શિવાજીની સુરતની લૂટ/મહારાજ શિવાજીની માટી કચેરી
← દુમાલનું મેદાન | શિવાજીની સૂરતની લૂંટ મહારાજ શિવાજીની માટી કચેરી ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
દ્વંદ્ધયુદ્ધની માગણી → |
શિવાજીની કચેરીમાં જવાનો સમય આવતામાં પ્રાતઃકાળ થયો. પૂર્વમાં ઝળઝળાટ મારતો દિનકર પોતાના પહેરાપર હાજર થયો ને સર્વને જાગ્રત કીધા. મરાઠાઓ થોડા ધણા જોરમાં આવ્યા કે, હવે વખત ઘણો સારો છે. પ્રજારક્ષક સૈન્યના સરદાર ને લશ્કર જરા કચવાયા કે સારો વખત વહી ગયો ને 'અણી ચૂકયો સો વર્ષ જીવે' તેમ હવે મરાઠાની માઠી ગ્રહદશાનો વખત ગયો. તથાપિ નવરોઝ ને મોતીબેગમ, બંને ઘણા જુસ્સામાં હતાં ને તેઓ નરમ પડેલા સૈન્યના માણસોને ઉશ્કેરવાને પૂરતા ઉમંગથી કામ કરતાં હતાં.
મરાઠા સરદારો અવ્યવસ્થિત હતા તે વ્યવસ્થિત થયા. તેઓએ પોતાના લશકરને પાકી હરોલમાં મૂક્યું. હરપ્રસાદને પોતાના વેરની ખુમારીની ધુન હતી ને તાનાજી માલુસરેને મોટી પદવી મેળવવાની આતુરતા હતી; તેથી બંને એક વિચારના થયા નહિ. પણ મરાઠા ગીધ પેઠે તમતમી રહ્યા હતા કે કયારે શબ પડે કે તેને ખાઈ જઈએ. તેઓનો ઉમંગ, તેઓની વંશપરંપરાની વૃત્તિ, તેઓનાં કામકાજ સર્વ રીતે આશ્ચર્ય પમાડે તેવાં હતાં ને તેમાં તેઓ ચૂકતા તો ઘણી મોટી ભૂલ કરતા હતા. તેઓનો આ વખત ભૂલોથી ભરેલો હતો. જે મુસલમાન સરદાર તેઓની છાવણીમાં આવ્યો, તેને ત્રાસ વર્તાવવા એકદમ પહેલે સપાટે કાપી નાંખ્યો હોત તો ખરેખર અડધી ફતેહ ઘણી જલદીથી મેળવત. પણ ગણિકાના સ્વરથી મોહિત થઈ તે દાવ ચૂક્યા ને પાયમાલીમાં જતું સુરત બન્યું.
આપણા પહેલવાન સાથે પાંચ જણ તંબુમાં પેઠા કે, પહેલવાને આસપાસ પોતાની સલામતી ને શત્રુની રીતભાત તપાસી લીધી. મરાઠા લૂટારાનો તંબુ હીરા, માણેક, સોનું રૂપું વગેરેથી ઝગઝગી રહ્યો હતો. વચોવચ જે સ્તંભ હતો, તેનાપર ભગવો ઝુંડો જે મરાઠાનું રાજ્યચિહ્ન છે, તે ફરફર હવામાં ઉડતો હતો. વચલા સ્તંભની બાજુએ બીજા ઓરડામાં જવાના માર્ગ હતા. આવવાનો રસ્તો પશ્ચિમથી હતો. દક્ષિણ મુખથી શિવાજીની કચેરી ભરાઈ હતી. પાંચ દશ નાના સરદારો બેઠેલા હતા ને બે પહેલવાન મહારાજના રક્ષણ માટે ભાલા ખુલ્લા મૂકીને પહેરો ભરતા હતા. ગામોજી નાયક, શિવાજીની માનો કાકો, જાદોરાવ, ચંદરરાવ મોરેનો ખુની રાધો બલ્લાળ કેટલાક માવલા આસપાસ બેઠા હતા. તેઓ ત્રણ મુસલમાન સરદાર એક સ્ત્રી ને એક મરાઠાને સાથે આવતા જોઈ ચકિત થયા. આ સરદારો હવે મુસલમાન સાથે શું કરવું, તેનો વિચાર કરતા હતા.
મુકામ માટેનો તંબુ, જે આવી લૂંટફાટને વખતે પણ ઘણો અચરજ શણગારેલો હતો, તે જોઈને મુસલમાન પહેલવાનને આશ્ચર્ય લાગ્યું. એક બાજુએ થોડીક લૂટનો ઢગલો હતો તે જોઈને તેના મગજમાં વેરનો ધુવો ભરાયો. સુન્નેરી કસબનો ગાલીચો બીછાવ્યો હતો, ને તેમાં સુન્નેરી કસબના ઉંચા કસબી કામથી ભરેલાં ફુમતાં ઝુલતાં હતા. મરાઠાની અહમદનગરની કેટલીક લૂટમાંથી જે સારો માલ હતો. તે વાપરવા માટે આ સરદારે પોતાની સાથે રાખ્યો હતો. બિછવાની તથા સરદારને માટે ઉત્તમ પાણીદાર તરવારનો એક ઢગલો બાજુમાં પડેલો હતો, એક બાજુએ નગારખાનું હતું ને ત્યાં બે પહેરેગીરો ચોકી કરતા ખડાજ હતા. તેઓની પાસે રૂપાના હાથાવાળાં ખંજર ઘોડેસ્વાર માટેનાં હથિયાર પડેલાં હતાં. ગામોજી નાયક, પોતાના ડાચામાં દોઢ શેર પાન સોપારીનો ડુચો ભરીને હલાવ હલાવ કરતો ને મોંમાંથી “પચપચ” પીચકારી મારતો. તે વખતનો તેનો દેખાવ જોઈને બીજા ઉભેલા ને ફરતા પહેરેગીરો હસી, બાજુએ મોં ફેરવી નાંખતા હતા એ ડોસો ગમે તેવો વૃદ્ધ છતાં પણ કાળાં કર્મ કેમ કરવાં, તે બતાવી વારંવાર શિવાજીને યુક્તિપ્રયુક્તિથી પ્રસન્ન કરતો ને તેથી શિવાજી તેને “દાદાજી દાદાજી” શિવાય બેાલાવતો નહિ, અને ત્યારે ફુલાઈને, બીજા હસનારાને કહેતો કે “બેટ્યાનો ! આહ્મી જે કેલે ત્યાચા શતાંશ દેખીલ તુમચ્યાને હોણાર નાહીં!” એ બોલતાં એનો આજુબાજુનો દેખાવ કંઈ વિચિત્ર જ દેખાતો હતો કે જેની નકલ માત્ર ઉત્તમ શક્તિનો વિદૂષક જ કરી શકે. પ્રાચીન રિવાજ પ્રમાણે એ ડોસો, બારીક બખિયાથી સીવેલો ઉંચી મલમલનો જામો પહેરતો; માથે સફેદ પાઘડી, જે વારંવાર માથાપર બરાબર બેઠી છે કે નહિ તે તપાસતો ! તેના હાથ પર બંને બાજુએ બાજુબંધ તો ખરાજ - જે ભાગ્યે જ દુઃખી અવસ્થામાં આવેલો વૃધ્ધ પુરુષ પહેરવાને ઇચ્છા કરે. એ ડોસાના મનમાં એવું ગુમાન હતું કે, તેના જેવો ઘોડેસ્વાર, પેદલ લશ્કરની સરદારી કરવામાં બીજો કોઈ નથી, ને ખરેખર તેના જેવો “નાઝાબાજી” “બિછવા” નો પ્રયોગ ને “સમશેર”ની લડત કરવામાં તે કાળમાં મરાઠા કે મોગલમાં કોઇ જ નહોતો.
શિવાજીની બીજી બાજુએ રાધો બલ્લાળ બિરાજતો હતો. જુવાનીના જુસ્સાની માફક કર્મ કરવે, અવિચારી એવો એ સરદાર તો કાવત્રાંબાજ, વિષયી અને ગોત્રદોહીપણાથી એ સરદારના મોંપર દેખીતી જ કાળપ આવી ગઈ હતી. તેથી જો કે પોતામાં શક્તિ છે, પોતે એક મોટો સરદાર છે, પોતાપર શિવાજીનો ચાહ છે તથાપિ એના પાપી અંતઃકરણને કશા થી કળ વળતી નહોતી. વિષયી એવો જ્યાં જાય ત્યાં; પછી તે ગમે એટલી વિકટ હોય કે શાંતિની સવારી હોય તો પણ પોતા સાથે બે ગણિકાઓ તો ખરી જ. સવારના નહાતી વેળા તેલમર્દન આ નાયિકાઓ કરે ત્યારે જ પોતાને જંપ વળે. એવા નિર્લજજ માટે વિશેષ શી ઓળખ આપવી ? મૂછપરનો મૂછપરજ હાથ રહે ને શિવાજીનો વહાલો થવા માટે મિથ્યા પ્રશંસા કર્યા કરતો હતો. છતાં એ ભલો ને દયાળુ એટલો હતો કે, કોઈએ આર્જવતા કીધી તો પાસે હોય તે સઘળું આપી દેવામાં લગાર પણ નહોતો વિચારતો. ધાકાની મલમલ કરતાં સૂરતી કીનખાબનો ડગલો પહેરવાનો એને ઘણો શોખ હતો. એનો ડગલો બબે હજારનો થતો હતો. પણ જો દરજીએ કંઈ ડગલામાં ખામી રાખી તો તેનો જીવ લેવો બાકી રાખતો. ડગલાના સઘળા પૈસા તેની પાસેથી ભરી લઈ તે ડગલો કોઈ અંધપંગુને દાનમાં આપી દેતો, ગુલખાર રંગનો ચંદેરી ફેંટો ને ડોકમાં ઉત્તમ પ્રતિનાં મોતીની માળા પહેરીને એ આજે બેઠેલો હતો ત્યારે એના મનમાં એટલી ફિકર પણ નહોતી કે, આ બારીક વખતમાં સરદારી કેમ થશે.
દક્ષિણમાં ઉગતો પ્રતાપી સૂર્ય આ વખતે એક સુંદર ખુરસીપર બેઠેલો હતો. તે ઘણા વિચારમાં ગુંથાયો હતો. જેને અતિ મોટો લોભ, જેની અતિ મોટી તૃષ્ણા ભ્રષ્ટ થવાની અણી પર આવી હતી તે ગુંચવાય એમાં આશ્ચર્ય શું છે ? શિવાજી લોભી, વહેમી, ઘાતકી, દગાખોર હતો, ને તેના વિચાર તેમાં જ ઘૂમ્યા કરતા હતા. તે સાડત્રીશ વર્ષનો જુવાન, બાંધી દડીનો, ઉંચો, ભભકતા કપાળ ને નાકવાળો, ઉપસેલી છાતીથી સીનાભેર, આજાનુબાહુવાળો હતો; કપાળ તસતસતું ને તેજ મારતું હતું; રંગે શામળો, પણ મજબૂત હતો; દૃઢ ઠરાવવાળો ને જુસ્સાદાર હતો, છતાં આ વેળા, તે ગુંચવાય તેવી સ્થિતિમાં હતો. થોડાક સારા સરદારો ચાલ્યા ગયા હતા ને પોતે ઉપડવાની તૈયારીમાં હતો. તેવામાં આ અચાનક મામલો બગડી ગયો. પોતાની ભરાયેલી કચેરીમાં પ્રથમ વાતચિત થઈ હતી કે, કેવી યુક્તિ રમવી ? દાદાજીએ પાછા જવાનો વિચાર બતાવ્યો, તે ન રુચવાથી આ વખતે મહારાજ નવો ઘાટ ઘડવા મંડેલા હતા. શરીરપર ઉંચી કાશ્મીરી સાલનો ડગલો પહેરેલો હતો, ને ટાઢને લીધે તેપર બુટ્ટાદાર શાલ ઓઢી હતી. માથે મંદિલ બાંધ્યું હતું ને તેની જમણી બાજુએ મોતીની સાત સેર કાનને અડીને લટકતી હતી; પાઘ બાંકો હતો; પાયજામો પણ કસબી કોરનો ભરેલો હતો; જમણા હાથપર જીનીવાના પાણીની લાંબી તરવાર મ્યાનમાં પડેલી હતી, જે ભાગ્યે જ વાપરવામાં આવતી હોય તેવી જણાતી હતી; કેમકે મ્યાનના દોરાના બંધ મજબૂત બેઠેલા જણાતા હતા. શિવાજી આ વખતે તો વિચારમાં એવો તલ્લીન થઈ ગયો હતો કે, તેને આસપાસ શું થાય છે ને કોણ કોણ છે તે જરા પણ સૂઝતું કે જણાતું નહોતું. માત્ર એક બાજુએ પડેલો એક ઘણો ઉંચો તેમ પૂરતા જવાહીરથી મઢેલો હીરાનો ડગલો લુટમાં આવ્યો હતો તેનાપર એની નજર ફર્યા કરતી હતી. કોઈ કવિ એવી પણ તેથી કલ્પના કરી શકે કે, તેના મનમાં એવો વિચાર આવતો હોય કે આનું શું થશે ! ને હશે પણ તેમ જ. મોટી લૂંટની આશા ભંગ થવાનો આ વખત નજીક હતો. આ વખતે તે નિ:શ્વાસ મૂકતો, તેથી તેની મોટી ભરાઉ મૂછો શ્વાસના જોરે ઉડતી હતી. એ ઉપરથી એની વૃત્તિ કળી શકાશે.
પ્રથમના દરવાજામાં પેસતાં જ એક નેઝાદારે આપણા પહેલવાનને અટકાવ્યો, કેમ કે માલુસરે અગાડી ગયેા હતેા.
“થોભ ! કોણ છે ? કોની પાસે જાય છે ?” નેઝાદારે પૂછયું.
“કોણ રે ? એ કોણ આવ્યું છે ?” જમાદાર જનકોજી, જેની દુંદ ઘણી વધેલી હતી તે ધીમે ધીમે પેટ પંપાળતો અગાડી આવ્યો ને પૂછ્યું, “વિકોજી, એ કોણ છે ?”
“જમાદાર સાહેબ ! એ કોઈ સરદાર છે; તે આ બાઈ સાથે મહારાજને મળવાને શહેરમાંથી આવેલો છે.” વિકાજી સીપાઈએ બડા મેાટા દબદબાથી જમાદારને સલામ કરીને જવાબ દીધો.
“હં ! એ મ્લેચ્છ સરકારની હજુર જવા માંગે છે ! કેમરે તારામાં અક્કલ છે કે નહિ ?” જમાદારે પોતાનો ઘાડો ખોખરો અવાજ કાઢી સિપાઈને દમ ભરાવ્યો, “એ કાફર ત્યાં જઈને કંઈ નવું જૂનું કરે તો શું થાય તે જાણતો નથી ? એ તુરકડો ત્યાં જઈને શું કરશે ?"
એ સાંભળતાં જ નવા પહેલવાનનું લોહી ઉકળી આવ્યું. દરવાજામાં પેસતાં જ આ તકરારથી તેણે તલવાર ખેંચવાનો વિચાર કીધો, પણ પોતે જે કામસર આવ્યો હતો તે કરવાનો પૂરતો વિચાર હોવાથી જુસ્સાને દબાવી આ બીજા વિઘ્નને પાછું વાળવાના ઠરાવથી અબોલ રહ્યો. પણ આપણા ઈકડે તીકડે મીરચી ખાંઉની લુલી હાથમાં ઝાલી ન રહી. તેણે આ પહેલવાનને કોઈ હલકો તુરકડો સમજી પાછી લુલી ચલાવી.
“અયે કાફર ! કોણ લોંડી સાથે લાવ્યો છે ? સરકારને પોતાની બઈરી ભેટ આપવા આવ્યો છે કે ? વાહ ! વાહ! અચ્છી ભેટ લાવ્યા મિયાં સાહેબ ! મિયાં તમે કોણ છો ?”
“તુમ્હારા બાવા !” ઘણો ગુસ્સો ચઢવાથી તપી જઈને પહેલવાને રોબમાં જવાબ દીધો. “હમકો નહીં પયચાના સુવર, ક્યા ટિક ટિક કરતા હૈ ?”
“શયતાન ચુપ રહો !” જમાદારે દમામમાં જવાબ દીધો. “બહુ કરશે તો હમણાં કાપી નાંખી સુવરને ખાવાને આપીશ.”
“હરામજાદે, જિયાદા ગુસ્તાખાના કલામ મુંહસે ન નિકાલ - વર્ના ખીંચ લુંગા ખાલ!” આમ કહી તેણે પોતાની સમશેર ઘા કરવાને ઉગામી.
“ખામોશ ! ખામોશ !” કચેરીમાંથી અવાજ આવ્યો ને તુરત જાદોરાવની નજર ટંટાપર પડી હતી તે ઉઠીને દરવાજાપર આવ્યો. તાનાજી એ વખતે કંઈ કારણસર તંબુ બહાર ગયો હતો. શિવાજી, દાદાજી, રાધો બલ્લાળ તથા બીજાઓ તે શું છે, તે જાણવાને આતુર થયા.
“એ શું તકરાર છે દફેદાર ?” જાદોજીએ પૂછ્યું.
આ વખતે શું થાય છે તે પહેલવાન, તેના બે સાથી ને રમા બાજુએ ઠરીને જોવા લાગ્યાં.
રમાની મરજી આ વેળા એમ થઈ આવી કે, શિવાજીને જઈને ચકિત કરી ટંટો મટાડવો, પણ મન મારી તે પાછી હઠી કે “ફરતા ફરતી છાંયડી” ના રંગ જોવા.
“એ શી તકરાર છે દફેદાર ?” જાદોજીએ પૂછ્યું, “એ કયા સરદાર સાથે વાતચીત કરી હમણાં તું નકામી ખટપટ ઉભી કરે છે? નથી ખબર કે કેટલા રોકાણમાં પડીને કામ કરવાનું છે તે ? વખત વિચારવો અને કામ કરવું તે તમો જાણતા નથી. મહારાજ કેટલા વિચારમાં પડ્યા છે ને હવે કેમ રક્ષણ કરવું તેના ઘોટાળામાં પડ્યા છે ત્યારે તમે માંહોમાંહે લડવા તૈયાર થાઓ છો ! પરમેશ્વર પાસેથી રસ્તો માગ કે આમાંથી બચાવે !” આ પ્રમાણે પ્રથમ દફેદારને દમ ભીડાવ્યા પછી પૂછ્યું:-“શી તકરાર છે ?”
“મહારાજ, કંઈ નથી. આ કાફર મહારાજ હજુર કંઈ ભેટ આપવા આવે છે. તે ઘણીક રીતે મહારાજને અપમાનવાચક શબ્દથી હીણતો બોલે છે, તે આ સીનામાં કેમ ખમાય ?” પોતાનો જય થયો હોય ને જાદોરાવ ઉપર કંઈ અસર થઈ હોય તેમ પાછો ગર્વથી ફુલાઈને તે બેાલ્યોઃ-“મહારાજનો જય થાઓ, પણ આ કાફરને અબઘડી કાપી નાંખ્યા વગર મને જંપ વળવાને નથી,” પાછું મેાં પહેલવાન તરફ ફેરવી કહ્યું કે-“કમબખ્ત ! તારા ખુદાને યાદ કર. હવે આ ઘાથી તું તારાં બચ્ચાં કચ્ચાંને મળવા પામવાનો નથી.” - એમ બોલતાં તરવાર ઉંચકાય નહિ તો પણ ઉંચકી.
“સંભાલ ! હરામજાદીના ! આજે બચ્યો તો તારું નસીબ, પણ એક ઘા ખાલી જનાર નથી !” આમ કહી પહેલવાને જેવી તલવાર મારવાને પટો કીધો કે વચ્ચે જાદોજીએ ઢાલ ધરીને તેપર ઘા ઝીલ્યો, નહિ તો દફેદાર પોતાના પૂર્વજ સમીપ પહોંચ્યો હોત.
“તૂ એક બારબરચા ! મગર અબ બચનેવાલા નહિ. ઔર તુઝે કોઈ બચાનેવાલાબી નહીં રહેગા !” અાંખમાં ખૂન વરસાવી સૂરતી સરદારે પાછી તરવાર ઉચકી.
“ખામોશ ! પહેલવાન ખામોશ ! તેરે લાયક એ ખૂરાક નહીં. શેરકો લડના શેરકે સાથહી હોતા હય, ભેડિયે કે સાથ નહીં.” પહેલવાનની યુક્તિ પ્રયુક્તિ ને તેની સમશેરબાજી જોઈને ચકિત થઈ, જાદોરાવે સમય સાધ્યો. તેણે જાણ્યું કે આ જેવો તેવો નર નથી, કોઈ માઈનો પૂત છે ! અને આ નકામા ટંટામાં વખત જવાથી એ સરદારનો ખરો ભેદ શું છે તે માલુમ પડતો અટકી પડશે; અથવા તેણે એમ પણ ધાર્યું કે કોઈ પ્રપંચી માણસ હશે તે દાવપેચથી આ ટંટામાં નાંખવા આવ્યો છે, ને તેનો લાભ લઈ શહેરમાંનું લશ્કર ટૂટી પડશે તો ઘાણ બગડી જશે; માટે પોતામાં જે વિનય હતો તેનો લાભ લીધો.
“દરીયા-એ-હાફેઝ, તલવાર મ્યાન કરો, ઔર કુછભી કહના હો વો મહારાજકે રૂબરૂ આકર કહો !” જાદોજીએ નમ્ર વેણે પહેલવાનને શાંત કીધો. જોકે જાદોજી કંઈ ઉતરતી શક્તિનો નહેાતો; તે આપણા પહેલવાનને બર જાય તેવો હતો.
કોઈ પણ ટંટાનો નિવેડો આણવાને આવા જ માણસોની ઘણી જરૂર છે. એને સમજાવી પટાવીને કામ કાઢી લેવામાં ઘણી શાંતતા, ઘણી ધીરજ, ને સમયસૂચકતા સાથે ધીટતા ને નિડરતા પણ જોઈયે. કામ કાઢી લેનાર માણસે પ્રથમ સામા પક્ષનો ભેદ જાણવો અને પછી કંઈ પણ જવાબ દેવો. તે વગર પોતે પોતાનું પણ બગાડે ને પારકાનું, પણ બગાડે છે. દફેદાર, મોટી વાત કરનારો હતો, પણ લડવામાં કંઈ નહોતો, તેથી જો આ વખતે જાદોજી આવ્યો ન હોત તો તેના રામ રમી જ ગયા હતા, અને તે કલહમાં પડત તો તેનું પરિણામ શું આવત તે કહી શકાય નહિ. કદાપિ પ્રજારક્ષક સૈન્યના ઉપરી દાવ સાધીને ટૂટી પડત કે મરાઠા શૂરભેર દોડ્યા આવીને શહેરનો નાશ કરત! આ તુરતના આવતા નાશને જાદોજીએ અટકાવ્યો ને મોટો વિનય વાપરી પહેલવાનને શાંત કીધો.
“હજરત, આપકી મુલાકાતસે મહારાજ બહોત ખુશ હોંગે આપકી આમદ મુબારક હોં ! યે દફેદાર આપકે સામને ખડા રહેનેકે ભી લાયક નહીં, ઔર ઇસપર તલવાર ચલાના નારવા હય. શેર કભી ભેડિયેકા મુકાબલા કરને પર આમાદા નહીં હોતા.” “અબ ઇસે મારના હરામ હય, મયઁ ગોકે આપકો નહીં પયચાનતા, તાહમ આપકી ગુપ્તગુસે ઈત્ના ક્યાસ જુરૂર હો સકતા હય કે, આપ કોઈ લાયક ઔર આલી ખાન્દાન હયઁ. અય દોસ્ત ! મહારાજસે આપ જાકર ઇતના કહ દેં કી મયઁ આપકે લીયે એક ઉમ્દા તોફા લાયા હું. હમારી લડને ઝગડનેકી મરજી નહીં. ફિરભી ખામખાં હમારી જાત ઔર હમારે પાક દીનકી કોઈ તૌહીન કરે, તો ઉસ વક્ત હમ ખામોશ નહીં રહ સકતે.”
“આપકા ઈસ્મે મુબારક ઔર આલી દરજા ક્યા હય ?”
“મયઁ જિયાદા ઔર કુછ કહના નહીં ચાહતા. મેરા સિર્ફ યહી મન્શા હય કે, તુમ્હારે ડાકૂ સરદારને હમારી ગરીબ રેયાયોંકો બેસબબ તકલીફ પહોચાઈ હય, તો ઉસે યે બતાના કે જયસા વે બેરહમ સંગદિલ હય વયસા યે મહમદકા નૂરેનજર બેરહમ નહીં.”
“શાબાસ ! શાબાસ ! રાસ્ત હય સરદારને બહોત અચ્છા કહા!” ત્રણે સ્વારો એ “કોરસ” કીધો.
“હમારા નામો કામ જાનનેકી તુમ્હે કયા જુરૂરત હય?” પહેલવાને પાછું બોલવા માંડ્યું. “વે જાનના ઔર ન જાનના તુહ્મારે લિયે યકસાં હય, મયઁ જો ચીજ દેને આયા હું વો ચીજ દેના ઔર રૂખસત લેના, ઇસ્કે ઇલાવા ઔર બાત કરના નહીં ચાહતા. કસમ હય પંજતનપાકકી કે મુઝે ઔર કુછ કામ નહીં. ઔર તુહ્મારે રાજાકે રુબરુ આનેકાભી મેરા ઇરાદા નહીં હય. જબ મયદાને જંગમેં દોન્હો સાહ્મને આ જાયેંગે, ઉસવક્ત બતાયેંગે કે હમ કૌન હયઁ ઔર ક્યસે હયઁ ? મગર જબ ઈસવકત મયઁ પયગામ લાયા હું, તો લડાઈકી બાતેં કરના ફુજૂલ હય.”
“આફરીન ! આફરીન !” રમા સાથે બે સરદારો એ બુમ પાડી.
“તુમ દખ્ખન કે લોગ હમકો કાફિર કહકે બુલાતે હો, મગર દરઅસ્લ કાફિર કૌન હયઁ યે તુમ નહીં જાનતે. તુમ હિન્દુ લોગ અપની જાન ઔર અપને દીનોઈમાનકા બચાવ નહીં કરતે ઔર ગયરોંકો નીંદમેંહી હલાલ કરતે હો - બે ગુનાહ ઔરત ઔર બચ્ચોંકોભી કત્લ કરતે હો. અબ યે કુફ્ર હયઁ યા હમ તુહ્મારી ઔરત કો બચાતે હયઁ યે કુફ્ર હય?”*[૧]
“અમીરુલ્ઉમ્રા ! આપકે સવાલોંકા જવાબ મુશ્કિલ નહીં, મગર આપ મહારાજ:-”
“અરે; જાદોજી, એ શું છે? કોની સાથે ખટપટ કરે છે? અહિં લાવ જે હોય તેને”-તુટક તુટક શબ્દમાં દાદાજીએ જાદોજીને બૂમ મારી પોતા પાસે બોલાવ્યો.
શિવાજી નજીક સઘળા જઈને ઉભા. મહારાજને પહેલવાન જરા પણ નમ્યો નહિ; પણ તેનો તેના સરદારે સત્કાર કીધો. તે પહેલવાન કોણ છે, તેની સામે ટગર ટગર જોતાં મહારાજે વિચાર કીધો, કે આ કોઈ ઘણો હિંમતવાન્ નર છે. તે શામાટે આવ્યો છે, તે જાણવાને શિવાજી ઘણો આતુર થયો.
- ↑ *શિવાજીએ સુરતને ઇ. સ. ૧૬૬૪ માં પહેલી વાર લૂટ્યું ત્યારે તેણે પોતાના માણસોને સખત તાકીદ આપી હતી કે કોઈએ સ્ત્રી બાળકોને રંજાડવા નહિ કે કતલ કરવી નહિ; પણ લુટારાએામાં આવો નિયમ કડક રીતે પળાતો નથી. ઇતિહાસમાં લખાયું છે કે શિવાજીએ લૂંટ વખતે સ્ત્રીઓ, બાળકો, ધર્મગુરુઓ અને ધર્માત્માઓને બચાવ્યા હતા. એક શ્રીમંત વીરજી વોરાના આખા કુટુંબને પાયમાલ કરી તેના ઘરબારને આગ લગાડી નાશ કર્યો હતો, અને બે મુસલમાન ધનાઢ્યોને લૂટી પાયમાલ કર્યા હતા.