સત્યના પ્રયોગો અથવા આત્મકથા


સત્યના પ્રયોગો અથવા આત્મકથા
સત્યના પ્રયોગો અથવા આત્મકથા



સત્યના પ્રયોગો અથવા આત્મકથા




મોહનદાસ કરમચંદ ગાંધી







NAVAJIVAN • 1919-2019

પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલ્સકૅપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો નવજીવનને સારુ જ લખી શકાય. મારે નવજીવન સારુ કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં ? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેના વાક્યો સંભળાવ્યાં :

“તમે આત્મકથા શું કામ લખવાના છો ? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઈએ લખી જાણી નથી. અને શું લખશો ? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો ? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો ? તમારાં લખાણને ઘણાં મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો ? તેથી સાવધાન રહી હાલ તુરત

આત્મકથા જેવું કાંઈ ન લખો તો ઠીક નહીં ?”

આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઈ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું, – અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ

એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થ ભાવે, નિરભિમાનપણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારુ કંઈક સામગ્રી મળે.

આ પ્રયોગોને વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈ પણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.

જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના ઉપર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ‘સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ–વાચાનું–સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ

અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણ વાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું. અને એ શોધરૂપ યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની–ઈશ્વરની–ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે નવજીવન ઈત્યાદિના વાંચનાર જાણી ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે સાથે કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ-વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનાં નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય

થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે તો હું અવશ્ય કહું કે,

मो सम कौन कुटिल खल कामी ?
जिन तनु दियो ताहि बिसरायो
ऐसो निमकहरामी ।

કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનાર ગણું છું તેનાથી હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે.

આશ્રમ, સાબરમતી
માગશર શુ. ૧૧, ૧૯૮૨
મોહનદાસ કરમચંદ ગાંધી
 



અનુક્રમણિકા
પ્રસ્તાવના . . . . . . . . . . ३

આત્મકથા: ભાગ ૧

૧. જન્મ
૨. બચપણ
૩. બાળવિવાહ
ધણીપણું
૫. હાઈસ્કૂલમાં ૧૧
૬. દુઃખદ પ્રસંગ—૧ ૧૬
૭. દુઃખદ પ્રસંગ—૨ ૧૯
૮. * ચોરી અને પ્રાયશ્ચિત ૨૩
૯. પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી ૨૬
૧૦. ધર્મની ઝાંખી ૨૯
૧૧. વિલાયતની તૈયારી ૩૨
૧૨. નાતબહાર ૩૭
૧૩. આખરે વિલાયતમાં ૩૯

૧૪. મારી પસંદગી ૪૩
૧૫. ‘સભ્ય’ વેશે ૪૬
૧૬. ફેરફારો ૪૯
૧૭. ખોરાકના પ્રયોગો ૫૨
૧૮. શરમાળપણું—મારી ઢાલ ૫૬
૧૯. અસત્યરૂપી ઝેર ૬૦
૨૦ ધાર્મિક પરિચયો ૬૪
૨૧. निर्बल के बल राम ૬૭
૨૨. નારાયણ હેમચંદ્ર ૭૦
૨૩. મહાપ્રદર્શન ૭૪
૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી? ૭૫
૨૫. મારી મૂંઝવણ ૭૮

આત્મકથા: ભાગ ૨

૧. રાયચંદભાઈ ૮૧
૨. સંસારપ્રવેશ ૮૪
૩. પહેલો કેસ ૮૭
પહેલો આઘાત ૯૦
૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી ૯૩
૬. નાતાલ પહોંચ્યો ૯૬
૭. અનુભવોની વાનગી ૯૯
૮. પ્રિટોરિયા જતાં ૧૦૨
૯. વધુ હાડમારી ૧૦૬
૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ ૧૧૧
૧૧. ખ્રિસ્તી સંબંધો ૧૧૫
૧૨. હિંદીઓનો પરિચય ૧૧૧૮
૧૩. કુલીપણાનો અનુભવ ૧૨૧
૧૪. કેસની તૈયારી ૧૨૪
૧૫. ધાર્મિક મંથન ૧૨૭

૧૬. को जाने कल की? ૧૩૦
૧૭. રહ્યો ૧૩૩
૧૮. કાળો કાંઠલો ૧૩૭
૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ ૧૪૦
૨૦ બાલાસુંદરમ ૧૪૩
૨૧. ત્રણ પાઉંડનો કર ૧૪૬
૨૨. ધર્મનિરીક્ષણ ૧૪૯
૨૩. ઘરકારભાર ૧૫૨
૨૪. દેશ ભણી ૧૫૫
૨૫. હિંદુસ્તાનમાં ૧૫૮
૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા ૧૬૧
૨૭. મુંબઈમાં સભા ૧૬૪
૨૮. પૂનામાં ૧૬૭
૨૯. ‘જલદી પાછા ફરો' ૧૭૦

આત્મકથા: ભાગ ૩

૧. ૧. તોફાનના ભણકારા ૧૭૩
૨. ૨. તોફાન ૧૭૫
૩. ૩. કસોટી ૧૭૮
૪. શાંતિ ૧૮૩
૫. ૫. બાળકેળવણી ૧૮૬
૬. ૬. સેવાવૃત્તિ ૧૮૯
૭. ૭. બ્રહ્મચર્ય—૧ ૧૯૧
૮. ૮. બ્રહ્મચર્ય—૨ ૧૯૪
૯. ૯. સાદાઈ ૧૯૮
૧૦. ૧૦. બોઅર યુદ્ધ ૨૦૧
૧૧. ૧૧. શહેરસુધરાઈ-દુકાળફાળો ૨૦૩
૧૨. ૧૨. દેશગમન ૨૦૫

૧૩. ૧૩. દેશમાં ૨૦૮
૧૪. ૧૪. કારકુન અને ’બેરા’ ૨૧૧
૧૫. ૧૫. મહાસભામાં ૨૧૩
૧૬. ૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર ૨૧૫
૧૭. ૧૭. ગોખલે સાથે એક માસ—૧ ૨૧૭
૧૮. ૧૮. ગોખલે સાથે એક માસ—૨ ૨૨૦
૧૯. ૧૯. ગોખલે સાથે એક માસ—૩ ૨૨૨
૨૦ ૨૦. કાશીમાં ૨૨૫
૨૧. ૨૧. મુંબઈમાં સ્થિર થયો? ૨૨૯
૨૨. ૨૨. ધર્મસંકટ ૨૩૧
૨૩. ૨૩. પાછો દક્ષિણ આફ્રિકા ૨૩૪

આત્મકથા: ભાગ ૪

૧.

૧. કરી કમાણી એળે ગઈ?

૨૩૭
૨. ૨. એશિયાઈ નવાબશાહી ૨૩૯
૩. ૩. કડવો ઘૂંટડો પીધો ૨૪૧
૪. વધતી જતી ત્યાગવૃત્તિ ૨૪૩
૫. ૫. નિરીક્ષણનું પરિણામ ૨૪૬
૬. ૬. નિરામિષાહારને બલિદાન ૨૪૮
૭. ૭. માટી અને પાણીના પ્રયોગ ૨૫૦
૮. ૮. એક સાવચેતી ૨૫૨
૯. ૯. બળિયા સાથે બાથ ૨૫૫
૧૦. ૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત ૨૫૭
૧૧. ૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો ૨૬૦
૧૨. ૧૨. અંગ્રેજી પરિચયો ૨૬૩
૧૩. ૧૩. ’ઇંડિયન ઓપીનિયન’ ૨૬૬
૧૪. ૧૪. ’કુલી લોકેશન’ એટલે ઢેડવાડો ? ૨૬૯
૧૫. ૧૫. મરકી—૧ ૨૭૨
૧૬. ૧૬. મરકી—૨ ૨૭૪
૧૭. ૧૭. લોકેશનની હોળી ૨૭૭

૧૮. ૧૮. એક પુસ્તકની જાદુઈ અસર ૨૭૯
૧૯. ૧૯. ફિનિક્સની સ્થાપના ૨૮૧
૨૦ ૨૦. પહેલી રાત ૨૮૪
૨૧. ૨૧. પોલાકે ઝંપલાવ્યું ૨૮૬
૨૨. ૨૨. ’જેને રામ રાખે’ ૨૮૯
૨૩. ૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી ૨૯૨
૨૪. ૨૪. ઝૂલુ ’બળવો’ ૨૯૫
૨૫. ૨૫. હૃદયમંથન ૨૯૮
૨૬. ૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ ૩૦૧
૨૭. ૨૭. ખોરાકના વધુ પ્રયોગો ૩૦૨
૨૮. ૨૮. પત્નીની દૃઢતા ૩૦૪
૨૯. ૨૯. ઘરમાં સત્યાગ્રહ ૩૦૮
૩૦. ૩૦. સંયમ પ્રતિ ૩૧૧
૩૧. ૩૧. ઉપવાસ ૩૧૩
૩૨. ૩૨. મહેતાજી ૩૧૫
૩૩. ૩૩. અક્ષરકેળવણી ૩૧૮
૩૪. ૩૪. આત્મિક કેળવણી ૩૨૦

આત્મકથા: ભાગ ૩

૩૫. સારાનરસાનું મિશ્રણ ૩૨૨
૩૬. પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ ૩૨૪
૩૭. ગોખલેને મળવા ૩૨૬
૩૮. લડાઈમાં ભાગ ૩૨૮
૩૯. ધર્મનો કોયડો ૩૩૦
૪૦. સત્યાગ્રહનું છમકલું ૩૩૩
૪૧. ગોખલેની ઉદારતા ૩૩૬

૪૨. દર્દને સારુ શું કર્યું ? ૩૩૮
૪૩. રવાના ૩૪૦
૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો ૩૪૨
૪૫. ચાલાકી ? ૩૪૪
૪૬. અસીલો સાથી થયા ૩૪૬
૪૭. અસીલ જેલમાંથી કેમ બચ્યો ? ૩૪૮

આત્મકથા: ભાગ ૫

૧. પહેલો અનુભવ ૩૫૧
૨. ગોખલેની સાથે પૂનામાં ૩૫૩
૩. ધમકી એટલે ? ૩૫૫
શાંતિનિકેતન ૩૫૮
૫. ત્રીજા વર્ગની વિટંબણા ૩૬૧
૬. મારો પ્રયત્ન ૩૬૩
૭. કુંભ ૩૬૫
૮. લક્ષ્મણ ઝૂલા ૩૬૯
૯. આશ્રમની સ્થાપના ૩૭૨
૧૦. કસોટીએ ચડ્યા ૩૭૪
૧૧. ગિરમીટની પ્રથા ૩૭૭
૧૨. ગળીનો ડાઘ ૩૮૧
૧૩. બિહારી સરળતા ૩૮૩
૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ? ૩૮૬
૧૫. કેસ ખેંચાયો ૩૯૮૯
૧૬. કાર્યપદ્ધતિ ૩૯૨
૧૭. સાથીઓ ૩૯૫
૧૮. ગ્રામપ્રવેશ ૩૯૭
૧૯. ઊજળું પાસું ૩૯૯
૨૦ મજૂરોનો સંબંધ ૪૦૧
૨૧. આશ્રમની ઝાંખી ૪૦૩
૨૨. ઉપવાસ ૪૦૫
૨૩. ખેડામાં સત્યાગ્રહ ૪૦૯

૨૪. ‘ડુંગળીચોર’ ૪૧૧
૨૫. ખેડાની લડતનો અંત ૪૧૩
૨૬. ઐક્યની ઝંખના ૪૧૪
૨૭. રંગરૂટની ભરતી ૪૧૭
૨૮. મરણપથારીએ ૪૨૩
૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ ૪૨૭
૩૦. એ અદ્‌ભુત દૃશ્ય ! ૪૩૦
૩૧. એ સપ્તાહ !—૧ ૪૩૨
૩૨. એ સપ્તાહ !—૨ ૪૩૭
૩૩. ‘પહાડ જેવડી ભૂલ’ ૪૪૦
૩૪. ‘નવજીવન’ ને ‘યંગ ઈંડિયા’ ૪૪૨
૩૫. પંજાબમાં ૪૪૫
૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ? ૪૪૮
૩૭. અમૃતસરની મહાસભા ૪૫૨
૩૮. મહાસભામાં પ્રવેશ ૪૫૫
૩૯. ખાદીનો જન્મ ૪૫૭
૪૦. મળ્યો ૪૫૯
૪૧. એક સંવાદ ૪૬૧
૪૨. અસહકારનો પ્રવાહ ૪૬૪
૪૩. નાગપુરમાં ૪૬૭
. પૂર્ણાહુતિ ૪૬૯
. સૂચિ ૪૭૧

સત્યના પ્રયોગો અથવા આત્મકથા
મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીજી)

૧૯૨૭ની આવૃત્તિનાં પુન:મુદ્રણ (૨૦૧૦)નો ISBN: 81-7229-042-X


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.