શ્રી આનંદધન ચોવીશી/શ્રી સુમતિનાથ સ્વામી

←  શ્રી અભિનંદનનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી સુમતિનાથ સ્વામી
આનંદધન
શ્રી પદ્મપ્રભ સ્વામી →



૫ શ્રી સુમતિનાથ જિન સ્તવન

(રાગ: વસંત - કેદારો - મત કોઈ રમજો સાજન સોગઠે...)


સુમતિચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની,
મતિતરપણ બહુ સમ્મત જાણીએ, પરિસરપણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ... ૧

ત્રિવિધ સકલ તનુ ધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની,
બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની. સુમતિ... ૨

આતમબુદ્ધે હો કાયાદિકે ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની,
જકાયાદિકનો હો સાખી ધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિ... ૩

જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જોત સકળ ઉપાધિ સુજ્ઞાની,
અતીંદ્રિય ગુણ ગણ મણિ આગરુ, એમ પરમાતમ સાધ સુજ્ઞાની. સુમતિ...૪

બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની,
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની. સુમતિ...૫

આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મરિ દોષ સુજ્ઞાની,
પરમ પદારથ સંપતિ સંપજે, આનંદધન રસ પોષ સુજ્ઞાની. સુમતિ...૬