સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૧. પોલાકે ઝંપલાવ્યું

← ૨૦. પહેલી રાત સત્યના પ્રયોગો અથવા આત્મકથા
પોલાકે ઝંપલાવ્યું
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. ‘જેને રામ રાખે’ →


૨૧. પોલાકે ઝંપલાવ્યું

ફિનિક્સ જેવી સંસ્થા સ્થપાયા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ મને હમેશા દુ:ખની વાત રહી છે. એની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હું પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઇ શકશે તે કરીશ ને ફિનિક્સની સફળતા એ જ સેવા ગણીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો. એવું મારા અનુભવમાં મેં ઘણી વાર જોયું છે કે આપણે ઇચ્છીએ કંઇ ને થાય કંઇ બીજું જ. પણ મેં સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે, જ્યાં સત્યની જ સાધના ને ઉપાસના છે ત્યાં આપણી ધારણાઓ પ્રમાણે ભલે પરિણામ ન આવે, તોપણ અણધારેલું આવે તે પરિણામ અકુશલ નથી હોતું ને કેટલીક વેળા ધાર્યા કરતાં વધારે સારું હોય છે. ફિનિક્સમાં જે અણધાર્યાં પરિણામો આવ્યાં ને ફિનિક્સે જે અણધાર્યું સ્વરૂપ પકડ્યું તે અકુશકલ નહોતાં તો હું નિશ્ચયપૂર્વક કહી શકું છું. વધારે સારાં કહેવાય કે નહીં એ વિષે નિશ્ચયપૂર્વક નથી કહી શકાતું.

અમે બધા જાતમહેનતથી નીભશું એ ધારણાથી મુદ્રણાલયની આસપાસ દરેક નિવાસીને સારુ ત્રણ ત્રણ એકરના જમીનના ટુકડા પાડ્યા. આમાં એક ટકુડો મારે નિમીત્તે પણ મપાયો. તે બધા ઉપર અમારી બધાની ઇચ્છા વિરુદ્ધ અમે પતરાંનાં ઘર બાંધ્યાં. ઇચ્છા તો ખેડૂતને શોભે એવાં ઘાસમાટીનાં અથવા ઇંટનાં ખોરડાં બાંધવાની હતી. તે ન થઇ શક્યું . તેમાં વધારે પૈસાનો વ્યય થતો હતો, વધારે વખત જતો હતો. બધા ઝટ ઘરબારવાળા થવા ને કામમાં પરોવાઇ જવા આતુર હતા.

સંપાદક તરીકે તો મનસુખલાલ નાજર જ ગણાતા હતા. તે આ યોજનામાં દાખલ નહોતા થયા. તમેનું રહેઠાણ ડરબનમાં જ હતું. ડરબનમાં 'ઇંડિયન ઓપીનિયન'ની એક નાનકડી શાખા પણ હતી.

બીબાં ગોઠવવાને સારુ જોકે પગારદાર માણસો હતા, છતાં દૃષ્ટિ એ હતી કે છાપું છાપવાની ક્રિયા, જે વધારે વખત રોકનારી પણ સહેલી હતી, તે બધા સંસ્થાવાસીઓએ જાણી લેવી અને કરવી. આથી જે નહોતા જાણતા તે તૈયાર થયા. હું આ કામમાં છેવટ લગી સૌથી વધારે ઠોઠ રહ્યો, અને મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા. તેમને પોતાને પણ પોતાનામાં રહેલી શક્તિની ખબર નહીં હોય એમ મેં હમેશાં માન્યું છે. છાપખાનાનું કામ કદી કરેલું જ નહીં, છતાં તે કુશળ બીબાં ગોઠવનાર થઈ ગયા ને ઝડપમાં પણ સરસ પ્રગતિ કરી, એટલું જ નહીં પણ થોડા સમયમાં છાપખાનાની બધી ક્રિયાઓ ઉપર સારો કાબૂ મેળવી મને આશ્ચર્યચક્તિ કર્યો.

આ કામ હજુ ઠેકાણે તો પડ્યું જ નહોતું, મકાનો પણ તૈયાર નહોતાં થયા, તેટલામાં આ નવા રચાયેલા કુટુંબને મૂકીને હું જોહાનિસબર્ગ નાઠો. ત્યાનું કામ લાંબી મુદતને સારુ પડતું મેલી શકું એવી મારી સ્થિતિ નહોતી.

જોહાનિસબર્ગથી[] આવીને પોલાકને આ મહત્વના ફેરફારની વાત કરી. પોતે આપેલા પુસ્તકનું આ પરિણામ જોઇ તેમના આનંદનો પાર ન રહ્યો. 'ત્યારે હું પણ આમાં કોઇ રીતે ભાગ ન લઇ શકું ?' તેમણે ઊમળકાભેર પૂછ્યું.

મેં કહ્યું, 'અવશ્ય તમે ભાગ લઇ શકો છો. ઇચ્છો તો તમે આ યોજનામાં જોડાઇ શકો છો.'

'મને દાખલ કરો તો હું તૈયાર જ છું.' પોલાકે જવાબ આપ્યો. આ દૃઢતાથી હું મુગ્ધ થયો. પોલાકે 'ક્રિટિક'માંથી પોતાને મુક્ત કરવા શેઠને એક માસની નોટિસ આપી અને મુદત વીત્યે ફિનિક્સમાં પહોંચી ગયા. પોતાના મિલનસારપણાથી તેમણે સૌનાં દિલ હરી લીધાં, ને કુટુંબના જણ તરીકે તે રહી ગયા. સાદાઇ તેમના હાડમાં હતી એટલે તેમને ફિનિક્સનું જીવન જરાયે નવાઇ જેવું કે કઠિન ન લાગતાં સ્વાભાવિક ને રુચિકર લાગ્યું.

પણ હું તેમેન ત્યાં લાંબો વખત રાખી ન શક્યો. મિ. રીચે કાયદાનો અભ્યાસ વિલાયતમાં પૂરો કરવાનો નિશ્ચય કર્યો. એકલે હાથે મારાથી આખી ઓફિસનો બોજો ઊંચકી શકાય તેમ નહોતું. તેથી મેં પોલાકને ઓફિસમાં રહેવાનું ને વકીલ થવાનું સૂચવ્યું. મારા મનમાં એમ હતું કે તેમના વકીલ થયા પછી છેવટે અમે બન્ને ફિનિક્સમાં જ પહોંચી જઇશું.

આ બધી કલ્પનાઓ ખોટી પડી. પણ પોલાકના સ્વભાવમાં એક પ્રકારની એવી સરળતા હતી કે જેની ઉપર તેમનો વિશ્વાસ બેસે તેની સાથે દલીલ ન કરતાં તેના અભિપ્રાયને અનુકૂળ થવાનો તે પ્રયત્ન કરે. પોલાકે મને લખ્યું: 'મને તો આ જીવન જ ગમે છે. હું અહીં સુખી છું. અને આ સંસ્થાને આપણે ખીલવી શકીશું. પણ જો તમે એમ માનો કે મારા ત્યાં આવવાથી આપણા આદર્શો વેલા સફળ થશે તો હું આવવા તૈયાર છું.' મેં આ કાગળ વધાવી લીધો. પોલાક ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યા ને મારી ઓફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા.

આ જ સયમાં એક સ્કોચ થિયોસોફિસ્ટ, જેને હું કાયદાની પરીક્ષાને સારુ તૈયાર થવામાં મદદ કરતો હતો, તેને પણ મેં પોલાકનું અનુકરણ કરવા નિમંત્રણ આપ્યું ને તે જોડાયો. અને જો ઇશ્વરી સંકેત જુદો જ ન હોત તો સાદા જીવનને બહાને પાથરેલી મોહજાળમાં હું પોતે જ ફસાઇ જાત.

અમારી કોઇની પણ ધારણા બહાર મારી તેમ જ મારા આદર્શની રક્ષા કેવી રીતે થઇ એ બનાવને પહોંચતાં પહેલાં કેટલાંક પ્રકરણો જશે.


  1. અહીં 'જોહાનિસબર્ગથી'ને બદલે 'જોહાનિસબર્ગ' જોઇએ. અત્યાર સુધીની ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવી છે. પહેલેથી અંગ્રેજી તરજુમામાં એ શ્રી મહાદેવભાઈએ સુધારી લીધી હતી.