથી વધારે નથી તેનો નાશ કરશે; હાથ આવેલી લૂટ તેએા લઈ લેશે, ને માણસો કપાઈ મરશે તે જૂદાં. આટલા માટે નાસવાનો લાગ મળે તો લડાઈ અટકાવીને ચાલ્યા જવું એ વધારે સારું છે. પણ નસાય કેમ ? નવાબી સેના પૂંઠે પડે તો રહેલાં સઘળાં માણસોને ક્ષણમાં કાપી નાંખે; મેળવેલી કીર્તિ ને મેળવેલી લૂટ ઘડીના છઠ્ઠા ભાગમાં જતી રહે. મને માણસ કરતાં આ હાથ આવેલી કીમતી દોલત વધારે ખપની છે.” આમ મન સાથ બડબડ્યા પછી તે ક્ષણભર હોઠપર આંગળી લગાડી બેાલ્યો; “નવાબ સાથે સલાહ કરું ? તે માટે દૂત- સંદેશ કહાવું ! પણ તે તકનો લાભ લઈ કદી એકદમ તે તૂટી પડે તો પછી ઈલાજ શો ? તેઓ દગાખોર છે, સત્ય ને ન્યાયને જોતા નથી, ને હાથ આવેલી તક ચૂકશે નહિ. મારી નબળાઈ જોઈ વધારે જોરમાં આવશે. મારી નબળાઈ જોઈ મરાઠાઓ પછી મારા હુકમને પત કરશે નહિ; તેઓ પોતાનો જુસ્સો અજમાવતા અટકી પડશે: ને અત્યાર સૂધીમાં મેળવેલી કીર્તિ ને નામના જતાં રહેશે. મરાઠાઓ ભરતખંડના ઈતિહાસમાં નામના કરવાના નહિ જ કે ? ના, ના, મને મારા જોરનો તો અવિશ્વાસ છે, પણ રામદાસ સ્વામી પોતાના શિષ્યને મદદ કરશે જ. ચાહે તે થાઓ ! મુસલ્લાઓને તેમનું જોર અજમાવવા દો ! તેઓ શું નુકસાન કરી શકવાના છે ! નુકસાન તો આમે ને તેમે છે જ. સુલેહ કરીશું તો અપમાન ભરી ગણાશે, નાસીશું તો અપજય મળશે, માણસો કપાઈ મરશે ને મેળવેલી લૂટ ગુમાવીશું ! શા માટે બહાર નીકળતી મરાઠી પ્રજાના તરુણોને પોતાનું નસીબ અજમાવવા ન દેવું ? એ કાફરોને તો બકવાની ટેવ છે તે બકબક કરશે જ. મારે લૂટ તો લેવી જ.” એવા વિચારથી શિવાજી વડના ઝાડ આગળથી, વિચાર કરતો આગળ આવ્યો ને લશ્કરમાં સામેલ થયો.
ભગવો ઝુંડો લઈને અગાડી લડવાને મેદાન પડવા માટે મરાઠા સિપાહો હવે તત્પર થયા. શિવાજી બહાર આવ્યો. પોતાનાં માણસોને ઉત્તેજન આપવા મહાદેવ ને ભવાની માતાને પ્રસન્ન કરવા એક બકરાનું બળિદાન આપ્યું, ને તેનાપર ઘાસની પુળીઓ મૂકી એક મોટો ભડકો કીધો. એ જોઈને પ્રજારક્ષક સૈન્યના સરદારો જરાક ગભરાયા, પણ તુરત નવરોઝે એક યુક્તિ શોધી કાઢી. લશ્કરને વ્યુહમાં ગોઠવ્યું. એ ગોઠવણથી દરવાજાનાં મોં લગણ ને ઠેઠ અંદર સુધી નજર કરે તો પણ લશ્કર જણાય ને મરાઠાઓ પોતાની ગણત્રીમાં નિષ્ફળતા પામે. હવે પ્રાતઃકાળ થયો હતો. નવરોઝ, સુરલાલ, મોતીબેગમ, ખેાજો મશરુર ને હમણાં પાંચમો સરદાર એક તદ્દન તરુણ પણ અજાણ્યા સિપાહ તરીકે દાખલ થયો હતો ને જેનો વેશ તદ્દન વિચિત્ર હતો તેને સેનાપતિ નીમ્યો. નવરોઝે એક ફેરો બધી બાજુએ મારી લીધો. તે ઠેઠ પછાડી ગયો, ને કયાં સુધી મરાઠાની નજર પહોંચતી નથી તે તપાસી લીધું.
પણ એટલામાં એક અકસ્માત થયો. નવરોઝની રચનાનો ભેદ એક મરાઠા સિપાહે જાણ્યો. એક મરાઠો પોતા સાથે શિવાજીની ગુલામડી રમાને લઈને આવી પહોંચ્યો ને તે લશ્કરના પાછલા ભાગપરથી નીકળવાની ગોઠવણ કરતો હતો.
નવરોઝની તેનાપર નજર પડતાં તેણે એકદમ તરવાર ખેંચી પેલા મરાઠાને કાપી નાંખ્યો, ને તે જોતાં જ આકસ્મિક બનાવથી ભયભીત થઈને રમા મૂર્છા ખાઈને પડી ગઈ.
“યે કૌન હય? દેખો, જાસૂસ તો નહીં ?” નવરોઝે ઘોડાપરથી હુકમ કીધો.
“એ મરાઠેણ છે ને ભયથી વિભ્રાંત થઈ ગઈ છે. કાલે તે શહેરમાં ફરતી હતી, ને લાલા જેવી જણાતી હતી;” એક કણબી સિપાહે જણાવ્યું.
“પનાહ અય સરદાર પનાહ! મયઁ ગરીબ હું, મયઁને કિસીકા કુછબી બિગાડા નહીં હય. ઔરત જાતકો મારના તુમ્હકું લાજિમ નહીં.” ભયથી મૂક્ત થતાં થરથર ધ્રુજતાં, બેસતા અવાજે રમા હિંદુસ્થાનીમાં બોલી.
“તુમ જાસુસ ન હોગી તો હમ તુમકો બચાયેંગે;” નવરોઝે કહ્યું, “સચ બોલના, ઝૂટ બાત મત કરના. તું કહાંસે આઈ, કિધર જાતીથી, ઔર કામ કૌનસા થા?”
“મહારાજ ! મયઁ ગરીબ ઔરત અહમદનગરકી રહેનેવાલી હું. શિવાજી મુઝે પકડકર ઇધર લે આયા હૈ, ઔર મયઁ કલ શહેરમે દેખનેકો ગઇથી, વહાંસે યે બદબખ્ત મુઝે પકડકર શિવાજીકે પાસ લે જાતાથા. મયને ન લે જાનેકા બહોત સમઝાયા, લેકિન મેરા કુછબી સુના નહીં, ઔર યે નતીજા પાયા. યહી મેરી જિંદગાનીકી હકીકત હય". રમાએ કહ્યું.
“તેરી મરજી શિવાજીકે પાસ જાનેકી હય ?”
“મહારાજ ! આપકી કુછ કરમ બખશીશ હોવે તો વહાં સલામત પહોંચા દેના, જાકર બહોત તારીફસે શિવાજીકો કહુંગી કે જૈસા મરાઠા બેરહેમ હય, વૈસા બેરહમ મુસલમાન નહીં. મરાઠેને મુઝે ગુલામ બનાઈ, લેકિન મુસલમાનને આજાદી દેદી.”
“હમારે નવ્વાબ આલીશાનકી શાનકે ખાતિર એક ઔરત જાતપર એહસાન કરના કોઈ બડી બાત નહીં.” મેાતી કે જે આ ગડબડ થતી સાંભળીને પાસે આવી લાગી હતી તે બોલી, “અય હસીન ઔરત, જાકર ઉસ શયતાન ખસ્લત શિવાજીકો કહ દેના કે, તૂને જિસ હવયાનીયતસે હમારી ગરીબ રેયાયાપર જુલ્મો સિતમકા બારિશ બર્સાયા હય, વયસા કમીનાપન હમારે હાથેાસે હોનેવાલા નહીં. ઈસે પહોંચાને કૌન પહલવાન જાયગા ?”
“બન્દા તૈયાર હય. અગર નવરોઝકા ફર્માન હો, તો ઔર દો સિપાહોંકે સાથ મયે શિવાજીકે પાસ જાઉં ઔર ઇસ નાજનીનકો બે ખૌફ મરહટ્ટોંકી છાવનીમેં પહોંચાઉં.” પેલા પાંચમા નવા સરદારે એકદમ આગળ વધી આવીને કહ્યું. મેરી જિન્દગીકી આપ કોઈભી ફિકર ન કરો બન્દેકા હાફિજ પરવરદિગાર હય – મેરી તલવાર આબદાર ઔર હાથ જોરદાર હય !”
ચાર માણસની ઘોડેસ્વાર ટૂકડી મરાઠાની છાવણી તરફ આવવાને નીકળી. સઘળા પ્રજારક્ષક સૈન્યના યોદ્ધાઓ આ તમાશે જોઈ રહ્યા ને શું બનાવ બન્યો છે, તે જાણવા માટે ગણગણાટ કરવા લાગ્યા.
જે ક્ષણે શિવાજી મહાદેવ ને ભવાનીને ભાવથી ભોગ આપી, ભાવીનો ખ્યાલ કરતો બહાર આવ્યો, તે જ ક્ષણે આ ટૂકડી આવી. પહોંચી, મરાઠો સિપાહ બંદુક લઈને ઉભો હતો, તેની નજીકમાં જતાં તે બૂમ મારી ઉઠ્યો: “કોણ આવ્યું છે ?”
“માશાઅલ્લા આદમકે બચ્ચે;” પેલા સરદારે કહ્યું, એટલામાં જાણે ઘેરી લેતા હોય તેવા વેશમાં સૌ મરાઠા ભેગા થઈ ગયા. તે આ નવા મુસલમાન જવાન સરદાર તથા એક ઘોડેસ્વાર સ્ત્રી, જેનું મુખ બુર્કાથી ઢંકાયલું હોવાથી તેઓ જોઈ શક્યા નહિ તેનું સામૈયું જોઈને એમ જ માન્યું કે કંઈ સલાહ માટે આવતા હશે, તેથી આસપાસ ફરી વળ્યા.
“વાહ ! કેવો સરસ ઘોડેસ્વાર છે ?” કંથાજી ભેાસલેએ કહ્યું; “એનો ભપકો તો ભારી છે.”
રમા આ વખત કાંઈ બોલવા જતી હતી, પણ તે શું થાય છે તે જોવાને ઇંતેજાર હતી તેથી અબોલી રહી ને તેથી નવા મુસલમાન સરદારને ઘણું જાણવાનું બન્યું.
“તમે કંઈ સંદેશા લાવ્યા છો ? તમે જાસુસનું કામ કરનાર છો કે કોઈ સરદાર છો ? તમારો નવાબ આજે અમારી સાથે લડાઈ ચલાવવા માગે છે કે સલાહ કરવા ? જો આવા કોઈ સંદેશા માટે આવ્યા હો તો તેમને શિવાજી ઘણી સારી રીતે માન આપશે.” અગાડી આવેલા હરપ્રસાદ નાગર સરદારે મુસલમાન સરદારને પોતાની નજીકમાં આવેલો જોઈ પૂછ્યું.
“હમ કુછ હમારે નવાબકે હુકમસે તુમ્હારે લુંટેરે સરદારકો મિલ્નેકે લિયે નહીં આયે હય. આપકી કોઈ કીમતી ચીજ કલસે હમારે શહરમેં ગુમ હો ગઈથી ઔર વો ચીજ તુમ્હારે મરહટ્ટે કુત્તોંકે બહોત ખેાજનેપરભી હાથ ન આઈ. વો અમાનત તુમ્હારે સરદારકો દેનેકે લિયે હમારી તશરીફયાવરી હુઈ હય. હમે તુમ્હારે સરદારકે પાસ લે જાઓ; ક્યોં કે, વો ચીજ ઉન્હેંહી રૂબરૂ દેનેકા હમારે આલી નવ્વાબકા ખાસ ફરમાન હય.” “ક્યા હમકો કુત્તે કહતા હય ! શયતાન, સુવર, કાફિર !” એકદમ ગભરાવી નાંખે તેવા આસપાસ ઉભેલા મરાઠાઓએ દાંત કચકચાવી પોકાર કીધો - “એકદમ આ સોમનાથને નાશ કરનાર શેતાન સુવરને કાપી નાંખો-” તરત એકદમ પાંચપચાસ તરવાર મ્યાનમાંથી બહાર ઝગઝગી રહી.
“ઓ રહજન, ડાકૂ, હલાકૂ ! તૂ અપને દિલમેં ક્યા જાનતા હય બહાદુર મુસલમાનકોભી પહચાનતા હય ? અગર હિમ્મત હય,તો એક એક કરકે મયદાનમેં આજાઓ. વલ્લાહ. તલવારકા વો વાર કરું કે એકહી વારસે ફિન્નાર કરું !” એમ બોલતા સાથે મરાઠાઓ સામા ત્રાટ્ક્યા. તરવાર તુરત જોસમાં મ્યાનમાંથી નિકળી ને તે જોઈ સઘળાઓ સ્તંભ રહ્યા. આ સ્થળે મોટું યુદ્ધ થતાં પહેલાં નાની ઝપાઝપી થાત, ૫ણ હરપ્રસાદે વારીને સૌને અટકાવ્યા.
“ક્યા હય ?” હરપ્રસાદે પૂછ્યું,
“કુચ નહીં” તે સરદારે જવાબ દીધો. “હમકો તુમ્હારે સરદાર પાસ લે જાઓ. હમ ઔર કઈ બાત સુનના નહીં ચાહતે.” આ નવો મુસલમાન સરદાર હંમેશાં જેટલો બહાદુર ને શૂરાતન ને પુરુષાતનવાળો હતો, તેના કરતાં વિશેષ આજે બન્યો હતો ને તે ધારે તે કરતાં પણ આજે તેનામાં જુસ્સો વધારે આવ્યો હતો. મરાઠાઓની રીતભાત ધર્માંધપણું ને બહાદુરી આદિના રહસ્યને તેણે માત્ર રસ્તાની પાંચ મિનિટની રમાની વાત પરથી જાણ્યું હતું, ને તેનો જ લાભ લીધો હતો. તેણે શત્રુવટ બતાવી નહિ, પણ બહાદુરી બતાવી; તે લડવા તૈયાર હોય તેના કરતાં મરવાને વધારે હતો. પોતાના બે સાથીઓને સાનમાં જણાવ્યું કે, મારવા કરતાં મરવાને તત્પર રહેજો ને લડવાના વખતની તૈયારી કરી તે કરી બતાવવાને વધારે તૈયાર રહેજો. તેઓ આ બરાબર સમજ્યા હતા.
જે અપમાનવાચક શબ્દો મુસલમાન સરદારે કહ્યા હતા, તે મરાઠાએાના કાળજામાં કોતરાઈ ગયા હતા, ને તેથી તેઓ તેનું વેર લેવા તત્પર હતા. પણ હરપ્રસાદે વાર્યા તેથી લગાર થોભ્યા, છતાં મન ભરાયું નહિ. બે ઘેડેસ્વાર કે જેમનામાં મરાઠી લોહી, પૂરતા જોસમાં દોડતું હતું તેઓ પોતાના ઘોડા દોડાવી, છલંગ મારતા અગાડી આ ચાર સામા પક્ષના યોદ્ધાની સમક્ષ આવીને ગર્જના કરતા બોલ્યા:-
“કોણ પહેલવાન અગાડી છે કે આ સુવરને મારવામાં સામેલ થાય ? જય મહાદેવજીકી ! હર ! હર ! મહાદેવ ! માતા ભવાનીનો જય !” એમ બોલી તેમણે તરવાર ઉંચકી.
આવા ભયની આશા નવા સરદારે રાખી હતી, પણ આટલી જલદી નહિ, પરંતુ સમય જોઈ, જેમ સિંહ ઘુરકે તેમ તે ઘુરક્યો, ને પોતાનો સંદેશો લાવેલો પોતાને ઠેકાણે રહી ગયો. મનમાં જે ધારેલું હતું તે પણ અમલમાં આવે તેમ જણાયું નહિ. તે પોતાની લગામ ખેંચી પકડી ઘોડાને, જે એક ઘણો સરસમાં સરસ આરબી ઘોડો હતો, ને જે પોતાના સ્વારની સઘળી ઈચ્છા પ્રમાણે વર્તી શકે તેવો હતો, તેને પાછા હટવાનો હુકમ કીધો ને પોતાના બે સાથીની સાથે જોડાયો. પછી તેણે પ્રત્યુત્તર દીધો -
“સુવ્વરકે બચ્ચે, ખુદા ઔર મહમ્મદકે નામકે ખાતિર અભીકા અભી તુઝે આબાદ શયતાનકે દરવાજે તક પહુંચાઉંગા, ચલા તેરી સમશીર !”
બે મરાઠા કંઈ પણ ડગ્યા વગર સ્થિર રહ્યા ને જવાનનાં તોર, જોર ને સીનો જોઈ સૌ ખડખડ હસી પડ્યા. “આટલી ત્વરાની શી જરૂર !” મુસલમાન સરદાર સામે તાકીને જોઈને તે દક્ષિણીઓ, જેમાં તાનાજી માલુસરે પણ એક હતો તેણે કહ્યું, ને પોતાનો ઘોડો આગળ વધતો હતો તેને અટકાવીને ફરી બોલ્યો: “બેશક, જનાબ, આપ બડે અમીર સીનેદાર સરદાર હોંગે. લેકિન ઇસ વક્ત તુમ એક સિપાહી હો, ઔર મયં એક સરદાર હું, ઈસ લિયે એક સરદારકો સિપાહી બચ્ચે કે સાથ લડના લાજિમ નહીં હય. કોઈ મુગલ સરદાર મેરે સામને આ જાતા, તે મયં અપની શમશીરકા ઉસે બરાબર મજા ચખાતા - જીતેહીજી બાગે રિજવાં દિખાતા.” “જે હું છું તે છું જ, તેમાં લેશ માત્ર પણ ફેરફાર થવાનો નથી. મને તું તારી બરાબરીનો નથી ગણતો પણ યાદ રાખ કે મારી સાથે તું લડવાને લાયક જ નથી. મારી સત્તા ગ્યાસુદ્દીન રૂમી કરતાં વધારે છે.” આ પ્રમાણે વાણી ફેરવી તે સરદાર બોલ્યો અને મરાઠાને વધારે વિસ્મય કરી નાંખ્યા.
“ત્યારે તારે શું જોઈએ છે ને શા માટે આ અમારી છાવણીમાં આવી પહોંચ્યો છે ?” તાનાજીએ મરેઠીમાં જ તે મુસલમીન સરદારને પૂછ્યું.
“તે લૂટ કરનારા શિવાજીને આ નગરની ભેટ આપવા માટે !”
રમા ગુસ્સામાં હસી પડી; પણ તે ભેદ તાનાજી અંધારાને લીધે સમજી શક્યો નહિ.
“હું ઘણી ખુશી સાથે તમને મહારાજની મુલાકાત કરાવીશ ને તમારા અપમાનના શબ્દો વિસરી જઈશ.”– આટલું બેલતાં; તાનાજી મનમાં સમજ્યો કે, આ કોઈ જેવો તેવો સરદાર નથી.
બંને જુવાનો શિવાજી, જે તંબુમાં બેઠો હતો ત્યાં જવા લાગ્યા. રસ્તામાં મુસલમાન સરદારની પદવી જાણવાની જિજ્ઞાસા થઈ, તેનો જવાબ મુસલમાન સરદારે એટલો જ દીધો કે “વખત આવશે ત્યારે મારી પદવી જણાશે. હમણાં કહેવાની જરૂર નથી.”
તંબૂમાં પ્રથમ તાનાજી દાખલ થયો.